પ્રવાસના આયોજનની વાત આવે એટલે સૌ કોઈને વિચાર આવે ગોવા, મનાલી, કેરળ, ઉત્તરાખંડ, લદ્દાખ વગેરે જેવી જગ્યાઓનો. કેમકે બીચ તેમજ પહાડો એ કોઈ પણ જગ્યાના ટુરિઝમની વિકસાવવા માટે હોટ ફેવરિટ આકર્ષણ રહ્યા છે. પણ શું તમે ક્યારેય કોઈ ‘ગુફા’ની મુલાકાતે જવાની યોજના બનાવી છે?
જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી બાબા અમરનાથ પણ આમ તો એક ગુફા જ છે. પણ તે ગુફામાં આવેલા અદભૂત શિવલિંગને લીધે તેનું ધાર્મિક સ્થાન મુઠ્ઠી ઉચેરું બની જાય છે. પણ ભારતનાં અનેક રાજ્યો પાસે અતિ પ્રાચીન તેમજ અતિ ભવ્ય ગુફાઓનો અપ્રતિમ ખજાનો છે. ચાલો, જાણીએ!
ક્રેમ પુરીની ગુફાઓ મેઘાલય
મેઘાલયમાં આવેલી આ ગુફાને થોડા સમય પહેલા જ વિશ્વની સૌથી લાંબી ગુફા હોવાનું બહુમાન મળ્યું છે. આ લાઈમસ્ટોન કેવ્સ મેઘાલયમાં શિલોંગ, ચેરાપુંજી ઉપરાંત વધારાનું પર્યટક આકર્ષણ બની રહેશે તેમાં શંકાને સ્થાન નથી. આ ગુફા વિષે વિસ્તૃત લેખ અહીં વાંચો.
બાઘ તેમજ ભીમબેડકા ગુફાઓ, મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશ આમ તો અઢળક નેશનલ પાર્કસ માટે જાણીતું રાજ્ય છે, પણ અહીં આવેલી બાઘ તેમ ભીમબેડકા ગુફાઓ પણ ખાસ જોવા જેવી જગ્યાઓ છે. બાઘ કેવ્સ ઇન્દોર તેમજ ભીમબેડકા ભોપાલ નજીક આવેલી છે. બંનેમાં બૌધ્ધ ધર્મના અંશો જોવા મળે છે. ભીમબેડકા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં પણ સ્થાન ધરાવે છે.
ઉદયગિરી અને ખંડાગિરી ગુફાઓ, ઓડિશા
ઓડિશાની રાજધાની ભુબનેશ્વરથી માત્ર 10 કિમીના અંતરે આ અદભૂત જગ્યા આવેલી છે. જૈન ધર્મનો ઘણો જ પ્રભાવ ધરાવતી આ ગુફાઓમાં સ્ત્રીઓ, હાથીઓ, ખેલૈયાઓ વગેરેનું કોતરણી કામ જોવા મળે છે.
અજંતા-ઇલોરા તેમજ એલિફન્ટાની ગુફાઓ, મહારાષ્ટ્ર
ગુફાઓની વાત આવે એટલે આપણા મનમાં સૌથી પહેલા આ જ નામો આવે કારણકે ગુજરાતની નજીકમાં આવેલી આ ગુફાઓ ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ છે. એલિફન્ટા ગુફાઓ મુંબઈના દરિયાકિનારાથી 7 કિમી દૂર એક નાનકડા ટાપુ પર આવેલી છે જે માટે રોજ મુંબઈથી ફેરી મળી રહે છે.
અજંતા-ઇલોરાની ગુફાઓ ભૌગોલિક રીતે એક જ પરિસરમાં તો નથી પણ ઓરંગાબાદ શહેરનિ નજીક થોડા કિમીના અંતરે આવેલી છે. એક જ પથ્થરમાંથી બનેલું શિવ મંદિર- કૈલાશ મંદિર પણ અહીંની આગવી વિશેષતા છે. આ બંને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં પણ સ્થાન ધરાવે છે.
બેલમ, બોરા તેમજ ઊંડાવલ્લી ગુફાઓ, આંધ્ર પ્રદેશ
બેલમ ગુફાઓ કુરનુલ શહેર નજીક આવેલી છે જે ભારતની સૌથી ભવ્ય ગુફાઓમાંની એક છે. આ અંડરગ્રાઉન્ડ ગુફાની કુલ લંબાઈ 4 કિમી જેટલી છે જે પૈકી 1.5 કિમી સુધી પર્યટકો જઈ શકે છે.
બોરા ગુફાઓ પણ કુદરતી રીતે મળી આવેલી લાઈમસ્ટોન કેવ છે જે વિશાખાપટ્ટનમથી આરાકુ વેલી જતાં 90 કિમી જેટલા અંતરે આવેલી છે. આ ગુફામાં શિવલિંગ, પાર્વતી, માતા અને સંતાન તેમજ માણસનાં મગજ જેવી રચનાઓના અંશો જોવા મળ્યા છે.
ઐતિહાસિક વિજયવાડા એ ભારતનાં શ્રેષ્ઠ રાજ્યો પૈકીનું એક માનવામાં આવતું હતું. અહીં આવેલી ઊંડાવલ્લીની ગુફાઓમાં બૌદ્ધ તેમજ હિન્દુ ધર્મનાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા શિલ્પો જોવા મળે છે.
નેલ્લીતીર્થા અને બદામી ગુફાઓ, કર્ણાટક
કહેવાય છે કે મેંગલોર નજીક આવેલી નેલ્લીતીર્થા ગુફા પથ્થરમાંથી એ રીતે બનેલી છે કે તેમાંથી પસાર થવા માટે ઘૂંટણીયે બેસીને ચાલવું પડે છે.
વળી, બદામી ગુફાઓ તો કર્ણાટકનું એક મહત્વનું પર્યટન સ્થળ છે. આ ગુફામાં પણ હિન્દુ અને જૈન ધર્મનાં અંશો જોવા મળે છે જેમાં નૃત્ય કરતાં ભગવાન શિવ, મહિષાસુર મર્દિની, અર્ધ નારેશ્વર, ગણેશ, નરસિંહ, જૈન તીર્થંકર, જૈનોના ઈશ્વર વગેરેના ચિત્રો તેમજ શિલ્પનો સમાવેશ થાય છે.
વરાહા, ત્રિચી તેમજ સિતનવસલ ગુફાઓ, તમિલનાડુ
પલ્લવ વંશના સમયમાં ચેન્નાઈથી આશરે 41 કિમી દૂર મહાબલીપુરમ પાસે પથ્થરમાં કોતરણી કામ કરીને વરાહાની ગુફા આવેલી છે જે એક આકર્ષક પર્યટન સ્થળ છે. અહીં દ્રવિડ અને બૌદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
તીરુચિરાપલ્લીથી માત્ર 6 કિમી દૂર આવેલી ત્રિચી ગુફાઓ પલ્લવ, નાયક તેમજ મદુરાઇના ચોલા વંશના શાસકો દ્વારા બનાવવામાં આવી હતી.
અન્ય એક સિતનવસલ ગુફાઓ પણ તીરુચિરાપલ્લીથી એકાદ કલાકના અંતરે આવી છે જેનું નિર્માણ સાતમી સદીમાં થયું હતું તેવું માનવામાં આવે છે. આ ગુફામાં જીવંત બનાવવામાં આવેલા ચિત્રો અહીંના પ્રવાસીઓનું મન મોહી લે છે.
.