રખડપટ્ટીમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણને ખૂબ જ ગમે છે. આપણે એ મોમેંટ્સને ફરી ફરી યાદ કરીયે અને વિચારીયે કે કાશ! હું તે સમયમા પાછી જઈ શકતી હોવ તો!! અત્યારે મારી સાથે પણ આવું જ કાઈક થઈ રહ્યું છે. મારા મનમાં પણ વળી વળીને એ જ ટ્રીપના વિચારો તરી રહ્યા છે જ્યારે હું કાશ્મીર ગઈ હતી. 2019 માં મિત્રો સાથે કરેલી કાશ્મીરની ટ્રીપ કાયમ માટે યાદગાર બની ગઈ છે. કાશ્મીર એટલું સુંદર છે કે તેની સુંદરતાને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. મારા મતે દરેક ટ્રાવેલરે એક વાર તો કાશ્મીરની મુલાકાત લેવી જ જોઇએ. આ જગ્યા જેટલી મોહક છે તેટલી જ શાંત પણ છે. તમારી દરેક ક્ષણ કાશ્મીરીઓના આતિથ્યથી વિશેષ બની જાય છે. જો ભાગમા હોય તો કોઈ લોકલના ઘરે ભોજન કરવા જાજો, ત્યારે તમને ખબર પડશે કે વાસ્તવિક કાશ્મીર કેવું છે. કાશ્મીરિયતને જાણવા અને સમજવા માટે તમે વર્ષના કોઈપણ સમયે મુલાકાત લઈ શકો છો. શિયાળામાં આ સ્થળ થોડું કઠોર બની જાય છે, પરંતુ તે સમયે કાશ્મીરની વાદીઓમાં અનુપમ સુંદરતા વસે છે. કાશ્મીર સાથે આ મારી પહેલી મુલાકાત હતી અને આ કારણે આ સફર મારા માટે વધુ ખાસ બની ગઈ હતી.
લ્યો ત્યારે, સફર શરુ થઈ ગયો..
કોલેજમા રજાઓ પડવાની હતી અને દર વખતની જેમ આ વખતે પણ અમે બધા મિત્રો ક્યાંક જવાનું વિચારી રહ્યા હતા. મિત્રો સાથે ફરવા જવાનું કંઈક અલગ જ હોય છે. કંઈ કેટલીય મીઠી યાદો બને છે. મારુ ફ્રેંડ સર્કલ નાનુ હોવાના કારણે અમને મુશ્કેલીઓ પણ ઓછી પડી. અમે માત્ર 4 લોકો હતા. 2 છોકરાઓ અને 2 છોકરીઓ. એટલે અમે બધાએ ટ્રીપનુ પ્લાનીંગ સાથે મળીને જ કર્યું. પ્લાન મુજબ અમે બધાએ દિલ્હી એરપોર્ટથી શ્રીનગર માટે ફ્લાઇટ લેવાનું નક્કી કર્યું. દિલ્હી એરપોર્ટની ગણતરી ભારતના શ્રેષ્ઠ અને મોટા એરપોર્ટમાં થાય છે. એવુ એટલા માટે કે તમને અહીં સરળતાથી વિશ્વના કોઈપણ ખૂણે જવા ફ્લાઇટ મળી જાય છે.
અમારી ફ્લાઇટ સવારે હતી. હવે દરેકની ફ્લાઇટની ટિકિટ બુક કરાવવાની જવાબદારી મારી હતી એટલે મેં સવારે 5.30 વાગ્યે ફ્લાઇટ બુક કરાવી. વહેલી સવારની ફ્લાઇટ લેવાના ઘણા ફાયદા છે. પહેલુ તો તમને સસ્તામા ટિકિટ મળી રહે છે અને બીજું, જો તમે નસીબદાર હોવ તો તમને સનરાઇઝ જોવાની તક પણ મળે છે. દરેક રખડુને સૂર્યોદય જોવો ગમતો જ હોય અને જ્યારે લાગ હાથમા જ હોય તો એનો ફાયદો તે વળી કેમ ને ન લેવો? વેલ, ફ્લાઇટના 4 કલાક પહેલા જ અમે બધા તો એરપોર્ટ પહોંચી ગયા. કોલેજમાં એમ પણ રાત્રે સૂવાની ટેવ છુટી ગઈ હતી તેથી અમને ખાસ કાઈ મુશ્કેલી પડી નહી. અમે એરપોર્ટ પર પહોંચ્યા અને ફ્લાઇટની રાહ જોઈ. અમારી પાસે વધારે સામાન પણ નહોતો, તેથી ચેક-ઇન વહેલા વહેલા થઈ ગયુ.
ફ્લાઇટમાં ચડ્યા પછી અમે બધા તો ખુશીના માર્યા ફુલ્યા નહોતા સમાતા. આજ સુધી મેં જે સ્થળને ફક્ત યુટ્યુબ વીડિયો અને ફોટામાં જ જોયું હતું તેને હું મારી સગ્ગી આંખોથી જોવાની હતી. મેં ઝડપથી બારીની સીટ પકડી અને ફ્લાઇટ ઉપડવાની રાહ જોઈ. વિમાને ઝડપ પકડી અને થોડી જ વારમાં અમે હવા સાથે વાત કરી રહ્યા હતા. કારણ કે મેં વિન્ડો સીટ લીધી હતી, એટલે સનરાઇઝ જોવા મારાથી રહેવાતુ નહોતુ. પેલુ એવું કહેવાય છે ને કે જ્યારે તમે કોઈ વસ્તુને દિલથી ચાહો ત્યારે આખું બ્રહ્માંડ તમને તેની સાથે મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ મારી સાથે થોડુ ઉલટું થયું. વાદળોની ગાઢ ચાદરમા સૂર્યોદય તો છોડો, હું કંઈપણ ન જોઈ શકી. ત્યારે થોડી નિરાશ જરુર થઈ પણ હું જાણતી હતી કે આવા ઘણા સૂર્યોદય કાશ્મીરમાં મારી રાહ જોઈ રહ્યા છે.
શ્રીનગર
ફ્લાઇટના થોડા કલાકો પછી, અમે શ્રીનગર પહોંચ્યા. અમે અમારો સામાન ઉપાડ્યો અને ઉતાવળે એરપોર્ટની બહાર નીકળી ગયા. હું કાશ્મીરને મન ભરીને જોવા માંગતી હતી. પહેલી નજરે પ્રેમમાં પડવુ કોને કહેવાય એ કાશ્મીર જઈને સમજાણુ. વેલ, એરપોર્ટથી અમારે હોટેલમાં જવાનું હતું. સોશિયલ મીડિયાના યુગમાં, તમે વિશ્વની કોઈપણ વ્યક્તિ સાથે જોડાઈ શકો છો. આ ટ્રીપ માટેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે, અમે કાશ્મીરના લગભગ અડધા લોકો સાથે વાત કરી હતી. આમિર એરપોર્ટ પર અમને લેવા આવ્યો હતો. આમિર તેના મોટા ભાઈ સાથે કાશ્મીરમાં રહે છે. દાલ લેક પર તેમની પોતાની હાઉસ બોટ પણ છે જ્યાં અમારે રહેવાનું હતું. અમારી આખી ટ્રીપ દરમિયાન આમિર અમારી સાથે રહેવાનો હતો.
એરપોર્ટથી તળાવ સુધીનો રસ્તો ખૂબ જ સુંદર હતો. એવું લાગતું હતું કે આખું શ્રીનગર અમારું સ્વાગત કરવા માટે તૈયાર છે. સ્વચ્છ અને ભીડ વગરના રસ્તા, શાંત દ્રશ્યો, સુખદ હવામાન. આમિરે કારમાં કેટલાક કાશ્મીરી ગીત પણ વગાડ્યા, જેના કારણે સમગ્ર વાતાવરણ વધુ સુંદર બની ગયું હતું. અમે હાઉસ બોટ પર પહોંચ્યા જ્યાં આમિરના ભાઈ ઉઝૈરે અમારું સ્વાગત કરવા માટે તમામ તૈયારીઓ કરી રાખી હતી. અમે કોઈ ઉતાવળ કરવા માંગતા ન હતા. કાશ્મીરને મન ભરીને માણવાની દાનત માત્ર મારા જ નહીં પણ મારા મિત્રોના મનમાં પણ હતી. હાઉસબોટમાં રહેવાનો અનુભવ કોઈ સુંદર સ્વપ્ન જીવવા જેવો હતો. પાણી પર તરતુ લાકડાનું બનેલું એક ભવ્ય ઘર, જેના બાંધકામમાં કોઈ કમી ન હતી. એ નાનકડી હોડીમાં એટલુ સુકુન હતુ જાણે એક એક ખુણા ખુબ પ્રેમથી સજાવ્યા હોય. ક્યાંક દૂરથી અઝાનનો અવાજ આવી રહ્યો હતો, જે આખા લેકમાં ગુંજતો હતો. કોતરેલા લાકડા અને કાર્પેટથી સજ્જ આ બોટ ખૂબ જ સુંદર દેખાતી હતી. ટ્રસ્ટ મી, આ હાઉસબોટની સામે કોઈ ફાઈવ સ્ટાર હોટેલનુ પાંચ્યુ પણ નહી આવે.
દિવસે અમારો કોઈ ખાસ પ્લાન નહોતો. અમને થયુ કે આખો દિવસ હોડી પર બેસીને દાલ લેકના નજારા જોશું અને સાંજે આસપાસના વિસ્તારોમાં ટહેલવા નીકળીશું. હાથ-મોં ધોઈ અમે બહાર આવ્યા ત્યાં સુધીમાં આમિરે અમારા માટે ગરમા ગરમ કાવો તૈયાર કરી દીધો હતો. અમે કાવો પીધો અને આમિર સાથે ગપ્પા મારવા લાગ્યા. ઉઝૈર અમને શ્રીનગરમાં ટૂરિઝમ વિશે જણાવતો હતો. કહેતો હતો કે કાશ્મીરના મોટાભાગના લોકોની આવક પર્યટન પર આધારિત છે. ટૂરિસ્ટ સિઝન ન હોય ત્યારે લોકોને ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મોડી બપોર થઈ ગઈ હતી અને હવે ભૂખ પણ લાગી હતી. આમીરની લેક પાસે એક રેસ્ટોરંટ પણ છે. આ રેસ્ટોરન્ટને ચલાવવાથી લઈને રસોઈ સુધીનુ બધુ જ કામ આમિરની દાદી અને મમ્મી કરે છે. રેસ્ટોરન્ટમાં અમે પરંપરાગત કાશ્મીરી વાનગીઓ માણી. હાકથી માંડીને મટન સુધીનુ બધું જ એટલું સ્વાદિષ્ટ હતું કે ખાનારાનું પેટ ભરાઈ જાય પણ મન ન ભરાય. આમિર અને ઉઝૈરને થોડુ કામ હતું, તેથી અમે શ્રીનગરની શેરીઓ ખંખોળવા એકલા જ નીકળી પડ્યા. અમે લાલ ચોક પર હતા. શ્રીનગરની હવા મારા પર જાદુ કરવા લાગી હતી. દોસ્તોનો સાથ અને સુંદર નજારાઓ. અમે એક દુકાનમાંથી ફિરન ખરીદ્યા અને દાલ લેકની સુંદરતાની પ્રશંસા કરતા બેઠા. દાલ લેક પહેલા મને સુર્યાસ્ત આટલો સુંદર ક્યારેય નહોતો લાગ્યો. પહાડોને ચીરીને આવતા પવન વચ્ચેનો એ સૂર્યાસ્ત, મારા જીવનની સૌથી અદ્ભુત ક્ષણો છે.
બીજા દિવસની સવાર દાલ લેક પર શિકારાની સવારીથી થઈ. અમે ચાર ચિનારથી સૂર્યોદય જોવા માંગતા હોવાથી વહેલા નીકળી ગયા. અઝાનનો અવાજ લોરી જેવો લાગતો હતો અને દાલનું શાંત પાણી બાળકની નિર્દોષતા જેવું હતું. જો તમે ચાર ચિનાર વિશે નથી જાણતા, તો ચાલો તમને જણાવી દઈએ કે તે લેકમાં બનેલ એક ટાપુ છે, જેના ચારે ખૂણા પર ચિનારના વૃક્ષો છે. જેના કારણે આ જગ્યાને ચાર ચિનાર કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે દાલનું સૌથી સુંદર સ્થળ ચાર ચિનાર જ છે. શિકારાની એક મસ્ત રાઈડ પછી અમારે આજે યુસમર્ગ માટે નીકળવાનુ હતું. સારી વાત એ હતી કે આમિર પણ અમારી સાથે આવવાનો હતો.
શ્રીનગરથી યુસમર્ગ
બીજા દિવસે સવારે અમે યુસમર્ગ જવા નીકળ્યા. અમે ગુલમર્ગ પણ જવા માંગતા હતા પરંતુ સમય ઓછો હોવાથી અને અમે પાછા બધી જ ઓફબીટ જગ્યાઓ જોવા માંગતા હતા એટલે યુસમર્ગ જવાનું નક્કી કર્યું. શ્રીનગરથી યુસમર્ગ સુધીનો રસ્તો ખૂબ જ સુંદર હતો. રસ્તાની બંને બાજુ બરફ હતો. એવું લાગતું હતું કે કોઈએ અમને આવકારવા ફૂલોને બદલે બરફ ફેલાવ્યો છે. બંને બાજુએ વૃક્ષોથી સજ્જ સાંકડા રસ્તા પર ચાલવું ખૂબ જ સુંદર હતું. સારી વાત એ હતી કે ગુલમર્ગની સરખામણીમાં યુસમર્ગમાં ઓછા લોકો હોય છે. અમે ખુશ હતા. પણ અમારાથી વધારે ખુશ એ બે લોકો હતા જે અમને યુસમર્ગમાં મળવાના હતા. આમિરે અમારા માટે તહેવાર જેવી તૈયારીઓ કરી હતી. આ બંને લોકો આમિરના મિત્રો હતા. અમે યુસમર્ગમાં તેના જ ઘરે રોકાવાના હતા.
રસ્તો તો સુંદર હતો જ, પણ યુસમર્ગ તેના કરતા પણ વધારે સુંદર હતુ. ચારે બાજુ બરફ હતો, જે અમારા શુઝની પરિક્ષા લઈ રહ્યો હતો. મને યાદ છે કે યુસમર્ગના મોટાભાગના ઘરો લીલા હતા. મને આનું કારણ તો યાદ નથી, પણ યુસમર્ગ જેવુ પણ હતુ ખુબ જ સુંદર હતુ. યુસમર્ગમાં અમારી પાસે કરવા માટે બે વસ્તુઓ હતી. કાં તો અમે દુતગંગા નદી જોવા જઈ શકવાના હતા અથવા નીલનાગ સુધી ટ્રેક કરી શકવાના હતા. દુતગંગાનો નજારો ખૂબ જ સુંદર હતો. ઠંડીના કારણે નદીનું પાણી લગભગ જામી ગયું હતું, પણ વચ્ચે વચ્ચે ક્યાંક વહેતા પાણીનો અવાજ પણ સમ્ભળાતો હતો. નદીની બંને બાજુએ મોટા પથ્થરો હતા જેના પર બરફ જામી ગયો હતો. દુતગંગામાં થોડો સમય રોકાયા બાદ અમે શ્રીનગર જવા નીકળ્યા.
શ્રીનગરથી અરુ વેલી અને અહરબલ વોટરફોલ
જો તમે એમ વિચારી રહ્યા છો કે અમે તે જ દિવસે યુસમર્ગથી પાછા કેમ આવી ગયા તો તેનું કારણ જાણવું જોઈએ. શ્રીનગરમાં બેજા દિવસની સવાર અમે ખૂબ જ ખાસ જગ્યા માટે રિઝર્વ રાખી હતી. આજે અમારે ખનકાહ-એ-મૌલા અને જામા મસ્જિદ જવાનું હતું. જો તમે શ્રીનગર જાવ અને આ બે સ્થળો જોયા વગર પાછા આવો તો તમારી શ્રીનગરની ટ્રીપ અધૂરી રહી જાણો. લીલા રંગથી ઢંકાયેલી ખનકાહ-એ-મૌલા મસ્જિદ એક ભવ્ય સ્થળ છે. આ સ્થળની ખાસ વાત એ છે કે તમને અહીં ઘણાં કબૂતર જોવા મળશે. કદાચ સામાન્ય લોકો અને ટૂરિસ્ટને ખનકાહ-એ-મૌલાની મુલાકાત લેવાની મંજૂરી નથી. પરંતુ જો તમે કોઈ લોકલ વ્યક્તિ સાથે હોવ તો તમે અંદર જઈ શકશો. અંદરનું દૃશ્ય પણ બીજા બધાની જેમ સુંદર હતું. શ્રીનગરની જામા મસ્જિદ દિલ્હી વાળીથી એકદમ અલગ હતી. દિલ્હીની જામા મસ્જિદમાં પ્રવેશતાની સાથે જ તમને એક વિશાળ ખાલી જગ્યા દેખાય છે. અહીં એવું કંઈ નહોતું. ઊંચી બારીઓમાંથી આવતો મખમલી સૂર્યપ્રકાશ જમીન પર પડેલા કાર્પેટના કેટલાક ભાગો પર સોનેરી રંગ ફેલાવી રહ્યો હતો. મસ્જિદના શાલિન વાતાવરણમાં એક અલગ પ્રકારની શાંતિ હતી.
મસ્જિદ છોડ્યા પછી હવે અમારે અરુ વેલી તરફ જવાનું હતું. અરુ વેલીની મુલાકાત લેવાનું અમારું મુખ્ય કારણ અહરબલ વોટરફૉલ જોવાનું હતું. શ્રીનગરથી અહરબલ જવા માટે અમારે પહેલગામમાંથી પસાર થવું પડ્યું. અમે ખુશ હતા કારણ કે ભલે ચાલુ ગાડીએ પણ અમને પહલગામમાં હોવાનો થોડો અહેસાસ થવાનો હતો. પહેલગામથી અહરબલ વાળા રસ્તા પર એક વિચિત્ર શાંતિ હતી. આવુ ખરેખર હતું કે માત્ર મને જ એવુ લાગતુ હતુ તે નથી ખબર. મેં કારની આગળની સીટ પકડી રાખી હતી એટલે હુ મારા વિચારોમા ડુબેલી હતી. રસ્તાની બંને બાજુ બરફથી ઢંકાયેલા ઊંચા વૃક્ષો હતા. પરંતુ વૃક્ષો પર પાંદડા ઓછા હતા. કદાચ કાશ્મીરની ઠંડીએ મનુષ્યોની સાથે સાથે કુદરત પર પણ આધિપત્ય જમાવી દીધુ હતુ.
પહેલગામને એક વાત મને ખૂબ જ ગમી. અમે જે ભાગોમાંથી પસાર થઈ રહ્યા હતા તેમાં કેટલીક શાળાઓ પણ હતી અને આ વિસ્તારમાં બાળકોનો ઘોંઘાટ સ્પષ્ટપણે સમ્ભળાતો હતો. પેલુ કહેવાય છે ને કે બાળકોથી દરેક માયુસ વસ્તુ જીવંત થઈ ઊઠે છે. પહેલગામમાં પણ એવું જ હતું. બરફથી ઢંકાયેલા લેન્ડસ્કેપ વચ્ચે વહેતો અહરબલ ધોધ ખૂબ જ સુંદર લાગતો હતો. આ ધોધ વેશુ નદી પર બનાવવામાં આવ્યો છે. પીરપંજલના પહાડોની ગાઢ દિયોદર વૃક્ષોથી ભરેલી વેલીમાં 25 મીટરની ઊંચાઈ પરથી પડતો આ ધોધ જોવામા ખૂબ જ સુંદર લાગતો હતો. આ ધોધ ખાસ ઊંચો ન હતો પણ તેમાં પડતા પાણીનું પ્રમાણ ઘણું વધારે હતું. તેથી જ તે ખૂબ જ આકર્ષક લાગ્યો.
આ અબ લૌટ ચલે...
આ બધું જોયા અને અનુભવ્યા પછી હવે પાછા જવાનું હતું. અમારી શ્રીનગરથી રિટર્ન ફ્લાઇટ હતી, તેથી આમિરનો સાથ છેલ્લે સુધી હતો. આમિરની મમ્મીએ અમારા માટે ભોજન પણ પેક કર્યું હતું. અમે ઉઝૈરને બાય કહ્યું અને એરપોર્ટ માટે રવાના થયા. જે રસ્તાઓ થોડા દિવસો પહેલા ખાલી પુસ્તકો જેવા હતા, આજે અમારા કાશ્મીરના કિસ્સાઓથી ભરાઈ ગઈ હતી. કોઈપણ સ્થળે ગુડબાય કહેવું હંમેશા મુશ્કેલ હોય છે. પરંતુ જો તમે એવી જગ્યા પર છો જેને પૃથ્વી પરનુ સ્વર્ગ કહેવામાં આવે છે તો ત્યાંથી જવું વધુ પીડાદાયક છે. ગુડબાય કેટલુ ખૌફનાક હોય છે તે અત્યારે સમજાઈ રહ્યુ છે. પણ આજે જ્યારે હું કાશ્મીરમાં વિતાવેલા એ દિવસો વિશે વિચારું છું, ત્યારે એક અલગ જ ખુશી થાય છે. બકેટ લિસ્ટનો એક પોઇંટ પૂરો કરવાના આનંદ કરતાં પણ વધારે ખુશી મને કાશ્મીર આવીને મળી.