નિષ્કલંક મહાદેવ: સમુદ્રની મધ્યે અદભૂત પૌરાણિક શિવ મંદિર

Tripoto

દેશભરમાં આવેલા હજારો હિન્દુ મંદિરો વિષે સંશોધન કરીએ તો આપણી અચરજનો પાર ન રહે! આજે આપણે દરિયામાં એક કિમી અંદર આવેલા મંદિર વિષે જાણીએ.

Photo of નિષ્કલંક મહાદેવ: સમુદ્રની મધ્યે અદભૂત પૌરાણિક શિવ મંદિર 1/1 by Jhelum Kaushal

ગુજરાતનાં પ્રસિદ્ધ મંદિરોની વાત થાય તો સૌથી વધુ દ્વારકા, સોમનાથ કે અંબાજી જ લોકજીભે આવે. તે સિવાય આખા રાજ્યના નાના-મોટા દરેક જિલ્લાઓમાં કોઈને કોઈ છુપા રત્નો રહેલા છે. અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતમાં ભાવનગર નજીક આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે કદાચ વિશેષ માહિતી નહિ ધરાવતા હોય પણ આ મંદિર પૌરાણિક મહત્વ તેમજ કુદરતી સુંદરતા બંને દ્રષ્ટિએ અનેરું સ્થાન ધરાવે છે.

પૌરાણિક મહત્વ:

નિષ્કલંક એટલે કે નિષ-કલંક. જ્યાં કોઈ જ કલંક નથી તે જગ્યા. આ મંદિરની કથા મહાભારતનાં સમયની હોવાનું માનવામાં આવે છે. કુરુક્ષેત્રનાં યુદ્ધની પૂર્ણાહુતિ બાદ પાંડવો તેમના સેંકડો સબંધીઓના મૃત્યુ બદલ પોતાને અપરાધી માની રહ્યા હતા. પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા તેમણે ભગવાન કૃષ્ણ પાસે સમસ્યાનું સમાધાન કરવા વિચાર્યું. કૃષ્ણે તેમને એક કાળો ઝંડો અને કાળી ગાય આપી અને જણાવ્યું કે જે સ્થળે કોઈ જ પાપ ન થયા હોય, જે સ્થળ પર કોઈ જ કલંક ન હોય તે સ્થળે આ ધ્વજ અને ગાય બંને સફેદ રંગનાં થઈ જશે. વળી, તે સ્થળે પાંડવોએ શિવજીની ઉપાસના કરવાની હતી.

પાંડવો હજારો કિમી ચાલ્યા પણ ક્યાંય પણ ધ્વજ અને ગાય સફેદ રંગમાં પરિવર્તિત ન થયા. છેવટે તેઓ અરબી સમુદ્રમાં એકાદ કિલોમીટર ચાલ્યા ત્યાં જ ધ્વજ અને ગાયનો રંગ સફેદ થઈ ગયો. તે સ્થળે જ પાંચેય પાંડવોએ ભગવાન મહાદેવની ઉપાસના કરી અને શિવજી પ્રસન્ન થયા. તે ભૂમિ પર કોઈ જ પાપ થયું ન હોવાથી ત્યાં પાંચેય ભાઈઓએ પાંચ શિવલિંગની સ્થાપના કરી અને નિષ્કલંક મહાદેવ મંદિર અસ્તિત્વમાં આવ્યું.

દર વર્ષે શ્રાવણ માસની અમાસ (જેને ભાદરવી અમાસ તરીકે ઓળખવામાં આવે છે)નાં રોજ અહીં એક ભવ્ય મેળાનું આયોજન થાય છે. ભાવનગરનાં મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ દ્વારા આ દિવસે અહીં એક ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. વર્ષનાં ૩૬૪ દિવસ આ ધ્વજ આ મંદિરમાં ફરકે છે અને બીજા વર્ષે ભાદરવી અમાસના દિવસે તેને બદલવામાં આવે છે. ભાવનગરનાં મહારાજાએ શરૂ કરેલી પરંપરા હજુ આજેય અકબંધ છે અને દર વર્ષે લગભગ એક લાખ શ્રદ્ધાળુઓ આ મેળામાં આસ્થાપૂર્વક ભાગ લે છે.

નૈસર્ગિક સૌંદર્ય:

જરા કલ્પના કરો, દરિયાની ભીની માટી પર ચાલીને, દરિયાની વચ્ચે પાંચ અલગ-અલગ સાઈઝના પાંચ શિવલિંગ. આ નજારો જ કેટલો દુર્લભ હશે! શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે દરિયામાં એકાદ કિમી જેટલું અંતર કાપીને ચાલતા જાય છે અને આસ્થાભેર આ અનન્ય મંદિરના દર્શનનો લાભ લે છે. દરિયાકિનારાથી દરિયાની અંદર જતા સમયે ઠંડો, ભેજવાળો પવન, અલૌકિક માહોલ અને ચોમેર શાંતિ આ આધ્યાત્મિક સ્થળને એક સંપૂર્ણ પર્યટન સ્થળ બનાવે છે. યુવા પેઢીના લોકોને મધદરિયે આવેલા આ મંદિરનાં ફોટોઝ પાડવાનો પણ એક રોમાંચક અનુભવ મળે છે.

ધ્યાનમાં રાખવાની બાબત:

સમુદ્રની મધ્યે આવેલું હોવાથી નિષ્કલંક મહાદેવનાં દર્શન દરરોજ કોઈ ચોક્કસ સમય પૂરતાં જ મર્યાદિત બની જાય છે. દર્શનનો સમય સંપૂર્ણપણે ભરતી-ઓટ પર આધારિત છે અને ભરતી-ઓટ હિન્દુ મહિનાઓની તિથી અનુસાર બદલાય છે. પૂનમ તેમજ અમાસે ભરતી તેમજ ઓટ સવિશેષ જોવા મળે છે.

કેવી રીતે પહોંચવું?

નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગર જિલ્લામાં કોળિયાક ગામમાં આવેલું છે. ભાવનગર રેલવે સ્ટેશનથી આ મંદિર ૨૪ કિમીનાં અંતરે આવેલું છે. અમદાવાદથી સડક-માર્ગે તેમજ મુંબઈથી રેલવે કે હવાઈમાર્ગે સરળતાથી ભાવનગર પહોંચી શકાય છે. ભાવનગરથી નિષ્કલંક જવા પુષ્કળ ટેક્સીઓ કે રિક્ષાઓ પ્રાપ્ય છે.

ક્યાં રહેવું?

ભાવનગર શહેરમાં ઘણી જ સારી સગવડો ધરાવતી લક્ઝુરિયસ હોટેલો આવેલી છે. તે સિવાય કઈક અનેરો અનુભવ માણવો હોય તો કોળિયાકમાં પણ ગુણવત્તાસભર સુંદર હોટેલ્સ આવેલી છે. અહીં અનેરો અનુભવ મળે છે તેનું કારણ એ કે અહીંથી વોકિંગ ડિસ્ટન્સ પર દરિયે જઇ શકાય છે. ફેમિલી ગેધરિંગ માટે કેટલાક રિસોર્ટ્સ આદર્શ છે કેમકે આખો દિવસ સૌ સાથે રહીને ભરપૂર આનંદ પણ માણી શકે છે અને મંદિરની ધાર્મિક મુલાકાત પણ કરી શકે છે.

ખાણીપીણી:

ગુજરાતનાં કોઈ પણ સ્થળ પર સ્વાદની ગેરહાજરી હોય તેવું ન બને! નિષ્કલંક મહાદેવ મંદિરનાં દરિયા કિનારે પણ હળવા નાસ્તાના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. દરિયાકિનારે બેસીને આ નાસ્તો કરવાની પણ ખૂબ મજા આવે છે.

નજીકમાં જોવાલાયક સ્થળ:

કોળિયાકની નજીકમાં જ આવેલી હાથબ નામની જગ્યાએ આજે પણ ભાવનગરનાં મહારાજાની જમીન તેમજ બંગલો આવેલા છે. અગાઉથી પરવાનગી લઈને આ બંગલામાં રોકાણ કરી શકાય છે. બંગલાની બાજુમાં જ આવેલો હાથબ બીચ ભાવનગરમાં ફરવાલાયક બેસ્ટ બીચ છે તેમ કહી શકાય.

Photo of Hathab Bungalow, Hathab Bunglow Road, Haathab, Gujarat, India by Jhelum Kaushal
Photo of Hathab Bungalow, Hathab Bunglow Road, Haathab, Gujarat, India by Jhelum Kaushal

કોવિડ-૧૯ને કારણે હમણાં દેશ-વિદેશના મોટા પ્રવાસો તો શક્ય નથી, પણ ગુજરાતમાં જ આવેલા પૌરાણિક પ્રાચીન નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે શાંતિ અને આધ્યાત્મનો ચોક્કસ અનુભવ લેશો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Further Reads