તમે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત પંચમહોત્સવ 2022 વિશે જાણ્યું કે નહિ?

Tripoto

ભારતીય પ્રવાસન મંત્રાલય છેલ્લા કેટલાય વર્ષોથી દેશની પરંપરા અને સંસ્કૃતિ વિશે એક રંગબેરંગી ઉજવણી કરવા તેમજ અન્ય લોકોને માહિતગાર કરવાના હેતુથી દેશના વિવિધ રાજયોના પ્રવાસન વિભાગને અવનવા ઉત્સવોનું આયોજન કરવા પ્રોત્સાહિત કરે છે. અહીં લોકો આપણી મૂળ સંસ્કૃતિ તેમજ પરંપરાને નજીકથી જોવાનો સુવર્ણ અવસર મળે છે. દેશ વિદેશમાં પહેલેથી જ પ્રચલિત એવા પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાની સાથોસાથ એક સાચા પ્રવાસપ્રેમીએ આવા ઉત્સવોમાં પણ સામેલ થવું જોઈએ.

હાલમાં ગુજરાતમાં આવો જ એક અનેરો ઉત્સવ ચાલી રહ્યો છે તે વિશે તમે જાણો છો?

Photo of તમે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત પંચમહોત્સવ 2022 વિશે જાણ્યું કે નહિ? by Jhelum Kaushal

કોવિડના 1-2 વર્ષને બાદ કરતાં ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગુજરાત ટુરિઝમ દ્વારા એક બહુ જ અનોખા અને રસપ્રદ મહોત્સવનું આયોજન થાય છે જેનું નામ છે પંચમહોત્સવ.

પંચમહાલ જિલ્લો આમ તો ગુજરાતી લોકોના મોઢે રમતું નગર ન કહી શકાય પરંતુ તેનું સામાજિક, આર્થિક અને ધાર્મિક મહત્વ અનન્ય છે. વળી, પ્રવાસ પ્રેમી લોકો માટે તો આ ખૂબ જ મનપસંદ મુકામ હોવાનું. કારણ કે આ જીલ્લામાં છે ચોમેર પ્રાકૃતિક પહાડો વચ્ચે આવેલું પાવાગઢ નગર અને આવા જ એક પહાડ પર શોભે છે કરોડો લોકોની આસ્થાનું પ્રતિક એવું મહાકાળી મંદિર. અને એટલે જ આ વિશ્વ ધરોહર સમાન નગરને પ્રવાસન દ્વારા વિશાળ ફલક પર મૂકવાનો પ્રશંસનીય પ્રયાસ એટલે પંચમહોત્સવ.

પંચમહોત્સવ શું છે?

પંચ મહોત્સવ એ પાંચ દિવસીય ઉત્સવ છે જેનું આયોજન ગુજરાત પ્રવાસન દ્વારા પંચમહાલના ચાંપાનેર ખાતે જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી રાજ્યના અગ્રણી સ્થળોએ પ્રવાસનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે. ચાંપાનેર એ પાવાગઢને પડખે આવેલું એક ઐતિહાસિક શહેર છે જ્યાં પ્રાકૃતિક વાતાવરણ, વન્ય જીવો, ઐતિહાસિક ઇમારતો તેમજ કેટલાક આકર્ષક બાંધકામ સહિત કેટલાય આકર્ષણો છે. મુલાકાતીઓને હેરિટેજ વોક દ્વારા સ્થળના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને જાણવાની તક મળે છે. ફેસ્ટિવલ દરમિયાન પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી પર વિવિધ વર્કશોપ પણ યોજવામાં આવે છે. મુલાકાતીઓ મહાકાલી મંદિરમાં પણ આશીર્વાદ મેળવી શકે છે જે શક્તિપીઠમાંથી એક છે.

દર વર્ષે અંગ્રેજી કેલેન્ડર અનુસાર વર્ષના અંતે યોજાતા આ મહોત્સવની મુલાકાત લેવાના પુષ્કળ કારણો છે. કોઈ વ્યક્તિ તહેવારની મુલાકાત દરમિયાન વિશેષ તંબુઓમાં વૈભવી રહેવાનું પસંદ કરી શકે છે. ફેસ્ટિવલની મુલાકાત લેતા લોકો ટ્રેકિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સમાં સામેલ થઈ શકે છે અને સ્થાનિક હસ્તકલા ખરીદી શકે છે. મૂળ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતાં અનેક તંબુઓ અહીં હશે તો વળી પ્રદેશિક હસ્તકળાના અપાર નમુનાઓ સાથે સંખ્યાબંધ સ્ટોલ્સ પણ. ગુજરાતની પરંપરાગત વાનગીઓની ઉજાણી તો ખરી જ. તેથી પંચમહોત્સવની મુલાકાત લેનાર લોકો ખાલી હાથે આવશે અને ભરપૂર બેગ્સ અને મન ભરીને પાછા જશે.

Photo of તમે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત પંચમહોત્સવ 2022 વિશે જાણ્યું કે નહિ? by Jhelum Kaushal

કિંજલ દવે, ભૂમિ ત્રિવેદી, પાર્થિવ ગોહિલ, સચિન જિગર વગેરે જેવા કેટલાક પ્રખ્યાત ગુજરાતી કલાકારો છે જેમણે અત્યાર સુધીના પંચમહોત્સવમાં તેમના જાદુઈ પ્રદર્શનથી ઉત્સવના ઉમંગમાં વધારો કર્યો છે. આ વર્ષે 2022માં પણ આદિત્ય ગઢવી, હિમાલી વ્યાસ, કિંજલ દવે, પાર્થ ઓઝા વગેરે યુવા ગાયકો પ્રેક્ષકોને સંગીતમય બનાવશે.

પંચમહોત્સવમાં પાંચ દિવસના સમયગાળા દરમિયાન વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓનું પણ આયોજન થાય છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ટેન્ટ સિટી, ધાર્મિક પ્રવાસ, હેરિટેજ વોક, બાઇક રેલી, વિવિધ સ્પર્ધાઓ વગેરેનો સમાવેશ થાય છે.

Photo of તમે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત પંચમહોત્સવ 2022 વિશે જાણ્યું કે નહિ? by Jhelum Kaushal
Photo of તમે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત પંચમહોત્સવ 2022 વિશે જાણ્યું કે નહિ? by Jhelum Kaushal

પંચમહોત્સવ વિશે મહત્વનું:

તારીખ: 25 ડિસેમ્બર 2022 – 31 ડિસેમ્બર 2022

સમય: સવારે 9.00 થી રાત્રે 12.00 સુધી

એન્ટ્રી ફી: નિઃશુલ્ક

કેવી રીતે પહોંચવું?

હવાઈ માર્ગે: સૌથી નજીકનું વડોદરા એરપોર્ટ અહીંથી 55 કિમી દૂર આવેલું છે.

રેલવે દ્વારા: સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન દેરોલ 25 કિમી દૂર આવેલું છે.

સડક માર્ગે: સૌથી નજીકનું નોંધપાત્ર શહેર હાલોલ 8 કિમી દૂર આવેલું છે.

સંપર્ક:

DISTRICT ADMINISTRATIVE PANCHMAHAL

જિલ્લા કલેક્ટર, પંચમહાલ,

જિલ્લા સેવા સદન – 1, સિવિલ લાઇન્સ રોડ, ગોધરા

02672241584

collector-pan@gujarat.gov.in

panchmahal.gujarat.gov.in

વર્લ્ડ હેરિટેજ એવા પાવાગઢ અને ચાંપાનેરના પ્રવાસન ઉદ્યોગને પૂર વેગે આગળ વધારવામાં આ પંચમહોત્સવ ઘણો જ મહત્વનો ફાળો ભજવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

શું તમે ક્યારેય આ રંગારંગ પંચમહોત્સવની મુલાકાત લીધી છે? તમારો અનુભવ અમને કમેન્ટમાં જણાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads