શું કામ વિદેશની મુસાફરી મને ભારતથી વધુ નજીક લાવી?

Tripoto

ગત વર્ષની શરૂઆતમાં મેં જર્મની અને ફિનલેન્ડમાં આશરે 30 દિવસ જેટલો પ્રવાસ કર્યો હતો. મેં ભારતમાં પુષ્કળ પ્રવાસો કર્યા છે પણ આ મારો પ્રથમ વિદેશ પ્રવાસ હતો અને એ પણ આટલા લાંબા સમય માટે. હું ખૂબ જ રોમાંચિત હતી.

મારા પ્રવાસની શરૂઆત થઈ, મારો રોમાંચ સતત વધતો જ જતો હતો. પણ એકાદ અઠવાડિયામાં જ મને મારા વતનની ખૂબ યાદ આવવા લાગી. મિટ્ટી દી ખુશ્બુ, માણસોનો શોરબકોર, સ્વજનોની હૂંફ, આ બધું જ મને વિદેશમાં ભારતની યાદ અપાવતું હતું.

ઓટોરિક્ષા

અલબત્ત, વિદેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની ખૂબ સારી સુવિધા છે. ખૂબ જ આધુનિક પણ ખરી. પરંતુ સાચી મજા તો દેશી રિક્ષા તેમજ કાલી-પીળી ટેક્સીમાં જ છે એવું મને લાગ્યું. ગમે તેટલી સારી સગવડ હોય, પણ ઘરની બહાર નીકળતા જ સાવ આસાનીથી મળી જતી રિક્ષામાં બેસવા જેવી મજા ન આવી.

કરિયાણાની દુકાન

બંને દેશોમાં મને ગમે તેટલી સાદી કે નાની વસ્તુ, જેમકે પેન, જરુર પડી હોય તો ત્યાંનાં સ્ટોરમાં ખરીદવા જવું પડતું અને ત્યાં ઇલેક્ટ્રોનિક પેમેન્ટ તેમજ ચેકઆઉટ કરવાની એક લાંબી પ્રક્રિયા હતી. સાવ નાની વસ્તુ માટે આટલો સમય બગાડતી વખતે મને ભારતમાં બહુ જ નજીકના અંતરે આવેલી કરિયાણાની દુકાન અને તેના માલિક અંકલ બહુ યાદ આવ્યા.

ઘોંઘાટ

ભારતમાં રહીને અવાજ, કોલાહલ, શોરબકોર એટલો બધો પોતીકો લાગવા લાગ્યો છે કે મને વિદેશની નીરવ શાંતિ સાવ જ બોરિંગ લાગી રહી હતી! ભારતમાં ઘરની અંદર કે બહાર અનેકવિધ પ્રકારના લોકોનાં તેમજ વસ્તુઓનો અવાજ લગભગ 24 કલાક ચાલુ જ હોય છે અને વિદેશમાં મને સમજાયું કે આની પણ એક આગવી મજા છે.

માનવસંબંધો

વ્યક્તિગત રીતે મને બહુ ખાસ સામાજિક રહેવું પસંદ નથી. પણ હું જાણું છું કે દિલ્હીમાં હું ક્યાંય પણ જઈશ, હું કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરીને મારી સમસ્યાનું નિરાકરણ લાવી શકીશ. ભારતમાં જે માનવસંબંધો છે તે વિશ્વમાં બીજે ક્યાંય નથી એ વાત મેં સાંભળી હતી, યુરોપમાં માત્ર પોતાના કામથી મતલબ રાખનારા લોકો વચ્ચે રહીને મને આ વાત સમજાઈ પણ ગઈ!

નિયમોનો અભાવ

યુરોપમાં બધું ખૂબ જ વ્યવસ્થિત છે, ગોઠવાયેલું છે તેનું કારણ ત્યાંનાં અગણિત નિયમો છે. અલબત્ત, નિયમો તો ભારતમાં પણ છે જ, પણ તેને અનુસરનારા નાગરિકો નથી! યુરોપમાં મારે રોડ ક્રોસ કરવો અથવા મેટ્રો પકડવી જેવી સામાન્ય વસ્તુઓ કરતાં પહેલા પણ વિચાર કરવો પડતો કેમકે તમામ માટે અવનવા નિયમો છે!

ભૂલો કરવાની છૂટ

વિદેશમાં, ખાસ કરીને યુરોપમાં તમને ભૂલ કરવાની છૂટ નથી. આપણે ત્યાં ‘જુગાડ’ શબ્દોનો ઉદ્ભવ જ ત્યાંથી થયો છે કે કોઈ ભૂલ થાય કે પ્રશ્ન થાય તો તેનું બને એટલી સરળતાથી સમાધાન કરવું. તેવું વિદેશમાં નથી. જર્મનીમાં મેં એક માણસને ફૂલ-બોડી ચેકઅપ માટે લઈ જવાતા જોયો હતો કારણકે એરપોર્ટમાં સ્કેનરમાં અવાજ થયો હતો. અંતે જાણવા મળ્યું હતું કે તે તેના ખિસ્સામાંથી એક સિક્કો કાઢવાનું ભૂલી ગયો હતો.

દીદી અને ભૈયા, આપણું જીવન સરળ બનાવતા લોકો

જર્મની અને ફિનલેન્ડ બંનેમાં મેં સર્વિસ અપાર્ટમેન્ટમાં રહેવાનું નક્કી કર્યું હતું કારણકે હોટેલ્સ ખૂબ મોંઘી પડે તેમ હતી. અહીં કોઈ પણ મદદ વિના મારે ઘરની સાફ સફાઇ તેમજ રસોઈની કામગીરી કરવી પડતી. આવા સમયે મને મારા ઘરના કામવાળા અને હેલ્પર્સની ખૂબ યાદ આવી જતી હતી. માત્ર એક જ ફોન પર આપણને મદદ કરનારા અનેક લોકો હાજર થઇ જાય છે. અને તે સાચે જ આપણું જીવન સરળ બનાવે છે.

ભારત આવીને મેં મનોમન મારી મેઇડનો ખૂબ આભાર માન્યો અને તેને નાનકડી ભેટ પણ આપી!

સ્ટ્રીટ ફૂડ, હોમ ફૂડ- ધ બેસ્ટ ફૂડ!

મને ખાવા-પીવાનો ખૂબ જ શોખ છે અને નવી નવી જગ્યાએ કઈક નવું ટ્રાય કરવું ખૂબ પસંદ છે. મેં આ જ વસ્તુ યુરોપમાં પણ કરી અને મને ખૂબ મજા આવી. પણ સાથોસાથ મને ભારતમાં રસ્તા પર લારીમાં મળતી પાણી-પુરી, ફરસા સમોસાં અને ઇવન મમ્મીના હાથનું કારેલાનું શાક બહુ જ યાદ આવ્યું. યુરોપનું ખાવાનું મને સાવ ફિક્કું લાગતું હતું એટલે ઘરે પાછી ફરી ત્યારે મેં સૌથી પહેલું કામ સ્વાદિષ્ટ રાજમાં-ચાવલ અને બુંદી રાઈતું ખાવાનું કર્યું હતું.

વાજબી મેડિકલ સુવિધા

હું અતિ-ઉત્સાહી હોવાથી એક જગ્યાએ પડી ગઈ હતી અને મારા ઘૂંટણ છોલાઈ ગયા હતા. યુરોપમાં સાદી દવા કે ક્રીમ પણ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર નથી મળતું. પરિણામે મારે 70 યુરોની ડોક્ટરની અપોઇન્ટમેન્ટનો ખર્ચો કરવો પડ્યો હતો.

મને સૌ કોઈએ આ ટ્રીપ પર જતાં પહેલા યુરોપ વિષે અનહદ સારી સારી વાતો કરી હતી. અને સાચે જ, યુરોપ ખૂબ જ સુંદર અને સિસ્ટમેટિક છે. પણ જે જીવનધોરણ આપણે સૌ ભારતીયો મન ભરીને માણીએ છીએ તે ખરા અર્થમાં અજોડ છે!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads