વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડનારી આ હાઇસ્પિડ રેલ ટ્રેન કલાકના 320 કિલોમીટરની ઝડપે દોડશે. જેથી મુંબઈ-અમદાવાદનું અંતર આ ટ્રેન 3 કલાકમાં પૂર્ણ કરશે. ગયા મહિને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. તો સુરતના સાંસદ દર્શના જરદોશે પણ સૂરતમાં આકાર લઈ રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે સૂરત બુલેટ ટ્રેન સ્ટેશનની ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનો એક ફોટો શેર કર્યો હતો.
કુલ 12 સ્ટેશન
દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈની વચ્ચે શરૂ થશે. જે કુલ 12 સ્ટેશનને આવરી લેશે. આ સ્ટેશનમાં સૂરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, બિલીમોરા, ભરુચ, મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી જેવા સ્ટેશન સામેલ છે. આ પૈકી ગુજરાતનું સૂરત સ્ટેશન બુલેટ ટ્રેન માટે દેશનું પહેલુ સ્ટેશન બનશે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે 508 કિમી અને 12 સ્ટેશનને કવર કરશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે 12 સ્ટેશનને કવર કરતાં આ બુલેટ ટ્રેન અન્ય ટ્રેનોની સરખામણી 2.58 કલાકમાં આ સફર પૂરી કરશે એમ માનવામાં આવી રહ્યું છે. આ બુલેટ ટ્રેન, પોતાની ખાસ ટેકનોલોજી અને સુરક્ષિત સુવિધાઓ માટે જાણીતી જાપાનીઝ કંપની શિંકાનસેન ટેકનોલોજી દ્વારા સંચાલિત કરવામાં આવશે.
કામગીરી પૂરજોશમાં
ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન(Bullet Train) પ્રોજેક્ટનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટ અન્વયે કુલ 352 કિલોમીટર એટલે કે 98 % જમીન સંપાદન કાર્ય પૂરું થયું છે. આવી સંપાદિત જમીન પર 343 કિલોમીટરમાં સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના લીધે હવે બુલેટ ટ્રેન પ્રોજેકટના કામમાં ઝડપ આવશે. જેમાં ગુજરાતમાં 737 હેક્ટર જમીન સંપાદન માટે 5707 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. તેમજ હાલ રાજ્યમાં વડોદરાથી લઇને વાપી સુધી અલગ અલગ જિલ્લાઓમાંમાં બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કૉર્પોરેશનના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બુલેટ ટ્રેન માટેની મોટાભાગની જમીનનું સંપાદન થઈ ગયું છે. તેમજ વડોદરાથી મહારાષ્ટ્રની બોર્ડર સુધી કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
અત્યાર સુધી 14 હજાર કરોડનો ખર્ચ
તાજેતરમાં જ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પેકેજ ટી- 2 હેઠળ વડોદરાથી મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર આવેલા ઝરોલી ગામના 237 કિલોમીટરના ટ્રેક સંબંધિત કામોની ડિઝાઇન, સપ્લાય અને બાંધકામ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ફેબ્રુઆરીમાં સુરતના વક્તાણા ખાતે ચાલી રહેલા હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહત્વનું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધી 14 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
8 જિલ્લાનો સમાવેશ
ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બુલેટ ટ્રેન માટે કોરિડોર નિર્માણનું કામ પ્રગતિમાં છે. જે પૈકી નવસારી અને વલસાડ જિલ્લામાં એલિવેટેડ કોરિડોર માટે થાંભલાનું બાંધકામ, સુરત સ્ટેશન અને સાબરમતી ટર્મિનલ હબનું નિર્માણ તેમજ નર્મદા અને મહી નદી પર બ્રીજનું બાંધકામ સામેલ છે. ગુજરાત રાજ્ય જમીન અને બાંધકામમાં 72 હજાર કરોડનું રોકાણ કરશે.મહત્વનું છે કે અમદાવાદથી મુંબઇને જોડતી બુલેટ ટ્રેનના રૂટમાં 8 જિલ્લાને આવરી લેવાશે.
દર મહિને 50 પીલર બનશે
અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન બનવા જઈ રહી છે. પ્રોજેક્ટ માટે દર મહિને 50 પીલર બનાવવાની કામગીરી હાથ ધરાશે.
નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ
દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડવાની છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ છે. PM મોદીએ 2017ના વર્ષમાં જાપાનના તત્કાલીન PM સાથે આ પ્રોજેક્ટ માટેના કરાર કર્યા હતા. મુંબઈ અમદાવાદના 508.17 KM લાંબા આ પ્રોજેક્ટમાં 155. 76 KMનું અંતર મહારાષ્ટ્રમાં, 348.04 KMનું અંતર ગુજરાતમાં અને 4.3 KMનું અંતર દાદરા અને નગર હવેલીમાં હશે. ઓગસ્ટ 2022 સુધીમાં ટ્રાયલ રન થઇ શકે એ માટે ઝડપી કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્ર સરકાર આયોજનમાં જોતરાયું છે.
જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીનું 81% રોકાણ
આ પ્રોજેક્ટ 1.08 લાખ કરોડના ખર્ચે હાથ ધરવમાં આવ્યો છે. જેમાં જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી 81% રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે. અમદાવાદથી વાપી સુધી L&T દ્વારા કામ હાથ ધરવામાં આવશે. જયારે વાપીથી બાંદ્રા વચ્ચે ટાટા ગ્રુપને કામગીરી સોંપવામાં આવી છે. આ બુલેટ ટ્રેન 10 ડબ્બા અને 750 યાત્રીઓની ક્ષમતા સાથે શરુ કરવામાં આવશે. જેમાં સંપૂર્ણ પ્રોજેક્ટના 81% ભંડોળ જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી 0.01%ના દરે મેળવવાનો સોદો કરવામાં આવ્યો છે. ભારત દ્વારા જાપાનને લોન પાછી વાળવાની શરૂઆત 15 વર્ષ પછી કરવામાં આવશે.
દેશના આ 7 રૂટ પર પણ દોડશે બુલેટ ટ્રેન
ફેબ્રુઆરીમાં સંસદમાં રેલવેપ્રધાન અશ્ર્વીની વૈષ્ણવે એક પ્રશ્ર્નના લેખિત જવાબમાં માહિતી જાહેર કરી હતી. ભારતમાં હાલ એકમાત્ર અમદાવાદ-મુંબઇ રુટ પર જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મંજુર થયેલો છે. જાપાનની ટેકનીકલ અને નાણાંકીય સહાય સાથે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર કુલ સાત રુટ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાથ ધરવા વિચારણા કરી રહી છે તેમાં દિલ્હી, વારાણસી, દિલ્હી-અમૃતસર, દિલ્હી-અમદાવાદ, મુંબઇ-નાગપુર, મુંબઈ-હૈદરાબાદ, ચેન્નઇ-બેંગ્લોર, માયસોર તથા વારાણસી-હાવડા રુટનો સમાવેશ થાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો