ભારતને સ્વતંત્રતા મળ્યાના આશરે એક દાયકા બાદ 1 નવેમ્બર, 1956ના રોજ અરબી સમુદ્રમાં, ભારતીય મુખ્ય ભૂમિ ખંડથી 220થી 440 કિમી દૂર, આવેલો 36 ટાપુઓનો દ્વીપ સમૂહ ભારતીય ગણરાજ્યનો એક ભાગ બન્યો જેને આપણે સૌ લક્ષદ્વીપના નામે ઓળખીએ છીએ.
લક્ષદ્વીપ વિષે રસપ્રદ માહિતી:
- 36 ટાપુઓનો દ્વીપસમૂહ એવા લક્ષદ્વીપમાં માત્ર 10 જ ટાપુ પર માનવ-વસ્તી છે. બાકીના તમામ પર કોઈ જ માણસ નથી રહેતા.
- સંસ્કૃત તેમજ મલયાલમ ભાષામાં ‘લકસા’ શબ્દનો અર્થ એક લાખ એવો થાય છે. તે અનુસાર એક લાખ ટાપુઓનો સમૂહ એટલે લક્ષદ્વીપ.
- કહેવાય છે કે સાતમી સદીમાં મક્કામાં કોઈ ઉબૈદઉલ્લાહ નામના મોહમ્મદના કોઈ ભક્તને એવું સપનું આવ્યું હતું કે તેણે જહાજમાં બેસીને કોઈ દૂર પ્રદેશમાં જવાનું હતું અને ત્યાં ઇસ્લામનો પ્રસાર-પ્રચાર કરવાનો હતો. મહિનાઓ બાદ ઉબૈદઉલ્લાહ હાલના લક્ષદ્વીપ ટાપુઓ પાસે આવ્યો. રાજા અને પ્રજા દ્વારા પુષ્કળ વિરોધનો તેણે સામનો કર્યો અને તેમ છતાં પોતાના લક્ષ પર તે અડગ રહ્યો. આ દ્વીપસમૂહ પર જ્યાં જ્યાં પણ માનવવસ્તી હતી તે તમામનું ગમે તે ભોગે તેણે ઇસ્લામમાં ધર્માંતરણ કરાવ્યું. આજે પણ લક્ષદ્વીપના અંદરોટ ટાપુ પર ઉબૈદઉલ્લાહનો મકબરો આવેલો છે જેને ભારત સહિત અનેક દેશનાં મુસ્લિમ એક ધાર્મિક સ્થળ માને છે. અમુક સદીઓ પહેલા પોર્ટુગલના આક્રમણ છતાંય અહીં ધાર્મિક બહુમતીમાં કોઈ ફેરફાર ન થયો. આજે પણ લક્ષદ્વીપની 97% પ્રજા મુસ્લિમ છે.
- અહીં કુલ જનસંખ્યા માત્ર 65,000 છે જે લક્ષદ્વીપને ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવે છે.
- આટલી ઓછી વસ્તી ધરાવતા લક્ષદ્વીપમાં બેન્ક, પોસ્ટ, હોસ્પિટલ, વીજળી, શાળા વગેરે જેવી તમામ પાયાની સવલતો ઉપલબ્ધ છે.
- લક્ષદ્વીપ ટાપુઓના સમૂહને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે: અમીનદીવી, લકકાદીવ અને મિનિકોય. પ્રથમ બે ભાગમાં વસવાટ કરતાં લોકોની જીવનશૈલી તેમજ સંસ્કૃતિ કેરળના પરંપરાગત રિવાજોને મળતી આવે છે. લક્ષદ્વીપના દક્ષિણે આવેલો મિનિકોય પ્રાંત સાંસ્કૃતિક રીતે માલદીવ સાથે સમાનતા ધરાવે છે.
- લક્ષદ્વીપના સ્થાનિકો માટે આવકનું મુખ્ય સાધન નારિયેળની ખેતી, માછીમારી અને પ્રવાસન ઉદ્યોગ છે. આ ભૂમિ પર કોઈ પાકનું વ્યાપારીકરણ થતું હોય તેવો એકમાત્ર પાક નારિયેળ છે. નારિયેળમાંથી અહીં જુદી-જુદી વસ્તુઓ બનાવવાના નાના-મોટા ઉદ્યોગ થાય છે. ટૂના નામની માછલીનો સૌથી વધુ વ્યવસાય લક્ષદ્વીપ ખાતે થાય છે. અહીં કોઈ જ ખાનગી હોટેલ નથી. સરકારી વેબસાઇટ પરથી બૂકિંગ કરીને દેશ અને દુનિયાના પ્રવાસીઓ લક્ષદ્વીપની મુલાકાત લે છે અને અહીં વિવિધ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરે છે. લક્ષદ્વીપનું સંપૂર્ણ અર્થતંત્ર આ ત્રણ પર આધાર રાખે છે.
- ભારતનાં કે વિદેશના કોઈ પણ નાગરિકને લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે ભારત સરકારની પરવાનગી અનિવાર્ય છે. તે સિવાય કોઈ પણ મુલાકાતીને લક્ષદ્વીપ ટાપુઓ પર પ્રવેશ મળતો નથી.
- ચોમેર પાણીથી ઘેરાયેલા દ્વીપસમૂહ વચ્ચે પરિવહન માટેનું એકમાત્ર માધ્યમ બોટ છે. લક્ષદ્વીપનું એકમાત્ર એરપોર્ટ અગાતી ટાપુ પર આવેલું છે જે માત્ર એક જ એરસ્ટ્રીપ ધરાવે છે.
- સંરક્ષણ ક્ષેત્રે ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવી માટે લક્ષદ્વીપ એક મહત્વની જગ્યા છે.
માહિતી અને ફોટોઝ: લક્ષદ્વીપ ઓફિશિયલ વેબસાઇટ
.