ગુજરાતી પરિવારો ક્યાંય પણ પ્રવાસે જાય ત્યારે હંમેશા સંપૂર્ણ તૈયારી કરીને જ જતાં હોય છે. સૌ પૂરતી કાળજી રાખે છે કે આપણા પક્ષે કોઈ જ કચાશ ન રહેવી જોઈએ.
પણ જો ટૂરના આયોજક (ટૂર ઓપરેટર) દ્વારા જ કોઈ ભૂલ થાય તો શું થાય? સૌથી પહેલા તો નકારાત્મક વિચાર જ આવે.
અમે પણ જ્યારે 2016 માં સપરિવાર અંદામાન દ્વીપસમૂહના પ્રવાસે ગયા હતા ત્યારે અમારી સાથે આવી જ કઈક ઘટના બની હતી. પણ તેનું નકારાત્મક નહિ, પણ સકારાત્મક પરિણામ આવ્યું એ ઈશ્વર-કૃપા.
એવું તો શું બન્યું હતું? ચાલો, જણાવું.
ભાવનગરથી અમે લોકોએ બે મહિના અગાઉ જ પોર્ટ બ્લેર ટૂ પોર્ટ બ્લેરનું 6 રાત/ 7 દિવસનું અંદામાન ટૂર પેકેજ બૂક કરાવ્યું હતું. પપ્પાની ઓફિસમાંથી ઘણા કર્મચારીઓ તેમના પરિવારો સાથે અંદામાન પ્રવાસે જઈ ચૂક્યા હતા. તેમના સૂચનને ધ્યાનમાં રાખીને કોઈ ગુજરાતી ગ્રુપ ટૂર ઓપરેટર દ્વારા બૂક કરવાને બદલે અમે અંદામાનના સ્થાનિક ટૂર ઓપરેટર દ્વારા જ પ્રવાસ બૂક કરાવ્યો હતો.
આયોજન અનુસાર અમારે 6 પૈકી 4 રાત્રીનું રોકાણ પોર્ટ બ્લેરમાં અને 2 રાત્રીનું રોકાણ હેવલોક ટાપુ પર કરવાનું હતું. બન્યું એવું, કે દિવાળીનો સમય હતો, પ્રવાસીઓ ભરપૂર સંખ્યામાં આવી રહ્યા હતા, એટલે મારા ટૂર ઓપરેટર અંકિતભાઈની ભૂલથી હેવલોકમાં 2ના બદલે 1 જ રાત્રીનું રોકાણ બૂક કર્યું. છેલ્લી ઘડીએ જે-તે તારીખની આગળ-પાછળના દિવસોમાં રૂમ ઉપલબ્ધ નહોતા.
અંદામાન પ્રવાસે જતાં લોકોને ખ્યાલ હશે કે પ્રવાસમાં શીપ બૂકિંગ પણ સામેલ હોય છે. પોર્ટ બ્લેરથી હેવલોક જવા માટે અમારું શીપ બૂકિંગ હતું જ. પણ આ રૂમ્સની ગડબડને કારણે અંકિતભાઈએ નીલ આઇલેન્ડ (શહીદ દ્વીપ)ના એક થ્રી સ્ટાર બીચ રિસોર્ટમાં અમારું રોકાણ બૂક કરી દીધું.
અમે અમારા ઘર ભાવનગરથી 3300 કિમી દૂર હતા અને સંપૂર્ણપણે અંદામાનના વતની અંકિતભાઈ પર આધારિત હતા.
અમે નીલ આઇલેન્ડ ગયા. અત્યંત શાનદાર હોટેલમાં જે કોટેજમાં અમારો ઉતારો હતો ત્યાં દાખલ થતાં જ લાગ્યું જાણે એક આદર્શ રિસોર્ટમાં આવી ગયા હોઈએ! સાંજે પહોંચ્યા હતા એટલે હોટેલ સાથે જ જોડાયેલા બીચ પરથી અદભૂત સૂર્યાસ્ત નિહાળ્યો.
અંદામાનમાં ઈન્ટરનેટની ઘણી તકલીફ રહે છે, 2016માં તો વધુ હતી! તેમ છતાં અહીં અમને પેઇડ વાઇ-ફાઈ મળ્યું.
બીજા દિવસે સવારે અમે કોટેજની બહાર મુકવામાં આવેલા વાંસના ટેબલ ખુરશી પર બેસીને સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ માણ્યો.
અહીંના ભરતપુર તેમજ લક્ષ્મણપુર બીચ સાચે જ જોવા જેવી જગ્યા છે. બીચ કરતાં તદ્દન અલગ સંખ્યાબંધ કોરલ્સ અને દરિયાઈ જીવો ધરાવતો ભરતપુર બીચ એક ટીપીકલ દરિયાઈ પર્યટન સ્થળ છે. ભરતપુરમાં કેટલાય દરિયાઈ જીવો વિષે રસપ્રદ માહિતી મેળવી અને લક્ષ્મણપુર બીચ પર અમે ખૂબ એન્જોય કર્યું.
એ દિવસે સાંજે અમે અમારા પ્રવાસમાં પૂર્વ-નિર્ધારિત મુકામ એટલે કે હેવલોક આઇલેન્ડ તરફ આગળ વધ્યા.
નીલ આઇલેન્ડનો અમારો અનુભવ એટલો આહલાદક હતો કે અમે સૌએ હોટેલ બૂકિંગમાં ભૂલનું આટલું સારું સેટલમેન્ટ કરી આપવા બદલ ટૂર ઓપરેટર અંકિતભાઈનો ખૂબ આભાર માન્યો.
.