
મહાબળેશ્વરનો શાબ્દિક અર્થ થાય છે- ગૉડ ઓફ ગ્રેટ પાવર એટલે કે ભગવાનની મહાન શક્તિ. મહાબળેશ્વરને પાંચ નદીઓની ભૂમિ પણ કહેવામાં આવે છે. અહીં વીણા, ગાયત્રી, સાવિત્રી, કોયના અને કૃષ્ણા નામની પાંચ નદીઓ વહે છે. આવી જ હિલ સ્ટેશનની રાણી ગણાતા મહાબળેશ્વરમાં અમે વેકેશન ગાળવાનો નિર્ણય કર્યો. અમદાવાદથી મુંબઇ એક સામાજિક પ્રસંગે જવાનું હતું. ગરમીની સીઝન હતી અને મુંબઇથી મહાબળેશ્વર ખાસ દૂર નથી એટલે બે-ત્રણ દિવસ આ હિલ સ્ટેશનની ઠંડક માણવાનું પ્લાનિંગ કર્યું. હોટલ બુકિંગ એડવાન્સમાં જ કરાવી લીધું હતું એટલે કોઇ ચિંતા જેવી વાત નહોતી. મુંબઇમાં પ્રસંગ પૂરો કરીને અમે મહાબળેશ્વર જવા નીકળ્યા.
મહાબળેશ્વર એક સુંદર હિલ સ્ટેશન

મહાબળેશ્વર જવા માટે અમે બે ફેમિલી એટલે કે હું અને મારા ભાઇના કુંટબના મળીને કુલ સાત જણા હતા. મુંબઇથી રાતે 12 વાગે લકઝરી બસમાં બેસીને સવારે 8 વાગે મહાબળેશ્વર પહોંચ્યા. બસમાંથી ઉતરતાની સાથે જ અહીંની આબોહવાની ઠંડકનો પરિચય થયો. જાણે કે કોઇ સ્વર્ગમાં આવી ગયા હોઇએ તેવો અનુભવ થયો. ઉનાળાની ઋતુમાં પણ આહલાદ્ક વાતાવરણ હતું. બસ સ્ટેન્ડથી સીધા ટેક્સી કરી હોટલ પહોંચી ગયા. હોટલમાં થોડાક રિલેક્સ થઇને આખો દિવસ ફરવા માટે એક ટેક્સી કરી લીધી. મહાબળેશ્વર ફરવા માટે તમારે પ્રાઇવેટ ટેક્સી જ કરવી પડે છે. જેનું એક દિવસનું ભાડું ગાડી પ્રમાણે 1500થી 2000 રુપિયા જેટલું થાય છે. જો વધારે દૂરના પોઇન્ટે જવું હોય તો 2200થી 2500 રુપિયા પણ થઇ શકે. 4,450 ફૂટની ઉંચાઇ પર સ્થિત આ શહેર 150 ચોરસ કિ.મી. ક્ષેત્રમાં ફેલાયેલું છે. મહાબળેશ્વર મુંબઇથી 220 કિ.મી. જ્યારે પૂનાથી 120 કિ.મી. દૂર છે.
મહાબળેશ્વરનો ઇતિહાસ

મહાબળેશ્વરની શોધ સૌથી પહેલા રાજા સિંધને કરી હતી. અહીંનું પ્રસિદ્ધ મહાબળેશ્વર મંદિર તેમણે જ બનાવ્યું હતું. 17મી સદી પછી શિવાજી મહારાજે આની ક્ષેત્ર પર કબજો જમાવ્યો અને અહીં પ્રતાપગઢ કિલ્લો બનાવ્યો. 1819માં અંગ્રેજોએ અહીં સત્તા જમાવી. આઝાદી પછી આ એક હિલ સ્ટેશન તરીકે વિકસ્યું છે.
એલિફંટ પોઇન્ટ

જો તમે અહીં શાંતિની કેટલીક પળો વિતાવવા માંગો છો તો એલિફંટ હેડ પોઇન્ટ એક સારી જગ્યા છે. આની સંરચના એવી છે કે તે એક હાથીની સુંઢ જેવો આકાર ધારણ કરે છે. મહાબળેશ્વરમાં સૌથી વધુ જોવાતી આ જગ્યા છે. આ હિલ સ્ટેશનનો વિકાસ બોમ્બેના ગર્વનર જનરલ માઉન્ટ એલફિંસ્ટનના સમયે થયો હતો. અહીં તમારે વાંદરાઓનો સામનો કરવો પડશે. અહીં વાંદરાઓને ખવડાવવા માટે ચણા મળે છે. ચણા જોઇને વાંદરાઓનું ટોળુ તમારી તરફ આવશે. અમે પણ તેનો આનંદ માણ્યો.
સુસાઇડ પોઇન્ટ

આર્થર સીટ કે સુસાઇડ પોઇન્ટને બધા પોઇન્ટની રાણીના નામે ઓળખવામાં આવે છે. અહીં બ્રહ્મા-અર્યાના અને સાવિત્રી નદીની ગાઢ ખીણોનો સૌથી શાનદાર વ્યૂ અને આકર્ષક દ્શ્ય જોવા મળે છે. અહીંથી ઉપરના ભાગે જશો તો એક વિંડો પોઇન્ટ અને ટાઇગર સ્પ્રિંગ પણ જોઇ શકાશે. સુઆઇડ પોઇન્ટ પર અમને ફોટો ગ્રાફી કરવાની મજા પડી. લીલીછમ ખીણો જોઇને મન પ્રફુલ્લિત થઇ ગયું. અહીં ઘણી હિન્દી ફિલ્મોના શૂટિંગ પણ થયા છે.
વેન્ના લેક અથવા વીણા સરોવર

વેન્ના સરોવર મહાબળેશ્વરમાં એક સુંદર અને દર્શનીય સ્થળ છે. આ સરોવર માનવ નિર્મિત છે. આ સરોવરનું નિર્માણ 1942માં શ્રી અપ્પાસાહેબ મહારાજ દ્ધારા કરવામાં આવ્યું હતું. આ તળાવમાં તમે બોટિંગ કરી શકો છો. અમે પણ અહીં બોટિગ કરવાનો લ્હાવો લીધો. તળાવ કિનારે ઘોડેસવારીનો આનંદ પણ માણી શકાય છે.
એલ્ફિન્સ્ટન પોઇન્ટ

આ પોઇન્ટ પણ મહાબળેશ્વરમાં જોવાલાયક જગ્યાઓમાંનો એક છે. અહીંથી મહાબળેશ્વરના મનોરમ દ્શ્યોને જોઇ શકાય છે. આ ઉપરાંત ટ્રેકર્સ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે બેબિંગ્ટન પોઇન્ટ પણ જોવાલાયક છે. બોમ્બે પોઇન્ટથી પણ કુદરતી દ્શ્યોને જોઇ શકાય છે. આ ત્રણેય પોઇન્ટ અને ફર્યા અને દરેક પોઇન્ટ પર ચઢવાનું હોવાથી થાક પણ ખુબ લાગ્યો.
મેપ્રો ગાર્ડન

મેપ્રો ગાર્ડન મેપ્રો કંપનીનો એક ગાર્ડન છે. આ ગાર્ડન સ્વાદિષ્ટ સ્ટ્રોબેરીના ઉત્પાદન માટે જાણીતો છે. પાર્કમાં ચારેબાજુ હરિયાળી, થોડી નર્સરી, એક રેસ્ટોરન્ટ, એક ચોકલેટ ફેક્ટરી અને બાળકોના રમવાની જગ્યા છે. બગીચામાં વાર્ષિક સ્ટ્રોબેરી મહોત્વ દરમિયાન સૌથી વધુ પર્યટક અહીં આવે છે. અમે અહીંથી સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી જામ, કેન્ડી, જેલીની ખરીદી કરી અને રેસ્ટોરન્ટમાં સ્ટ્રોબેરી આઇસ્ક્રીમની મોજ પણ માણી.
કૃષ્ણાબાઇ મંદિર

એક પહાડીના શિખરે આવેલું કૃષ્ણાબાઇ મંદિર કૃષ્ણાઘાટીથી જોઇ શકાય છે. 19મી શતાબ્દીના અંતમાં રત્નાગિરીના તત્કાલીન શાસક દ્ધારા બનાવાયું હતું. મંદિર દેવી કૃષ્ણાબાઇને સમર્પિત છે. પરંતુ પરિસરમાં એક શિવલિંગ પણ છે. મંદિરમાં એક પથ્થરની બોટલ છે જે પાણીના સ્ત્રોત તરીકે એક ગાયના ચહેરાના આકારમાં બનાવાઇ છે જે એક મોટી ટેંકમાં એકત્ર થાય છે. આ કૃષ્ણા નદીનો સ્ત્રોત પણ માનવામાં આવે છે. અને આ જગ્યાએ થોડીવાર બેસીને આધ્યાત્મિકતાનો અનુભવ કર્યો.
પંચગીની

મહાબળેશ્વરના બધા પોઇન્ટ્સ જોઇ લીધા પછી અને પંચગીની તરફ રવાના થયા. મહાબળેશ્વર જતા રસ્તામાં પંચગીની આવે છે. અહીં ટેબલ લેન્ડ ખુબ જ ફેમસ જગ્યા છે. ટેબલ લેંડ જવા માટે ટ્રેકિંગ કરી ને પણ જઈ શકાય છે અને ટેક્ષી દ્વારા પણ જઈ શકાય છે. અહીં અને ઘોડેસવારીનો આનંદ માણ્યો. પંચગીનીમાં ઘણી સારી સ્કૂલો છે. રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા છે. ટેબલ લેન્ડ પર ફુટબોલ રમી શકાય તેવુ વિશાળ મેદાન છે.
પૂના તરફ પ્રસ્થાન

મહાબળેશ્વરમાં બે દિવસ રોકાયા પછી અમે પૂના તરફ રવાના થયા. મહાબળેશ્વરમાં સ્ટ્રોબેરી, આઇસ્ક્રીમની સાથે બરફના ગોળાનો આનંદ પણ ખાસ લેવા જેવો છે. મુખ્ય બજારમાં અમે અલગ અલગ ફ્લેવરના બરફના ગોળાનો ટેસ્ટ કરીને ગરમીમાં રાહત મેળવી. અમદાવાદ આવવા માટે અમારે પૂનાથી ટ્રેનનું રિઝર્વેશન હતું. તેથી અમે મહાબળેશ્વરથી લકઝરી બસમાં બેસીને પુના પહોંચી ગયા. પુનાથી અમદાવાદની ટ્રેન રાતની હતી. તેથી રેલવે સ્ટેશન પર લોકર રુમમાં સામાન મુકીને અને સૌ પ્રથમ અગાખાન પેલેસ જોવા પહોંચી ગયા. આ પેલેસ સુલતાન મુહમ્મદ શાહ આગા ખાન ત્રીજા દ્વારા બંધાવવામાં આવ્યો છે. આગા ખાન મહેલ એક ભવ્ય ઇમારત છે. આ મહેલ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે કારણ કે અહીં મહાત્મા ગાંધી, તેમની પત્ની કસ્તુરબા ગાંધી, તેમના સચિવ મહાદેવભાઈ દેસાઈ અને સરોજિની નાયડુએ કારાવાસની સજા ભોગવી હતી. કસ્તુરબા ગાંધી અને મહાદેવ દેસાઈનું અવસાન પણ અહીં જ થયું હતું.

અગાખાન પેલેસના પરિસરમાં જ જમવાની વ્યવસ્થા છે. અહીં બપોરનું લંચ કર્યા પછી અમે દગડુશેઠ ગણપતિ મંદિર જોવા ગયા. દગડુશેઠ હલવાઇ ગણપતીનું આ મંદિર ભક્તોના આદર અને ભક્તીનું સ્થાન છે. દગડુ શેઠ કર્ણાટકથી આવી પૂનામાં વસેલો એક વેપારી અને હલવાઈ હતો. તેના વેપારને એટલી તો સફળતા મળી કે તેની અટક જ હલવાઈ પડી ગઈ હતી. દગડુ શેઠ હલવાઈની ઓરિજીનલ દુકાન આજે પણ પૂનાના દત્ત મંદિર પાસે કાકા હલવાઈના નામે મોજૂદ છે. મંદિર જોયા પછી સાંજ પડી ગઇ હતી અને અમારે જવાનો સમય થઇ ગયો હતો. રેલવે સ્ટેશન પર આવીને મહાબળેશ્વર, પંચગીની, પૂનાની મીઠી યાદો સાથે અમે અમદાવાદ જતી ટ્રેનમાં બેઠા.