અમદાવાદીઓને રાજસ્થાન નજીક પડે છે એટલે વીકેન્ડમાં કે નાના-મોટા વેકેશનમાં ઉદેપુર, આબુ બાજુ દોડ મુકે છે. કેટલાક ખાસ પેલેસ જોવા રાજસ્થાન જાય છે. પરંતુ શું તમને ખબર છે કે ગુજરાતમાં પણ એવા કેટલાક પેલેસ છે જે જોવાલાયક છે. એટલે આ તો પેલી કહેવતને સાર્થક કરે છે કે બગલમાં છોકરું અને ગામમાં ઢંઢેરો પીટવો. આપણે અહીં જ સારા મહેલ છે અને આપણે દોડીએ છીએ રાજસ્થાન. તો હવે પેલેસ જોવા માટે રાજસ્થાન જાઓ તો તેમાં કંઇ વાંધો નથી કારણ કે ત્યાંનું કલ્ચર પણ ઘણું રીચ છે પરંતુ ગુજરાતને પણ ના અવગણતા. અમે આજે તમને કેટલાક એવા પેલેસ વિશે જણાવીશું જે રાજસ્થાનના મહેલને પણ ટક્કર આપે તેવા છે. ચાલો શરૂઆત કરીએ....
ઓર્ચાર્ડ પેલેસ, ગોંડલ
ઓર્ચાર્ડ પેલેસને 1930-1940 ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું. એ સમયે ગોંડલ રિયાસતના શાહી મહેમાનો માટે આ પેલેસ બનાવવામાં આવ્યો હતો. આર્ટ ડેકો ફર્નિચર, પ્રાચીન વસ્તુઓ અને હસ્તકલાથી શણગારવામાં આવેલી સાત રૂમની હેરિટેજને હવે હોટલમાં રૂપાંતરીત કરવામાં આવી છે. ગુજરાતમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર છે.
ભગવતસિંહજી બાપુએ પોતે ગોંડલ શહેરમાં ઓચાર્ડ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું, નવલખો મહેલ તેમની વંશપરંપરાગત સંપતિ હતી પણ ઓચાર્ડ પેલેસનું નિર્માણ તેમના કાળમાં કરાવવામાં આવ્યું હતું. આજે ઓચાર્ડ પેલેસ હેરિટેજ હોટેલ તરીકે વિશ્ર્વ પ્રસિદ્વ છે. ખાસ કરીને બોલીવુડની અનેક નામી ફિલ્મોના અહીં શૂટિંગ થયાં છે. બોલિવૂડના કેટલાંય સ્ટાર માટે ઓચાર્ડ મનપસંદ જગ્યા છે. ઓર્ચાડમાં તો ‘હમ દિલ દે ચુકે હૈ સનમ’, ‘પ્રેમ રતન ધન પાયો’ સહિત અનેક હિન્દી ફિલ્મોના શૂટિંગ થયા છે.
ખીરાસરા પેલેસ, રાજકોટ
રાજકોટ સૌરાષ્ટ્રની રાજધાની હતી. રાજકોટથી 14 કિલોમીટર દૂર, ખીરાસરા ગામથી 150 ફૂટ ઉપર, 7 એકરમાં ફેલાયેલ ખીરાસરા પેલેસ કાઠિયાવાડનું અમૂલ્ય ઘરેણું છે અને આજે આ આલીશાન મહેલ હેરિટેજ હોટેલમાં રૂપાંતરીત થયેલો છે.આ પેલેસનું નિર્માણ ઠાકુર રણમલજીએ કર્યું હતું અને એ પછી ઠાકુર સૂરસિંહજી એ તેને એક ભવ્ય રૂપ આપ્યું હતું.
આઇના મહેલ, ભૂજ
કચ્છની ધરતીમાં આઈના મહેલ એ અદ્દભુત સ્થાન છે અને આ મહેલનું નિર્માણ જ 18મી સદીમાં થયું હતું. આ મહેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે. આ મહેલ ઇસ.1761માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો હતો. આ મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે.
આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામ સિંહ માલમ હતા. ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં આ મહેલ પૂર્ણ રીતે નાશ પામ્યો હતો. પણ આ મહેલના એક ભાગને વધારે નુકસાન થયું ન હતું. તેનું સમારકામ કરીને તેને પુનઃ સ્થાપિત કરરવામાં આવ્યો છે. આ ભાગમાં એક શયન ખંડ, સંગીત ખંડ, દરબાર ખંડ, અમુક પુરાતન વસ્તુઓ, ચિત્રો, શસ્ત્રો અને સિંહાસન આદિ સાચવીને મુકવામાં આવ્યાં છે. આ મહેલ પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર છે.
લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
સંસ્કાર નગરી વડોદરા શહેરમાં લક્ષ્મી વિલાસ પેલેસ એ વડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે. આ મહેલ ઇ.સ 1890 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશ પર બાંધવામાં આવ્યો હતો. આ મહેલ અતિ ભવ્ય છે અને ગુજરાતમાં આવો મહેલ ભાગ્યે જ જોવા મળે.આ મહેલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ₹27,00,000ના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. આ પેલેસ બકિંઘમ પેલેસ કરતાં ચાર ગણો મોટો છે.
દેવગઢબારિયા પેલેસ
દેવગઢબારિયાનો પેલેસ આકર્ષણનું કેન્દ્ર છે. ગોધરાથી 44 કિમીના દૂર અને દાહોદથી 54 કિમીના દૂર આવેલ દેવગઢ પનમ નદી પાસે સ્થિત છે. આજના સમયમાં પણ અહીંયા શાહી પરિવારોની ઘણી વિરાસતો હાજર છે અને આ વિરાસત જોવા જ લોકો આવે છે.
- 1904માં મહારાજા રણજિતસિંહ દ્વારા બનાવાયેલા આ મહેલને બનતાં વીસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
-આ મહેલમાં 60 થી 80 જેટલા વિવિધ રૂમ છે. મહેલમાં એક દરબાર હોલ અને 4 ઝરુખાઓ છે.
-મહેલનું બાંધકામ ઇન્ડિયન અને યુરોપીયન શૈલીમાં કરાયું છે.
-મહેલમાં કિંમતી સામાન મુકવા માટે ભોંયરું અને અન્ડર ગ્રાઉન્ડ રૂમ ઉપરાંત છુપા રસ્તાઓ પણ છે.
- મહેલની ફરતે કલા કારીગરીવાળો બગીચો અને વિવિધ વનરાજી છે.
- રાજમહેલના જુના બાંધકામ અને કલા કારીગીરીને કોઇ નુકસાન પહોંચાડ્યા વગર તેનું સમારકામ હાલના રાજવી દ્વારા કરાવવામાં આવ્યું છે.
- મહેલમાં રાજદરબાર ખંડ, જેલ, રાણીઓના ઝરૂખા છે.
-‘સાહેબ બીબી ગેગસ્ટર’ વગેરે ફિલ્મોનું શૂટિંગ અહીં થયું છે.
રણજીત વિલાસ પેલેસ, વાંકાનેર
વાંકાનેર મહારાજા રાજસાહેબ અમરસિંહજીએ 1907માં તેમના મિત્ર જામનગરના રાજવી જામ રણજીતસિંહજીના નામે રાજમહેલ બંધાવ્યો હતો. જેનું નામ મિત્રના નામ પરથી ‘રણજીત વિલાસ પેલેસ’ રાખ્યું હતું. ગઢિયા ડુંગર પર આસપાસના વિસ્તારમાંથી દેખાય એ રીતે આ પેલેસનું બાંધકામ કર્યું હતું. આ મહેલ બાંધતા 7 વર્ષ થયા હતા. વાંકાનેરની જ આસપાસની પથ્થરની ખાણમાંથી નીકળતાં સેન્ડસ્ટોનમાંથી બાંધકામ કરાયું હતું. જેમાં મહેલની અંદર બેલ્જિયમથી મંગાવેલા કાચ, ઇટાલિયન ઝુમર, મારબલ તથા બર્માથી ખાસ મંગાવાયેલુ લાકડું વાપર્યું છે. મહેલમાં 200 થી વધુ હન્ટીંગ ટ્રોફિઝ છે. કુલ 180 એકરમાંથી 20 એકરમાં બાંધકામ કરાયું છે. પેલેસના કમ્પાઉન્ડમાં જ વિન્ટેજ કાર ગેરેજ છે. જે કારના કાફલામાંથી એક કાર કાર્ટીયર શોમાં અને એક કાર પેબલ લીવમાં પ્રથમ નંબરે આવી હતી. એક સદીથી પણ વધુ સમયથી આ પેલેસ મિત્રતાની સાક્ષી પૂરે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો