સ્વાતંત્ર્ય દિવસ પર નામ...નમક...નિશાનની કહાની સાથે માણો પર્યટનનો આનંદ. દિવસને બનાવો લાઈફટાઈમ મેમરી.
દરેક ભારતીયના દિલમાં દેશ માટે ગૌરવ અને રાષ્ટ્રપ્રેમની ભાવના તો અચૂક જોવા મળે...અને આ લાગણી ડબલ થઈ જાય જ્યારે સ્વાતંત્ર્ય દિવસ પર કે પછી ગણતંત્ર દિવસ પર તિરંગાને શાનથી લહેરાતો જુએ...અને આવીજ કંઈક લાગણી થાય જ્યારે દેશની સરહદોના રખવાળા એવા જાંબાઝ અને નિષ્ઠાપુર્વક ફરજપાલન કરતા જવાનોના શૌર્ય અને બલિદાનની શ્રેષ્ઠ ભાવના જોઈએ. તો ચાલો આજે જઈએ નામ, નમક, નિશાનની કહાની અને સરહદ ગાથા જાણવા અને દેશના જવાનોના સરહદી શૌર્યના દર્શન કરવા...નડાબેટની મુલાકાતે...
નડાબેટનું ઐતિહાસિક મહત્વ
નડાબેટના ઈતિહાસની વાત કરીએ તો 1971માં થયેલા ભારત-પાક યુદ્ધમાં બીએસએફ દ્વારા આ વિસ્તારમાં બહાદુરી અને શૌર્યનું અદભુત પ્રદર્શન કરી 1 હજાર ચો. કિમીથી વધારે પાકિસ્તાનની સીમામાં ઘુસીને તેના પર કબજો જમાવી દીધો હતો, જે બંને દેશ વચ્ચે થયેલી સિમલા સમજૂતી બાદ પાકિસ્તાનને પરત કરેલો, યુદ્ધમાં વપરાયેલા મિગ 27 વિમાન અને ટી 55 ટેન્ક અહીં પ્રદર્શન રુપે મુકવામાં આવી છે.
નડાબેટ - સફરની શરુઆત..
બનાસકાંઠા જિલ્લાના સુઈગામના નડાબેટ પાસે ભારત –પાક ઝીરો પોઈંટ બોર્ડર આવેલી છે. નડાબેટની મુલાકાત લેવા માટે તમારે વહેલી સવારે તમારી સફરની શરુઆત કરી દેવી પડે... અમદાવાદથી નડાબેટ પહોંચવા માટે અંતર 260 કિમી છે એટલે લગભગ 4 થી 5 કલાકે નડાબેટ પહોંચી શકાય.
નડાબેટ સીમાદર્શન
T- જંક્શનથી ભારત-પાક સીમા સુધીનું અંતર 25 કિમી અને મુખ્ય સીમાથી માત્ર 150 મીટર છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા આ સીમાની રક્ષા કરવામાં આવે છે. સીમા પર જવા માટે એસી બસની સુવિધા અને ઈન્ફર્મેશન આપવા માટે અનુભવી ગાઈડ ઉપરાંત ઈન્ટરનેશનલ લેવલની સિસ્ટમ છે. પ્રવાસીઓ સીમાદર્શન માટે આવે ત્યારે સુરક્ષાદળો અને સેનાની સજ્જતાથી પરિચિત થાય તે માટે T- જંક્શનથી ઝીરો પોઈન્ટ સુધીના માર્ગ પર...અલગ અલગ જગ્યાએ પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઈલ, સરફેસ ટુ એર મિસાઈલ, T-55 ટેન્ક, આર્ટિલરી ગન, ટોરપીડો, મિગ 27 એરક્રાફ્ટ પણ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. તો નડાબેટની મુલાકાતે આવનારા પ્રવાસીઓ બોર્ડરનો આકાશી નજારો માણી શકે તે માટે વ્યૂઈંગ ડેકનું પણ નિર્માણ કરાયું છે. ટાવર પરથી પ્રવાસીઓ દૂર દૂર સુધી બોર્ડરનો નજારો માણી શકે છે....સરહદ પર પહોંચો એટલે સીમાની પેલે પાર પાકિસ્તાનનું નગરપારકર શહેર આવેલું છે જ્યાં સામે એક ટેકરી પર માતાજીનુ મંદિર પણ જોવા મળે જ્યાં મેળો ભરાતો હોય છે. તો સીમા પર બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવાયો છે જ્યાં બાળકો વિવિધ આઉટડોર ગેમ્સ રમી શકે છે...
નડાબેટનું ખાસ આકર્ષણ
નડાબેટ ખાતે વાઘાબોર્ડરની પેટર્ન પર બીએસએફના જવાનોની બહાદુરીની ઝલક જોવા મળે છે..માત્ર વાઘા બોર્ડર ભારત-પાકિસ્તાન સરહદની સીમા છે જ્યાં બંને દેશો ડ્રિલ રીટ્રીટ કરે છે અને લોકો તેને નજરોનજર નિહાળી શકે છે. ત્યારે નડાબેટમાં પણ આજ અનુભવ પર્યટકો કરી શકે છે. બીએસએફની બીટિંગ ધ રિટ્રીટ સેરેમની, ફ્યુઝન બેન્ડ, ઊંટ શો જોવાલાયક હોય છે.
પ્રવાસીઓના વધતા પ્રવાહને ધ્યાનમાં રાખીને ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા નડાબેટ ખાતે અલગ અલગ આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે...જેમાં નડાબેટ ખાતે પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, ઓડિટોરિયમ, લાઈટિંગ, સોલાર ટ્રી, સેલ્ફી પોઈંટ્સ, બાળકો માટે કિડ્ઝ એન્ડ ગેમિંગ ઝોન પણ બનાવવામાં આવ્યો છે...
વીર સૈનિકોની યાદગિરી સમાન અજય પ્રહરી સ્મારક ખાતે પ્રવાસીઓ શહીદો માટે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી શકે છે. તો સુંદર મજાના ભીંતચિત્રોથી શણગારેલું 30 ફુટ ઉંચુ T-જંક્શન સીમાદર્શન સંકુલનું સેન્ટર અટ્રેક્શન બની રહ્યુ છે. T-જંક્શન રાતના સમયે સૌરઉર્જાથી પ્રકાશિત થઈ જાય છે જ્યારે સોલાર ટ્રી ઝળહળી ઉઠે છે.
સરહદ ગાથા મ્યુઝિયમ
મ્યુઝિયમમાં જવાનો સરહદ પર કઈ રીતે 365 દિવસ ફરજ બજાવે છે તે દર્શાવતી તેમની સરહદી જીવનચર્યાની થીમ જોવા મળે છે. સૈનિકોના સ્ટેચ્યૂ મુકવામાં આવ્યા છે. ઉપરાંત ગુજરાતની સીમાઓ પર આવેલા ગામડાઓની રહેણીકરણી, ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતની મહાન પ્રતિભાઓ, બનાસકાંઠા જિલ્લા અને સુઈગામ, નડાબેટની ભૌગોલિક પરિસ્થિતી વિશેની જાણકારી, યુદ્ધમાં વપરાયેલા શસ્ત્રોનું પ્રદર્શન, નેવીના હથિયારો અને સબમરિન્સ વિશે જાણકારી, બીએસએફના સૈન્ય યુનિફોર્મ અને બીએસએફની સંગીત ટુકડીની ઝલક ઉપરાંત ઘણી મહત્વની બાબતો વિશે જાણકારી આપતા અલગ અલગ 6 ભાગ આવેલા છે આ મ્યુઝિયમમાં.
બોર્ડર સુધી જવાના 25 કિલોમીટરના રસ્તા પર દૂર દૂર સુધી રણ જ રણ જોવા મળે અને એમાં હરતા ફરતા ઉડતા યાયાવર પક્ષીઓ જેમાં રુપેરી પેણ, કરકરા, કુંજ પક્ષીઓ જોવા મળે, તો ઘુડખર પણ જોવા મળે..વન્યસૃષ્ટિમાં રસ ધરાવતા પ્રવાસીઓને મજા પડે તેવું સ્થળ છે. ખાણીપીણીના શોખીન પ્રવાસીઓ માટે મોટાભાગના વ્યંજનો બનાવતી દરેક કંપનીની સ્ટૉલ ફુડઝોનમાં મળી રહેશે.
સીમાદર્શનના કાર્યક્રમ ઉપરાંત અહીં 500 મીટર નજીક જ નડેશ્વરી માતાનુ મંદિર પણ આવેલુ છે જ્યાં દરવર્ષે હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે. નડેશ્વરી માતાના મંદિર પાસે વિસામાનું પણ નિર્માણ કરાયું છે તો નડેશ્વરીમાતાની પુજા દેશના જવાનો જ કરતા હોય છે.
એડવેન્ચર પાર્ક
એડવેન્ચર પાર્કમાં વ્યક્તિ દીઠ 300 થી 350નો અલગથી ખર્ચ થાય છે. એડવેન્ચર પાર્કમાં રોકેટ ઈન્જેક્ટર, હાઈ એન્ડ લો રોપકોર્સ, ફ્રીફૉલ, રોક ક્લાઈમ્બિંગ, રીપ્લેઈંગ, જાયન્ટ સ્વિંગ, હ્યુમન બંજી સ્લિંગશોટ, મેલ્ટડાઉન, બન્જી બાસ્કેટ, એર રાઈફલ શૂટિંગ રેન્જ, આર્મી કમાન્ડો કોર્સ, ઓફ રાઉન્ડ ટ્રેક, રણ સફારી, પેરામોટર જોયરાઈડ જેવી એડવેન્ચરસ અને રોમાંચક એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે.
નડાબેટ પહોંચવું કેવી રીતે ?
વિમાન માર્ગ- નડાબેટ પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ છે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ અમદાવાદ. ત્યારબાદ સડકમાર્ગે નડાબેટ જવાનું રહે છે.
રેલમાર્ગ- પાલનપુર જંક્શન રેલ્વેસ્ટેશન નડાબેટથી 112 કિલોમીટરના અંતરે આવેલું છે જો કે આબુરોડ રેલ્વેસ્ટેશન પણ નડાબેટની નજીક છે જે 153 કિમીના અંતરે આવેલું છે.
સડકમાર્ગ- બનાસકાંઠાના સુઈગામ પહોંચવા માટે સડક માર્ગે અમદાવાદ, ગાંધીનગર, ડીસા, પાલનપુર,મહેસાણા જેવા શહેરો જોડાયેલા છે.
ગુજરાતનાં મુખ્ય શહેરોથી નડાબેટનું અંતર
અમદાવાદ - 260 કિ.મી.
ગાંધીનગર -220 કિ.મી.
ડીસા - 140 કિ.મી.
પાલનપુર - 170 કિ.મી.
મહેસાણા - 160 કિ.મી.
પ્રવાસીઓ માટે ટિકિટના દર
નડાબેટ ખાતે આવનારા પ્રવાસીઓ માટે વ્યક્તિદીઠ એન્ટ્રી ફી 100 રુપિયા છે જ્યારે 12 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે 50 રુપિયા રાખવામાં આવ્યા છે. સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ માટે એન્ટ્રી ફી 50 રુપિયા છે. નડાબેટ જતા પહેલા એકવાર ટિકિટના દર અને સમય ઓફિશિયલ વેબસાઈટ પર જોઈ લેવા.
નડાબેટ સીમાદર્શનનો સમય
ટુરિસ્ટ પ્રવેશ - સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી
ટિકિટ કાઉન્ટર - સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી
ઝીરો પોઈંટ વિઝિટ - સવારે 9 થી સાંજે 4.30 સુધી
પરેડનો સમય - દરરોજ સુર્યાસ્ત પહેલા લગભગ સાંજે 6 વાગ્યે
મ્યુઝિયમનો સમય - સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી
મેમોરિયલનો સમય - સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી
ફુડકોર્ટ - સવારે 9 થી સાંજે 7.30 વાગ્યા સુધી
એડવેન્ચર એક્ટિવિટી - સવારે 10 થી સાંજે 7.30 વાગ્યા સુધી
AV એક્સપિરિયન્સઝોન-સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી
આર્ટ ગેલેરી - સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી
નડાબેટની મુલાકાત માટે કુલ 6 થી 8 કલાક જેટલો સમય લાગશે. ઝીરો લાઈન જઈને પરત ફરતા 3 કલાકનો સમય,પરેડ માટે લગભગ 1 કલાકનો સમય,વહેલી સવારે પહોંચીને નડેશ્વરી માતાના દર્શન કરી શકાય, T-જંક્શનમાં 1 કલાકનો સમય, મ્યુઝિયમમાં 2 કલાક જેટલો સમય થઈ શકે.
પ્રવાસીઓએ ખાસ ધ્યાન રાખવાની બાબત
- સીમાદર્શન માટે જનાર પ્રવાસીઓએ સરકારમાન્ય ID પ્રૂફ સાથે રાખવું ફરજિયાત છે.
- સોમવારના દિવસે સીમાદર્શન અને અન્ય જગ્યા બંધ રહે છે.
- હાલ અહીં રહેવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી.
- સીમાદર્શન માટે સરહદ સુધી જવા પ્રાઈવેટ વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ છે.
- સીમા પર વીડિયોગ્રાફીના પ્રોફેશનલ કૅમેરા લઈ જવા પર પ્રતિબંધ
- નડાબેટ સ્થિત ટિકિટ કાઉન્ટર કે ઓનલાઈન બુકિંગ દ્વારા મેળવી શકાય. અહીંથી ખાસ બૅન્ડ આપે છે જે હાથ પર પહેરવાના રહે છે.
તો મિત્રો માત્ર ફિલ્મોમાં સરહદ જોવાના બદલે વાસ્તવમાં ઈન્ટરનેશનલ બોર્ડરની મુલાકાત લેવી એ અનોખો અનુભવ સાબિત થઈ શકે. ભારત-પાકને અલગ કરતી સીમા પર સૈનિકોના શૌર્યનો તાદ્રશ્ય અનુભવ લેવો હોય તો બનાસકાંઠા જિલ્લાની ભારત-પાકિસ્તાનની નડાબેટ બોર્ડર પર્યટકો માટે જોવા અને માણવાલાયક સ્થળ બની ચુક્યું છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ હોય કે પછી સહેલાણીઓ...આ બોર્ડરની મુલાકાત અચૂક લે છે. તો તમે પણ આ લાઈફ ટાઈમ મેમરીનો અનુભવ લેવા પહોંચી જાવ નડાબેટ બોર્ડર પર...
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો