હું ભારતમાં અનેક જગ્યાએ ટ્રેકિંગમાં જાઉં છું અને મને ત્યાં દેશભરમાંથી આવતા કેટકેટલાય નવયુવાનો મળે છે. મારા આવા જ એક ટ્રેકમાં મારી મુલાકાત ત્રણ યુવતીઓ સાથે થઈ હતી જેઓ અનુક્રમે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં રહેતી હતી. અમારી વચ્ચે ઘણી સારી મિત્રતા થઈ અને વાત વાતમાં તેમણે ગુજરાત ફરવાની ઈચ્છા દર્શાવી. એ સૌ તે જોવા માંગતા હતા કે દારૂ, બાર/પબ અને નોન-વેજ વગર ગુજરાતમાં ગુજરાતીઓ એવી તો શું મજા કરતાં હશે?
દિલ્હી, મુંબઈ અને બેંગલુરુની યુવતીઓને અમદાવાદ આવવા આમંત્રણ:
છેલ્લા ઘણા વર્ષોથી હું અમદાવાદ સ્થાયી છું. પ્રવાસનો શોખ પહેલેથી જ છે એટલે નિયમિત રૂપે અમદાવાદ હેરિટેજ વોકમાં ભાગ લીધો છે. થોડા દિવસો પછી ઉત્તરાયણ 2023 એક લોંગ વીકેંડ હતો જેમાં મેં એ ત્રણેયને અમદાવાદ આવવા આમંત્રણ આપ્યું. મારે તેમને પોળની ઉત્તરાયણ દેખાડવી હતી અને જૂના અમદાવાદમાં હેરિટેજનો અનુભવ કરાવવો હતો. મારી મિત્રોએ હોંશભેર મારું આમંત્રણ સ્વીકાર્યું અને તેઓ આવી પહોંચ્યા UNESCO દ્વારા પ્રમાણિત ભારતના એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી – અમદાવાદમાં!
ઉત્તરાયણને દિવસે સવારથી અમે નદીની પાર જૂના અમદાવાદ ખાતે પહોંચી ગયા હતા. અમે દિવસની શરૂઆત કરી આપણો પરંપરાગત અને છતાં પોપ્યુલર નાસ્તો ગાંઠિયા જલેબી ખાઈને. પોળની સંક્રાંતિ માણીને મારી ત્રણેય સખીઓ અભિભૂત થઈ ગઈ.
ગુજરાતી વાનગીઓની વિશેષતા:
અમે નક્કી કર્યું હતું કે આ 3 દિવસ અમારે ખાસ ગુજરાતની જ ખાસિયત કહી શકાય તેવી વાનગીઓની ખાણીપીણી કરવાની હતી. સૌથી પહેલા તો શાકાહારી વાનગીઓમાં આટ-આટલી વિવિધતા હોય છે એ જોઈને સૌને ખૂબ નવાઈ લાગી હતી. બધી જ વાનગીઓ તો સ્વાભાવિકપણે ટ્રાય ન થઈ શકે પણ મેં તેમને આપણા ભોજન અને ખોરાકની તમામ માહિતી આપવા પ્રયત્ન કર્યો.
અમે ખાવાની વાનગીઓ વિશે ઘણી ચર્ચા કરી અને આખરે એ નિષ્કર્ષ પર આવ્યા કે ગુજ્જુ લોકોને ચણાનો લોટ અને દહીં અતિ-પ્રિય છે! આવું નિષ્કર્ષ શું કામ આવ્યું, ખબર છે? ભાવનગરના ગાંઠિયા, સુરતી લોચો, વડોદરાના સેવ-ઉસળ કે સુરતના ખમણ – આ બધુ જ ચણાના લોટમાંથી બને છે. અને દહીં? તો આપણે આગલા દિવસે વધેલી રોટલી, રોટલો, ખિચડી કે પછી સેવ અથવા ગાંઠિયા આ તમામને જુદી-જુદી રીતે દહીંમાં વધારીને ભોજનમાં આરોગી શકીએ છીએ. એક્દમ સાચું તારણ છે ને?
અમદાવાદ હેરિટેજ વોક:
બીજા દિવસે વારો હતો ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત ખૂબ જ પ્રશંસનીય એવા અમદાવાદ હેરિટેજ વોકનો. અમે વહેલી સવારે ઊઠીને સ્વામિનારાયણ મંદિર પહોંચી ગયા. પોળ, ચબૂતરા, સાંકડી ગલીઓમાં ઉભેલા અદ્ભુત આર્કિટેક્ચર ધરાવતા મકાનો જોતાં જોતાં અમે રાણીનો હજીરો, સોની બજાર વગેરે ફરીને હેરિટેજ વોકના અંતિમ સોપાન એવી જામા મસ્જિદે પહોંચ્યા. મારી સખીઓને માન્યમાં જ નહોતું આવતું કે તેઓ આગલા દિવસે રાત્રે તે ઝગમગતા અત્યાધુનિક ‘મેટ્રો સિટી’માં ફરી રહ્યા હતા તે જ શહેરનો આ ભાગ હતો અને એટલે જ UNESCO દ્વારા તેને ‘હેરિટેજ સિટી’ના બહુમાનથી નવાજવામાં આવ્યું છે.
વિદેશી લોકો સાથે પોળમાં લટાર:
હેરિટેજ વોકમાં મને એક 60 વર્ષ કરતાં વધુ વયના કોઈ વિદેશી ભાઈ મળ્યા હતા જે અમદાવાદની પોળ અને તેના ઇતિહાસ વિશે જાણવા માંગતા હતા. એ વખતે ત્યાં તેમને અંગ્રેજીમાં પૂરતી માહિતી આપનાર કોઈ નહોતું એટલે મેં એ કામ કરવાનું નક્કી કર્યું. મેં તેમને આ શહેર, તેનો ઇતિહાસ અને તેના વર્તમાન વિશે અંગ્રેજીમાં બધુ જ જણાવ્યું. આ જોઈને એક પ્રમાણમાં યુવાન વિદેશી યુગલ પણ જોડાયું અને મેં તેમને પણ બધી વાતો જણાવી.
ભારતની અન્ય લોકપ્રિય જગ્યાઓ છોડીને ગુજરાત જ શું કામ?
યુરોપના ખૂબસૂરત માલ્ટા ટાપુ પરથી આવેલા એ યુગલને મેં સ્વાભાવિક ભાવે જ પ્રશ્ન કર્યો કે ભારતના પ્રમુખ પ્રવાસન સ્થળો જોવા હોય તો વિદેશીઓ આગ્રા, કાશ્મીર કે રાજસ્થાનનો પ્રવાસ કરે છે, અને જો ભારતની સંસ્કૃતિ જોવી હોય તો ઋષિકેશ, વારાણસી વગેરે જેવી જગ્યાઓ જોવા જતાં હોય છે. તો આવી તમામ લોકપ્રિય જગ્યાઓ છોડીને ખાસ ગુજરાત આવવાનું શું કારણ હોઈ શકે?
તેમણે મને જે જવાબ આપ્યો એ સાંભળીને એક ગુજરાતી તરીકે ખૂબ એટલે ખૂબ જ ગર્વ થયો.
તેઓ દર વર્ષે આખી દુનિયામાં અનેક જગ્યાઓ ફરવા જાય છે. ભારતમાં પણ તેઓ આ પહેલા 4 વાર આવી ચૂક્યા હતા અને ઘણી જગ્યાઓની મુલાકાત લીધી હતી. હવે મૂળ વાત એમ હતી કે ભારતના કોઈ પણ રાજ્યની કોઈ પણ જગ્યા હોય કે ભારત સિવાય દુનિયાનો બીજો કોઈ પણ દેશ – તેમણે એવી એક પણ જગ્યા નહોતી જોઈ જ્યાં કોઈ ગુજરાતી પ્રવાસી ન હોય. મિડલ ઈસ્ટ, દક્ષિણ એશિયા અને યુરોપના વિવિધ દેશોમાં પણ તેમને ગુજરાતી પ્રવાસીઓ મળ્યા હતા, અને મેક્સિકો જેવા દેશોમાં તેમને અમેરિકા રહેતા ગુજરાતીઓ મળ્યા હતા. એક પેશનેટ ટ્રાવેલ કપલ તરીકે તેમને ખૂબ નવાઈ લાગતી કે ગુજરાતીઓ એક એવો સમુદાય હતો જે તેમને આખી દુનિયામાં દરેક જગ્યાએ જોવા મળ્યો હતો. તો જે લોકો આખી દુનિયામાં પથરાયેલા છે અને ઉત્સાહભેર પ્રવાસ કરે છે એ ગુજરાતીઓ જે પ્રદેશમાંથી આવે છે તે મૂળ ગુજરાત પ્રદેશ કેવો હશે!
અને એટલે, પ્રવાસમાં અત્યંત અગ્રેસર એવા ગુજરાતીઓનું વતન એવા ગુજરાતને જોવા તેઓ એક મહિનાના ગુજરાત પ્રવાસે આવ્યા હતા!
ટ્રાવેલર તરીકે તેઓ મને કઈક શીખવી ગયા:
હું મારું વતન ભાવનગર છોડીને કામ અર્થે અમદાવાદ રહું છું પણ હું એક ટ્રાવેલર તરીકે હિમાલયના ટ્રેકિંગમાં જવા માટે ખૂબ જ ઉત્સાહી રહું છું. પણ આ યુગલ એક મહિનો ગુજરાતના તમામ નામાંકિત સ્થળોએ જવાના હતા. એમાં મારા વતન નજીક પાલિતાણા આવેલું અમારું ધાર્મિક સ્થળ શેત્રુંજય પણ આવી ગયું! મને તેમની પાસેથી આ જાણીને એક વાત સમજાઈ કે મારે દુનિયા જોવી છે, પણ સાથે મારા પોતાના પ્રદેશમાં આવેલી મહત્વની જગ્યાઓ પણ મારે આટલા જ ઉત્સાહભેર જોવી જોઈએ.
તો આવો હતો મારો દેશ-વિદેશના પ્રવાસીઓને આપણું અમદાવાદ બતાવવાનો અનુભવ! સાબરમતીના બે કાંઠે ધબકતું આ શહેર વિવિધતામાં એકતાનું આદર્શ ઉદાહરણ છે અને મને આનંદ સાથે ગર્વ થાય છે જ્યારે હું બહારના પ્રવાસીઓને આ શહેર અને તેની ખાસિયતો વિશે માહિતી આપવાનું માધ્યમ બનું છું. અમદાવાદ, અમદાવાદ છે!
માહિતી: કેમિલ ઘોઘારી
.
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ