
Day 1
Karsog Valley
જો તમે શિમલા, મનાલી કે પછી કસોલી વારંવાર જોઇને થાકી ચૂક્યા છો અને હિમાચલમાં કોઇક નવી જગ્યાએ ફરવા માંગો છો તો કરસોગ ખીણ સૌથી પરફેક્ટ છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સ્થિત કરસોગ ઘાટીમાં પ્રાચીન મંદિર અને કુદરતી સુંદરતા જોવા મળશે. તો ચાલો હવે આપને કરસોગ ખીણની મુલાકાત કરાવીએ.
આ છે કરસોગ ખીણની ખાસિયત -

કરસોગ પોતાના ગાઢ જંગલોની સાથે જ સફરજનના બગીચા માટે પણ ફેમસ છે. સફરજનના બગીચાની સાથે-સાથે આ ખીણ મંદિરો માટે ફેમસ છે. જો કરસોગ ખીણના મંદિરોની વાત કરવામાં આવે તો કામાક્ષા દેવી અને મહુનાગનું મંદિર ઘણું જાણીતું છે. કરસોગ ભલે મંડિ જિલ્લામાં આવતું હોય પરંતુ આ મુખ્ય મંડી શહેરથી 125 કિલોમીટર દૂર છે જ્યારે શિમલાથી આનું અંતર ફક્ત 100 કિલોમીટર છે.
કરસોગ ખીણનો ઇતિહાસ

આનું નામ ‘કર’ અને ‘સોગ’ બે શબ્દોથી બન્યું છે. જેનો અર્થ છે ‘પ્રતિદિનનો શોક’. આ ખીણનો પોતાનો એક ઇતિહાસ છે, કહેવાય છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં સમય વિતાવ્યો હતો અને માનવામાં આવે છે કે તેઓ અહીંથી હિમાલયને પાર કરીને ઉત્તરની તરફ ગંધમાદન પર્વત પર પહોંચ્યા હતા. જ્યાં ભીમની મુલાકાત રામભક્ત હનુમાન સાથે થઇ હતી. દ્ધાપર યુગમાં પાંડવ જ્યારે પોતાના અજ્ઞાતવાસમાં હતા ત્યારે તેમણે થોડોક સમય કરસોગ ખીણમાં પસાર કર્યો હતો. તેઓ પૂજા-અર્ચના આ જ સ્થાન પર કરતા હતા.
કરસોગ ખીણની આસપાસના પર્યટન સ્થળ -
1. મમલેશ્વર મંદિર -

અહીં પાંડવકાળથી પણ જુનુ એક મંદિર છે જેને મમલેશ્વર મંદિર કહેવાય છે. અહીં બે ચીજો આશ્ચર્યજનક છે. એક તો ભેખલની ઝાડીથી બનેલો લગભઘ દોઢ ફૂટ વ્યાસનો ઢોલ અને બીજો એક લગભગ 150 ગ્રામ વજનનો (આકારમાં એટલો કે આખી હથેળી ભરાઇ જાય) કનકનો દાણો. જ્યાં સુધી કનકના (સોના કે ધતૂરા) દાણાનો સવાલ છે તો કેટલાક લોકો આને ઘઉંનો દાણઓ પણ કહે છે. માંહુનાગના મંદિરમાં એવો ઢોલ છે જે તે ઝાડીના શેષ ભાગથી બન્યો છે. અહીં આવેલા માંહુનાગને મહાભારતના કર્ણનું રુપ માનવામાં આવે છે.

કહેવાય છે કે મંદિર પરિસરમાં લગભગ 100થી વધુ શિવલિંગ પણ દબાયેલા છે, પરંતુ તેમાંથી કેટલાકને બહાર કાઢવામાં આવ્યા છે.
2. તત્તાપાની -

કરસોગથી શિમલા તરફ જતા માર્ગમાં તત્તા પાની નામનું સુંદર સ્થળ છે. આ સ્થળ સલ્ફરયુકત ગરમ જળ માટે જાણીતું છે. એક તરફ બરફનું સતલજનું ઠંડુ પાણી શરીરમાં ઝણઝણાટી બોલાવી દે છે તો બીજી બાજુ આ નદીનું ગરમ પાણી પર્યટકો માટે કોઇ અજાયબીથી કમ નથી. સતલજના કિનારે સલ્ફરયુકત ગરમ પાણીમાં ન્હાવા માટે લોકો આખુ વર્ષ અહીં આવે છે.
3. મગરુ મહાદેવ મંદિર -

આ મંદિર કરસોગથી 45 કિલોમીટર દૂર છતરી નામના ગામમાં છે. મગરુ મહાદેવનું મંદિર પ્રાચીન કાસ્ટકળાનો ઉત્તમ નમૂનો છે. મંદિરની દિવાલો પર તમને લાકડાનું કોતરકામ, તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
4. કામરુ નાગ સરોવર મંદિર -

આ મંદિર 3334 મીટરની ઉઁચાઇ પર આવેલું છે. ટ્રેકિંગ માટે એક ખાસ જગ્યા છે. બરફથી ઢંકાયેલી ધોલાધાર અને બાહુ ખીણથી ઘેરાયેલું સરોવર ઘણું જ આકર્ષક નજારો આપે છે. અહીં આસપાસ ગાઢ જંગલ છે અને તેની વચ્ચે કામરુ નાગ મંદિર પણ છે.
5. રિવાલસર સરોવર-

આ જગ્યા બૌદ્ધ ગુરુ તેમજ તાંત્રિક પદ્મસંભવનું સાધનાનું સ્થળ પણ ગણાય છે. આ તળાવ મંડીથી 25 કિ.મી. દૂર છે. પ્રાયશ્ચિત તરીકે લોમશ ઋષિએ શિવજીના નિમિત રિવાલસરમાં તપસ્યા કરી હતી. કહેવાય છે કે ગુરુ ગોવિંદસિંહે મુગલ સામ્રાજ્યમાં લડતા સમયે ઇસ.1738માં રિવાલસરના શાંત વાતાવરણમાં થોડોક સમય ગાળ્યો હતો.
6. ચિંદી ગામ -

ચિંદી શહેરની ભીડ ભાડથી દૂર નાનકડુ ગામ જે પ્રકૃતિના ખોળામાં ચુપચાપ બેઠું છે. આ ગામ પ્રાકૃતિક સુંદરતા અને અહીં આવેલા ઘણા નાના મંદિરો માટે જાણીતું છે. કરસોગથી 14 કિલોમીટર દૂર સ્થિત છે. આ ગામ પરંપરાગત હિમાચલી શૈલીમાં બન્યા છે. અને તેમાં એવા પરિવાર છે જે પેઢીઓથી ત્યાં રહે છે. તમે સ્થાનિક લોકો સાથે વાતચીત શરુ કરી શકો છો અને ગામની ગલીઓ અને કરસોગ બજાર ફરી શકો છો.
7. ફેમસ પહાડ અને પર્વત -

જો તમે તમારા લાઇફ પાર્ટનરની સાથે શાંતિથી થોડીક પળો વિતાવવા માંગો છો તો તમારા માટે કરસોગ ખીણ બેસ્ટ છે. કરસોગ ખીણના પહાડ પર ચડીને તમે આખા એરિયાનો 360 ડિગ્રી વ્યૂ જોઇ શકો છો. આ ઉપરાંત, તમે કેટલાક ફેમસ પહાડ અને પર્વત જોઇ શકો છો જેમ કે નારકંડા હટ્ટૂ પીક, કુન્હૂ ધાર, પીર પંજાલ, હનુમાન ટિબ્બા અને શૈલી ટિબ્બા સામેલ છે.
ક્યારે જશો ફરવા

આ ખીણમાં ફરવા માટે જુલાઇ મહિનો યોગ્ય રહેશે અને 4-5 દિવસ ખીણ ફરવા માટે યોગ્ય છે.
કેવી રીતે પહોંચશો કરસોગ -

રોડ માર્ગે શિમલા થઇને અને બીજો માર્ગ મંડીનો છે. શિમલાથી કરસોગ 106 કિ.મી અને મંડીથી 91 કિ.મી. છે. જો તમે રેલવેથી જવા માંગો છો તો સૌથી નજીકનું સ્ટેશન પંજાબનું કિરતપુર સાહેબ છે. હવાઇ માર્ગે મંડીથી 60 કિ.મી. દૂર ભુંતરમાં એરપોર્ટ છે.
આ ટિપ્સ પણ આવશે કામ
1.અહીં તમને ફાઇવ સ્ટાર રેસ્ટોરેંટ્સના બદલે નાની-નાની હોટલ જ જોવા મળશે. તાજા ફળો પણ અહીં તમને મળી જશે. જો તમે ખાવાને લઇને બહુ વિચારો છો તો પોતાની સાથે પેકેજ્ડ ફૂડ પણ લઇ જઇ શકો છો.
2.કારસોગમાં પણ બાઇકિંગની મજા લઇ શકો છો. હોટલમાંથી તેની વ્યવસ્થા થઇ જશે.
3. ટ્રેકિંગ કરો તો સારી ક્વોલિટીના શૂઝ પહેરો.
4. કારસોગમાં એટીએમની સુવિધા ઓછી છે એટલે પોતાની સાથે રોકડા લઇને જજો.
5. એડવાન્સમાં હોટલ બુક કરીને અહીં આવવાનું યોગ્ય રહેશે.