સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે.
સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. જે લોકોને આબુ દુર લાગતું હોય તેઓ સાપુતારા જવાનું વધારે પસંદ કરતા હોય છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લોકોનો વિકેન્ડ અડ્ડો સાપુતારા જ હોય છે. સાપુતારામાં છેલ્લા કેટલાક વર્ષોથી પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી થાય છે જે અહીં આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
પેરાગ્લાઇડિંગનો ટાઇમિંગ અને ચાર્જ
સાપુતારમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પેરાગ્લાઇડિંગ કરી શકાય છે. અહીં એક વ્યક્તિનો ચાર્જ 2000 રૂપિયા છે જેમાં 5 થી 8 મિનિટ સુધી પેરાગ્લાઇડિંગ કરાવવામાં આવે છે.
સાપુતારમાં જોવાલાયક સ્થળો
સાપુતારામાં વધઇ અને મહાલનું ડીપ ફોરેસ્ટ, ગીરા અને ગીરમાલનો ધોધ, સાપુતારા લેક અને ગાર્ડન, પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, શબરીધામ તેમજ પાંડવ ગુફા, વાસંદાનો નેચરપાર્ક, નાગેશ્ચર મહાદેવનું મંદિર, ઇકો પોઇન્ટ અને રોપ વે, ફોર્ટ તેમજ આટિર્સ્ટ વિલેજ, વેલી વ્યુ પોઇન્ટ જેવા જોવાલાયક સ્થળો છે.
સાપુતારાનું હવામાન એકદમ ખુશ્નુમા છે અને હંમેશા રહે છે. સાપુતારામાં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે.
ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં સાપ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગામડાઓમાં વસતા લોકો પ્રસંગોપાત સાપની પુજા કરે છે. સ્વયંભૂ અંકિત થયેલી સર્પની આકૃતિની પૂજા-અર્ચના કરીને અહીંનો સમાજ હોળી તથા અન્ય બધા જ પર્વોની ઉજવણી કરે છે. હોળીના સમયે ત્યાંના આદિવાસીઓનું નૃત્ય માણવાલાયક હોય છે. કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સુર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્ભૂત દ્રશ્ય જોવા મળે છે.
ગિરા ધોધ
સાપુતારામાં સરોવરોની સાથે બીજા અનેક જોવાલાયક સ્થળો છે. તેમ તેની આસપાસ ૫૦ થી ૧૦૦ કિ.મી.ના અંતરે ગીરીમલ ધોધ, ડાંગ દરબાર, હાથગઢ કિલ્લો, સપ્તશ્રૃંગી દેવી મંદિર અને શબરીધામ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.
સાપુતારાની નજીક વઘઈ ગામ પાસે ગિરા ધોધ આવેલો છે. ગીરા ધોધ (Gira waterfall) વઘઈથી માત્ર 4 કિ.મી. જ દૂર છે. વઘઈથી સાપુતારા જવાને રસ્તે 2 કિ.મી. જેટલું ગયા પછી, સાઈડમાં ધોધ તરફ જવાનો રસ્તો પડે છે. આ સાઈડના રસ્તે બીજા 2 કિ.મી. જાવ એટલે અંબિકા નદીના કિનારે પહોંચી જવાય. કિનારેથી જ ધોધનાં દર્શન થાય છે. ધોધ પડ્યા પછી નદી વળાંક લે છે. કિનારેથી નદીની રેતીમાં ઉતરીને, ખડકાળ પથ્થરોમાં પાંચેક મિનીટ જેટલું ચાલીને ધોધની બિલકુલ સામે પહોંચાય છે. અહીં ખડકો પર જ ઊભા રહીને ધોધ જોવાનો અને ધોધનો કર્ણપ્રિય અવાજ સંભાળવાનો. ધોધના ફોટા પાડવા માટે આ સરસ જગા છે. પાણીમાં ઉતરાય એવું છે નહિ. જો ઉતરો તો ડૂબી જવાય કે નદીમાં ખેંચાઈ જવાય. જો કે ઉનાળામાં તમને આ ધોધ જોવા નહીં મળે. આ ધોધની સુંદરતા માણવા માટે તમારે ચોમાસામાં જવું પડશે.
વઘઈની અંબિકા નદીમાં પાણીનો વધારો થાય ત્યારે આ રમણીય લાગતા ગિરા ધોધનું રૌદ્ર રૂપ જોવા મળે છે. ગુજરાતના અન્ય ધોધની માફક સિઝનમાં જ સક્રિય થતો ધોધ છે. ગિરા ધોધ વિશાળતાની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો ધોધ માનવામાં આવે છે. આ ધોધ લગભગ 30 મીટરની ઊંચાઇએથી પડે છે.
આ સરોવરની આસપાસ પગપાળા રખડ્ડપટ્ટી કરવાનો આનંદ અનેરો છે. સરોવરની આસપાસ પગપાળા ભમવાનો આનંદ સ્વર્ગ સમાન છે એ રીતે પર્વતારોહીઓ માટે આ પ્રદેશ પણ ખાસ્સો એવો પ્રખ્યાત છે. હાથગઢનો કિલ્લો, પાંડવ ગુફાઓ તથા રજત પ્રતાપથી લઇને ત્રિધારા સુધીના વિસ્તારો પર્વતારોહીઓ માટે શ્રેષ્ઠ છે.
ડાંગ જિલ્લામાં ગીચ જંગલ વિસ્તાર છે. પ્રાચીનકાળમાં આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. રામાયણમાં શ્રીરામના ૧૪ વર્ષના વનવાસ કાળનો ઉલ્લેખ છે. આ ૧૪ વર્ષના વનવાસ કાળમાંથી શ્રીરામે સીતા અને લક્ષ્મણ સાથે ૧૧ વર્ષ આ જંગલમાં વિતાવેલા છે. આ ગીચ જંગલ વિસ્તાર સીતાવન તરીકે ઓળખાય છે. જેમ રામાયણકાળમાં શ્રી રામે દંડકારણ્યમાં વનવાસ કર્યો હતો તેમ દ્વાપરયુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ વનપ્રદેશમાં આવેલી ગુફાઓમાં વસવાટ કરેલો હતો. આ ગુફાઓ પાંડવ ગુફા તરીકે ઓળખાય છે.
સાપુતારા કેટલું દુર
સાપુતારા અમદાવાદથી ૪૨૦, ભાવનગરથી ૫૮૯, રાજકોટથી ૬૦૩, સુરતથી ૧૭૨, નાસિકથી ૮૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
ડોન હિલ
આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ અને તેનાથી 10 ગણો વિસ્તાર ધરાવે છે. સહ્યાદ્રિ પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણાં બધુ જ ધરાવે છે. એટલે પ્રકૃતિની મોજ માણવા ડોન હિલ સ્ટેશને એક ઉત્તમ વિકલ્પ છે. ગુજરાતના પ્રખ્યાત હિલ-સ્ટેશન સાપુતારાની જેમ ડોનની પણ 1000 મીટરની ઊંચાઇ છે. સાથોસાથ આને એક ઐતિહાસિક સ્થળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ જોડાયેલી છે.આ સ્થળને ટ્રેકિંગ માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે અને એજ કારણ છેકે અહી પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો