ગુજરાતમાં દરિયો જોવો હોય તો સામાન્ય રીતે લોકો દીવ, સોમનાથ કે દ્વારકાના શિવરાજપુર બીચ જતા હોય છે પરંતુ જો તમે અમદાવાદથી દ્વારકા જતા હોવ તો રસ્તામાં જામનગર આવશે. દરિયા કાંઠે વસેલા જામનગરમાં પક્ષી અભ્યારણથી લઇને દરિયાઇ જીવ સૃષ્ટી જોઇ શકાય છે. અહીંના પીરોટન ટાપુ પર તમે ડુબકી માર્યા વગર દરિયાઇ સૃષ્ટી(Sea life)નજીકથી જોવાનો લ્હાવો મળી શકે છે. એટલું જ નહીં વિશ્વમાં પીરોટન ટાપુ એક માત્ર એવી જગ્યા છે જ્યાં પરવાળાની શ્રૃંખલા ડુબકી માર્યા વગર પગેથી ચાલીને જોઇ શકાય છે. કહેવાય છે કે આ ટાપુ ખુબ જ જુનો હોવાને કારણે પુરાતન નામ પરથી આ ટાપુનું નામ પીરોટન પડ્યું છે.
પીરોટન પર શું શું જોવા મળી શકે ?
દરિયાઇ અજાયબીઓથી ભરપૂર આ ટાપુ પર પ્રવાસીઓને ક્રિકની બંને બાજુ ચેરના ગાઢ જંગલો જોવા મળશે, જો પ્રવાસીઓ ભાગ્યશાળી હોય તો બોટ સાથે રેસ લગાવતી રમતીયાળ ડોલ્ફીન પણ જોવા મળી શકે છે. આ સિવાય 108 જાતની બદામી લીલા તથા લાલ રંગની દરિયાઇ શેવાળ, 80થી વધુ જાતની દરિયાઇ વાદળીઓ, 37થી વધુ જાતના સખત અને નરમ વૈવિધ્યપૂર્ણ પરવાળાઓ. 27 જાનના જીંગા, 200થી વધુ જાતના મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, 150થી 200 જાતનાી નયનરમ્ય માછલીઓ, 3 જાતના અલભ્ય દરિયાઇ કાચબાઓ. 3 જાતના દરિયાઇ સાપ, 94થી વધુ જાતના પાણીના પક્ષીઓ. 78થી વધુ જાતના જમીન પરના પક્ષીઓય 3 જાતના સસ્તન પ્રાણીઓ.
પીરોટન ટાપુની દીવાદાંડી ખાતે કામ કરતા કામદારોને બાદ કરતા આ ટાપુઓ નિર્જન છે તો તમારી આસપાસના વિશાળ વિશ્વમાં ખોવાઇ જવાની તકને ઝડપી લઈને થોડી જાણકારી મેળવીને તમે પણ ઓછી ભરતીના પાણીમાં હરતાં ફરતાં, પાણી ઓછું થવાને કારણે જોઇ શકાતાં આકર્ષક સામૂદ્રિક જીવનને માણતા કલાકો ગાળી શકો છો. જો કે જેલીફીશ જેવા કેટલાક જીવોથી દૂર રહેવુ હિતાવહ છે. ઉઘાન અધિકારીઓને પૂછીને એ ખાતરી કરી લો કે બીજા કયા જીવો પ્રતિબંધિત છે પણ નુકશાનકારી ન હોય તેવા જીવોના સ્પર્થનો લ્હાવો લેવાનું ચૂકશો નહીં..
કેવી રીતે પહોંચશો આ ટાપુ પર ?
ભારતમાં જે ચાર પરવાળાની શ્રૃંખલાઓનો વિસ્તાર આવેલો છે તે પૈકી એક પરવાળાની શ્રૃંખલા ગુજરાતના કચ્છના અખાતમાં આવેલી છે. જેમાં જામનગરમાં આવેલો પીરોટન ટાપુ કચ્છના અખાતમાં આવેલા 42 ટાપુ પૈકીનો એક ટાપુ છે. ટાપુનો કુલ વિસ્તાર 1111.60 હેક્ટર ઓટના સમયે હોય છે અને ભરતી સમયે 300.54 હેક્ટર વિસ્તાર ખુલ્લો રહે છે. આ ટાપુ બેડી બંદરથી અંદાજે 22 નોટિકલ માઇલ દૂર આવેલ છે. આ ટાપુની મુલાકાતે જવા માટે જામનગરમાં આવેલી વન સંરક્ષકની મંજુરી લેવી જરૂરી છે. સિક્કા, રોઝીબંદર, નવાબંદર, બેડીબંદરતી યાંત્રિક બોટ દ્વારા પીરોટન ટાપુ પર જઇ શકાય છે. પરંતુ બેડીબંદર અથવા નવાબંદરથી પીરોટન જવા માટે જળમાર્ગ વધુ સુગમ રહે છે. અહીં જવા માટે તિથિ મુજબ પાંચમથી દસમ સુધીનો સમય વધુ અનુકુળ રહે છે.
પ્રવાસીઓએ પ્રાથમિક જરૂરી વસ્તુ સાથે લઇને આવવી
યાંત્રિક બોટમાં અંદાજે સારા હવામાન મુજબ દોઢ કલાક જેવો સમય પીરોટન પહોંચવામાં લાગે છે. આ ટાપુ નૈસર્ગિક અવસ્થામાં જ છે જેથી ત્યાં કોઇ ભૌતિક સુવિધાઓ વિક્સાવવામાં આવી નથી. જેથી દરેક પ્રવાસીએ પીવાના પાણીથી લઇને તમામ પ્રાથમિક વસ્તુઓ સાથે લઇ જવી પડશે. પીરોટન ટાપુ સુધી જવા-આવવા માટે પ્રવાસીએ સ્વખર્ચે ખાનગી બોટ ભાડે મેળવવાની રહેશે. ટાપુની મુલાકાત જવા માટે પ્રવાસીએ સરકારે નિયત કરેલી ફી ભરવાની રહે છે.
પીરોટન ટાપુ પર આટલી વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે
આ ટાપુ પર મુલાકાત અર્થે આવતા પ્રવાસીઓએ હન્ટર શૂઝ, ટોર્ચ, પુરુષો માટે હાફ પેન્ટ, સ્ત્રીઓ માટે પંજાબી ડ્રેસ અનુકુળતા માટે સાથે લઇ જવા. આ ટાપુ હરવા-ફરવા માટેનું સ્થળ નથી, પરંતુ અભ્યાસ ક્ષેત્ર છે માટે તે મુજબ જ અહીં વર્તન કરવાનું રહેશે. બોટમાં જતા પહેલા અગાઉથી જ બોટમેન પાસેથી ભરતીનો સમય જાણી લેવો. દરિયાઇ જીવસૃષ્ટિ જોવા માટે 12 કલાક જેટલું રોકાણ કરવું પડે છે માટે તે મુજબ તૈયારી કરીને આવવું. ટાપુ પર ટેપ કે અન્ય અવાજ કરે તેવા ઉપકરણો લઇ જવા નહીં. રાષ્ટ્રીય ઉદ્યાનની આ દરિયાઇ જીવસૃષ્ટિને નુકસાન ન પહોંચે તે હેતુથી અહીં મુલાકાતીઓની સંખ્યાને નિયત કરવામાં આવી છે. દિવસભર નિયત સંખ્યા મુજબ જ મુલાકાતીઓને અહીં પરવાનગી આપવામાં આવે છે.
ખાસ નોંધ- અહીં જવા માટે ગાઇડ કે દરિયાઇ ઉદ્યાનના કોઇ કર્મચારીનું સાથે હોવું હિતાવહ છે. આ દરિયાઇ ટાપુમાં ઝેરી જીવો પણ હોવાથી જાણકાર દ્વારા સૂચના મળ્યા બાદ જે-તે જીવને સ્પર્શ કરવો હિતાવહ રહેશે. આ સાથે અહીં ખડકાળ જમીન અને જીવો કરડે નહીં તે માટે શૂઝ પહેરીને જવું પણ જરૃરી છે.
નરારા ટાપુ
ભાગ્યે જ કોઇ એવી વ્યકિત હશે, જેને રોમાંચક દરિયાઇ જીવસૃષ્ટિ આકર્ષતી ન હોય. તમને પણ જીવતા ઓકટોપસ, પફર ફીશ કે જેલી ફીશ હાથમાં લઇને જોવાની-રમાડવાની ઇચ્છા હોય તો ગુજરાતમાં નરારા ટાપુનો બીજો કોઇ વિકલ્પ નથી. જામનગરથી 63 કિલોમીટર દુર આવેલો નરારા દેશનો સૌપ્રથમ દરિયાઇ રક્ષિત વિસ્તાર છે. પરવાળા સહિતની દરિયાઇ જીવસૃષ્ટિથી સમૃધ્ધ નરારા વિસ્તારમાં સમુદ્રમાં ઓટના સમયે ઓકટોપસ, સમુદ્ર ફુલ, જેલીફીશ, કરચલાં, પફર ફીશ, તારા માછલી, સાગર ગોટા, દરિયાઇ ગોકળ ગાય સહિતના રંગીન જીવો નિહાળી શકાય છે. અહિં દરિયાઇ ઘાસના વિસ્તારો પણ ફેલાયેલા છે, જેમાં ફેલોફીલા ઓવાલીછસ અને હેલોડયુલ યુનિવર્સિસ એમ બે જાતિના દરિયાઇ ઘાસ છે.
સમુદ્રના ખારાશયુકત અને કિચડિયા કિનારે ઉગી શકતી એર વનસ્પતિ કિનારાનું ધોવાણ અટકાવે છે. આવા ચેર પણ અહીંયા 6 પ્રકારના જોવા મળે છે, જેમાંથી એવીસીનીયા ઓફિસીનાલીસ, એવીસીનીયા આલ્બા અને એજીસિરસ કોર્નિકયુલેટમ તો બહુ જૂજ હોવાથી નરારામાં એ જોવાનો અનુભવ અવિસ્મરણિય રહે છે.
જામનગર શહેરથી કેવી રીતે પહોંચશો નરારા ટાપુ ?
નરારા રીફ જામનગરથી અંદાજીત 63 કિલોમિટર દુર છે, જામનગરથી દ્રારકા હાઇવે પર આવેલા ઝાખરના પાટિયાથી ઝાખર, સિંગચ અને વાડીનાર થઇને અહિં પહોંચી શકાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો