નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો

Tripoto
Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગરમીમાં ઠંડક મેળવવા માટે મોટાભાગે લોકો કાશ્મીર, હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોય છે. પરંતુ આ વેકેશનમાં મેં આમાંથી કોઇપણ જગ્યાનું બુકિંગ નહોતું કરાવ્યું એટલે ગુજરાતમાં કે ગુજરાતની નજીક ફરવા જવાનું વિચાર્યું. અને આ વિચારમાંથી જ જન્મ થયો ભગવાન મહાદેવના જ્યોર્તિલિંગના દર્શન કરવાનો.

હું સોમનાથ, નાગેશ્વર, ઉજ્જૈન, ઓમકારેશ્વરના તો દર્શન કરી આવ્યો છું પરંતુ ત્ર્યંબકેશ્વર જ્યોર્તિલિંગના દર્શન કરવાના બાકી હતા. ગુજરાતની નજીક હોવાથી પોતાની કાર લઇને પણ જઇ શકાય તેમ હતું. તેથી ત્ર્યંબકેશ્વરના દર્શને જવાનો પ્લાન બનાવ્યો. ત્ર્યંબકેશ્વર શિવજીનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. એક વહેલી સવારે કોઇપણ જાતના એડવાન્સ પ્લાનિંગ કે હોટલ બુકિંગ વગર સીધા જ ભોળાનાથના દર્શને જવાનું નક્કી કર્યું અને હું, મારી પત્ની અને પુત્ર સાથે કાર લઇને નીકળી પડ્યો મહાદેવના ચરણોમાં શીશ નમાવવા.

અમદાવાદથી કારમાં કયા રસ્તે જવાય

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

અમે અમદાવાદથી વહેલી સવારે પેટ્રોલ કારમાં ત્ર્યંબકેશ્વર જવા નીકળ્યા. અમદાવાદથી તમે બે રસ્તે ત્ર્યંબકેશ્વર જઇ શકો. એક છે વાપી થઇને જવાનો રસ્તો અને બીજા રસ્તે સાપુતારાથી નાસિક થઇને ત્ર્યંબકેશ્વર પહોંચી શકાય. બન્ને રસ્તા સારા છે અને કિલોમીટર કે કલાકમાં કોઇ ખાસ ફરક નથી પડતો. અમદાવાદથી ત્ર્યંબક 510 કિલોમીટર છે અને જતાં લગભગ તમને 10 કલાક થશે. જો તમારે ત્ર્યંબકેશ્વર જવું હોય તો અમદાવાદથી મુંબઇને નેશનલ હાઇવે પકડવાનો રહેશે. વાપીથી આગળ ભિલાડ, તલાસરી થઇને ચારોટી નાકાથી જ્વાહર તરફ ટર્ન મારવો પડશે. આ રસ્તે નાસિક નહીં આવે. જો સાપુતારા થઇને જશો તો નાસિક પહેલા આવશે ત્યારબાદ 30 કિલોમીટર પછી ત્ર્યંબક આવશે. અમે વાપી અને ભિલાડ થઇને ત્ર્યંબક પહોંચ્યા. રસ્તામાં હોટલમાં લંચ લીધું અને બપોરના સમયે ચા-નાસ્તો પણ કર્યો.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

ત્ર્યંબકમાં ભારે ભીડ અને ઉઘાડી લૂંટ

ત્ર્યંબકેશ્વર પહોંચીને સૌપ્રથમ ગાડીને પાર્કિંગમાં પાર્ક કરી. અહીં પાર્કિંગ ચાર્જ 100 રૂપિયા છે. જેમાં 24 કલાક તમે ગાડી રાખી શકો છો. ગાડી પાર્કિંગ કરીને અમે ભગવાન ભોળાનાથના દર્શન કરવા પગપાળા જ આગળ વધ્યા. અહીં એક વસ્તુ મારે ખાસ કહેવી છે કે જેવા તમે ગાડી પાર્ક કરશો કે ત્યાંથી જ મંદિરમાં ચઢાવવા માટે ફૂલ વેચનારા તમારી આગળ પાછળ ફરશે. 20 રૂપિયામાં તમને ફૂલોની ટોકરી પધરાવી દેશે. પરંતુ મારી સલાહ એ છે કે તમારે ભોળાનાથના શિવલિંગ પર ફૂલ જ ચઢાવવા હોય તો તે મંદિરની બહાર પણ મળી જશે. એટલે છેક પાર્કિંગથી ફૂલની ટોકરી ઉંચકીને ચાલવાની જરૂર નથી.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

અમારો પ્લાન એવો હતો કે અમે ત્ર્યંબકેશ્વર મંદિરમાં દર્શન કરીને પછી નાસિક જતા રહીશું અને ત્યાંજ કોઇ હોટલમાં રોકાઇ જઇશું પરંતુ ભોળાશંભુને તો કંઇક બીજુ જ મંજૂર હતું. જેવા અમે મંદિર પહોંચ્યા કે ત્યાં દર્શનાર્થીઓની લાંબી લાઇન જોઇને અમારા તો હાંજા જ ગગડી ગયા. એટલે શાંતિથી એક જગ્યાએ શેરડીનો રસ પીવા માટે બેઠા. શેરડીના રસવાળાએ કહ્યું કે તમારે જનરલ લાઇનમાં ઉભા રહીને દર્શન કરવા હશે તો 3 થી 4 કલાક થશે જ્યારે વીઆઇપી લાઇનમાં પૈસા ખર્ચીને દર્શન કરવા હશે તો જલદી નંબર લાગી જશે. અમને થયું કે આટલે દૂર આવ્યા છીએ તો વીઆઇપી ટિકિટ જ લઇ લઇએ. આમ વિચારીને અમે વીઆઇપી ટિકિટ લેવા ગયા તો ત્યાં પણ લાંબી લાઇનો જોઇને અમારે નિરાશ જ થવું પડ્યું. કારણ કે તેમાં પણ એક કલાક પછી જ નંબર લાગે તેમ હતો. વળી વીઆઇપી ટિકિટ લઇને દર્શન કરવા જઇએ તો પણ બીજો એક કલાક લાગે તેમ હતો. સ્થાનિકોનું કહેવું હતું કે રવિવાર, જાહેર રજાઓ, તહેવારો અને વેકશનમાં અહીં શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે. અમે રવિવારે પહોંચ્યા હોવાથી લાઇનમાં ઉભા રહેવા સિવાય કોઇ છૂટકો નહોતો.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

મંદિરની બહાર કેટલાક એજન્ટો ટિકિટ વેચતા હતા. વીઆઇપી દર્શનની ટિકિટનો ભાવ પ્રતિ વ્યક્તિ 200 રૂપિયા છે. પરંતુ આ એજન્ટો ખુલ્લેઆમ પ્રતિ વ્યક્તિ 500થી 600 રૂપિયામાં ટિકિટ વેચતા હતા. તેમને રોકનાર કોઇ નહોતું. મને લાગ્યું કે આ લોકોની સત્તાવાળાઓ સાથે મિલીભગત હતી. મારે 500 રૂપિયા ખર્ચવા નહોતા તેથી એક પ્રસાદ વેચનારાને પૂછ્યું તો તેણે કહ્યું કે વહેલી સવારે આવશો તો જલદી દર્શન થઇ જશે અને ખોટા પૈસા પણ નહીં ખર્ચવા પડે. પ્રસાદ વેચનારાની સલાહ માનીને અમે સવારે જ મંદિરના દર્શન કરવાનું વિચાર્યું.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

હોટલમાં પણ જગ્યા નહીં

ભોળાનાથના દર્શન તો ના થયા એટલે હોટલની શોધ ચાલુ કરી. મારી સલાહ એ છે કે જો તમારે ત્ર્યંબકમાં રોકાવું હોય તો એડવાન્સ બુકિંગ કરીને જ જજો. કારણ કે વેકેશનનો સમય હશે તો મંદિરની આસપાસ હોટલ કે ધર્મશાળા મળવી મુશ્કેલ પડશે. જો મળશે તો સુવિધાઓ પ્રમાણે ભાડું વધારે પડાવશે. અમે કેટલીક ધર્મશાળા, આશ્રમ જોયા જેમાં નોન એસી રૂમ 800 રૂપિયામાં મળતો હતો. હોટલમાં 1500થી 2000ના ભાવ ચાલતા હતા. પરંતુ રૂમ જોઇને નિરાશા જ મળતી. સારી હોટલમાં ડબલ બેડના એસી રૂમનો ભાવ 2500 રૂપિયા ચાલતો હતો. છેવટે અમે એક ધર્મશાળામાં નોન એસી રૂમમાં 1000 રૂપિયામાં રોકાયા. જેમાં સુવિધાઓ એવરેજ હતી.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

કુશાવર્ત કુંડ, નીલગિરી પર્વત

રૂમ પર થોડોક સમય આરામ કરીને અમે મુખ્ય મંદિરથી થોડાક આગળ કુશાવર્ત કુંડ જોવા ગયા. ગંગા દ્વાર ઉપર દેવી ગોદાવરી એટલે ગંગાનું મંદિર છે. મૂર્તિનાં ચરણોથી ટીપે-ટીપે જળ ટપકે છે, જે ત્યાં રહેલા એક કુંડમાં એકઠું થાય છે. અહીં પ્રચલિત કથા પ્રમાણે, પ્રાચીન સમયમાં બ્રહ્મગિરિ પર્વત ઉપર દેવી અહિલ્યાના પતિ ઋષિ ગૌતમ રહેતા હતા અને તપસ્યા કરતા હતા. ક્ષેત્રમાં અનેક એવા ઋષિઓ હતા, જેઓ ગૌતમ ઋષિની ઈર્ષ્યા કરતા હતા અને તેમને નીચા દેખાડવાની કોશિશ કરતા રહેતા હતા.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

એકવાર બધા ઋષિઓએ ગૌતમ ઋષિ પર ગૌહત્યાનો આરોપ લગાવી દીધો. બધાએ કહ્યું હતું કે આ હત્યાના પાપની માફી માટે દેવી ગંગાને અહીં લઇને આવવાં પડશે. ત્યારે ગૌતમ ઋષિએ શિવલિંગની સ્થાપના કરીને પૂજા શરૂ કરી દીધી. ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રકટ થયાં. ભગવાને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે ઋષિ ગૌતમે શિવજીને દેવી ગંગાને એ સ્થાને મોકલવાનું વરદાન માગ્યું. દેવી ગંગાએ કહ્યું કે જો શિવજી પણ આ સ્થાને રહેશે, ત્યારે જ તેઓ અહીં રહેશે. ગંગાના કહેવાથી શિવજી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં વાસ કરવા માટે તૈયાર થઈ ગયા અને ગંગા નદી ગૌતમી સ્વરૂપમાં ત્યાં વહેવા લાગી. ગૌતમી નદીનું એક નામ ગોદાવરી પણ છે.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

અમે આ જગ્યાના દર્શન કરીને નીલગિરી પર્વત જોવા ગયા. જેના માટે અમે મુખ્ય મંદિરથી રીક્ષા કરી. તમે પગપાળા પણ નીલ પર્વત પર જઇ શકો છો જેમા એક કલાક જેટલો સમય લાગશે. સાંજ પડી ગઇ હોવાથી અમે રીક્ષા કરી. તમે રીક્ષા કરશો તો 200 રૂપિયા થશે અને તે મુખ્ય મંદિરથી તમને પર્વત પર લઇ જશે અને પાછા તે જ જગ્યાએ ડ્રોપ કરી દેશે. નીલગિરી પર્વતનું ચઢાણ ખુબ અઘરું છે. રીક્ષા પણ માંડ ચડે છે. રસ્તા પણ તૂટી ગયેલા છે એટલે જો તમે પણ અમારી જેમ વાહન લઇને ગયા હોવ તો તમારુ વાહન નીચે જ રહેવા દઇને રીક્ષા કરી લેજો કે પગપાળા ઉપર ચડજો.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

નીલ પર્વત પર નિલામ્બિકા દેવી અને દત્તાત્રેય ગુરુનું મંદિર છે. થોડાક વર્ષો પહેલા અહીં અન્નપૂર્ણા માતાનું મંદિર પણ બાંધવામાં આવ્યું છે જ્યાંથી ફોટો કે સેલ્ફી લેવાની મજા આવશે. કારણ કે ત્યાંથી આસપાસના પર્વતોનું સુંદર દ્રશ્ય જોવા મળે છે.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi
Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

વહેલી સવારે ભોળાનાથના દર્શન

અમે વહેલી સવારે પાંચ વાગે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે લાઇનમાં ઉભા રહી ગયા. મંદિર સાડા પાંચ વાગે ખુલે છે એટલે જેવું મંદિર ખુલ્યું કે લોકોએ હર હર મહાદેવના જયઘોષ સાથે વાતાવરણને ભક્તિમય બનાવી દીધું. એક કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ ભગવાન શંકરના શિવલિંગના દર્શન થયા ત્યારે અમારો બધો થાક ઉતરી ગયો. ત્ર્યંબકેશ્વર મંદિર ખૂબ જ પ્રાચીન છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના-નાના શિવલિંગ છે. અહીં શિવલિંગ પર અરધા એટલે કે શાળુંકા નથી, જે જગ્યા પર ઓખલી જેવો ખાડો દેખાય છે. આ ખાડામાં અંગૂઠાના આકારના ત્રણ લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના લિંગ એટલે કે ત્ર્યંબકેશ્વર મહાદેવ બિરાજમાન છે, જેમાંથી મુખ્યત્વે ભગવાન શિવજીના લિંગને વિશેષ અભિષેક કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે ગર્ભગૃહમાં જઈને જ્યોર્તિલિંગ પર અભિષેક કરી શક્તા નથી. સામાન્ય શિરસ્તો એવો છે કે સ્નાન કરીને ધોતી પહેરીને આવનારા શ્રદ્ધાળુઓને જ ગર્ભગૃહમાં અભિષેક માટે પ્રવેશ આપવામાં આવે છે.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

મંદિરમાં પૂજાઃ-

શ્રી ત્ર્યંબકેશ્વર મંદિરમાં દિવસમાં ત્રણવાર પૂજા થાય છે, જેમાં સવારે 7.00થી 9.00 કલાક દરમિયાન, બપોરે 1.00 કલાકે અને સાંજે 7.00 થી 9.00 કલાક દરમિયાન પૂજા-વિધિ થાય છે. રાત્રે શયનઆરતી કરવામાં આવે છે. આ ઉપરાંત દર સોમવારે ભગવાન ત્ર્યંબકેશ્વરના પાંચ મુખની છાપ ધરાવતા ત્ર્યંબકેશ્વરના મહોરને લઈને બપોરે 3.30થી 5.30 કલાક દરમિયાન પાલખી નીકળે છે અને બાજુમાં કુશાવ્રત તીર્થમાં જાય છે, જ્યાં અભિષેક કરવામાં આવે છે અને પાલખી મંદિરમાં પરત આવે છે. દર વર્ષે શિવરાત્રિ, કાર્તિક પૂર્ણિમા અને દશેરાના દિવસે આ પાલખીમાં ભગવાન ત્ર્યંબકેશ્વરના સુવર્ણ મહોરાને બેસાડવામાં આવે છે. અમને સોમવારે દર્શન થયા હોવાથી જાણે કે અમારો દિવસ સુધરી ગયો હોય તેવી લાગણી થઇ.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

પંચવટી, નાસિક

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને અમે નાસિક પહોંચ્યા જ્યાં પંચવટીમાં સીતાગુફાના દર્શન કર્યા. પંચવટીની કથા આપણને રામાયણ કાળમાં લઈ જાય છે. જ્યાંથી આપણને ખબર પડે છે કે નાસિક નામ "નાશિકા" એટલે કે નાક પરથી પડ્યું છે. નાસિક એ જગ્યા છે જ્યાં લક્ષ્મણે શૂર્પણખાનું નાક અને કાન કાપી નાખ્યા હતા. રામાયણ સાથે જોડાયેલી પંચવટીની કથા આ પ્રમાણે છે, એવું કહેવાય છે કે જ્યારે માતા કૈકઈના કહેવા પર ભગવાન રામને 14 વર્ષનો વનવાસ મળ્યો ત્યારે ભગવાન રામ તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં નિવાસ કર્યો. પંચવટી પર્યટન સ્થળ માતા સીતાના હરણ માટે જાણીતું છે અને આ કારણથી પંચવટીને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર યાત્રાધામ માનવામાં આવે છે. પંચવટીમાં પાંચ વટવૃક્ષોને કારણે આ સ્થળનું નામ પંચવટી પડ્યું છે.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi
Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

કાલારામ મંદિર

સીતાગુફાની બાજુમાં જ કાલારામ મંદિર છે. પંચવટીનું ધાર્મિક કેન્દ્ર હોવા ઉપરાંત, કાલારામ મંદિરનું ઐતિહાસિક મહત્વ પણ છે. કાલારામ મંદિર કાળા પથ્થરોથી બનેલું છે અને આ મંદિરના નિર્માણમાં 32 ટન સોનાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કાલારામ મંદિરમાં ભગવાન રામની કાળી મૂર્તિ સ્થાપિત છે. ભગવાન રામની મૂર્તિની સાથે માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi
Photo of નાસિક-ત્ર્યંબકેશ્વરનો મારો પ્રવાસ, છેતરાવું ન હોય તો જતા પહેલાં આટલું ધ્યાન રાખજો by Paurav Joshi

કાલારામ મંદિરના દર્શન કરીને અમે અમદાવાદ તરફ પાછા ફર્યા.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads