આપણા દેશનો સુવર્ણ ઇતિહાસ તો આખા વિશ્વના લોકો માટે રસનો વિષય છે. ગુજરાતનું પાડોશી રાજ્ય એવા રાજસ્થાનના પ્રવાસે તમે ક્યારેક તો ગયા જ હશો અને અચૂકપણે કોઈને કોઈ વિદેશી પ્રવાસી તો નજરે ચઢે જ! અલબત્ત, રાજસ્થાનના રાજાઓના ભવ્યાતિભવ્ય રાજમહેલો ભારત તેમજ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સદીઓ પહેલા કરવામાં આવેલું નકશીકામ કોઈ પણ મુલાકાતીને અચંબિત કરી મૂકે છે.
પરંતુ ભારતીય રાજાઓની ભવ્યતા માત્ર રાજસ્થાન પૂરતી જ મર્યાદિત નહોતી. આપણા દેશમાં એવા સેંકડો અદભૂત રાજમહેલો આવેલા છે જેની દરેક પ્રવાસીઓએ જરુર મુલાકાત લેવી જોઈએ.
1. લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા, ગુજરાત
શરૂઆત કરીએ આપણા ગુજરાતમાં આવેલું મહારાજા સયાજીરાવ ગાયકવાડના નગર વડોદરાથી. વર્ષ 1890માં બંધાયેલો આ પેલેસ એટલો ભવ્ય છે કે તેના નિર્માણમાં તે સમયે 1,80,000 GBP (ગ્રેટ બ્રિટન પાઉન્ડ)નો ખર્ચો થયો હતો. અત્યંત રાજવી ઠાઠ ધરાવતા લક્ષ્મી વિલાસ પેલેસના બાંધકામમાં મરાઠા વંશની અસર જોવા મળે છે. ભૌગોલિક રીતે બ્રિટનના પ્રખ્યાત બન્કિંગહામ પેલેસ કરતાં વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ ચાર ગણો ભવ્ય છે.
2. અંબા વિલાસ પેલેસ, મૈસૂર, કર્ણાટક
મૈસૂર શહેરની ઓળખ છે આ પેલેસ. ખૂબ જ આકર્ષક એવા આ પેલેસનું નિર્માણ વોડેયાર રાજવંશ દ્વારા કરાવવામાં આવ્યું હતું પણ આજે આ જગ્યા મૈસૂર પેલેસ તરીકે જ ઓળખાય છે. અહીંના બાંધકામમાં હિન્દુ, રાજપુત, મુઘલ, તેમજ ગોથિક શૈલીની અસર જોવા મળે છે. દરરોજ સાંજે આ પેલેસમાં સોનેરી લાઇટ્સ કરવામાં આવે છે ત્યારે તે ખૂબ જ મનમોહક લાગે છે. અહીંની દશેરાની ઉજવણી ભારતની શ્રેષ્ઠ દશેરા ઉજવણીમાં સ્થાન ધરાવે છે.
3. જય વિલાસ પેલેસ, ગ્વાલિયર, મધ્ય પ્રદેશ
19મી સદીમાં ગ્વાલિયરમાં બનેલો જય વિલાસ પેલેસ ભારતનાં સૌથી સુંદર રાજવી રાજમહેલોમાંનો એક છે. મરાઠા સિંધિયા રાજવંશ દ્વારા નિર્મિત આ પેલેસમાં આજે 35 રૂમોમાં તેમના આકર્ષક પેન્ટિંગ, શિલ્પો, ફર્નિચર, સ્મૃતિચિહ્નો, વગેરે ખૂબ જ દુર્લભ વસ્તુઓનો સંગ્રહ જોવા મળે છે. વળી, મુઘલ રાજાઓની અંગત વસ્તુઓનું પણ પ્રદર્શન છે. અહીં દરબાર હૉલમાં પાથરવામાં આવેલો ગાલીચો વિશ્વના સૌથી મોટા ગલીચાઓમાં સ્થાન ધરાવે છે.
4. ઉજ્જયંતા પેલેસ, અગરતલા, ત્રિપુરા
પૂર્વોત્તરમાં કોઈ રાજમહેલ આવેલો છે અને તે પણ આટલો સુંદર અને ભવ્ય, તેવી તમને કલ્પના હતી? ત્રિપુરાની રાજધાની અગરતલામાં અહીંના રાજાનો આ અત્યંત શાનદાર પેલેસ આવેલો છે. અહીં ફ્લોરિંગ બનાવવા માટે આરસની ટાઇલ્સ અને છત બનાવવા લાકડું વાપરવામાં આવ્યું છે. વર્ષ 1901માં બનેલો આ પેલેસ 250 એકરમાં ફેલાયેલો છે અને આજે એક મ્યુઝિયમ તરીકે સચવાયેલો છે.
5. મુબારક મંડી, જમ્મુ
રાજકારણ હોય કે પ્રવાસન, વર્ષોથી કાશ્મીર પાછળ જમ્મુની સતત અવગણના થતી આવી છે. જમ્મુમાં ડોગરા વંશનું રાજ હતું અને તેમનો એક ખૂબસુરત રાજમહેલ આજે પણ જમ્મુમાં અડીખમ ઊભો છે. આ પેલેસના મોટા ભાગની જગ્યાઓ આજે મુલાકાતીઓ માટે ખુલ્લી રાખવામાં આવી છે અને અહીં અનેકવિધ રાજવી વસ્તુઓનો અદભૂત સંગ્રહ જોવા મળે છે.
6. રામનગર ફોર્ટ એન્ડ પેલેસ, વારાણસી, ઉત્તર પ્રદેશ
પવિત્ર ગંગા નદીના કિનારે આવેલો આ રાજમહેલ વારાણસીમાં અનેક ફરવાલાયક સ્થળોમાંનો એક છે. સત્તરમી સદીમાં નિર્માણ પામેલો આ પેલેસ આજે એક અદભૂત મ્યુઝિયમ છે જ્યાં રાજવી પરિવારની ખૂબ જ આકર્ષક વસ્તુઓ જેમ કે શસ્ત્રો, અમેરિકન વિંટેજ કાર, ઘરેણાઓ, ફર્નિચર, ઘડિયાળ વગેરે જોવા મળે છે. અહીંના વ્યાસ મંદિરે બેસીને સૂર્યાસ્ત જોવાનો એક આગવો લ્હાવો છે.
માહિતી અને ફોટોઝ: ટૂર માય ઈન્ડિયા
.