તમે જાણતા જ હશો કે મહારાષ્ટ્રના એક ગામ શનિ શિંગણાપુરમાં શનિદેવનું સ્થાન છે. આ એક ખૂબ જ ચમત્કારીક સ્થળ છે. એ જ રીતે મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પાસે શનિશ્ચરા મંદિર આવેલું છે. તેના વિશે એવી દંતકથા છે કે અહીં હનુમાનજી દ્વારા લંકામાંથી ફેંકવામાં આવેલ અલૌકિક શનિદેવનો દેહ છે. મતલબ કે બંને જગ્યાએ અલૌકિક પથ્થર છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવી જગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણ સ્વયં ભગવાન શનિના રૂપમાં બિરાજમાન છે. નથી ખબર.. તો ચાલો જાણીએ.
ઉત્તર પ્રદેશની ધરતીના કણેકણમાં ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતા પથરાયેલી છે. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી, ઉત્તર પ્રદેશની ભૂમિમાં ઘણા રહસ્યો, દંતકથાઓ, ચમત્કારો સમાયેલા છે. તમે મથુરા વિશે તો સાંભળ્યું જ હશે. ભગવાન કૃષ્ણની ભક્તિ માટે દુનિયાભરમાંથી લોકો મથુરા પહોંચે છે, પરંતુ તમને ખબર છે કે મથુરાની એક બીજી ઓળખ પણ છે. મથુરા માત્ર કૃષ્ણભક્તિ માટે જ નહીં પરંતુ શનિ પ્રકોપની મુક્તિનું પણ ધામ છે.
કૃષ્ણના જન્મસ્થળ મથુરા નજીક કોસી કલાંમાં શનિદેવનું ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે, જેનું નામ કોકિલાવન ધામ શનિ મંદિર (Kokilavan dham shani mandir) છે. આ મંદિરનો ભગવાન કૃષ્ણ સાથે પણ વિશેષ સંબંધ છે. એવી માન્યતા છે કે જો કોઈ ભક્ત આ મંદિરમાં આવીને શનિદેવને તેલ ચઢાવે છે તો તેને શનિદેવના ક્રોધ અને વક્રદ્રષ્ટિથી મુક્તિ મળે છે. આ સાથે એવું પણ કહેવાય છે કે મંદિરની પ્રદક્ષિણા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
શનિવારે અહીં ભારે ભીડ હોય છે. કૃષ્ણના દર્શન કરવા દેશ-વિદેશથી મથુરા આવતા હજારો ભક્તો અહીં આવે છે અને શનિદેવના દર્શન કરે છે, પછી કોકિલા વન ધામની સવા કોસીય પરિક્રમા કરે છે. ત્યાર બાદ સૂર્યકુંડમાં સ્નાન કરીને શનિદેવની પ્રતિમાને તેલ વગેરે ચઢાવીને પૂજા કરે છે. કોકિલા ધામમાં શ્રી શનિદેવ મંદિર, શ્રી ગોકુલેશ્વર મહાદેવ મંદિર, શ્રી ગિરિરાજ મંદિર, શ્રી બાબા બનખંડી મંદિર, શ્રી દેવ બિહારી મંદિર મુખ્ય છે. મંદિરો ઉપરાંત અહીં બે પ્રાચીન તળાવો અને ગૌ શાળાઓ પણ આવેલી છે.
મંદિરની પ્રદક્ષિણા કરનારને શનિદેવ નુકસાન નથી પહોંચાડતા
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કોસી કલાંના આ સ્થાન પર ભગવાન કૃષ્ણએ સ્વયં શનિદેવને દર્શન આપ્યા હતા અને વરદાન આપ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ આ જંગલની પરિક્રમા પૂર્ણ ભક્તિ સાથે કરે છે તેને શનિ ક્યારેય નુકસાન નહીં કરે. કોકિલા વન શનિ ધામ પર પહોંચતા પહેલા તમને હનુમાનજીનું મંદિર જોવા મળશે. કહેવાય છે કે હનુમાનજીની પૂજા કરનારને શનિ મહારાજ દંડ નથી આપતા. એટલા માટે તમે પણ પહેલા હનુમાનજીના દર્શન કરો, પછી ચાર કિલોમીટરના પરિક્રમા માર્ગ પર ચાલો. અહીં રસ્તામાં તમને ઘણા અનોખા દ્રશ્યો જોવા મળશે.
આ મંદિરનું નામ કોકિલાવન કેમ પડ્યું તેની પાછળ એક પૌરાણિક કથા છે.
કોકિલાવન મંદિર સંબંધિત પૌરાણિક કથાઓ
શનિદેવ ભગવાન કૃષ્ણના પરમ ભક્ત છે અને એવું માનવામાં આવે છે કે એકવાર શનિદેવે તેમના ઈષ્ટદેવના દર્શન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી, ત્યારે ભગવાન કૃષ્ણ તેમને જંગલમાં કોયલના રૂપમાં પ્રગટ થયા હતા. જે જંગલમાં ભગવાન શ્રીકૃષ્ણએ શનિદેવના દર્શન કર્યા હતા, આજે તે જ સ્થળ કોકિલાવન તરીકે ઓળખાય છે અને આ સ્થાન પર શનિદેવનું મંદિર છે.
ભગવાન કૃષ્ણના જન્મ સાથે જોડાયેલી બીજી વાર્તા
જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારે તમામ દેવી-દેવતાઓ તેમના દર્શન કરવા આવ્યા હતા, શનિદેવ પણ તેમની સાથે હતા, પરંતુ કૃષ્ણની માતા યશોદાએ શનિદેવને તેમના પુત્રના દર્શન કરવા દીધા ન હતા. તેમને લાગ્યું કે શનિદેવની વક્ર દ્રષ્ટિ તેમના પુત્ર પર ન પડી જાય. આ ઘટનાથી શનિદેવ ખૂબ જ નિરાશ થયા અને નંદગાંવ પાસેના જંગલમાં ઘોર તપસ્યા કરવા લાગ્યા. ત્યારે શ્રી કૃષ્ણ શનિદેવની તપસ્યાથી ભાવુક થઈ ગયા અને તેમને અહીં કોયલના રૂપમાં દર્શન આપ્યા.
ગરુડ પુરાણ અને નારદ પુરાણમાં કોકિલા બિહારી જીનો ઉલ્લેખ છે. તેથી શનિ મહારાજ પણ ભગવાન કૃષ્ણના સમયથી કોકિલા વનમાં નિવાસ કરતા હોવાનું માનવામાં આવે છે. વચ્ચે થોડા સમય માટે મંદિર જર્જરિત બની ગયું હતું.લગભગ 350 વર્ષ પહેલા રાજસ્થાનમાં ભરતપુર મહારાજ હતા, ભગવાનની પ્રેરણાથી તેમણે પોતાના તિજોરીમાંથી આ કોકિલા જંગલમાં જર્જરિત મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્યારથી લઈને આજદિન સુધી મંદિરનો વિકાસ દિવસેને દિવસે વધી થઈ રહ્યો છે.
શનિદેવનું આ મંદિર પણ છે જાણીતું
શનિ શિંગણાપુર
મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લામાં આવેલું છે શીંગણાપુર ગામ, જેને શની શીંગણાપુરના નામથી ઓળખવામાં આવે છે. આ ગામમાં શની દેવનું ચમત્કારી મંદિર આવેલું છે. તમને કદાચ વિશ્વાસ ન આવે પરંતુ આ ગામના કોઈ પણ ઘર કે દુકાનમાં દરવાજા નથી.
લોકવાયકા અનુસાર એક વખત આ ગામમાં ઘણું પુર આવી ગયું, પાણી એટલું વધી ગયું કે બધા ડૂબવા લાગ્યા. લોકો કહે છે કે આ ભયંકર પુર દરમિયાન કોઈ દૈવીય શક્તિ પાણીમાં વહી રહી હતી. જયારે પાણીનું સ્તર થોડું ઓછું થયું તો એક વ્યક્તિએ ઝાડની ડાળી ઉપર એક મોટા પથ્થરને નીચે ઉતાર્યો અને તેને તોડવા માટે જેવી તેમાં કોશ જેવી વસ્તુ મારી તે પથ્થરમાંથી લોહી વહેવા લાગ્યું. તે જોઈને તે ત્યાંથી ભાગી નીકળ્યો અને ગામ પાછો આવીને તેણે સૌ લોકોને એ વાત જણાવી.
બધા ફરી તે જગ્યા ઉપર આવ્યા જ્યાં તે પથ્થર રાખવામાં આવ્યો હતો, બધા તે જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. પરંતુ તેને એ ન સમજાયું કે આ ચમત્કારી પથ્થરનું શું કરીએ. એટલા માટે છેવટે તેમણે ગામ પાછા આવીને બીજા દિવસે ફરી આવવાનો નિર્ણય કર્યો. તે રાત ગામના એક વ્યક્તિને સપનામાં ભગવાન શની આવ્યા અને કહ્યું હું શની દેવ છું, જે પથ્થર તમને આજે મળ્યો તેને તારા ગામમાં લઇ જાવ અને મને સ્થાપિત કરો.
બીજો દિવસ થતા જ તે વ્યક્તિએ ગામ વાળાને આખી વાત જણાવી, ત્યાર પછી બધા તે પથ્થરને ઉપાડીને તે સ્થળ ઉપર આવ્યા. ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો, પરંતુ તે પથ્થર તેના સ્થાનથી એક ઇંચ પણ ન હલ્યો. ઘણા સમય સુધી પ્રયત્નો કર્યા પછી ગામ વાળાએ એ વિચાર કર્યો કે પાછા જતા રહીએ છીએ અને કાલે પથ્થર ઉપાડવા માટે એક નવી ટ્રીક સાથે આવીશું.
તે રાત્રે ફરીથી શનીદેવ તે વ્યક્તિના સપનામાં આવ્યા અને તેને એ જણાવવામાં આવ્યું કે તે પથ્થર કેવી રીતે ઉપાડી શકાય છે. તેમણે જણાવ્યું કે હું આ સ્થાન પરથી ત્યારે જ હલીશ જયારે મને ઉપાડવા વાળા લોકો સગા મામા ભાણેજનો સંબંધ ધરાવતા હશે. ત્યારથી એ માન્યતા છે કે આ મંદિરમાં જો મામા ભાણેજ દર્શન કરવા આવે તો વધુ ફાયદો થાય છે. ત્યાર પછી પથ્થરને ઉપાડીને એક મોટા મેદાનમાં સૂર્યના પ્રકાશ સાથે સ્થાપિત કરવામાં આવ્યો.
આજે શીંગણાપુર ગામના શની શીંગણાપુર મંદિરમાં જો તમે જાવ તો પ્રવેશ કર્યા પછી થોડા આગળ ચાલીને જ તમને ખુલ્લું મેદાન જોવા મળશે. તે સ્થળની વચોવચ સ્થાપિત છે શની દેવજી. અહિયાં જવા વાળા અસ્થાવાળા લોકો કેસરી રંગના વસ્ત્ર પહેરીને જ જાય છે. કહે છે મંદિરમાં કોઈ પુજારી રાખવામાં આવ્યા નથી, ભક્ત પ્રવેશ કરીને શની દેવજીના દર્શન કરી સીધા મંદિર માંથી બહાર નીકળી જાય છે. રોજ શની દેવજીની સ્થાપિત મૂર્તિ ઉપર સરસીયાના તેલનો અભિષેક કરવામાં આવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો