ખૂબસૂરત પહાડીઓ અને ખીણની ઉંચીનીચી ડગર પર કરીએ રોમાંચક સફર
સુંદરતમ પહાડીઓમાં ફરવાનું થઈ ગયુંછે મન અને એક જ જગ્યા પર અનુભવ કરવો છે નયનરમ્ય નજારાનો, ઝરણાંઓમાં મસ્તી કરવાનો, વાંકાચૂકા પહાડી રસ્તાઓ પરની એડવેન્ચરવાળી રાઈડ માણવાનો તો બસ તમારા માટે આ જગ્યા છે બેસ્ટ. આ ડેસ્ટિનેશન છે મધ્યપ્રદેશનું સૌથી ઉંચુ હિલસ્ટેશન પચમઢી. પચમઢી પહોંચવાથી લઈને ત્યાં માણવાલાયક તમામ આકર્ષણો અને જોવાલાયક સ્થળો, પચમઢીની સ્પેશિયાલિટી આ તમામ વિષે આજે કરીએ વાત.
ખુબ જ ખાસ છે પચમઢી
ભારતનું હ્રદય ગણાતું રાજ્ય મધ્યપ્રદેશ,જેનો હોશંગાબાદ જિલ્લો અને તેનું સૌથી સુંદર એવું હિલસ્ટેશન છે પચમઢી. સાતપૂડાની ખૂબસૂરત ગિરિમાળાઓ વચ્ચે આવેલું છે પચમઢી. સુંદરતા એવી કે જાણે કોઈ મહારાણીના શણગાર , એટલે જ તો પચમઢી સાતપૂડાની રાણી તરીકે જગજાણીતું છે. અહીંયા તમારા મનને મોહી લે એવું બધું જ છે. વૃક્ષો-હરિયાળીથી ભરપુર ગાઢ જંગલો...મોટા મોટા ધોધ અને ખળ ખળ વહેતા ઝરણાં અને સાથે જ પ્રાચીન પૌરાણિક અને પુરાતત્વીય સ્થળ, મહાદેવના ભક્તો માટે શિવશંભુના દર્શન કરાવતી ગુફાઓ અને બીજું ઘણું બધું જે પચમઢીને બનાવે છે ખાસ.
પચમઢી પહોંચવું કઈ રીતે ?
પચમઢી પહોંચવું હોય તો તમારે કરવી પડે સડકની સફર. સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પિપરિયા અને ત્યાંથી બસમાં કે ટેક્સી દ્વારા સડક માર્ગે 54 કિલોમીટરની સફર કરીને તમે પહોંચી શકો પચમઢી. જો કે પચમઢી હિલસ્ટેશનથી સૌથી નજીક લગભગ 159 કિલોમીટરના અંતરે ભોપાલનું રાજા ભોજ એરપોર્ટ આવેલું છે તો જબલપુર એરપોર્ટ 215 કિલોમીટર દૂર છે. ભોપાલ કે જબલપુરથી બસ કે ટેક્સી દ્વારા પિપરિયા થઈને તમે પચમઢી પહોંચી શકો છો.
- સડકમાર્ગે પચમઢી કેવી રીતે પહોંચશો ?
ભોપાલ , જબલપુર, નાગપુર, ઈંદૌર અને મધ્યપ્રદેશના પાડોશી રાજ્યોથી પચમઢી માટેની બસો ઉપલબ્ધ છે. મધ્યપ્રદેશ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પચમઢી માટે ભોપાલ અને ઈન્દૌરથી નોનસ્ટોપ બસની સુવિધા પણ શરુ કરવામાં આવી છે. www.mptourism.com વેબસાઈટ પર આ બસ નું ઓનલાઈન બુકિંગ પણ થઈ શકે છે.
ભોપાલથી પચમઢીનું અંતર-152 કિમી, જબલપુરથી પચમઢીનું અંતર 177 કિમી, ઈંદૌરથી પચમઢીનું અંતર 376 કિમી અને હોશંગાબાદથી પચમઢીનું અંતર 41 કિમી છે. તમે સૌથી નજીકના સ્થળેથી તમારી યાત્રા શરુ કરી શકો છો.
- રેલવે દ્વારા પચમઢી કેવી રીતે પહોંચી શકાય ?
પિપરિયા પચમઢીનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે અને અહીં ઘણી ટ્રેન રોકાય પણ છે. પિપરિયા માટે ભોપાલ, જબલપુર, કોલકાતા, આગરા, ગ્વાલિયર, અમદાવાદ, વારાણસી, નાગપુર જેવા ઘણા શહેરોથી ટ્રેન પહોંચે છે.
પચમઢી જવાનો બેસ્ટ ટાઈમ
પચમઢી એવું ગિરીમથક છે જ્યાં બારેમાસ મોસમ ખુશનુમા રહે છે. જો કે પચમઢીની સુંદરતાને માણવા માટે ઓક્ટોબરથી જૂનની વચ્ચેનો સમય પરફેક્ટ છે. ઉનાળામાં પણ પચમઢીનું વાતાવરણ માણવાલાયક હોય છે. ચોમાસામાં વરસાદી ઝાપટા વચ્ચે પચમઢી ખીલી ઉઠતું હોય છે.
પચમઢીમાં રોકાણના વિકલ્પો
હિલસ્ટેશન પચમઢીમાં રોકાવા માટે મધ્યપ્રદેશ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરિટેજ હોટલ, ગેસ્ટહાઉસ બનાવાયા છે તો આ ઉપરાંત ઘણી સુવિધાસભર અને આરામદાયક પ્રાઈવેટ હોટલ્સ, હોલિડે હોમ્સ, રિસોર્ટ્સ પણ મળી રહે છે. જ્યાં તમને તમારા બજેટ અનુસાર વિકલ્પો મળી રહે છે. સૌથી મહત્વની વાત પચમઢીમાં તમામ લોકોને અનુરુપ ભોજનની પણ વ્યવસ્થા છે...જેમાં ગુજરાતી, પંજાબી, મરાઠી ભોજન ઉપલબ્ધ છે. પચમઢીથી લગભગ 25 થી 30 કિમી દૂર આવેલો રિસોર્ટ ઈકોટેલ નેચરલવર્સ , એડવેન્ચરલવર્સ, ઓર્ગેનિક ફાર્મિંગમાં રુચિ રાખનારા લોકો માટે સારો વિકલ્પ છે.
પચમઢીમાં ફરવું કેવી રીતે ?
પચમઢીની સફર કરવી હોય તો આપને બસસ્ટેન્ડની નજીકથી ટેક્સી અને જિપ્સી મળી જાય છે. જેના ચાલકો પચમઢીમાં ભોમિયા બનીને તમને અલગ અલગ ટુરિસ્ટ પોઈંટ્સ પર લઈ જાય છે. જ્યાં કેટલાક પોઈંટ્સ માટે કોઈ ચાર્જ કે ટિકિટ્સ ચુકવવી નથી પડતી અને જંગલના ક્ષેત્રમાં આવેલા પોઈંટ્સ માટે ટિકિટ લેવાની રહે છે. બાયસન લોજ કે જ્યાં એક મ્યુઝિયમ આવેલું છે સાથે જ મધ્યપ્રદેશ ટુરિઝમનું ટિકિટ કાઉન્ટર પણ છે ત્યાંથી આપને ટિકિટ્સ મળી રહે છે. તો પચમઢીની યાદગિરી તમે સાથે ઘરે લઈ જવા ઈચ્છો તો આપને અહીં એમપી ટુરિઝમની શોપ પણ મળી રહેશે જ્યાંથી આપ જેકેટ્સ, ટીશર્ટ્સ, સોવેનિયર્સ જેવી અલગ અલગ ખરીદી કરી શકો છો. અહીં મધ્યપ્રદેશની ઓળખ એવા ટાઈગર્સની પ્રિન્ટવાળા સામાન પણ આપને ગમી જશે.
પચમઢીમાં આ તો ચોક્કસ જોવું...
પ્રિયદર્શિની પોઈંટ
હિલ્સથી ઘેરાયેલા પચમઢીના શણગારમાં પ્રિયદર્શિની પોઈંટ કલગી સમાન છે. સતપૂડાની પર્વતમાળામાં સૌથી ઉંચો પોઈંટ છે પ્રિયદર્શિની પોઈંટ જે લગભગ 5 કિલોમીટર દૂર આવેલો છે. અહીંની હરિયાળીથી છવાયેલી ઉંડી અને સુંદર દેખાતી ખીણનો નજારો આપને ચોક્કસથી ગમી જશે. તો પ્રિયદર્શિની પોઈંટ પર સુર્યાસ્તનું દ્રશ્ય જોવું એ એક લહાવો છે.
ધૂપગઢ
જેવું નામ એવી જગ્યા...પચમઢીથી લગભગ 9 કિમી દૂર 1350 મીટરની ઉંચાઈ પર આવેલું છે ધૂપગઢ. પર્વતશિખર પર આવેલું ધૂપગઢ સનરાઈઝ, સનસેટ, ટ્રેકિંગ અને એડવેન્ચરનો લુત્ફ માણનારાઓ માટે બેસ્ટ જગ્યા છે. ધૂપગઢ જવાનો રસ્તો પણ તમારા માટે એક અનોખી ટ્રીટ બની જાય છે. જ્યાં રસ્તાની બંને બાજુ તમને વિશાળ પહાડોની ખૂબસૂરત દુનિયા જોવા મળી જાય. કુદરતના અનેરા રુપને નજરમાં ભરતા ધૂપગઢ પહોંચો તો ત્યાં સનરાઈઝ અને સનસેટનું વિહંગમ દ્રશ્ય તમારા દિલમાં વસી જાય. કુદરતનું આ અપ્રતિમ સ્વરુપ તમારો દિવસ સુધારી દેવા માટે કાફી છે.
રીછગઢ
પચમઢીમાં રીછગઢ મોટી મોટી ટેકરીઓની વચ્ચે બનેલી ગુફા છે જ્યાં સદીઓ પહેલા રીંછોનો વસવાટ હોવાનું માનવામાં આવે છે. અહીં સૌથી લાંબી સુરંગવાળી ગુફા છે જે લગભગ 400 મીટર લાંબી છે અને તેની અંદરથી પસાર થવાનો અનુભવ રોમાંચક હોય છે. આ અદભુત જગ્યાને જોઈને જ મન પ્રફુલ્લિત થઈ જાય છે. ઘણા ટ્રાવેલવ્લોગર્સ આ જગ્યાની ખૂબસૂરતીને પોતાના કેમેરામાં કંડારે છે.
ઝરણાંની દુનિયા-પચમઢી
પચમઢી આવો એટલે જાણે ઝરણાંઓની દુનિયામાં આવી ગયા હો એવું મહેસૂસ થાય. અહીં તમને બી ફોલ્સ, રજત ફોલ્સ, અપ્સરા વિહાર,ડચેઝ ફોલ્સ જેવા અલગ અલગ ઝરણાંની ખૂબસૂરતી માણવાનો મોકો મળે છે. સ્વિમિંગ અને ડાઈવિંગના શોખીનો માટે આ બેસ્ટ જગ્યાઓ છે. ખળખળ વહેતા ઝરણાઓ અને ઉપરથી પડતા ધોધનો નજારો માણવા લાખો પ્રવાસીઓ અહીં આવે છે. જ્યાં સૌથી ઉંચુ ઝરણુ અપ્સરાવિહાર છે તો સ્વર્ગ સમાન ખૂબસૂરતી ધરાવતું ડચેઝ ફોલ્સ છે. પરંતુ ડચેઝ ફોલ્સ સુધી પહોંચવાનો રસ્તો વિકટ છે કારણ કે તે લગભગ 100 મીટરની ઉંચાઈથી પડે છે. પચમઢીથી 3 કિમી દૂર બી ફોલ આવેલો છે જેનો જળપ્રપાત લગભગ 35 મીટર ઉપરથી નીચે પડે છે.પાણીમાં મસ્તી કરીને તરોતાજા થવા માટેનું બેસ્ટ ઓપ્શન છે બી ફોલ્સ. તો રજત પ્રપાત પચમઢીનું સૌથી ખૂબસૂરત ઝરણુ છે જે 351 ફીટ ઉંચાઈ પર આવેલું છે. સૂર્યકિરણ પડતા આ ઝરણાનું પાણી ચાંદીની જેમ ચમકી ઉઠે છે જેથી તેને રજતપ્રપાતનું નામ અપાયું છે.
પાંડવગુફા
પચમઢીમાં પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું સ્થળ છે પાંડવગુફા. કહેવાય છે કે પાંડવો વનવાસ સમયે ઉંચી ટેકરી પર બનેલી ગુફાઓમાં વસ્યા હતા. આ ટેકરી પર પાંચેય પાંડવોની અલગ અલગ ગુફા જોવા મળે છે જ્યાં પહાડના જ પથ્થરને કોતરીને તેના સ્તંભ બનાવાયેલા જોવા મળે છે. ગુફાઓ સુધી જવા માટે પથ્થરના જ પગથિયા અને આજુબાજુ અત્યંત સુંદર ફુલોથી સજેલો બગીચો પણ છે. આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ પ્રમાણે આ ગુફાઓનું બૌદ્ધ ભિક્ષુઓએ લગભગ 6 થી 10મી શતાબ્દિ વચ્ચે નિર્માણ કર્યું હતું. પાંડવગુફાની ઉપરથી પચમઢી શહેરનો પુરો નજારો જોવા મળે છે.
હાંડી ખોહ
પચમઢીની લીલોતરીથી છવાયેલી વાદીઓમાંથી એક જગ્યા છે હાંડી ખોહ. ગાઢ જંગલોની વચ્ચે આવેલી આ જગ્યાનો આકાર એક હાંડી જેવો દેખાય છે જેથી તેનું નામ હાંડીખોહ પડી ગયું છે. અને હાંડીખોહ સાથે લોકકથાઓ પણ જોડાયેલી છે. માનવામાં આવે છે કે અહીં સદીઓ પહેલા એક વિશાળ સરોવર હતું. જે સુકાઈ ગયા બાદ આ જગ્યા અસ્તિત્વમાં આવી.
પચમઢીમાં મહાદેવની ઝાંખી
પચમઢી આવ્યા હો અને અહીંની દેવાધિદેવ શિવ સાથે જોડાયેલી ગુફાઓની મુલાકાત ન લો તો યાત્રા પુરી ન થાય. પચમઢીમાં ગુપ્ત મહાદેવ મંદિર, ચૌરાગઢ મહાદેવ મંદિર, મહાદેવ ગુફા જેવા એવા સ્થળો આવેલા છે જ્યાં આપ ભોળાનાથની ભક્તિની પ્રતિતી કરી શકો છો. ગુપ્ત મહાદેવ વિશે કહેવાય છે કે ભસ્માસુરથી બચવા ભોળાનાથ અહીં રોકાયા હતા. ખુબ જ સાંકડી એવી ગુફામાં એકવારમાં 3 થી 4 લોકો જ જઈ શકે છે. અહીં પ્રાકૃતિકરુપથી પ્રગટ થયેલા શિવલિંગના દર્શન થાય છે. ચૌરાગઢ મંદિર પચમઢીના સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક છે જ્યાં જવા માટે લગભગ 1325 પગથિયા ચડવા પડે. કથાઓ પ્રમાણે ભગવાન શિવે અહીં વસવાટ કર્યો હતો અને ચૌરાબાબાએ ભગવાન શિવની તપસ્યા કરી હતી. તો મહાદેવ ગુફાનું પણ અલગ જ મહત્વ છે..લોકકથાઓ તો છે પરંતુ અહીં ગુફાની અંદર ગયા બાદ પહાડોમાંથી ગળાઈને આવતા પાણીની ઠંડી બુંદો અને શિવલિંગના દર્શન બંને અહીંની મુલાકાતને ભક્તિમય બનાવે છે.
સાતપૂડા રાષ્ટ્રીય ઉદ્યાન
જો તમને જંગલોની દુનિયા એટલે કે વન્યસૃષ્ટિ વચ્ચે ઘુમવું પસંદ છે તો સાતપુડા નેશનલ પાર્કની વિઝિટ કરવી તો બને છે. વનસ્પતિઓ અ વન્યજીવોના સંરક્ષણ માટે 1081માં બનેલું સાતપુડા પાર્ક પચમઢીમાં લગભગ 2133.30 વર્ગ કિમીમાં ફેલાયેલું છે. અહીં ઘણી લુપ્ત થઈ રહેલી વન્ય પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે. ઉપરાંત ઘણા અન્ય પ્રાણીઓ જેવા કે વાઘ, દીપડા, બાયસન, સાબર, ચિંકારા, ચીતલ, શાહુડી, મગર, લંગૂર, નીલગાય, રીંછ અને બીજા ઘણા પ્રાણીઓ જોવા મળશે. તો પક્ષીઓની પણ વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. અહીં જંગલ સફારી, બોટિંગ, એલિફન્ટ રાઈડની મજા પણ તમે માણી શકો છો. સાતપુડા નેશનલ પાર્ક 1 ઓક્ટોબરથી 16 જૂન સુધી સહેલાણીઓ માટે ખુલ્લો રહે છે..જ્યાં એન્ટ્રી ફી ભારતીય ટુરિસ્ટ માટે 250 રુપિયા અને વિદેશી ટુરિસ્ટ માટે 500 રુપિયા છે. જીપ સફારી માટે અલગ અલગ પેકેજ ઉપલબ્ધ છે.
તો બસ, રાહ શેની જોવી. કરી દો તમારી બૅગ્સ પૅક અને આજે જ કરી દો પ્લાનિંગ સાતપુડાની રાણી પચમઢી સાથે મુલાકાતનું. આ સફર તમારા માટે બની જશે એક ખૂબસૂરત યાદગાર.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો