ગુજરાતી પ્રજા ફરવાની શોખીન છે. કહેવાય છે કે ગુજરાતીઓને ફરવાનું બહાનું જ જોઇએ છે. કોઇપણ વીકેન્ડ, તહેવારો કે વેકેશનમાં ગુજરાતીઓ ફરવા ઉપડી જતા હોય છે. રાજસ્થાન જતા ગુજરાતીઓ હેરિટેજ હોટલમાં રોકાવાનો મોહ છોડી શકતા નથી. પરંતુ ગુજરાતમાં પણ એવી હેરિટેજ હોટલો છે જ્યાં તમે રાજા રજવાડાના રીચ કલ્ચરને નજીકથી જોઇ શકો છો. જો તમે પણ રજવાડી હોટલોમાં રોકાવા ઇચ્છો છો તો આવો અમે આજે તમને પરીચય કરાવીશું ગુજરાતની કેટલીક હેરિટેજ હોટલોનો.
મણી મેન્શન, અમદાવાદ
મણી મેન્શન એ મણીભાઇ પરથી ઉતરી આવેલો શબ્દ છે. મણીભાઇ એક અગ્રણી સામાજીક કાર્યકર અને ઉદ્યોગપતિ હતા. તેમણે આ ઘરને વર્ષ 1923માં બનાવ્યું હતું. આ હેરિટેજ હાઉસ એક સમયે પૂરા દલાલ ફેમિલીનું નિવાસસ્થાન હતું. આ હાઉસની ભવ્યતા આજે પણ તમે જોઇ શકો છો. લગભગ 2300 ચોરસ મીટરમાં આ ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વરંડા સાથેના સાત વિશાળ રૂમ અને એક પ્રવેશદ્ધાર હતું. આ ઉપરાંત, રસોડું, ડાઇનિંગ અને સ્ટોર રૂમની સાથે એક મસાલા ગ્રાઇન્ડિંગ રૂમ (આજે ત્યાં પિઝેરિયા અને ફુવારા બાજુ બેસવાની જગ્યા છે) પણ હતો. મહાત્મા ગાંધીએ જ્યારે આ ઘરની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે મણીભાઇને કહ્યું હતું કે ખપ પુરતું હોય તો લોક સેવા કરો. બસ ત્યારથી મણીભાઇએ લક્ઝુરિયસ જીવનશૈલીનો ત્યાગ કરીને સમાજીક કાર્યમાં મન પરોવ્યું હતું. મણી મેન્શનમાં તમને અમદાવાદ શહેરના ઇતિહાસ અને સંસ્કૃતિનો પરિચય કરાવે છે. એક સમયે અહીં ગુજરાતી સાહિત્યના ધુરંધરો એવા જ્યોર્તિન્દ્ર દવે, જય ભીખુ અને ચંદ્રવદન મહેતા ઉપરાંત નાટક સાથે સંકળાયેલા જયશંકર સુંદરી, રવિશંકર રાવળ પણ નિયમિત મુલાકાત કરતા હતા.
કેવી છે સુવિધા
આઇટીસી ગ્રુપની વેલકમ હેરિટેજ સાથે જોડાયા પછી આ હોટલ વેલકમહેરિટજ મણી મેન્શન તરીકે ઓળખાય છે. અહીં કુલ 7 એક્ઝિક્યૂટિવ રૂમ, 10 ડિલક્સ રૂમ અને 5 પ્રીમિયર રૂમ છે. દરેક રૂમમાં ટી-કોફી મેકર, મીનિ ફ્રિજ, ઇલેક્ટ્રોનિક સેફ વગેરેની સુવિધા છે. આ ઉપરાંત, ફિટનેસ સેન્ટર, કોન્ફરન્સ, હાડ્રોલિક કાર પાર્કિંગ, સ્વિમિંગ પુલ, ડોક્ટર ઓન કોલ જેવી સુવિધા છે. એક મલ્ટી ક્યુઝિન કાફે અને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસતું રુડુ ભોજન પણ છે.
ક્યાં છે
મહેંદી નવાઝ જંગ હોલ, બેન્ક ઓફ ઇન્ડિયાની બાજુમાં, પાલડી ક્રોસ રોડ, અમદાવાદ
દરબારગઢ હેરિટેજ હોમ
અંબાજીથી માત્ર 29 કિલોમીટર અને અમદાવાદથી 180 કિલોમીટર અંબાજી જવાના રસ્તે આવેલું છે પોશીના. અહીં આવેલા દરબારગઢનું સંચાલન કરી રહ્યા છે કુંવર હરેન્દ્રપાલ સિંહ અને તેમનો પરિવાર. દરબારગઢ કોઇ હોટલ નથી પરંતુ એક હેરિટેજ હોમ છે. કુંવર હરેન્દ્રપાલ સિંહ જણાવે છે કે 1994માં એક રૂમથી આ હેરિટેજ હોમની શરૂઆત થઇ હતી અને આજે અમે 32 એસી રૂમની સુવિધા ઉભી કરી છે.
દરબારગઢનો ઇતિહાસ
પોશિનાના રાજવીઓ ચાલુક્યના વંશજો છે. 12 સદીમાં ગુજરાત અને મધ્યભારતમાં તેઓનું શાસન હતું. દરબારગઢ એક સમયે ચાલુક્ય ડાયનેસ્ટીનું ગૌરવ ગણાતું. સ્વતંત્રતા પહેલા આંઠ પેઢી સુધી તેમના વંશજોનું શાસન હતું.
દરબારગઢમાં આવી છે સુવિધા
અહીં તમને ખુશનુમા આબોહવા, સુંદર બગીચા, વૃક્ષો અને ટેરેસ પરથી અરવલ્લીના પહાડોના દર્શન કરવા મળશે. નજીકમાં પ્રખ્યાત અંબાજી મંદિર છે. પોશિના મહેલની નજીક તમને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની આદિવાસી અને ગરાસીયા સંસ્કૃતિનો અનુભવ મળશે. રાજસ્થાની, ગુજરાતી, જૈન ફૂડનો ઘર જેવો ટેસ્ટ મળશે. જો તમારે જાતે રસોઇ કરવાની ઇચ્છા હોય તો તે કુકિંગ એક્સપર્ટ તેમાં તમને મદદ કરશે.
કુંવર હરેન્દ્રપાલ સિંહ અતિથિઓની વ્યકિતગત દેખરેખ રાખે છે. ખુરશી ટેબલથી માંડીને બારી-બારણા, ડાઇનિંગ ટેબલ સહિત તમામ રૂમમાં એન્ટિક ચીજો તમને જોવા મળશે. રાજાઓના સમયનું ફર્નિચર તમને ભુતકાળના રજવાડી ઠાઠનો અનુભવ કરાવશે. જો કે આધુનિક જમાના અને પ્રવાસીઓની જરૂરીયાતો અનુસાર તેમાં કેટલોક ફેરફાર પણ કરવામાં આવ્યો છે.
હેરિટેજ હોમ બેલ ગેસ્ટ હાઉસ
અમદાવાદથી 136 કિલોમીટર રાજકોટ હાઇવે પર સાયલામાં છે બેલ ગેસ્ટ હાઉસ. છેલ્લા 150 વર્ષથી આ ગેસ્ટ હાઉસ અડિખમ છે. આ એક હેરિટેજ હોમ છે. આઝાદી પહેલા સાયલા 575 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું એક રજવાડુ હતું જેની પર ઝાલા રાજપુતોનું સામ્રાજ્ય હતું. ઝાલા રાજપુતો 12 સદીમાં સિંધ પ્રાન્તમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને પાટડીમાં પોતાનું સામ્રાજ્ય ચલાવ્યું હતું. ઇસ્લામના આક્રમણ બાદ ઝાલાઓએ તેમની રાજધાની હળવદને બનાવી હતી. ત્યાર બાદ ઝાલાઓએ ધ્રાંગધ્રા, વાંકાનેર, લિમડી, વઢવાણ, સાયલા, ચુડા અને અન્ય રજવાડાઓની સ્થાપના કરી. 1751માં શેષમલજીએ સાયલાને રાજધાની બનાવી અને દરબારગઢ અથવા તો રાજમહેલ પેલેસ બનાવ્યો.
પેલેસમાં સુવિધાઓ
યુવરાજ સોમરાજસિંહ ઝાલા પોતાના પરિવાર સાથે હેરિટેજ ગણાંતા બેલ ગેસ્ટ હાઉસનું સંચાલન કરી રહ્યા છે. બેલ ગેસ્ટ હાઉસમાં કુલ 10 રૂમ્સ છે જેમાંથી 4 રૂમ્સમાં ઝાલા ફેમિલી અને તેમના મહેમાનો માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ ગેસ્ટ હાઉસ એક હોમ સ્ટે છે જેથી બાકીના 6 રૂમ્સમાં સામાન્ય લોકો બુકિંગ કરીને રહી શકે છે. અહીંના એકોમોડેશનની વાત કરીએ તો તેમાં દરેક રૂમમાં એસી, ટીવી અને એટેચ્ડ બાથરૂમની સુવિધા છે. અહીંના દરેક રૂમમાં તમને લાકડાનું પ્રાચીન કામ જોવા મળશે. ભોજનમાં તમને કાઠિયાવાડી ટેસ્ટની સાથે અન્ય ભારતીય ડિશ અને કેટલીક વેસ્ટર્ન ડિશ પણ ખાવા મળશે.
અહીં સ્થાનિકો સાથે તેમના ફાર્મમાં બેસીને લોકલ કાઠીયાવાડી ભોજનનો આસ્વાદ પણ માણી શકાય છે. તો પૂર્વ એપોન્ટમેન્ટ લઇને તમે યુવરાજ અને તેમના પત્ની સાથે લંચ કે ડીનર લઇ શકો છો. સાયલામાં તમને સ્થાનિક રાજપુત કલ્ચર અને રીતરિવાજોની જાણકારી પણ મળશે
કેટલું છે અંતર
બેલ ગેસ્ટ હાઉસ અમદાવાદથી 136 કિલોમીટર દૂર રાજકોટ તરફ નેશનલ હાઇવે 8એ પર સાયલા ખાતે આવેલું છે. અહીંથી રાજકોટ એરપોર્ટ 88 કિલોમીટર દૂર છે. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી તે 34 કિમી દૂર આવેલું છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ