મૈસૂરમાં 12 કલાક: એક ઝડપી, પણ યાદગાર ટ્રાવેલ એક્સપિરિયન્સ

Tripoto

જાન્યુઆરી 2020માં મારા લગ્ન થયા તે સમયમાં મારો પાર્ટનર મૈસુરના ઈન્ફોસિસ કેમ્પસ ખાતે તેની ટ્રેનિંગ અટેન્ડ કરી રહ્યો હતો. લગ્ન કરવા 3 દિવસની રજા લઈને મૈસુરથી ભાવનગર આવેલો. માર્ચ 2020માં તેને કર્ણાટક રાજ્યમાં જ આવેલા શિમોગા ખાતે પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે જવાનું હતું જ્યાં ઓફિસ ગેસ્ટહાઉસમાં મારા રહેવાની વ્યવસ્થા થઈ શકે તેમ હતું.

13 માર્ચ 2020ની બપોરે હું ભાવનગરથી બસમાં અમદાવાદ ગઈ અને અમદાવાદથી રાત્રે 11 વાગ્યાની ફ્લાઇટમાં પહેલી વાર માસ્ક પહેરીને બેંગલોર ગઈ. બેંગલોર એરપોર્ટ પરથી આખો દિવસ (અને આખી રાત) મૈસૂર માટે બસો મળી રહે છે એટલે રાતે 2 વાગ્યાની બસમાં સવાર થઈને 14 માર્ચ 2020ની સવારે 7 વાગે હું મૈસૂર પહોંચી. ભારતમાં હજુ કોવિડ-19 બાલ્યાવસ્થામાં હતો એટલે ખાસ કોઈ કડક નિયમો નહોતા, પણ ઈન્ફોસિસ કેમ્પસમાં બહારના લોકોની એન્ટ્રી બંધ હતી એટલે મારો હસબન્ડ તેની ઓફિસ ફોર્માલિટીઝ પતાવે એટલો સમય મારે મૈસૂરમાં એકલા વિતાવવાનો હતો.

Photo of મૈસૂરમાં 12 કલાક: એક ઝડપી, પણ યાદગાર ટ્રાવેલ એક્સપિરિયન્સ 1/6 by Jhelum Kaushal

હું નાનપણમાં તેમજ 2014માં મારા મમ્મી-પપ્પા અને ભાઈ સાથે મૈસૂર આવેલી પણ આમ એકલા ફરવાનો અનુભવ કઈક જુદો જ હતો. અમારે તે જ દિવસે સાંજે 8 વાગે શિમોગાની ટ્રેન પકડવાની હતી એટલે કોઈ હોટેલમાં જવા કરતાં મને રેલવે રિટાયરિંગ રૂમ બૂક કરવો સરળ લાગ્યો. મૈસૂર એક ટુરિસ્ટ પ્લેસ છે એટલે રિક્ષા કે ટેક્સી ડ્રાઇવર્સ હિન્દી કે અંગ્રેજીમાં બહુ સરળતાથી વાતચીત કરી શકતા હતા.

Photo of મૈસૂરમાં 12 કલાક: એક ઝડપી, પણ યાદગાર ટ્રાવેલ એક્સપિરિયન્સ 2/6 by Jhelum Kaushal
Photo of મૈસૂરમાં 12 કલાક: એક ઝડપી, પણ યાદગાર ટ્રાવેલ એક્સપિરિયન્સ 3/6 by Jhelum Kaushal

બસમાંથી ઉતરી ત્યારે મૈસૂર શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું. બસ સ્ટેન્ડ પર ઘણી ચહલપહલ હતી. ચા તેમજ છાપા વેચનારા ફેરિયાઓ બે-ત્રણ વખત મારી પાસેથી પસાર થયા. એને કેમ સમજાવું કે ભાઈ તારા છાપામાં આ કાળા અક્ષર ભેંસ બરાબર છે! મેં રિક્ષા કરી અને સવાર સવારમાં મૈસૂર શહેરને નિહાળતી હું રેલવે સ્ટેશન પહોંચી. કોઈ હેરિટેજ રેલવે સ્ટેશન હોય એવું સુંદર સ્ટેશન હતું એ!

મેં રિટાયરિંગ બૂક કર્યો અને મારો 15 કિલો સામાન લઈને પહેલા માળે આવેલા, સ્ટેશન રોડ સામે પડતાં એક મોટા રૂમ તરફ આગળ વધી. આગલા દિવસે બપોરની નીકળી હતી એટલે સૌથી પહેલા તો ફ્રેશ થઈને બે કલાક ઊંઘી ગઈ. હસબન્ડને આવવાને હજુ પણ થોડી વાર હતી એટલે દાયકાઓ જુના રેલવે સ્ટેશન અને તેની આસપાસ લોકોની ચહલપહલ જોવા લાગી.

Photo of મૈસૂરમાં 12 કલાક: એક ઝડપી, પણ યાદગાર ટ્રાવેલ એક્સપિરિયન્સ 4/6 by Jhelum Kaushal

એના આવ્યા પછી સૌથી પહેલા અમે ગુજરાતી પ્રવાસીઓની પરંપરા અનુસાર ઘરનું ભોજન જમ્યા. ઈન્ફોસિસ કેમ્પસનું જમવાનું ખાઈને તે કંટાળી ગયો હતો એટલે તેની પ્રિય ભાખરી ખાઈને તેને ખૂબ સારું લાગ્યું.

પછી અમે ગયા મૈસુરના સુપ્રસિદ્ધ રાજમહેલની મુલાકાતે. મૈસૂર પેલેસ- નામ હી કાફી હૈ! મૈસૂર શહેરમાં અમુક કલાકો વિતાવો, કે અમુક વર્ષો- આ પેલેસની મુલાકાત વગર તમારું રોકાણ અધૂરું છે. અત્યંત ભવ્ય પેલેસ એ અમે લગ્ન પછી એક સાથે જોયેલું સર્વ પ્રથમ પર્યટન સ્થળ બન્યો! 20 મી સદીની શરૂઆતમાં બનેલો ભવ્યાતિભવ્ય મહેલ ભારતના રાજાઓનો વૈભવ દર્શાવે છે. સમય ઓછો હતો અને હું અમુક વર્ષો પહેલા જ અહીં આવી ચૂકેલી હોવાથી અમે માત્ર બહારની જગ્યાઓ જ જોઈ. ભારતમાં કોવિડ-19ની હજુ ખાસ અસર નહોતી થઈ એટલે મુલાકાતીઓનો પ્રવાહ ઘણો જ સામાન્ય હતો, પણ વિદેશીઓને જોઈને લોકો ડરી જતાં હતા.

Photo of મૈસૂરમાં 12 કલાક: એક ઝડપી, પણ યાદગાર ટ્રાવેલ એક્સપિરિયન્સ 5/6 by Jhelum Kaushal
Photo of મૈસૂરમાં 12 કલાક: એક ઝડપી, પણ યાદગાર ટ્રાવેલ એક્સપિરિયન્સ 6/6 by Jhelum Kaushal

મૈસૂર સાડી તેમજ ચંદન માટે વખણાય છે. એટલે ત્યાર પછી અમે સાડીની તેમજ ચંદનની વસ્તુઓની દુકાનમાં વિન્ડો-શોપિંગ કરવા ગયા. ગુજરાતી જીવે પહેલેથી જ વિચારેલું કે કશું ખરીદવું નથી એટલે પછી ગમે એટલું માર્કેટિંગ પણ આપણા પર અસર ન જ કરે.

બે કલાક મહેલમાં અને અડધો કલાક વિન્ડો-શોપિંગમાં પસાર કરીને અમે મૈસૂર શહેરમાં અમસ્તા જ લટાર મારી. વૃંદાવન ગાર્ડન પણ મૈસુરની આગવી ઓળખ છે તે હું જાણતી હતી પણ તે 12 કિમી દૂર આવેલું છે અને તે ફરતા સમય લાગે છે એટલે અમે ત્યાં ન જઈ શક્યા.

તો આવો હતો મારો એક અનોખા શહેર મૈસૂરમાં વિતાવેલા 12 કલાકનો યાદગાર અનુભવ!

શું તમે ગણતરીના કલાકોમાં કોઈ શહેરની મુલાકાત લીધી છે? કમેન્ટ્સમાં જણાવો.

.

વાચકવર્ગને વિનંતી છે કે કોવિડ-19 મહામારી બાદ મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads