શ્રીનગરમાં હાઉસબોટમાં રિલેક્સ થઇને મેં હાઉસબોટના માલિક ગુલામને કહ્યું કે હું શ્રીનગર જોઇને ધરાઇ ગયો છું. હવે મારા કાશ્મીરના ગામડાઓ જોવા છે. તો મારે ક્યાં જવું જોઇએ?
તેણે તરત જવાબ આપ્યો, સોનમર્ગ, ગુલમર્ગ કે યુસુફમર્ગ.
“તેતો ઘણાં ક્રાઉડેડ છે કોઇ શાંત જગ્યા ખરી?”
“નરનાગ”.
મેં કાવાનો છેલ્લો ઘૂંટ ગળે ઉતાર્યો અને સામાન પેક કર્યો. દલ સરોવરથી શ્રીનગર બસ સ્ટેશનની બસ પકડી. તમે પ્રાઇવેટ કારમાં પણ નરનાગ દિવસની ટ્રિપ કે રાત્રી રોકાણ માટે જઇ શકો છો. ગુલામ (+919697384417) નરનાગમાં તમારા માટે વાહન અને રોકાણ માટે હોમસ્ટેની વ્યવસ્થા કરી આપશે. હું સોલો ટ્રાવેલર હોવાથી એટલે કે એકલો ફરવા નીકળ્યો હોવાથી મેં બસ પકડી. નરનાગ શ્રીનગરથી 50 કિ.મી. દૂર કારગીલ જવાના રસ્તે આવે છે. બસ તમને કંગન સુધી લઇ જશે. જે નરનાગથી 14 કિમી. દૂર છે. ત્યાંથી તમે શેરીંગ ટેક્સી કરીને નરનાગ જઇ શકો છો. શ્રીનગરથી કંગન વચ્ચે ઘણી બસો દોડે છે પરંતુ તે ત્યારે જ ઉપડે છે જ્યારે તે અડધા ઉપરાંત ભરાઇ ન જાય. વળી તે વારેઘડીએ ઉભી પણ રહે છે. તેથી નરનાગ ઝડપથી પહોંચવું હશે તો શક્ય નહીં બને. કંગન જવા માટે છેલ્લી શેરિંગ ટેક્સી તમને સાંજે 4 વાગે મળશે.
ઓછી જાણીતી ખીણની ઉંડી જાણકારી
Day 1
કંગન
શ્રીનગરથી કંપનની બસની મુસાફરીમાં તમને કાશ્મીરના ગામડાઓની સુંદરતા જોવા મળશે. આ સુંદરતા કોઇ બ્રોશરમાં તમને જોવા નહીં મળે. ખેતરમાં ટ્રેડિંશનલ કાશ્મીરી પોષાકમાં કામ કરતા પુરુષો અને હિજાબ બાંધેલી મહિલાઓ તમને જોવા મળશે. લાકડાના ઘરોમાંથી બહાર નીકળતો ધુમાડો. નાના ગામડાઓ અને સ્થાનિક માર્કેટ. વારંવાર ઉભી રહેતી બસમાં ચડ-ઉતર કરતાં મુસાફરો જેમની પાસે હોય છે તેમના જીવનજરૂરિયાતની ચીજો. જેવા તમે સિંધ નદીં પસાર કરશો તમને સુંદર પર્વતમાળો જોવા મળે છે. અહીં પ્રવેશતા જ તમને દલ લેક અને શિકારાથી દૂર ખીણમાં ઉંડે સુધી મુસાફરી કરી રહ્યા છો એવી લાગણી થશે.
બસમાં કંગન જવામાં બે કલાક થાય છે. નસીબજોગે નરનાગ જવા માટે ટાટા સુમો મળી. નરનાગ પર્વતોથી ઘેરાયેલું એક નાનકડુ ગામ છે. અહીં રસ્તાઓ અનેક પ્રકારના વળાંકવાળા અને જોખમી છે જેથી અનુભવી ડ્રાઇવર જ આ રસ્તે ગાડી ચલાવી શકે છે. જો કે મુસાફરોમાં ડ્રાઇવર જેટલો કોન્ફિડંસ હોતો નથી. મારી પાછળની સીટમાંથી એક મુસાફરે બુમ પાડી. “8 લોકોની સુમોમાં તે 14 જણને બેસાડ્યા છે અને એક મરઘી પણ છે. બધાની જિંદગીની જવાબદારી તારા પર છે. કંઇક થશે તો અલ્લાહને શું મોંઢું બતાવીશુ.
નરનાગ મંદિર
સ્વર્ગ જેવી જગ્યા
કંગનથી નરનાગ જવાના રસ્તામાં પણ તમને ઠેકઠેકાણે કુદરતનો કમાલ જોવા મળે છે. લીલાછમ ખેતરો, આમતેમ દોડતી મરઘીઓ, રોડના ખૂણે ઉભેલા નિર્દોષ બાળકો, બાળકોને કેડ પર તેડીને ઉભેલી મહિલાઓ, ખચ્ચરની પીઠ પર લાકડાના ભારા મૂકીને હંકારી જતા શોલ ઓઢેલા તેમના માલિકો. તમને આખા રસ્તે જોવા મળે છે.
નરનાગ અલૌકિક સુંદરતા ધરાવે છે. તે પર્વતોની ચારેબાજુ ગાઢ જંગલથી ઘેરાયેલું છે. મે મહિનામાં પણ દૂર પર્વતોમાં તમને બરફની ચાદર પથરાયેલી જોવા મળે છે. ગામમાં 100 કરતાં પણ ઓછા ઘરો છે જેના બેકગ્રાઉન્ડમાં તમને લીલો રંગ જોવા મળે છે. મોટાભાગના ઘરોમાં ગ્રે રંગના પથ્થરો જ્યારે બાકીના લાલ, ભૂરા, વાદળી કે અન્ય ઉજળા કલરથી રંગાયેલા જોવા મળે છે. ગામની નજીકથી નદી પસાર થાય છે.
નરનાગમાં ઉતરતાની સાથે જ મને ઘણી ખુશી થઇ. શ્રીનગરથી ફક્ત 50 કિ.મી. દૂર આવ્યો હોવા છતાં જાણે કોઇ અલગ જ દુનિયામાં આવી ગયો હોઉં તેની લાગણી થઇ. મેં એક ટી-સ્ટોલ પર ચાનો ઓર્ડર કર્યો.
આપણે ભાઇઓ છીએ
જેવો મેં ચાનો કપ ઉચક્યો તેવો જ ચાવાળો બોલ્યો, ક્યાંથી આવો છો?”
“ગુજરાત”.
“ઓહો, ઘણું સુંદર. તો તો આપણે ભાઇઓ થયા. કારણ કે અમે પણ એ જ ધરતીના પુત્ર છીએ. તેણે હસીને જવાબ આપ્યો.
મેં પૂછ્યું, “ ખરેખર, પરંતુ કેવી રીતે?”
તેણે હળવેથી મુસ્કરાઇને કહ્યું, “ અને ગુજ્જરો મૂળ ગુજરાતના છીએ. અમારા વડવાઓ પશુપાલન સાથે સંકળાયેલા ભરવાડો હતા જેઓ ઘણાં વર્ષો પહેલા ગુજરાત છોડીને અહીં આવ્યા હતા. પંરતુ અમારુ મૂળ ગુજરાત છે”.
મને તેની આ વાત સાંભળીને આશ્ચર્ય થયું. આ અલગાવવાદી રાજ્યના લોકો ભારત સાથે પણ જોડાવા નથી ઇચ્છતા પરંતુ એક ગામડાનો વ્યક્તિ જેણે કદી ગુજરાતની મુલાકાત નથી લીધી તેને તે પ્રદેશના હોવાનો ગર્વ છે. મોટાભાગના ગ્રામ્યવાસીઓનો મત પણ કંઇક આવો જ હતો. તેમની દ્રષ્ટિએ તો હું તેમની પ્રાચીન ધરતીનો ભાઇ હતો. આ ગામડાના લોકો સાથે થોડોક સમય ગાળ્યા પછી મને જાણવા મળ્યું કે તેઓ હિમાચલની સરહદેથી સ્થળાંતર કરીને આવ્યા હતા.
ગુજ્જર વ્યક્તિએ પાસેથી પસાર થતી બીજી વ્યક્તિને ગુજ્જરી ભાષામાં કંઇક કહ્યું. તેણે જે કહ્યું તેની મને ખબર પડી કારણ કે તે મારા જિલ્લાની કચ્છી ભાષામાં બોલ્યો હતો. વર્ષો પહેલા તેઓ તેમના ઘેટા-બકરાં સાથે કચ્છી ભાષા પણ કાશ્મીર લાવ્યા હતા. કચ્છી ભાષા ફક્ત કચ્છમાં જ બોલાય છે. ગુજરાતના અન્ય ભાગના લોકો તો તેને સમજી પણ શકતા નથી. છતાં આ ભાગમાં હજુ કચ્છી ગુજ્જરી તરીકે બોલાય છે.
નરનાગ અને તેના રત્નો
3 બાળકો મારી નજીક આવ્યા અને મને ગામ બતાવવાની ઓફર કરી. હું તેમની સાથે ગયો. અમે સૌ પ્રથમ નરનાગ મંદિર પહોંચ્યા. ઇતિહાસકારો અનુસાર આ મંદિર 8મી સદીમાં કાયસ્થ નાગા કરકોટા વંશના શાસક લલિતાદિત્યે બનાવ્યું હતું અને તે ભગવાન શિવને સમર્પિત છે. 11મી અને 12મી સદીમાં તે સમયના મુગલ શાસકોએ આ મંદિરનો ખંડિત કર્યું. આજે આ મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની એક શાનદાર ધરોહર છે.
અહીં ઠેકઠેકાણે વોટરફોલ, બરફ આચ્છાદિત પર્વતો, નદીઓ, ઝરણાં જોઇ શકાય છે. હું ગામમાં લટાર મારતો હતો. જ્યાં મેં રંગીન ઘરો અને ઘરોની બહાર બેઠેલા ગ્રામજનોને જોયા. મને જોઇને તેઓ મને ક્યાંથી આવ્યો છું અને કોણ મને લઇને આવ્યું વગેરે પૂછતા. તેઓએ મને મીઠુ નાંખેલી ચા અને રોટલી ઓફર કરી.
બીજી એક આશ્ચર્યજનક વાત એ હતી કે મહિલાઓ પણ મારી સાથે વાત કરવામાં કે ફોટા પડાવવામાં સંકોચ નહોતી રાખતી. તેમના બાળકોએ પણ મારી સાથે સંખ્યાબંધ ફોટો પડાવ્યા. ઘણાં બાળકોના ભૂખરા વાળ અને બ્લૂ આંખો હતી. તેઓ માને છે કે તેઓ મધ્ય એશિયામાંથી ભારતમાં આવેલા આર્ય લોકો છે.
નરનાગમાં કોઇ હોટલ કે રેસ્ટોરન્ટ્સ નથી. એક ચાનો સ્ટોલ છે અને બે જનરલ સ્ટોર છે. હોમ સ્ટે માટે તમે શ્રીનગરના હાઉસબોટના માલિક ગુલામ (+919697384417), નો સંપર્ક કરી શકો છો. અથવા તમે સીધો જ હું નરનાગમાં જે ઘરમાં રોકાયો હતો તે જાફર (+919858454621/+919697369347)નો સંપર્ક કરી શકો છો. તેનું ઘર સુંદર છે જ્યાં તમને આરામદાયક બેડ અને ગરમ ધાબળો મળશે. અહીં તમને ભોજન પણ મળશે. જાફર એક પ્રોફેશનલ ટ્રેકિંગ ગાઇડ છે જે લોકોને હરમુખ પર્વત અને ગંગબાલ લેકમાં ટ્રેકિંગ કરાવે છે. તે બે દિવસથી લઇને એક સપ્તાહનું ટ્રેકિંગ કરાવે છે. તેનો સ્વભાવ ઉષ્માભર્યો, ફ્રેન્ડલી છે અને તે એક હોંશિયાર વ્યક્તિ અને પર્વતારોહી પણ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો