યુરો ટૂર્સમાં દર વર્ષે હજારો ગુજરાતીઓ/ ભારતીયો યુરોપના વિવિધ દેશોના પ્રવાસે જતાં હોય છે. યુરોપના જ કોઈ દેશમાં વસતા લોકોએ યુરોપના દેશોને એક ટીપીકલ ટુરિસ્ટ કરતાં સાવ અલગ રીતે જોયા હશે તે સમજી શકાય છે. ‘ગુજરાતી યુગલની યુરોપ યાત્રા’ અંતર્ગત આપણે જર્મનીમાં રહેતા એક એવા ગુજરાતી કપલની યુરોપ યાત્રા માણીશું જે યુરોપના વિવિધ દેશોના જાણીતા તેમજ અજાણ્યા ફરવાલાયક સ્થળોએ ખૂબ નિરાંતે ફર્યા છે. આ વાત છે રાધિકા વસાવડા અને પ્રતિક નાણાવટીની, રાધિકાના શબ્દોમાં..
અજાણી ભાષા બોલતા દેશમાં રહેવાની મથામણ
હું મૂળ ભાવનગરની છું અને મારો જીવનસાથી પ્રતિક મૂળ જુનાગઢનો છે અને જર્મની સ્થાયી છે. ફેબ્રુઆરી 2018માં મારા લગ્ન થયા ત્યારે મારો MBAનો અભ્યાસ હજુ બાકી હતો. જુલાઈ 2018માં મેં જર્મની ભણી ઉડાન ભરી. 3-4 કલાકના લે-ઓવર સહિત કુલ 16 કલાકનો પ્રવાસ કરીને જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ ખાતે હું લેન્ડ થઈ.
આ સ્થળેથી પ્રતિકનું ઘર, જે આજથી મારું પણ ઘર હતું, દોઢ કલાકના અંતરે આવેલું છે. ભારતથી હજારો કિમી દૂર આવેલા કોઈ અજાણ્યા દેશમાં આવવાનો રોમાંચ અવર્ણનીય જ હોવાનો! આટલી લાંબી મુસાફરી કરીને આવી હોવા છતાંય મેં બે કલાકની સફરમાં એક મિનિટનું પણ ઝોકું ન ખાધું. મને જર્મનીમાં આવી હોવાનું ખૂબ આકર્ષણ હતું! ઉત્સાહ હતો, રોમાંચ હતો..
શરૂઆતના થોડા દિવસો તો વિશેષ વાંધો ન આવ્યો. પણ ખરી કસોટી હવે થવાની હતી.
મને જર્મન ભાષા નહોતી આવડતી. મને ખ્યાલ તો હતો જ કે અહીં લોકો જર્મન બોલે છે એટલે થોડી તકલીફ તો રહેવાની. પણ આટલી હદે મુશ્કેલી પડશે તેવું નહોતું વિચાર્યું.
અમે જે પ્રદેશમાં રહી છીએ ત્યાંના લોકો ભાષા બાબતે ખૂબ રૂઢિચુસ્ત છે. તેમને ખાસ જરુર પડે તો જ અંગ્રેજીનો ઉપયોગ કરે; આપણી સગવડ માટે આપણે જર્મનની વ્યવસ્થા કરવાની અથવા જરૂરિયાત જતી કરવાની. અલબત્ત, મારો હસબન્ડ 24 કલાક તો મારી સાથે ન જ હોય શકે. એટલે જર્મનીમાં મારું સૌથી પહેલું અને મહત્વનું કામ હતું જર્મન શીખવાનું.
મેં જર્મન ભાષાના A1 લેવલના ક્લાસિસ શરૂ કર્યા. આ એક ખરેખર સાવ અનોખો અનુભવ હતો. એક ક્લાસરૂમ, બધા જ પુખ્ત વયના લોકો, કોઈને જર્મન ન આવડે, ઘણાયને અંગ્રેજી પણ ન આવડે, બધા એ શૂન્યથી શરૂઆત કરવાની હતી.
આ ક્લાસમાં મારી એક તુર્કીશ બહેનપણી બની ગઈ હતી. તેને અંગ્રેજી નહોતું આવડતું એટલે અમે જે નવા નવા જર્મન શબ્દો શીખી રહ્યા હતા તેમાં અથવા પછી ઇશારામાં વાતો કરતાં. ધીમે ધીમે અમે બંને એટલા સારા મિત્રો બન્યા કે તેણે મને અને પ્રતિકને તેના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું.
ફરીથી એક પાયાની સમસ્યા.
મેં કહ્યું કે અમે શાકાહારી છીએ. શાકાહારી એટલે એકઝેટલી શું? તેણે મને અમે ઈંડા, ફિશ જેવું કશું ખાઈએ છીએ કે કેમ તે પૂછ્યું. મેં નકારમાં ઉત્તર આપ્યો.
તેમ છતાંય તેણે અમને આમંત્રણ આપ્યું અને અમારા માટે ખાસ શાકાહારી ભોજન બનાવ્યું. પીઝા તેમજ તેના દેશની પ્રખ્યાત કેક તેણે બનાવી હતી. આ કેકની મુખ્ય સામગ્રી જ ઈંડા હતી. તેણે બે વખત નિષ્ફળ પ્રયાસ કર્યા પછી ત્રીજી વખત આ એગલેસ કેક ખાસ અમારા માટે બનાવી હતી. અમને ખૂબ સારું લાગ્યું.
60-65 વર્ષની ઉંમરનું એક વૃદ્ધ રશિયન કપલ પણ મારા ક્લાસમાં હતું. તે બંનેની આંખો નબળી હતી એટલે બિલોરિકાચ લઈને તેઓ વાંચતાં!! આ ઉંમરે તેમની ભાષા શીખવાની ધગશને જોઈને મને ખૂબ મોટિવેશન મળ્યું હતું. તેમના આ સ્પિરિટને સાચે જ વંદન કરવાનું મન થઈ ગયું!
પછી તો હું B2 લેવલ સુધી જર્મન શીખી.
અજાણ્યા દેશમાં, તેમની ભાષા શિખતા શિખતા મને અનેક દેશોના અનોખા મિત્રો મળ્યા છે. જેમ જેમ ભાષા શિખાતી જતી હતી તેમ તેમ હું સૌ સાથે વધુ સરળતાથી વાતચીત કરી શકતી.
દર લેવલ પૂરું થાય એ પહેલા અમે સૌ પોતપોતાનાં દેશની વાનગીઓ લાવીને પોટલક પાર્ટી કરતાં. આવી જ એક પાર્ટીમાં હું ઢોકળા, ગુલાબજાંબુ અને હલ્દીરામનો કોરો નાસ્તો લઈને ગઈ હતી. એક લેડીને ઢોકળા એટલા બધા ભાવ્યા કે તેઓ વધેલા બધા જ ઢોકળા તેમની સાથે ઘરે લઈ ગયા! વળી, એક યુરોપની સ્ત્રીએ પાકિસ્તાની છોકરા સાથે લગ્ન કર્યા હતા, તેણીએ કહ્યું કે તેણે ગર્ભાવસ્થા દરમિયાન અઢળક ગુલાબજાંબુ ખાધા હતા!!
અને આ ભાષાએ મને જર્મનીનો પ્રવાસ કરવામાં પણ ખૂબ મદદ કરી.
ભારતથી જે લોકો યુરોપ ટ્રીપ પર આવે છે તેમાં એક જ પ્રવાસમાં અનેક દેશો કવર કરવાના હોય છે. આવા પ્રવાસોમાં જર્મની દેશને માંડ એકાદ બે દિવસ ફાળવવામાં આવતા હોય છે. અમે નસીબદાર છીએ કે અમે જર્મની સહિત યુરોપના અનેક દેશોના અનેક અનોખા સ્થળો ખૂબ શાંતિથી ફરી શક્યા છીએ.
.