એકલા ફરવું તો બહુ જ સરળ છે. પણ પરિવારજનોની સાથે ફરવા જવું અને તેમની ફરવાની પસંદગી ધ્યાનમાં લેવી તે ખૂબ મુશ્કેલભર્યું છે. બાળકોને મજા પડે તેવી જગ્યાઓ શોધવી એ તો લોઢાના ચણા ચાવવા જેવું કામ! જો તમે ઉત્તર પ્રદેશના પ્રવાસે હોવ અને બાળકોને ગમે તેવી જગ્યાઓની શોધમાં હોવ તો આ યાદી તમારું કામ સરળ બનાવી દેશે.
તાજમહલ, આગ્રા
આમ તો આ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે જેમાં બાળકો માટે વિશેષ કશું જ નથી. પણ તેના પરિસરમાં બનાવવામાં આવેલા બાગ બગીચાઓ અને ફુવારા પાસે રમવાની અને સમય પસાર કરવાની બાળકો તેમજ મોટાઓને ખૂબ મજા આવે છે.
સમય: સવારે 6 થી સાંજે 7 સુધી. શુક્રવારે બંધ.
એન્ટ્રી ફી: રૂ. 80
જનેશ્વર મિશ્રા પાર્ક, લખનૌ
લખનૌના ગોમતિપુર એક્સટેન્શનમાં બનેલા આ પાર્કમાં જશો તો એવું લાગશે કે જાણે આ પાર્ક માત્ર બાળકો માટે જ બનાવવામાં આવ્યો છે! જોકે આ તો તમામ ઉંમરના લોકોને મજા પડે તેવી જગ્યા છે. અહીં જોગિંગ, ગોલ્ફ જેવી વયસ્ક માણસોની એક્ટિવિટીઝ ઉપરાંત બાળકો માટે હીંચકાઓ અને બગીચા જેવી ખૂબ સારી વ્યવસ્થા છે. એટલું જ નહિ, અહીં એક તળાવ પણ છે જેમાં બોટિંગ સુવિધા પણ છે.
સમય: સવારે 5 થી રાતે 9
એન્ટ્રી ફી: 15 રૂ. , બોટિંગ ચાર્જ: 100 રૂ
બ્લૂ વર્લ્ડ થીમ પાર્ક, કાનપુર
અહીંની મુલાકાત લીધી હોય તેવા કોઈ પણ બાળકને તમે અહીંનો અનુભવ પૂછો, 10 માંથી 8 બાળકોનો જવાબ હશે: ‘શાનદાર’! અહીં બાળકોની મોજ-મસ્તીની સાથોસાથ તેમના માનસિક વિકાસ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બાગમાં ચીન, ઈજિપ્ત, મ્યાનમાર, યુરોપિયન સંસ્કૃતિની ઝાંખી દર્શાવવામાં આવી છે. અહીં વિવિધ હીંચકાઓને એકદમ ઘટ્ટ રંગથી રંગવામાં આવ્યા છે જે આ બાગને વધુ આકર્ષક બનાવે છે.
સમય: સવારે 10 થી સાંજે 7.30
એન્ટ્રી ફી: 700 રૂ
આનંદ ભવન, પ્રયાગ રાજ
આ જગ્યા એટલે કે જવાહરલાલ નહેરુના ઘરને એક પર્યટન સ્થળમાં બદલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ તો બે માળમાં બનેલા આ મકાનને નહેરુ અને ગાંધી પરિવારનું સ્મારક જ રાખવામાં આવ્યું છે, પણ બહાર બગીચામાં બાળકોને ગમે તેવી જગ્યા છે.
સમય: સવારે 9.30થી 5, સોમવારે બંધ
એન્ટ્રી ફી: બંને માળ માટે 70 રૂ
દૂધવા નેશનલ પાર્ક, લખીમપુર ખીરી
ભારત-નેપાળની સરહદ પર આવેલું દૂધવા નેશનલ પાર્ક નિશ્ચિંતપણે બાળકોને ખૂબ પસંદ આવશે. લખનૌથી 230 કિમી દૂર આવેલા આ નેશનલ પાર્કમાં હરણ, વાઘ, ચિત્તો, હાથી સહિત અનેક પ્રાણીઓ તેમજ પક્ષીઓ રહે છે. બાળકોને પ્રાણી-પક્ષીઓ વિષે જાણકારી આપવા માટે આ શ્રેષ્ઠ જગ્યા સાબિત થાય તેમ છે.
સમય: 6.30 થી 10.30, બપોરે 2.30 થી 5.30
ફી: 100 રૂ
રેલવે મ્યુઝિયમ, ગોરખપુર
ટ્રેન કોને પસંદ ન હોય? ગોરખપુરમાં બનેલા રેલવે મ્યુઝિયમમાં ભારતમાં રેલવેની શરૂઆતથી લઈને આધુનિક વિકાસ સુધીની તમામ વિગતો ખૂબ જ આકર્ષક ઢબે વર્ણવવામાં આવી છે. વળી, ટ્રેન ઉપરાંત અહીં કર્મચારીઓના યુનિફોર્મ, સ્ટેશન પર વપરાતી ઘડિયાળ, ફર્નિચર, વગેરે વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મતની મજા માણવા આ આદર્શ જગ્યા છે.
સમય: બપોરે 12 થી 9, સોમવારે બંધ
એન્ટ્રી ફી: 5 રૂ.