મધ્યપ્રદેશ તેના પર્યટનને કારણે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. દેશની મધ્યમાં સ્થિત હોવાને કારણે મધ્યપ્રદેશને "ભારતનું હૃદય" પણ કહેવામાં આવે છે. મધ્ય પ્રદેશને ભારતનુ દિલ શુ કામ કહેવામા આવે છે તે મને ત્યા રહ્યા પછી ખબર પડી. એમપી મા રહેવા લાગ્યો છુ ત્યારથી લાગે છે જાણે હું તેના પ્રેમમાં પડી ગયો છું. પેલુ કહેવાય છે ને કે પ્રેમ કોઈ વ્યક્તિ સાથે જ થાય તે જરુરી નથી, ક્યારેક કોઈ શહેરના પ્રેમમા પણ પડી જવાય છે અને પછી તે શહેર તમારી માટે એક માણસ બની જાય છે.
કદાચ આ મારા કિસ્સામાં પણ આમ જ બન્યું છે. મધ્યપ્રદેશની મુસાફરી કોઈ પણ પ્રવાસી માટે સ્વપ્નથી ઓછી નથી કારણ કે અહીં તમને ઘણા ઐતિહાસિક સ્મારકો, મંદિરો, કિલ્લાઓ, મહેલોથી માંડી નેશનલ પાર્ક અને વાઈલ્ડલાઈફ સેંચ્યુરી જોવા મળશે. તમે મધ્યપ્રદેશમાં ઘણા સ્થળોની મુલાકાત લીધી હશે, પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે એમપીમાં લોટસ વેલી પણ છે. જેની ગણતરી એશિયાની સૌથી મોટી લોટસ વેલીમાં થાય છે. સાથે સાથે તે ખૂબ જ રોમેન્ટિક સ્થળ છે, તેથી જો તમે તમારા જીવનસાથી સાથે થોડો ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગતા હો તો લોટસ વેલી તમારા માટે યોગ્ય સ્થળ છે.
ગુલાવટ લોટસ વેલી
ઈન્દોર શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર ગુલાવટ ગામમાં યશવંત સાગર ડેમના બેક વોટરથી બનેલું આ કુદરતી તળાવ છે. જેની સુંદરતા કોઈને પણ તેનુ ગુલામ બનાવી શકે છે. કુદરતનો કરિશ્માથી બનેલી ગુલાવટ લોટસ વેલી તેની અદ્ભુત પ્રાકૃતિક સુંદરતા માટે સમગ્ર ભારતમાં વખણાય છે. સો થી દોઢસો ફુટ ઊંચા વાંસનાં વૃક્ષોથી બનેલી ગુફાઓ એક ખાસ પ્રકારનું આકર્ષણ ઊભુ કરે છે. આવું પ્રાકૃતિક દ્રશ્ય તમને ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળશે. આ તળાવમાં કમળના ફૂલો મોટી સંખ્યામાં ખીલે છે જે આ તળાવની સુંદરતામાં વધારો કરે છે. તમારી જાણ ખાતર કહી દઉ કે દૂરથી જેટલુ સુંદર દેખાય તેના કરતા વધુ મજા તમે તળાવની સેર કરી લઈ શકો છો. તમે ચાહો તો હોડીમાંથી આ ફૂલોની સુંદરતાને જોવા સાથે સ્પર્શી પણ શકો છો. મુખ્યત્વે ફોટોગ્રાફી માટે સારી જગ્યા છે. તમને લાગશે કે તમે સ્વર્ગમાં આવી ગયા છો. આખુ તળાવ કમળના ફૂલોથી ગુલાબી ગુલાબી દેખાય છે. આ સ્થળ પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ જેવું છે. અહીં સૂર્યાસ્તના મનમોહક દૃશ્યો તમને કાશ્મીર, કન્યાકુમારી અને ગોવાની યાદ અપાવશે.
લોટસ વેલીમાં શું કરવું?
લોટસ વેલી એક ખૂબ જ સારુ પિકનિક સ્પોટ છે જ્યાં તમે વીકેન્ડ ટ્રીપનું આયોજન કરી શકો છો. અહીં તમે ઘોડેસવારીનો પણ આનંદ માણી શકો છો. મુખ્યત્વે ફોટોગ્રાફી માટે સારી જગ્યા છે. અહીં આવેલા તળાવમાં નાના ટાપુઓ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં તમે હોડીની સવારી કરી શકો છો. આ સાથે તમે સાઈકલિંગ, ખુલ્લી જીપની સવારી અને વૃક્ષો સાથે બાંધેલા આકર્ષક હિંચકાઓનો પણ આનંદ માણી શકો છો. પ્રી વેડીંગ શૂટ માટે એક પરફેક્ટ પ્લેસ છે. હા, તમને એ જણાવી દઉ કે અહિ પહોંચતા પહેલા તમે બિજાસન માતા મંદિર, ગોમટગીરી દિગંબર જૈન મંદિર અને પિતૃ પર્વત પણ ફરી શકો છો. જે ઈન્દોરના સૌથી સુંદર સ્થળોમાંથી એક માનવામાં આવે છે.
લોટસ વેલીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
લોટસ વેલીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી ડિસેમ્બર છે. આ સમયે તમને તળાવમાં ઘણા કમળ જોવા મળે છે.
કેવી રીતે જવું
તે ઈન્દોર શહેરથી લગભગ 25 કિલોમીટરના અંતરે અને ઈન્દોર એરપોર્ટથી હતોત રોડ તરફ 17 કિલોમીટરના અંતરે એક નાનકડા ગામ ગુદરા ખેડીમાં સ્થિત છે. લોટસ વેલી જવા માટે સૌથી શ્રેષ્ઠ એ રહેશે કે તમે તમારા વાહનમા પરિવાર અને મિત્રો સાથે જાવ.
વાંચવા બદલ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા સુંદર વિચારો અને રચનાત્મક પ્રતિસાદ અહિ શેર કરો.
તમને આ લેખ કેવો લાગ્યો, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.