માર્ચ 2022 શરુ થયાના બરાબર એક અઠવાડિયા પહેલા, એક મહિના માટે અમે કર્ણાટકના શિમોગા શહેરમાં આવેલા અને શહેરથી માત્ર 15 કિમી દૂર આવેલા આ ખૂબ પ્રાચીન તેમજ રમણીય મંદિરની મુલાકાત લીધી હતી.
આજ સુધી મેં માત્ર તુંગભદ્રા નદીનું જ નામ સાંભળ્યું હતું. આ સ્થળે આવ્યા પછી મને ખબર પડી કે તુંગ અને ભદ્ર નામની બે અલગ અલગ નદીઓ એક બનીને તુંગભદ્રા નદીનું સર્જન કરે છે.
‘કૂડલી’ શબ્દનો અર્થ જ બે નદીઓના સંગમ સાથે જોડાયેલો છે. પૂર્વમાં ભદ્ર અને પશ્ચિમમાં ભદ્ર નદીના બરાબર સંગમસ્થળના કિનારે વસેલું રામેશ્વરમ મંદિર 12મી સદીમાં નિર્માણ પામ્યું હતું જેને દક્ષિણના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં આર્કિયોલોજીકલ સર્વે ઓ ઈન્ડિયા દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે.
આ પ્રાચીન મંદિર ભલે 12મી સદીમાં બન્યું હોય પણ તેનો ઇતિહાસ તેના કરતાં પણ પુરાણો છે. અહીં આસપાસના વિસ્તારોમાં અમુક પુરાવાઓ મળી આવ્યા છે જે બીજી સદીમાં ચૂટુ વંશના રાજાઓ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. સમય જતાં અહીં વનવાસીના કદંબ, બાદામીના ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, કલ્યાણીના ચાલુક્ય, તેમજ હોયસલ રાજવંશો સત્તા પર આવ્યા.