આ વાત મારી અને મારી સહેલીની છે. તે સમયે મેં હજુ થોડા વખત પહેલા જ નોકરી મૂકી હતી. મારે હંમેશા ટ્રાવેલિંગ ક્ષેત્રે કશુંક કરવું હતું અને તે નોકરી મૂકીને કોઈ સ્થળે ફરવા જવું એ આ દિશામાં મારુ પ્રથમ પગલું હતું. આ કામમાં સાથ આપ્યો મારી બહેનપણીએ. તે ડેન્માર્કની છે અને આખી દુનિયા ફરીને એ જાણવા માંગે છે કે સૌથી સારી નોકરી કઈ છે. તો આ રીતે અમે બંનેએ એકબીજા સાથે ઘણા પ્રવાસો કર્યા હતા અને આમ જ અમે પહોંચી ગયા બંગાળની ખાડીમાં આવેલા અનોખા દ્વીપસમૂહ ખાતે.
મુશ્કેલી એ હતી કે અમારા બંનેના ખિસ્સા ખાલી હતા. અમારે આ સફર ફકીરોની જેમ જ કરવાની હતી. અમે રસ્તામાં કેટલાય પાસે લિફ્ટ માંગી, સાવ સાધારણ હોટેલમાં રહ્યા, અને કેટલાય મિલો ચાલ્યા.. એની પણ કઈક અલગ જ મજા હતી. હેવલોક ટાપુ- જે પ્રવાસીઓમાં એક મોંઘી જગ્યા તરીકે જાણીતો છે ત્યાં અમે સાવ ઓછા દરે પ્રવાસ કર્યો.
જાણવા માંગો છો કઈ રીતે? આગળ વાંચો..

પ્લેનમાં પોર્ટ બ્લેર પહોંચ્યા બાદ ત્યાંથી 2.30 કલાકની શિપની મુસાફરી કરીને હેવલોક પહોંચી શકાય છે. એ માટે ટિકિટ ખરીદવા તમારે કોઈ વધુ મહેનત કરવાની જરુર નથી, બસ તેનો સમય જાણી લો અને જેટ્ટી પર પહોંચી જાઓ.




નીમો રીફમાં સ્કૂબા ડાઇવિંગ
ઘણા સમયથી અમે બંને સ્કૂબા ડાઇવિંગ કરવા ઇચ્છતા હતા. હેવલોકે અમારી આ ઈચ્છા પૂરી કરી. અહીં સ્કૂબા માટે કોઈ એડવાન્સ બૂકિંગની જરુર નથી. સવારે અને બપોરે બંને સમયે સ્કૂબા ડાઇવિંગની પ્રવૃત્તિ થાય છે. સવારના ભાવ થોડા વધુ હોય છે કેમકે તે સમયે વધુ કોરલ્સ જોવા મળે છે.

જરૂરી પ્રોસેસ પતાવીને અમે સ્કૂબા ડાઇવિંગના સ્પોટ પર ગયા. અમારા ગાઈડે ઓક્સિજન સિલિન્ડર, માસ્ક જેવી વસ્તુઓ આપી અને આવશ્યક સૂચનાઓ આપી. કેટલાય સવાલ-જવાબ અને દરિયામાં શ્વાસ લેવાની પ્રેક્ટિસ કર્યા પછી અમે સમુદ્રમાં અંદર ગયા. આ એ ક્ષણ હતી ત્યારે હું ભૂલી ગઈ કે મારી આસપાસ શું બની રહ્યું છે.



આ નાનકડા બીચ પર ઊભેલી હારબંધ નારિયેળીઓ અહીંના પ્રવાસીઓને આવકારે છે. ઠંડા પવન સાથે અહીં દરિયાનું પાણી પણ આમતેમ હલે છે તે જોવાની ખૂબ મજા આવે છે. આ બીચની સુંદરતા તમને અહીં બેસવા મજબૂર કરી દેશે. ખાસ તો રાતે! રાતના સમયે અહીંનો નજારો કઈક અલગ જ હોય છે.


એલિફન્ટા બીચ
અમે હોટેલથી સુંદર કપડાં અને ચપ્પલ પહેરીને તૈયાર થઈને નીકળ્યા હતા પણ પછીથી અમને જાણવા મળ્યું કે એલિફન્ટા બીચ જવા માટે સ્પીડ બોટમાં અથવા એક કલાકનો ટ્રેક કરીને, 2 જ રીતે પહોંચી શકાય છે. અમે ટ્રેક કરવાનું પસંદ કર્યું અને કોઈ પણ ખર્ચ વિના એલિફન્ટા બીચ પહોંચ્યા.
આ બીચની સુંદરતા તમને અચંબામાં મૂકી દેશે. અમે અહીં કેટલુંય ચાલીને કલાકોનો સમય વિતાવ્યો. કેટલાક દરિયાઈ જીવો પણ જોવા મળ્યા. વળી, અહીં કેટલીય વોટર-સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ થતી હતી.
આ સફર દરમિયાન એક એવી પણ ઘટના બની જેણે અમને સમજાવ્યા કે માનવતા હજુયે જીવતી છે.
પાછા ફરવાનો રસ્તો પૂછવા માટે અમે બે છોકરાઓ પાસે ગયા. એ લોકોએ જણાવ્યું કે રવિવારનો દિવસ હોવાને કારણે વાહન મળવાની કોઈ જ શક્યતા નથી. અમારે પહેલેથી જ કોઈ સ્કૂટી રેન્ટ પર લઈને આવવું જોઈતું હતું. અમને એની વાત સાચી તો લાગી પણ અત્યારે અમારી પાસે એની લિફ્ટ લેવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો.
પણ નવાઈની વાત એ બની કે એણે અમને એકનું સ્કૂટર લઈ જવાની ઓફર કરી. એણે કહ્યું કે આમાં પેટ્રોલની ટાંકી પણ ફૂલ છે એટલે તમે આરામથી પહોંચી જશો. અમને સ્વભાવિકપણે જ થોડી વાર માટે થયું કે આ અમને આટલી મદદ શું કામ કરી રહ્યો છે પણ એના સ્કૂટર વગર અમે પાછા જઈ શકીએ તેમ નહોતા. એટલે અમે તે સ્કૂટર પર જ પાછા ફર્યા. જ્યારે આ સ્કૂટર પાછું આપવાનો વારો આવ્યો ત્યારે તેણે વધુ એક દિવસ ફરવા માટે સ્કૂટર રાખવા કહ્યું જેથી અમારે ખર્ચો ન થાય.
સ્કૂટરનું રેન્ટ આશરે 1500 રૂ જેવું તો હોય જ છે. હું દિલ્હીથી આવું છું એટલે મને કોઈની આટલી ભલમનસાઈનો અનુભવ નહોતો. મેં તેને પૂછ્યું, “અમે બંને તમારા માટે સાવ અજાણ્યા છીએ. તો પણ તમે અમારા પર વિશ્વાસ મૂકીને તમારું સ્કૂટર આપ્યું?” એણે જવાબ આપ્યો, “તમે મુશ્કેલીમાં હતા એટલે મેં મદદ કરી. એમાં કોઈ મોટી વાત નથી.”
મને જાણવા મળ્યું કે હેવલોકમાં કોઈ પણ વ્યક્તિ પર્યટકોની મદદ કરે જ છે.
રાધાનગર બીચ
એલિફન્ટાથી રાધાનગર પહોંચતા અમને 20 મિનિટ જેટલો સમય લાગ્યો. રાધાનગરની એશિયાનાં 10 સૌથી સુંદર બીચમાં ગણતરી કરવામાં આવે છે. ચોખ્ખું ભૂરું પાણી અને સફેદ રેતી આ બીચને અસાધારણ બનાવે છે. રજામાં નિરાંતની પળો વિતાવવા આ બેસ્ટ બીચ છે. વિશાળ પટ અને મસમોટા વૃક્ષો છે. અહીં વોટરસ્પોર્ટ્સ એક્ટિવિટીઝ નથી થતી એટલે અહીં ખૂબ ભીડ પણ નથી હોતી. કલાકો સુધી અમે અહીં બેઠા. સાંજના સમયે અહીં સૂર્યાસ્ત જોવાની પણ બહુ જ મજા આવે છે.



અમારી પાસે હજુ એક દિવસનો સમય હતો એટલે બીજા દિવસે ફરી વાર અમે અહીં બેસવા આવ્યા. કહેવાય છે કે હેવલોકની મુલાકાત રાધાનગરની મુલાકાત વગર અધૂરી છે.
કાલા પથ્થર બીચ
રાધાનગરથી 25 મિનિટ દૂર વધુ એક સુંદર બીચ આવેલો છે જેનું નામ છે કાલા પથ્થર. અહીં પણ હારબંધ વૃક્ષો અને સોનેરી રેતી છે પણ તે રેતીમાં અહીં મોટા કાળા પથ્થરો આવેલા છે એટલે તેને કાલા પથ્થર બીચ કહેવાય છે. આ એક નાનો દરિયાકિનારો છે જ્યાં મિત્રો સાથે બેસીને સમય પસાર કરવાનો લ્હાવો જરુર માણવા જેવો છે.
.