વર્ષ 1931માં અખંડ ભારતની રાજધાની તરીકે નવી દિલ્હીની સ્થાપના થઈ. તે પહેલા સદીઓ સુધી જે નગર ભારતભૂમિની રાજધાની રહ્યું તે કોલકાતા. હજારો જનમેદનીની હાજરીમાં મા દુર્ગાની આરાધના. ભારતની સૌથી પવિત્ર નદી ગંગા જ્યાં સમુદ્રને મળે છે તે સ્થળ એટલે ગંગાસાગર. વિવેકાનંદ, ટાગોર, સુભાષચંદ્ર બોઝ, અમર્ત્ય સેન વગેરે સંખ્યાબંધ વિદ્વાનો. વર્ષોથી યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજની યાદીમાં માનભેર સ્થાન ધરાવતી રેલલાઇન એટલે દાર્જીલિંગ-હિમાલયન રેલવે. સુંદરબનમાં વટથી ફરતા રોયલ બેંગાલ ટાઈગર્સ. સોંદેશ, રોશોગુલ્લા અને મિષ્ટી દોઈ જેવી સ્વાદિષ્ટ મીઠાઈઓ.
આગળ વાંચીએ તે પહેલા જ માનસપટ પર પશ્ચિમ બંગાળની છબી તરવરી ઉઠે. આજનું એક પછાત અને ગરીબ રાજ્ય એક સમયમાં ભવ્ય ગરિમા ધરાવતું હતું. વિભાજનમાં પોતાનો અડધો હિસ્સો ગુમાવી ચૂકેલું બંગાળ એક એવું રાજ્ય છે જેણે આ દેશને ખૂબ આપ્યું છે.
- ભારતનાં ઇતિહાસના પાનાં ઉથલાવીએ તો દરેક ક્ષેત્રમાં મોખરાના સ્થાન ધરાવતા વ્યક્તિઓની યાદીમાં કોઈ બંગાળીનું નામ અચૂક જોવા મળે. આધુનિક ભારતનાં સૌથી નોંધપાત્ર આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદ, સર્વશ્રેષ્ઠ સ્વતંત્ર સેનાનીઓમાંના એક એવા સુભાષચંદ્ર બોઝ, ભારત (અને બાંગ્લાદેશ)ના રાષ્ટ્રગીતના ગીતકાર કવિવર રવીન્દ્રનાથ ટાગોર, ‘વંદે માતરમ’ના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ, સી. વી. રામન, રાષ્ટ્રપ્રેમી રાજકારણી શ્યામપ્રસાદ મુખર્જી વગેરે અનેક મહાનુભાવો બંગાળ ભૂમિની ઉપજ છે.
- આસો નવરાત્રિની આઠમ પર ભારતમાં સર્વ શ્રેષ્ઠ દુર્ગા પૂજા નિહાળવા દેશ વિદેશમાંથી લાખો લોકો બંગાળની મુલાકાત લે છે.
- ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતું અનાજ એટલે ચોખા. પશ્ચિમ બંગાળ દેશમાં ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતાં રાજ્યોમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
- ભલે વર્ષો પહેલા કોલકાતા ભારતની રાજધાની રહ્યું હોય, પરંતુ વર્ષ 2006 સુધી કોલકાતા શહેરમાં કોલકાતા અથવા કલકત્તાના નામનું કોઈ પણ રેલવે સ્ટેશન અસ્તિત્વ નહોતું ધરાવતું. માત્ર હાવરા અને સિલદાહ નામના જંકશન હતા. અલબત્ત, આજે પણ ખૂબ જ ભવ્ય એવું હાવરા રેલવે સ્ટેશન માત્ર બંગાળનું જ નહિ, આખા ભારતનાં સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાંનું એક છે.
- કોલકાતા નજીક જગદીશચંદ્ર બોઝ બોટનીકલ ગાર્ડનમાં આવેલું વડનું ઝાડ એ વિશ્વનું સૌથી જૂનું માનવામાં આવે છે. આ વૃક્ષ 330 મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
- ઓટો-રિક્ષા આખા દેશમાં ખૂબ જ સામાન્ય છે. ઘણા શહેરોમાં હજુ પણ સાઇકલ રિક્ષા પણ જોવા મળે છે. પણ કોલકાતા દેશનું એકમાત્ર એવું શહેર છે જ્યાં હાથ-રિક્ષા જોવા મળે છે!
- દેશમાં વર્તમાન સમયમાં પણ ટ્રામ ધરાવતું અને સૌ પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો ધરાવતું શહેર પણ કોલકાતા છે.
- દાર્જીલિંગ હિમાલયન રેલવે પણ અનેક વિશેષતાઓ ધરાવે છે. આ યાત્રા જ્યાં પુરી થાય છે તે ઘુમ રેલવે સ્ટેશન એ ભારતમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલું રેલવે સ્ટેશન છે.
- પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ ઉપરાંત નેપાળ અને ભુતાનની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે.
.