ગુજરાતીઓ માટે એક કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, ગુજરાતીઓ આજકાલ નહીં અંગ્રેજો આવ્યા તે પહેલાથી વેપાર અને ધંધા માટે પરદેશ જતા આવ્યા છે. ગાંધીજી પણ વકીલ થઇને પોતાનો પહેલો કેસ લડવા આફ્રિકા ગયા હતા. બ્રિટનના લંડન અને લિસેસ્ટરમાં બહોળા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે. પટેલ અટક ધરાવતા સૌથી વધુ 1.50 લાખ લોકો અમેરિકામાં અને એટલા જ બ્રિટનમાં રહે છે. લંડનમાં ફરવા માટે કેટલીક જગ્યાઓ ગુજરાતીઓની ફેવરિટ છે તો કેટલાક ફુડ પ્લેસિસ પર તમે ગુજરાતીઓને જોઇ શકો છો. તો આવો જાણીએ આવી જ કેટલીક જગ્યાઓ વિશે.
લંડનમાં ક્યાં જાય છે ગુજરાતીઓ
આમ તો બ્રિટનમાં કેટલીક પોપ્યુલર જગ્યાઓ છે જે અન્ય પ્રવાસીઓની સાથે જ ગુજરાતીઓમાં પણ લોકપ્રિય છે. પરંતુ સૌપ્રથમ આપણે મંદિરોની વાત કરીએ તો ઇસ્કોન મંદિર, BAPSનું લંડનમાં આવેલું મંદિર, કિંગ્સબરીનું સ્વામિનારાયણ મંદિર અને વેમ્બલીનું શ્રી સનાતન મંદિરમાં ગુજરાતીઓ વાંરવાર જાય છે.
બકિંગહમ પેલેસ
લંડનમાં આવેલું બકિંગહમ પેલેસ રાજઘરાનાનું રૉયલ પેલેસ છે, જે વિશ્વનું સૌથી કિમતી અને મોંઘુ ઘર માનવામાં આવે છે. લગભગ 300 વર્ષ પહેલા ડ્યૂક ઑફ બકિંગહમ જોર્જ ત્રીજા લંડનમાં રહેવા માટે તેને ઘર તરીકે બનાવડાવ્યું હતું. લગભગ 100 વર્ષ પછી એટલે કે 1837માં મહારાણી વિક્ટોરિયાના શાસનકાળમાં તેને મહેલ બનાવી દેવામાં આવ્યો અને ત્યારથી જ બકીંઘમ પેલેસ બ્રિટિશ રાજઘરાનાનું અધિકૃત શાહી મહેલ બની ગયું. આ રાજમહેલમાં કુલ 775 રૂમ છે, જેમાં 52 શાહી ઓરડા છે. આ મહેલનો કુલ વિસ્તાર 77 હજાર ચોરસ મીટર છે. મોટી સંખ્યામાં ભારતીયો આ જગ્યાએ આવે છે.
ટાવર ઓફ લંડન
ટાવર ઑફ લંડન એ થેમ્સના કાંઠે આવેલો નાનકડો કિલ્લો છે, જેની વચ્ચે ટાવર આકારનો મહેલ છે. હજારેક વર્ષ પહેલા ઈસવીસન 1078માં વિલિમય ધ કોન્કરર નામના સમ્રાટે તેનું બાંધકામ કરાવ્યું હતું. બ્રિટનના રાજ ગુનેગારો, ગદ્દારોને અહીં કેદ કરાતા, સજા કરાતી. આ જગ્યાએ પણ ગુજરાતીઓ મોટી સંખ્યામાં આવે છે. અન્ય એક આકર્ષણ અહીંનો ટાવર બ્રિજ પણ છે. અહીં થેમ્સ નદીના કિનારે બે 200 ફૂટના મોટા ટાવર છે. ટાવર બ્રિજનું પ્રવાસીઓમાં ખાસ્સું આકર્ષણ છે.
લંડન આઇ
લંડનમાં આવેલું એક વિરાટ ચકડોળ (જાયંટ વ્હીલ/ ફેરિસ વ્હીલ) છે. થેમ્સ નદીના કાઠા પરનું આ લંડન આઇ એ યુનાઇટેડ કિંગડમ ખાતેનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ તેમજ લંડન શહેરના સર્વ પ્રસિદ્ધ સ્થળ પૈકીનું એક માનવામાં આવે છે. અહીં આખા વર્ષ દરમિયાન આશરે ૩૫ લાખ પર્યટકો મુલાકાતે આવે છે.
થેમ્સ નદીના કિનારે વિશાળકાય ફેરસ વ્હીલને આમ તો પાંચ વર્ષ માટે બનાવાયું હતું પરંતુ પર્યટકોમાં તેની ભારે લોકપ્રિયતાને જોતા તેને હટાવવાનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો. લંડન આઇની એક કેબિનમાં 20-25 લોકો આરામથી બેસી શકે છે. લંડન આઇ લંડન શહેરનું એક વિંહગમ દ્રશ્ય રજુ કરે છે. આ વ્હીલ લગભગ અડધો કલાકમાં એક ચક્કર પૂર્ણ કરે છે. અહીંથી લંડનના બધા જાણીતા પર્યટન સ્થળો નજરે પડે છે.
બિગ બેન
જો તમે લંડનમાં છો અને બિગ બેન નથી જોયું તો સમજી લો કે તમારી લંડનની યાત્રા અધૂરી છે. આ લંડનના વેસ્ટમિસ્ટર પેલેસના ઉત્તરી ભાગમાં એક મોટી ઘડિયાળ છે. આ દુનિયાની સૌથી મોટી ચાર મુખમંડલવાળી ઘંટાનાદ ઘડિયાળ અને ત્રીજી સૌથી મોટી સ્વતંત્ર રીતે સ્થિત ક્લોક ટાવર છે. આ ઘડિયાળની શરુઆત 31 મે, 1859ના રોજ થઇ હતી. આ લંડનની સૌથી ફેવરિટ ટૂરિસ્ટ સ્પૉટમાંની એક છે.
મેડમ તુસાદ મ્યુઝિયમ
આ મ્યૂઝિયમને જોવાનો એક અલગ જ અનુભવ છે. આ સંગ્રહાલયમાં પ્રસિદ્ધ હસ્તીઓના મીણના પુતળા છે. જેમાં નરેન્દ્ર મોદી, ચાર્લી ચેપ્લિન, બીટલ્સ, ડેવિડ બેકહમ, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, માધુરી દિક્ષિતનો સમાવેશ થાય છે.
માનચેસ્ટર
અહીં જગવિખ્યાત કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય છે. કેમ્બ્રિજ વેકેશન મનાવવા માટે પર્યટકોમાં ખાસ્સુ લોકપ્રિય છે. અહીં ઘણાં બધા પાર્ક અને ખુલ્લી જગ્યા જોવા મળશે જેમાં તમે ચાલવા, સાઇકલ ચલાવવા જેવી પ્રવૃતિ કરી શકો છો. અહીં સૌથી વધુ સંખ્યામાં સંરક્ષિત સ્મારક છે.
ગુજરાતીઓના અન્ય ફરવાના સ્થળો
બ્રિટીશ મ્યૂઝિમય, હાઉસ ઓફ પાર્લામેન્ટ, નેશનલ ગેલેરી, પિકાડેલી સર્કસ, ટ્રાફલ્ગર સ્ક્વેર, હાઇડ પાર્ક, ચર્ચિલ વોર રુમ વગેરે ફરવાના જાણીતા સ્થળો બ્રિટનમાં છે.
ફૂડ અને શોપિંગ
લંડનમાં ગુજરાતીઓને શોપિંગ કરવા અને વેજીટેરિયન ફૂડ માટે પણ અનેક સ્થળો છે. જેમાં ગુજરાતી થાળી, પાઉંભાજી, સમોસા, દાલબાટી સહિત તમામ પ્રકારનો ગુજરાતી ટેસ્ટ મળી રહે છે. લંડનનું કેમડેન માર્કેટ ઘણું જ ભીડભાડ ધરાવતો વિસ્તાર છે. અહીં 1000થી પણ વધુ દુકાનો, સ્ટોલ, રેસ્ટોરન્ટ્સ, ફાસ્ટફૂડ આઉટલેટ્સ અને મનોરંજનના સાધનો આવેલા છે.
કેમડેન માર્કેટમાં તમે હાથથી બનાવેલી જ્વેલરી પણ મળે છે. આ સિવાય મધ્ય લંડનમાં આવેલું બોરો માર્કેટ પણ ગુજરાતીઓમાં ફેવરિટ છે. અહીં ખાણીપીણીના અનેક સ્ટોલ આવેલા છે. અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવવા પાછળનું કારણ એ છે કે તેની નજીકમાં લંડન બ્રિજ છે. ઓલ્ડ સ્પિતાફિલ્ડ માર્કેટ પણ પ્રવાસીઓમાં જાણીતું છે અહીં ફુલો, એન્ટિક જ્વેલેરી, આર્ટ સહિત ઘણું મળી રહે છે.
ગુજરાતીઓનો ફૂડ ઝોન
વેમ્બલી મેન એક ગુજરાતી વિસ્તાર છે જ્યાં મોટા પ્રમાણમાં ગુજરાતીની દુકાનો આવેલી છે અને તેના નામ પણ પોપટ, રેકડી, પાણીપુરી, આશાપુરા, જમાવટ જેવાછે. અહીં જલારામ થાળ, ઉપહાર, રામ, મુંબઈ લોકલ, આહાર જેવી હોટલો છે. અમદાવાદ, રાજકોટ કે સુરતની જેમ અહીં પણ તમને ઢોકળા, સમોસા, ખાંડવી, ખમણ સહિતના ફરસાણ અને મોહનથાળ, ગુલાબજાંબુ, કાજુ કતરી, રસગુલ્લા સહિતની મીઠાઇઓ પણ જોવા મળશે.
આ ઉપરાંત, લંડનના અલગ અલગ વિસ્તારોમાં આવેલી શાકાહારી રેસ્ટોરન્ટ્સ જેવી કે મીરા વિલેજ, સાકોનિસ, બોમ્બે સ્પાઇસ નાસ્તા હાઉસ, પ્રદિપ્સ, શાયોના, રોનક, એશર્સ આફ્રિકાના ગુજરાતીઓમાં અને ભારતીયોમાં પ્રિય છે.
ગુજરાતી થાળી ખાવા માટે ઠાકર્સ, દિવાન ભેળ પુરી હાઉસ, નમસ્તે કિચન, ચટની, મસાલા ઝોન, પકવાન વગેરે રેસ્ટોરન્ટ્સ લોકપ્રિય છે.