અમર પ્રેમકહાનીનું સાક્ષી છે માંડૂ. જાણો મોનસૂનમાં માંડૂ કેમ બને છે ખાસ ? એકવાર ઘુમવા તો જરુર જવાય
જો તમે હજી સુધી મધ્યપ્રદેશમાં આવેલા ભારતના બીજા કશ્મીર તરીકે ઓળખાતા માંડૂની મુલાકાત નથી લીધી તો એકવાર અહીં જરુરથી જવાય...આ એવું પર્યટન સ્થળ છે જે રાણી રુપમતી અને બાદશાહ બાજબહાદુરની અમર પ્રેમકહાણીનું સાક્ષી છે...માંડૂને ખંડેરોનું ગામ પણ કહે છે...અને માંડવગઢ છે માંડૂનું બીજું નામ. આપ આપના મૂડને રિફ્રેશ કરવા ઈચ્છો છો તો માંડૂ આપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહે છે.
સુલતાનોનું શહેર શાદિયાબાદ એટલે કે ખુશીઓનું શહેર, માંડૂ કે પછી માંડવગઢ...મધ્યપ્રદેશના હર્યા ભર્યા ઘનઘોર જંગલો, નર્મદા નદીના ખળ ખળ વહેતા પાણી અને કુદરતી સુંદરતાની જાણે મહેર ઉતરી હોય એમ માંડૂ જાણે માળવાના સ્વર્ગ સમાન દેખાય છે...માંડૂ અનુપમ સૌંદર્ય ઉપરાંત ઐતિહાસિક મહત્વ ધરાવતું શહેર છે...પરમાર કાળ, સુલતાન કાળ, મુગલ કાળ અને પવાર કાળના શાસકોના રાજ જોઈ ચુકેલું માંડૂ ઉત્તમ વાસ્તુકલાથી સજ્જ છે. દુનિયાભરના પ્રવાસીઓ માટે માંડૂ ઘુમવા માટે એક મનોરમ પર્યટન સ્થળ છે...માંડૂમાં આવેલા સ્મારકો, મહેલો અને મંડપોની કલાકારીગરી જોઈને સહેલાણીઓ આકર્ષિત થતા હોય છે. માંડૂ જાણે કે આનંદ અને ઉત્સવનું શહેર હોય તેવી ખૂબસૂરતી જોવા મળે છે માંડૂમાં.
મધ્યપ્રદેશનું માંડૂ છે ખાસ
રાજા-રજવાડા અને સુલતાનોના શહેર તરીકે માંડૂનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે 10મી શતાબ્દીમાં રાજા ભજો દ્વારા તેની સ્થાપના કરવામાં આવી અને 14મી શતાબ્દીની શરઆતમાં મુસ્લિમ શાસકો દ્વારા તેને જીતી લેવામાં આવ્યું હતું. પરમારો અને વાઘેલા રાજાઓના હુમલાનો સામનો કર્યા બાદ 1526 સુધીમાં ગુજરાતના બહાદુર શાહે માંડૂ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. 1732માં મરાઠાઓએ અહીં કબ્જો કર્યો. મધ્યપ્રદેશનું ફેમસ ટુરિસ્ટ પ્લેસ એવું માંડૂ વિન્ધ્યાચલની પહાડીઓમાં આવેલું છે...વિંદ્યાચલની પહાડીઓ પર લગભગ 2 હજાર ફીટની ઊંચાઈ પર આવેલા માંડૂને પહેલા શાદિયાબાદના નામથી ઓળખવામાં આવતું હતું. અહીં આપ ઐતિહાસિક ખંડેરો, ટેકરીઓ અને પહાડો જોઈ શકો છો...અહીં ઘણા પુરાણા સ્થાપત્યો પણ છે જે જોવાલાયક છે.
માંડૂમાં આ જગ્યાઓ ચોક્કસ જોવી
માંડૂમાં 12 પ્રવેશદ્વાર આવેલા છે જેમાં દિલ્લી દરવાજા મુખ્ય છે...દિલ્લી દરવાજાને માંડૂનું પ્રવેશદ્વાર કહેવાય છે જેને ઈસવીસન 1405 થી 1407માં નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં આપ ઘણા ટુરિસ્ટ સ્પોટની સફર કરી શકો છો જેમાં રાણી રુપમતીનો મહેલ, હિંડોલા મહેલ, જહાજ મહેલ, જામા મસ્જિદ અને અશરફી મહેલ શામેલ છે. આ ઉપરાંત શિપ કેસલ, રુપમતી મહેલ, બાજબહાદુરનો મહેલ, રીવા કુંડ, દારા ખાનનો મકબરો, હિંડોલા મહેલ , હોશંગશાહ મહેલ, ચતુર્ભુજ શ્રીરામ મંદિર, મુંજ તળાવ, ચંપા વાવ, હમામઘર જેવા આકર્ષણો પણ છે.. માંડૂમાં પર્યટકો નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરવા આવતા હોય છે...સાથે જ નીલકંઠ મહેલની મુલાકાત પણ લઈ શકે છે. જેની દિવાલો પર અકબરકાળની કલાના નમૂના જોવા મળે છે...અહીં આપ હાથી મહેલ, દરિયા ખાનની મજાર, દાઈનો મહેલ, જાળી મહેલ અને ઈકો પોઈંટની સેર કરી શકો છો.
જહાજ મહેલ
માંડૂમાં ઘુમવા ફરવા પહોંચ્યા છો તો અહીંના ઈતિહાસને નજીકથી માણવાનો મોકો બિલકુલ ન છોડાય. માંડૂમાં અદભુત એવી ટુરિસ્ટ પ્લેસ છે જહાજ મહેલ. જેનું નિર્માણ ઈ.સ. 1469 થી 1500ની વચ્ચે થયું હતું. 120 મીટર ઉંચા આ ખૂબસૂરત મહેલને જોઈને એમ જ લાગે કે જાણે તળાવની વચ્ચે કોઈ સુંદર જહાજ તરી રહ્યું હોય. સુલતાન ગ્યાસુદ્દિન ખિલજીના શાસનકાળ દરમ્યાન બનાવેલા જહાજ મહેલને જોવા લાખો સહેલાણીઓ આવતા હોય છે...માનવામાં આવે છે કે ગ્યાસુદ્દિન ખિલજી એ સુલતાન હતો જેની 15 હજાર પત્નીઓ હતી. ઈતિહાસમાં રુચિ રાખનારા લોકોએ અહીંની મુલાકાત ચોક્કસ લેવી.
બાજ બહાદુરનો મહેલ
માન્યતાઓ પ્રમાણે બાજ બહાદુર મહેલનું નિર્માણ બાજ બહાદુરના સત્તામાં આવ્યાના ખુબજ પહેલા 1509માં કરાયું હતુ..મહેલના નિર્માણમાં ઈસ્લામી અને રાજસ્થાની વાસ્તુકલાની છાંટ જોવા મળે છે...આ મહેલમાં વિશાળ પ્રાંગણ અને હૉલ બનાવવામાં આવ્યા છે જ્યાંથી માંડૂની ખૂબસૂરતીને નજર ભરીને જોઈ શકશો.
રાણી રુપમતીનો મહેલ
માંડૂ સાથે જોડાયેલી કથાઓમાં જેનો ઉલ્લેખ છે...સુલતાન બાજ બહાદુર અને રાણી રુપમતીની પ્રેમકહાણીમાં જેની વાત અવશ્ય થાય છે એવો રાણી રુપમતીનો મહેલ તો માંડૂની શાન છે. 365 મીટર ઉંચી ટેકરી પર આવેલા આ મહેલનું નિર્માણ બાજ બહાદુરે પોતાની રાણી રુપમતી માટે કરાવ્યું હતુ.
હિંડોલા મહેલ
માંડૂના મુખ્ય ટુરિસ્ટ સ્પોટમાંથી એક છે હિંડોલા મહેલ જે એક અદભુત આકર્ષણ છે...આ ભવ્ય મહેલમાં સુલ્તાન ગ્યાસુદ્દિનનો શાહી દરબાર લાગતો હતો તો મહેલની સ્થાપત્ય શૈલી અને ઐતિહાસિક કલાત્મકતા ધરાવતું બાંધકામ પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. હિંડોલા મહેલમાં સાંજના સમયે લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ ચલાવવામાં આવે છે જેમાં માંડૂનો ઈતિહાસ બતાવવામાં આવે છે.
ચતુર્ભુજ શ્રી રામ મંદિર
માંડૂમાં જ ચુતર્ભુજ શ્રી રામ મંદિર આવેલું છે જે વિશ્વરમાં એકમાત્ર એવું મંદિર કહેવાય છે જ્યાં ભગવાનની મુર્તિના ચાર હાથ જોવા મળે છે. વિશ્વમાં આવી પ્રતિમાં બીજે ક્યાંય ન હોવાનું માનવામાં આવે છે.
મીરાબાઈની જિરાત
માંડૂ આવ્યા છો તો માત્ર ઐતિહાસિક ઈમારતો જોઈને જ મન મનાવવું એવું નથી..અહીં આપ એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરી શકો છો...પેરામોટર જેવી એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી મીરાબાઈની જિરાત પર કરાવવામાં આવે છે..જે પર્યટકો માટે રોમાંચક બની રહે છે.
હોશંગશાહની કબર
માંડૂમાં આવેલી હોશંગશાહની કબર ભારતમાં માર્બલથી બનાવેલી એવી પહેલી કબર છે જેમાં અફઘાની શિલ્પ કલાનો બહેતરીન નમૂનો જોવા મળે છે. અહીંનાં ગુંબજ, ઝરુખા, અને માર્બલની જાળીની ખૂબસૂરતી મન મોહી લે તેવી હોય છે.
ડાયનોસોર ફૉસિલ પાર્ક
ડાયનોસોર ફૉસિલ પાર્કમાં કરોડો વર્ષ જુના ડાયનોસોરના ઈંડા જોવા મળે છે અહીં મ્યુઝિયમમાં ડાયનોસોરના 24 ઈંડાના અવશેષો જોવા મળે છે. જે ડાયનોસોરના ઈતિહાસના સાક્ષી છે.
માંડૂમાં આ વાનગીઓ લાવશે મોંમાં પાણી
મધ્યપ્રદેશના માંડૂમાં તમને માળવાના સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ જરુરથી લોભાવશે. માંડૂની મુલાકાતમાં આપ અલગ અલગ પ્રકારની વાનગીઓ ટેસ્ટ કરી શકો છો જેમાં દાલ બાફલા, અરબીની સબ્જી, પૌઆ, માલપુઆ, કચોરી જેવા મોંઢામાં પાણી લાવતા વ્યંજનો તો છે જ પરંતુ માંડૂની સૌથી ફેમસ ડિશ છે બૈંગન કા ભરથા...અને દાલ-પાનિએ જેનો અલગ જ પ્રકારનો ટેસ્ટ કોઈ પણ સહેલાણીને દાઢે વળગે તેવો હોય છે. સૌથી આ માળવા ક્યુઝિન્સ તમને ચોક્કસથી ભાવશે.
માંડૂમાં ટ્રાઈબલ ટુરિઝમ
માંડૂમાં ન માત્ર ટુરિસ્ટ પ્લેસનો આનંદ પ્રવાસીઓ માણી શકે છે પરંતુ ટ્રાઈબલ ટુરિઝમ એટલે કે આદિવાસી સંસ્કૃતિને ખુબ જ નજીકથી જાણવાનો અને અનુભવવાનો લહાવો પણ સહેલાણીઓ લઈ શકે છે. આદિવાસીઓની ઝુંપડીઓમાં રહીને એટલે કે હોમસ્ટે કરીને તેમના પ્રસિદ્ધ એવા સ્થાનિક ભોજન દાલ-પાનીએનો લુત્ફ પણ ઉઠાવી શકે છે. મધ્યપ્રદેશ ટુરિઝમ માટે આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
માંડૂ પહોંચવું કેવી રીતે ?
હવાઈ માર્ગ -ઈન્દોરનું દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ સૌથી નજીકનું વિમાનમથક છે જે લગભગ 100 કિમીના અંતરે આવેલું છે. મધ્યભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંથી એક એવા આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આપ માંડૂ પહોંચવા માટે પ્રાઈવેટ ટેક્સી કે પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. આપના શહેરથી આપને ઈન્દોર પહોંચવાનું રહેશે બાદમાં આપ સડક માર્ગે માંડૂ પહોંચી શકો છો.
રેલવે માર્ગ- માંડૂ જવા માટે આપ જો ટ્રેનની સફર પસંદ કરી રહ્યા છો તો પણ આપને સૌથી નજીકનું રેલવેસ્ટેશન ઈન્દોર જ પડશે જે લગભગ 100 કિમી દૂર છે. ઈન્દોર રેલવે સ્ટેશનથી આપને પ્રાઈવેટ કૅબ કે અન્ય વાહન મળી શકશે.
સડક માર્ગ- માંડૂની કનેક્ટિવિટી નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેઝ સાથે ખુબ જ સારી છે જેથી અહીં સડક માર્ગે પહોંચવામાં સરળતા રહે છે. ઈન્ટરસ્ટેટ અથવા તો પ્રાઈવેટ બસ દ્વારા આપના બજેટમાં આપ ટિકિટ બુક કરી શકો છો. જો આપ બસ દ્વારા સફર કરવા નથી ઈચ્છતા તો પ્રાઈવેટ ટેક્સી કે પોતાના વાહનથી માંડૂ જઈ શકો છો.
માંડૂ ક્યારે જઈ શકાય ?
આમ તો માંડૂની મુલાકાત આપ વર્ષમાં ગમે ત્યારે લઈ શકો છો...પરંતુ માંડૂની અસલી ખૂબસૂરતી જોવી હોય તો મોનસૂનની સીઝન છે બેસ્ટ. ચોમાસામાં માંડૂની પહાડીઓ હરિયાળીથી છવાઈ જતી હોય છે અને આ લીલોતરીની ચાદર પ્રકૃતિપ્રેમીઓને જરુરથી આકર્ષિત કરે છે. જો આપ માંડૂની મુલાકાત લેવા ઈચ્છો છો તો ઓક્ટોબરથી માર્ચ મહિનાની વચ્ચેનો સમય આપના માટે સૌથી બેસ્ટ છે.
મોનસૂનની મોસમમાં માંડૂની ખૂબસૂરતી ઓર ખીલી ઉઠે છે...આકાશમાં ઘેરાયેલા વાદળોથી જાણે પહાડીઓ ઢંકાઈ જતી હોય તેવા નજારા માંડૂની ખાસિયત છે. આ નજારા અહીં આવનારા પ્રવાસીઓને મોહિત કરવા માટે કાફી છે. તો પછી જો કોઈ રિફ્રેશિંગ વાતાવરણ વાળી જગ્યા પર જવાનો હોય મૂડ અને સાથે જ ઘણી બધી હિસ્ટોરિકલ અને ખૂબસૂરત જગ્યાઓ કરવી હોય એક્સ્પ્લોર તો માંડૂ તમારા માટે બની રહેશે બેસ્ટ ચોઈસ.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો