ગુજરાતમાં માતાના દર્શન અને આર્શીવાદ મેળવવા માટે આ જગ્યાઓની કરો ધાર્મિક યાત્રા

Tripoto

દેશભરમાં નવરાત્રીનું પર્વ હર્ષોલ્લાસથી મનાવવામાં આવી રહ્યું છે. નવરાત્રિ એટલે માં દુર્ગાના નવ સ્વરુપોની સાચ્ચી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા અને ઉપાસના કરવાનું પર્વ. આ પર્વને લઇને લોકોના મનમાં ઉત્સાહ અને ઉમંગ રહે છે. લોકો માતાના દર્શન અને આર્શીવાદ માટે મંદિરોમાં જાય છે. તો કેટલાક લોકો દેશભરના જુદા જુદા શક્તિપીઠ મંદિરોમાં જઇને માંના દર્શન અને આર્શીવાદ પ્રાપ્ત કરે છે. તમે પણ નવરાત્રીમાં માંના દર્શન અને આર્શીવાદ મેળવવા આ શહેરોની ધાર્મિક યાત્રા કરી શકો છો.

Photo of ગુજરાતમાં માતાના દર્શન અને આર્શીવાદ મેળવવા માટે આ જગ્યાઓની કરો ધાર્મિક યાત્રા 1/4 by Paurav Joshi

આરાસુરી માં અંબા

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા અંબાજી મંદિરથી તો સૌ કોઇ પરિચિત છે. આ મંદિર દેશના સૌથી જૂના અને પવિત્ર શક્તિ તીર્થ સ્થાનોમાંથી એક છે. આ શક્તિની દેવી સતીને સમર્પિત 51 શક્તિપીઠોમાંથી એક છે. જ્યાં માતા સતીનું હ્રદય પડ્યું હતું.

અંબાજીનું મંદિર ગુજરાત-રાજસ્થાન સીમા નજીક અરાવલી શ્રૃંખલાના આરાસુર પર્વત ઉપર સ્થિત છે, જે દેશનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે. સફેદ આરસપહાણથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઊંચું છે. શિખર સોનાથી બનેલું છે. જે મંદિરની સુંદરતા વધારે છે.

આ મંદિર પણ શક્તિપીઠ છે પરંતુ તે અન્ય મંદિરોથી થોડું અલગ છે. આ મંદિરમાં માતા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધનાથી થાય છે જે સીધી આંખથી જોઇ શકાતું નથી. અહીંના પૂજારી આ શ્રીયંત્રનો શ્રૃંગાર એટલો અદભૂત કરે છે કે શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત વિરાજમાન છે. તેમની પાસે જ પવિત્ર અખંડ જ્યોતિ પ્રગટે છે, જેના અંગે કહેવાય છે કે તે ક્યારેય ઓલવાઇ નથી.

અંબાજી મંદિર અંગે કહેવામાં આવે છે કે, અહીં ભગવાન શ્રીકૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયું હતું. ત્યાં જ ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવી ચૂક્યાં છે. નવરાત્રિ પર્વમાં શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં અહીં માતાના દર્શન કરવા માટે આવે છે. આ સમયે મંદિરના ચાચર ચોકમાં ગરબા કરીને શક્તિની આરાધના કરવામાં આવે છે. જો કે કોરોનાના કારણે સતત બીજા વર્ષે ગરબાનું આયોજન થયું નથી. પરંતુ તમે મંદિરના દર્શન કરવા તો અચુક જઇ શકો છો.

મહાકાળી મંદિર, પાવાગઢ

Photo of ગુજરાતમાં માતાના દર્શન અને આર્શીવાદ મેળવવા માટે આ જગ્યાઓની કરો ધાર્મિક યાત્રા 2/4 by Paurav Joshi

સ્કંદ અને હરિવંશ પુરાણ અનુસાર, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં વગર આમંત્રણે ગયેલા તેમનાં પુત્રી પાર્વતીનું દક્ષે અપમાન કરતાં પાર્વતીએ યજ્ઞની વેદીમાં કૂદીને પ્રાણત્યાગ કર્યો. આથી ક્રોધે ભરાયેલા શંકરે ખભા પર પાર્વતીનો દેહ ઉઠાવીને તાંડવ નૃત્ય આદર્યું. શંકરના ક્રોધથી સૃષ્ટિને બચાવવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે પાર્વતીના દેહના ટૂકડા કરવા માંડ્યા. એ વખતે જે ટૂકડો જ્યાં પડ્યો એ સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાય છે. પાવાગઢ પણ એવી જ એક શક્તિપીઠ છે. પાવાગઢના કાલિકા માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે. આથી વૈદિક તથા તાંત્રિકવિધિઓ અનુસાર અહીં પૂજા-અર્ચના થાય છે. નવરાત્રીમાં પાવાગઢ મંદિરે દર્શન કરવા અચૂક જવું જોઇએ.

બહુચરાજી મંદિર

Photo of ગુજરાતમાં માતાના દર્શન અને આર્શીવાદ મેળવવા માટે આ જગ્યાઓની કરો ધાર્મિક યાત્રા 3/4 by Paurav Joshi

હિન્દુ ધર્મમાં માતાજીની પૂજા માટે અત્યંત પવિત્ર ગણાતી 51 શક્તિપીઠમાં બહુચર માતાજીના મંદિરનો સમાવેશ થાય છે. મા સતીના શરીરના ટુકડા કરીને પૃથ્વી પર વિસર્જિત કરાયા ત્યારે બેચરાજી ખાતે મંદિરના સ્થળે માં સતીના હાથ (કર) પડ્યા હોવાનું મનાય છે.

વ્યંડળોના આરાધ્ય દેવી ગણાતા બહુચર માતાનું મૂળ મંદિર ઈ.સ. 1783માં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવાયું હતું. જેમાં માનાજીરાવ ગાયકવાડે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમુક લોકોની માન્યતા છે કે તેમણે ઈ.સ. 1839માં આ મંદિર બંધાવ્યું હતું.

બહુચર માતાજીને કૂકડાની સવારી કરતા દર્શાવાયા છે, જે સોલંકી શાસકોનું રાજચિહ્ન હતું. જેમનું એક સમયે ગર્જરધરા પર એકચક્રી શાસન હતું. મંદિર સંકુલમાં મુખ્ય 3 મંદિર છે. પહેલું છે આદ્યસ્થાન, બીજું છે મધ્યસ્થાન અને ત્રીજું સ્થાન એ છે જ્યાં હાલનું મુખ્ય મંદિર આવેલું છે જેની પર બાળ યંત્ર જડેલું છે.

ચામુંડા મંદિર, ચોટીલા

Photo of ગુજરાતમાં માતાના દર્શન અને આર્શીવાદ મેળવવા માટે આ જગ્યાઓની કરો ધાર્મિક યાત્રા 4/4 by Paurav Joshi

ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુક્યું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે.

ચોટીલા ચામુંડા માતાજીના સ્‍થાને વિશેષ પરંપરા છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રીના ઉપર કોઇ રોકાઇ શકતુ નથી. એક માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્‍યકિતને ડુંગર ઉપર રાત્રી રહેવાની મંજુરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્‍ય મંદિરમાં માતાજીના બે સ્‍વરૂપ છે. આ બે સ્‍વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો.

તો ગુજરાતના માતાજીના ઉપરોક્ત ચાર મંદિરોના દર્શનનો લ્હાવો તમારે અચુક માણવો જોઇએ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads