કોરોનાનું જોર ઘટતાં હવે ગુજરાતીઓ વીકેન્ડ્સ કે તહેવારોની રજાઓમાં નજીકના સ્થળોએ ઉપડી જાય છે. અમે પણ જન્માષ્ટમીની રજાનો સદુપયોગ કરવાનું વિચાર્યું અને અમદાવાદથી તુલસીશ્યામ સહિત ચાર મંદિરોમાં જવાનો પ્લાન બનાવ્યો. પરંતુ જો તમે ભીડભાડથી બચવા માંગતા હોવ તો જન્માષ્ટમીએ કૃષ્ણ મંદિરોમાં જવાનું ટાળવું જોઇએ. હું કેમ આમ કહુ છું તે આગળ જણાવીશ.
તુલસીશ્યામ માંડ પહોંચ્યા
બે વર્ષ પહેલાં અને ભગવાન શામળાના દર્શન કરવા તુલસીશ્યામ ગયા હતા પરંતુ અમને ખબર નહોતી કે તે દિવસે ગ્રહણ છે. તુલસીશ્યામ મંદિર ગ્રહણને કારણે બંધ હોવાથી અમારે ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. પરંતુ આ વખતે જન્માષ્ટમી હોવાથી અને કોરોનાના કેસો ઓછા હોવાથી મંદિર ચાલુ હતું. અમદાવાદથી ફેમિલી સાથે ઉત્સાહમાં તુલસીશ્યામ જવા નીકળ્યા તો ખરાં પરંતુ તુલસીશ્યામના જંગલમાં ચેક પોસ્ટથી પાસ લઇને એન્ટ્રી કરતાની સાથે જ ખબર પડી ગઇ કે અમારે તીવ્ર ભીડનો સામનો કરવો પડશે. જંગલના રસ્તે અતિશય ટ્રાફિક હતો. મંદિરના અડધો કલાક પહેલા એક ખેતર જેવી ખુલ્લી જગ્યામાં ગાડી પાર્ક કરવી પડી. ત્યાંથી આગળ પગે ચાલીને મંદિર પહોંચ્યા તો વરસાદ શરુ થઇ ગયો. ભગવાનના દર્શનમાં તો સારી રીતે થયા પરંતુ પાછા ફરતી વખતે ગાડી જ્યાં પાર્ક કરી હતી તે જગ્યા વરસાદના પાણીથી ચીકણી થઇ ગઇ હતી. અનેક ગાડીઓ તેમાં ફસાઇ ગઇ. અમે પણ માંડ તેમાંથી બહાર નીકળ્યા. પગ કાદવ-કીચડવાળા થયા. ગાડી કાદવવાળી થઇ. તુલસીશ્યામના જંગલમાંથી બહાર નીકળીને અમરેલી ધારી બાજુ જવાના રસ્તા પર એક પેટ્રોલપંપ પર ગાડી ઉભી રાખી અને પાણીથી પહેલા પોતાના પગ ધોયા અને પછી ગાડીને પણ સાફ કરી.
સાળંગપુર હનુમાન
તુલસીશ્યામથી અમે સાળંગપુર હનુમાન મંદિર પહોંચ્યા. મંદિરે પહોંચતા રાતના 10 વાગી ગયા હતા. જન્માષ્ટમી હોવાથી મંદિરની ધર્મશાળા ફુલ હતી. છેવટે 1200 રુપિયામાં ચાર બેડ રુમનો એસી રુમ લીધો. સવારે મંદિરના દર્શન કર્યા. ભક્તોની ભીડ હોવા છતાં શાંતિથી દર્શન કર્યા. મંદિર પરિસરમાં એક પ્રદર્શની પણ હતી જેની પણ મુલાકાત લીધી. હનુમાનજીના દર્શન કરી અને રુમ પર પાછા ફર્યા અને ચેકઆઉટ કર્યું. સાળંગપુરથી અમે કુંડળધામ શનિદેવ જવા રવાના થતા પહેલાં હાઇ-વે પર બોટાદના પ્રખ્યાત થાબડી પેંડા ખરીદ્યા. સાળંગપુરથી બરવાળા જવાના રસ્તે તમને પેંડા અને આઇસ્ક્રીમની દુકાનો જોવા મળશે.
કુંડળધામ શનિદેવ મંદિર
બોટાદથી 20 કિમીના અંતરે અને બોટાદ-અમદાવાદ હાઈ-વે પર આવેલા શ્રી કુંડળધામ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. સુંદર મનમોહક પ્રકૃતિના સાનિધ્યમાં કુંડળધામનો વિકાસ થયો છે. કુંડળધામ આશ્રમમાં મહંત ભગવાન દાસ બાપુએ બાર વર્ષ પહેલાં શનિ શિંગળાપૂરથી જ્યોત અહીં પોતાના હાથમાં ચાલતાં લઈને આવ્યા હતા. આજે પણ આ જ્યોત અહીં પ્રજ્વલિત છે, જ્યોત લાવ્યા બાદ અહીં શનિદેવની આકર્ષક મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને સેવા-પૂજા શરૂ થઈ.
શનિવાર તેમજ અમાસના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે અને પનોતી, સાડાસાતીમાંથી મુક્તિ તેમજ મનોકામના પૂર્તિ અર્થે પ્રાર્થના કરે છે. અહીં અમાસના દિવસે યજ્ઞ કરવાથી શનિની પનોતીમાંથી મુક્તિ મળે છે તેવી માન્યતા છે.
આ આશ્રમમાં પચાસ ફુટ ઊંચી હનુમાનજીની મૂર્તિ તથા ભગવાન સૂર્ય દેવનું મંદિર અને બાર જ્યોતિર્લિંગની પણ સ્થાપના કરવામાં આવી છે. ભક્તો શનિદેવને લીંબુની માળા, કાળા અડદ, તેલ, ધૂપ, શ્રીફળ અને વસ્ત્ર ચડાવી અને મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરે છે. ભક્તોની માન્યતા છે કે શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના ભગવાન અવશ્ય પૂર્ણ કરે છે. અમે પણ શનિદેવ કાળા અડદ અને તેલ ચઢાવ્યું. ત્યારબાદ હનુમાનજીના દર્શન કરીને ભાવનગરના રાજપરા ખોડિયા તરફ રવાના થયા.
રાજપરા ખોડિયાર મંદિર
સાળંગપુરથી જો તમારે રાજપરા ખોડિયાર જવું હોય તો વાયા બરવાળા, વલ્લભીપુર અને વરતેજ થઇને જઇ શકાય છે. આ રસ્તે 80 કિ.મી.નું અંતર કાપતા લગભગ 2 થી સવા બે કલાક થાય છે. રાજપરા ખોડિયારમાં કાર પાર્કિંગની વ્યવસ્થા છે એટલે તમને તેની કોઇ મુશ્કેલી નહીં પડે.
રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતા. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યું હતું. કહેવાય છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતના તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે. રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમીટરના અંતરે આવેલ છે. અમદાવાદથી આવવું હોય તો નારી ચોકડીવાળો રસ્તો સારો છે.
મંદિરની બહાર ભાવનગરી ગાંઠીયા, પાપડી તેમજ અન્ય નમકીનની ઘણી દુકાનો છે. ભક્તો માતાજીને ચુંદડી ધરાવતા હોવાથી તેની તેમજ સુખડી અને લાપસીનો પ્રસાદ ધરાવતા હોવાથી તેની દુકાનો પણ તમને અહીં જોવા મળે છે. આ સિવાય પેંડા, રમકડાં, ફોટા, વાસણ, કપડાની દુકાનો પણ અહીં આવેલી છે. મંદિરની બહાર હોટલમાં 100 રુપિયામાં ગુજરાતી થાળી જમી શકાય છે. જો કે મંદિરમાં રસોડું ચાલે છે. જેમાં નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા છે. મંદિર પરિસરમાં એક નાનકડો રોપ-વે પણ છે. જેની ટિકિટ 10 રુપિયા છે. રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કરીને અમે વાયા ધોલેરા અને બગોદરા થઇને અમદાવાદ પરત ફર્યા.