શ્રી કૃષ્ણ જન્માષ્ટમીને હવે બહુ ઓછા દિવસો બાકી છે. આવી સ્થિતિમાં દેશભરના વિવિધ કૃષ્ણ મંદિરોમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કારણ કે, ભારતમાં કેટલાક એવા મંદિરો છે જ્યાં જન્માષ્ટમીના દિવસે લાખો ભક્તો શ્રી કૃષ્ણના દર્શન કરવા પહોંચે છે. મથુરામાં આવેલ વૃંદાવન હોય કે દિલ્હી, ઓડિશા વગેરે રાજ્યોમાં હાજર ઈસ્કોન મંદિર હોય. આ તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મની ઉજવણી દરમિયાન એક અલગ જ નજારો જોવા મળે છે.
સામાન્ય રીતે વૃંદાવન કે ઉત્તર ભારતના કૃષ્ણ મંદિરની વાત કરવામાં આવે છે પરંતુ, દક્ષિણ ભારતમાં પણ અનેક પ્રાચીન અને પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર છે જ્યાં અન્ય દિવસોની સાથે સાથે જન્માષ્ટમી પર લાખો ભક્તોની ભીડ હોય છે. આ લેખમાં, અમે તમને દક્ષિણ ભારતના કેટલાક પ્રખ્યાત કૃષ્ણ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ.
ગુરુવાયૂર મંદિર
ગુરુવાયૂર કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલું એક ગામ છે. જે ત્રિશૂર શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર છે. ભગવાન કૃષ્ણના મંદિરના કારણે આ સ્થાનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ગુરુવાયૂર કેરળના લોકપ્રિય તીર્થ સ્થળોમાંનું એક છે. આ મંદિરના પ્રમુખ દેવતા ભગવાન ગુરુવાયુરપ્પન છે, જે બાલગોપાલન (ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ)ના રૂપમાં છે. સામાન્ય રીતે આ સ્થળને દક્ષિણનું દ્વારકા પણ કહેવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે માત્ર દક્ષિણ ભારતના લોકો જ નહીં પરંતુ સમગ્ર ભારતમાંથી લોકો અહીં દર્શન માટે પહોંચે છે. આ મંદિરના દર્શન કરીને લોકો પોતાને ભાગ્યશાળી માને છે. ખાસ કરીને નવા પરિણીત યુગલો તેમના દામ્પત્ય જીવનની સફળતા માટે આશીર્વાદ લેવા અહીં આવે છે.
ગુરુવાયુરનો અર્થ અને મૂર્તિનો ઇતિહાસ
ગુરુનો અર્થ થાય છે દેવગુરુ બૃહસ્પતિ, વાયુ એટલે ભગવાન વાયુદેવ અને ઉર એક મલયાલમ શબ્દ છે, જેનો અર્થ થાય છે જમીન. તેથી આ શબ્દનો સંપૂર્ણ અર્થ છે - જે ભૂમિ પર દેવગુરુ બૃહસ્પતિએ વાયુની મદદથી સ્થાપના કરી હતી. ગુરુવાયુર નગર અને ભગવાન ગુરુવાયુરપ્પન વિશે એક લોકપ્રિય દંતકથા છે. કહેવાય છે કે કળિયુગની શરૂઆતમાં ગુરુ બૃહસ્પતિ અને વાયુ દેવને ભગવાન કૃષ્ણની મૂર્તિ મળી હતી. મનુષ્યોના કલ્યાણ માટે, વાયુ દેવ અને ગુરુ બૃહસ્પતિએ એક મંદિરમાં તેની સ્થાપના કરી અને તે બંનેના નામ પરથી જ ભગવાનનું નામ ગુરુવાયુરપ્પન અને શહેરનું નામ ગુરુવાયુર રાખવામાં આવ્યું. માન્યતા અનુસાર આ મૂર્તિ કળિયુગ પહેલા દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના સમયમાં પણ હતી. માન્યતા અનુસાર, આ મંદિર વિશ્વકર્માએ પોતે બનાવ્યું હતું અને મંદિરનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું હતું કે સૂર્યના પ્રથમ કિરણો સીધા ભગવાન ગુરુવાયુરના ચરણોમાં પડે. આ મંદિર 5000 વર્ષ જૂનું છે અને તેના કેટલાક ભાગોનો 1638માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
કેવી દેખાય છે મૂર્તિ?
ગુરુવાયુરપ્પન મંદિરમાં ભગવાન કૃષ્ણની ચાર હાથની મૂર્તિ છે. જેમાં ભગવાને એક હાથમાં શંખ, બીજા હાથમાં સુદર્શન ચક્ર, ત્રીજા હાથમાં કમળનું ફૂલ અને ચોથા હાથમાં ગદા ધારણ કરી છે. આ મૂર્તિની પૂજા ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે બાળપણના સ્વરૂપે કરવામાં આવે છે. આ મંદિરમાં ભવ્ય ચિત્રો બનાવવામાં આવ્યા છે જે કૃષ્ણના બાળલીલાઓને રજૂ કરે છે. આ મંદિરને ભુલોક વૈકુંઠમ એટલે કે પૃથ્વી પરના વૈકુંઠ લોક તરીકે પણ ઓળખવામાં આવે છે.
પાર્થસારથી મંદિર, ચેન્નઈ
આ દક્ષિણ ભારતમાં એક બીજું ખૂબ જ પવિત્ર અને પ્રખ્યાત કૃષ્ણ મંદિર છે. જી હાં, પાર્થસારથી મંદિર ચેન્નાઈમાં આવેલું છે. મૂળરૂપે પલ્લવો દ્વારા તેને 8મી સદીમાં બાંધવામાં આવ્યું હતું, પાર્થસારથી મંદિરનો જીર્ણોદ્ધાર ચોલાઓ અને ત્યારબાદ 15મી સદીની આસપાસ વિજયનગરના રાજાઓએ કર્યો હતો. ચોલ કાળ દરમિયાન આ મંદિરનો વ્યાપક વિકાસ થયો હતો, ત્યારબાદ તેના પર ઘણા શિલાલેખો મળી આવ્યા હતા. આ મંદિરમાં ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં પાર્થસારથી એટલે કે અર્જુનના સારથિના રૂપમાં છે. પાર્થસારથી મંદિર ભગવાન વિષ્ણુના 108 પ્રખ્યાત પૂજા સ્થાનોમાંથી એક છે.
ભગવાન વિષ્ણુના વિવિધ અવતાર દર્શાવતા શિલ્પો બહારના મંડપમાં જોવા મળે છે. તેમાં વિજયનગર, પંડિયા અને દાંતીવર્મા પલ્લવના શિલાલેખો દ્વારા 8મી સદીનું મહત્વ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. 16મી સદીમાં વિજયનગરના રાજાઓના શાસનકાળ દરમિયાન આ મંદિરનો ખૂબ જ વિસ્તાર થયો. ખુબ પછીથી સ્તંભવાળા મંડપ અને પેટા તીર્થસ્થાનો બાંધવામાં આવ્યા હતા.અહીં ભગવાન કૃષ્ણની સાથે સાથે ભગવાન રામ, ભગવાન નૃસિંહ અને ભગવાન વરાહનું મંદિર પણ છે. તમને જણાવી દઈએ કે પાર્થસારથી મંદિર તેના ગોપુરમ અને સ્થાપત્ય માટે પ્રખ્યાત છે.
ઇસ્કોન મંદિર
જો કે બેંગલુરુમાં એક નહિ પરંતુ ઘણા નાના કૃષ્ણ મંદિરો છે, પરંતુ સૌથી પ્રખ્યાત છે ઈસ્કોન મંદિર. આ મંદિરને શ્રી રાધા-કૃષ્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. માત્ર જન્માષ્ટમીના દિવસે જ નહીં સમગ્ર વર્ષ દરમિયાન ભક્તોની સાથે પ્રવાસીઓનો ધસારો રહે છે. આ મંદિરમાં માત્ર ભારતીયો જ નહીં પરંતુ અનેક વિદેશી પ્રવાસીઓ પણ પૂજા કરતા જોવા મળશે.
બાલા કૃષ્ણ મંદિર
કર્ણાટકના હમ્પીમાં આવેલું દક્ષિણ ભારતીય લોકો માટે ખૂબ જ પવિત્ર મંદિર છે. એવું કહેવાય છે કે ઉત્કલ વિજય પછી આ મંદિરનું નિર્માણ થયું હતું. મંદિરના દર્શન અને મંદિરના સ્થાપત્યને જોવા માટે દર મહિને લાખો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ બાલા કૃષ્ણ મંદિરની મુલાકાત લે છે. જન્માષ્ટમીના એક અઠવાડિયા પહેલા, આ મંદિરને રોશનીથી એવી રીતે શણગારવામાં આવે છે કે તેને સાંજના સમયે જોતા જ રહીએ. તમને જણાવી દઈએ કે આ મંદિર હમ્પી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્ર પણ છે.
શ્રીકૃષ્ણ મઠ મંદિર, ઉડુપી
તે કર્ણાટકનું સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળ પણ છે.આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ભગવાનની પૂજા બારીના નવ છિદ્રોમાંથી જ કરવામાં આવે છે. દર વર્ષે અહીં પ્રવાસીઓનો ધસારો રહે છે, પરંતુ જન્માષ્ટમીના દિવસે અહીંની સુંદરતા જોવાલાયક હોય છે. સમગ્ર મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે. તહેવારના દિવસોમાં અહીં ખૂબ ભીડ હોય છે અને તમારે દર્શન માટે 3-4 કલાક રાહ જોવી પડી શકે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો