આપણા દેશમાં ભલે માત્ર ઉત્તરાખંડને ‘દેવભૂમિ’ હોવાનું બહુમાન મળ્યું હોય, પણ વાસ્તવમાં ભારતના દરેક રાજ્યો, દરેક શહેરો દેવભૂમિ જ છે ને! દેશનું એવું કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ નથી જ્યાં નાના મોટા કેટલાય જોવાલાયક તીર્થસ્થળો આવેલા હોય. તેમાંય વળી આપણું ગુજરાત તો દરેક બાબતમાં અગ્રેસર રહેવા જાણીતું છે. આપણે ત્યાં હિન્દુ તેમજ જૈન ધર્મના અનેક મહત્વના અને ખૂબ જ પ્રશંસનીય વ્યવસ્થા ધરાવતા મંદિરો છે.
દ્વારકા, સોમનાથ, અંબાજી, શેત્રુંજય, હસ્તગીરી વગેરે અનેક મહત્વના ધાર્મિક સ્થળો વિશે સૌ જાણતા હશે, મોટા ભાગના લોકોએ તેની મુલાકાત પણ લીધી હશે. પણ આજે અહીં દક્ષિણ ગુજરાતમાં બનેલા એક અદભૂત ભવ્યાતિભવ્ય જૈન મંદિરની વાત કરવા જઈ રહ્યા છે.
વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમના પરિસરમાં એક ખૂબ જ ભવ્ય જૈન મંદિર બનાવવામાં આવ્યું છે જેનું નામ છે – શ્રી ધરમપુર તીર્થ. આ મંદિર શું કામ ખાસ છે અને તે કેટલું આકર્ષક છે તે વિશે વિગતે જાણો:
શ્રી ધરમપુર તીર્થની વિશેષતાઓ:
262 ફીટની લાંબા અને 180 ફીટ પહોળા વિસ્તારમાં ફેલાયેલા શ્રી ધરમપુર તીર્થમાં શું શું સમાવિષ્ટ છે?
- મંદિરમાં 55 ઇંચની ભગવાન મહાવીરની મુખ્ય પ્રતિમા છે, તે ઉપરાંત ભગવાન ઋષભદેવ, ભગવાન શાંતિનાથ, ભગવાન નેમિનાથ, ભગવાન પાર્શ્વનાથ, ભગવાન સીમંધર સ્વામિ અને ભગવાન પદ્મનાભની પણ અત્યંત મનોહર મૂર્તિઓ છે...
- 20,000 કરતાં વધુ પથ્થરોની કોતરણી, 1300 કરતાં વધુ માનવ મૂર્તિઓ, 150 કરતાં વધુ પ્રેરણાત્મક વાર્તાઓ, જીન મંદિરમાં 108 પિલર અને ગુરુ મંદિરમાં 150 પિલર, 5 શિખરો, 108 તોરણો...
- 50,000 કરતાં વધુ આરસનું ફ્લોરિંગ, 33 લાકડાના મોટા દરવાજાઓ, 22,000 ટન કોંક્રિટ દ્વારા જોડાયેલા 15,000 જેટલા પથ્થરો...
- પ્રાચીન છતાં અનોખી એવી નાગર આર્કિટેક્ચર શૈલીમાં બનાવવામાં આવ્યું છે જેના નિર્માણમાં જૈન ધર્મના શાસ્ત્રો, પુરાણો અને વાસ્તુ શાસ્ત્રનો આધાર લેવામાં આવ્યો છે.
- પૃથ્વીના ચુંબકીય આકર્ષણ સાથે અનુકૂળતા સાધવા અહીં બાંધકામમાં સ્ટીલના બદલે તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- હાથી કે અન્ય શિલ્પ દ્વારા ભગવાન મહાવીરના સંદેશાઓ કે તેમના જીવન ચરિત્રની વાતો, ઐતિહાસિક ઘટનાઓ વગેરે ખૂબ અસરકારક રીતે મૂકવામાં આવ્યા છે.
- 1000 ચોરસ ફીટ વિસ્તારમાં ફેલાયેલા જીન મંદિરમાં એક સાથે 2500 કરતાં વધુ શ્રદ્ધાળુ બેસી શકે તેવી વ્યવસ્થા ધરાવે છે.
- અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજી દ્વારા બનેલું આ મંદિર 7 રિક્ટર સ્કેલ જેટલો ભૂકંપ ખમી શકવા સક્ષમ છે.
- 108 ફીટની ઊંચાઈએ ભગવાન મહાવીરની મૂર્તિની બરાબર ઉપર મંદિરની મુખ્ય ધજા લહેરાય છે જે મંદિરની સુંદરતામાં ઔર વધારો કરે છે.
- આરસના બનેલા આ અત્યંત ભવ્ય મંદિરની રાત્રિની સુંદરતાનો નજારો ખરેખર અવર્ણનીય છે. રોજ રાત્રે મંદિરનું આખું પરિસર જ્યારે વિવિધ લાઇટ્સથી ઝળહળી ઉઠે છે તેનું વર્ણન કરવા શબ્દો પણ ઓછા પડે!
શ્રી ધરમપુર તીર્થની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ માટે અહીં શું શું સુવિધાઓ છે?
- વયસ્ક શ્રદ્ધાળુઓ કોઈ પણ અગવડ વગર મંદિરના દર્શન કરી શકે તે માટે મંદિર સુધી જવા અહીં એલિવેટર બનાવવામાં આવ્યું છે.
- જીન મંદિરના જ પરિસરમાં બહારગામથી આવતા યાત્રીઓ માટે નહાવા ધોવાની પણ ખૂબ સારી સગવડ છે.
- વળી જ્યારે કોઈ આ નહાવાની સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યું હોય ત્યારે તેના સામાનની યોગ્ય સંભાળ રહે તે માટે અહીં લૉકરની સગવડ પણ છે.
- મુખ્ય મંદિર સિવાય બહારના ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓને ફોટોગ્રાફી કરવાની છૂટ છે.
- શ્રી ધરમપુર તીર્થમાં રાત્રિ રોકાણની પણ સુવિધા છે પણ તે માટે અગાઉથી જ વ્યવસ્થા તંત્રનો સંપર્ક કરવો પડે છે. સંપર્ક માટે:
+91 7285040000 / ashram@srmd.org
અથવા અહીં ક્લિક કરો.
- અહીં ધ્યાન, ધર્મ યાત્રા, સત્સંગ, શિબિર વગેરે જેવા આદ્યાત્મિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે.
શહેરી ઘોંઘાટથી દૂર આદ્યાત્મિક વાતાવરણમાં સમય વિતાવવા માટે શ્રી ધરમપુર તીર્થ શ્રેષ્ઠ જગ્યા છે. ક્યારેક જરૂર મુલાકાત લેશો!
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ