અનેક ધર્મ સંસ્કૃતિઓ ધરાવતા આપણા ભવ્ય ભારત દેશમાં પુષ્કળ પરંપરાઓ અને રીતિ રિવાજો છે. આપણી ગુજરાતીમાં જેમ ભારતની ભાષાઓ માટે ‘બાર ગામ બોલી બદલાય’ એ કહેવત પ્રચલિત છે તે દેશમાં માત્ર ભાષા જ નહિ, તમામ બાબતોને લાગુ પડે છે. લોકોનો દેખાવ, તેમનો પોશાક, તેમની ભાષા, તેમનું ભોજન, તેમની પરંપરા, તેમના તહેવારો અને તેમની સંસ્કૃતિ. દરેક વસ્તુમાં અપાર ભિન્નતા.
અને વળી આ જ તો આપણું ગૌરવ છે, ખરું ને?
તેથી જ આપણા વિવિધતામાં એકતા માટે જાણીતા દેશમાં ઉજવાતા નવ વર્ષની અહીં વાત કરવાની છે. કેમકે દુનિયા માટે 1 જાન્યુઆરી એ નવું વર્ષ હશે પરંતુ ભારતમાં પ્રાંતે પ્રાંતે નવા વર્ષનો સમય અને તેની ઉજવણીની પદ્ધતિમાં આકાશ પાતાળનો ફેરફાર જોવા મળતો હોય છે. અંગ્રેજી કેલેન્ડર અનુસાર 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરના એક વર્ષ દરમિયાન ભારતની ડઝનબંધ સંસ્કૃતિઓ વિવિધ દિવસોએ પોતાનું નવું વર્ષ ઉજવે છે.
માન્યમાં નથી આવતું? ચાલો, જરા વિગતે જાણીએ...
બેસતું વર્ષ/ નૂતન વર્ષ – ગુજરાત:
ગુજરાતી ભાષામાં લેખ લખી રહ્યા છીએ એટલે સૌથી પહેલા ગુજરાતી નવ વર્ષથી જ શુભારંભ કરવો જોઈએ ને! ગુજરાતીઓ માટે ન્યુ યર એટલે 1 જાન્યુઆરી નહિ પણ ‘બેસતું વર્ષ’. ગુજરાતીઓ દિવાળીના બીજા દિવસે એટલે કે કારતક સુદ એકમના દિવસે પોતાનું નૂતન વર્ષ શરૂ કરે છે જેને આપણે સૌ સ્થાનિક રીતે ‘બેસતું વર્ષ’ કહીએ છીએ. ધંધાદારી ગુજરાતીઓ દિવાળીના દિવસે આખા વર્ષનું ચોપડા પૂજન કરીને બીજા દિવસે નવા હિસાબી ચોપડાઓ સાથે નવા વર્ષનો પ્રારંભ કરે છે. સૌ પોતાના સ્વજનો અને મિત્રોના ઘરે જઈને મિઠાઈ, મુખવાસ ખાઈને નવા વર્ષની આનંદમય ઉજવણી કરે છે.
ગુડી પાડવા – મહારાષ્ટ્ર, ગોવા:
હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ચૈત્રી નવરાત્રિની શરૂઆત સાથે તેમના નવા વર્ષની શરૂઆત થાય છે. દરેક મરાઠી તેમજ કોંકણી ઘરોમાં વાંસની લાકડીમાં ઉપર કળશ (ગુડી) તેમજ ફૂલ, પાન અને સાડી સજાવીને તેને બારીએ ગોઠવવામાં આવે છે. સૌ પરંપરાગત પોશાક અને બહેનો નાકમાં મહારાષ્ટ્રની આગવી ઓળખ સમાન નથ અને ચંદ્ર આકારનીબિંદી સાથે ખૂબ જ મનમોહક દેખાય છે. મહારાષ્ટ્ર તેમજ ગોવાની મૂળ કોંકણી પ્રજા માટે નવા વર્ષની વ્યાખ્યા એક જ છે – ગુડી પાડવા.
ઉગાદી – કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા
ઉગાદીની ઉજવણી પણ ચૈત્ર સુદ એકમના રોજ જ થાય છે. એટલે કે ગુડી પાડવા અને ઉગાદી એક જ દિવસે હોય છે પણ જુદા જુદા નામ તેમજ તેની ઉજવણીની પદ્ધતિ જુદી જુદી હોય છે. દક્ષિણ ભારતના આ રાજ્યોમાં આંબાના પાન તેમજ નારિયેળને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી ઉગાદીની પૂજામાં તેનો ઉપયોગ થાય છે. લોકો મંદિરે દર્શન કરવા જાય છે અને ઘર આંગણે રંગોળી કરે છે.
વિશુ – કેરળ, દક્ષિણ કર્ણાટક:
અંગ્રેજી કેલેન્ડર અનુસાર એપ્રિલ કે મે મહિનામાં મલયાલમ કેલેન્ડરના પ્રથમ દિવસે વસંત રૂતુને આવકારતો પર્વ એટલે વિશુ. કેરળમાં સૌથી જાણીતો તહેવાર ઓણમ છે પરંતુ ત્યાંના લોકોનું નવ વર્ષ વિશુના દિવસે શરૂ થાય છે. આ દિવસે સૌ પરંપરાગત નવા કપડાં પહેરી મંદિરે જાય છે, ઘર બહાર આકર્ષક ફૂલોની રંગોળી કરે છે તેમજ કેળના પાન પર તેમનું મલયાલી ભોજન – સાધ્ય જમે છે.
પુઠંડું – તમિલનાડું, પુડુચેરી
કેરળનો ઓણમ સૌથી જાણીતો તહેવાર છે તેમ તમિલનાડુંની વાત આવે એટલે સૌને પોંગલ જ યાદ આવે પરંતુ તેમનું નવું વર્ષ પોંગલ તહેવાર નહીં પરંતુ પૂઠડું તહેવાર સાથે શરૂ થાય છે.
પોહેલા બોઈસાખ – પશ્ચિમ બંગાળ, ત્રિપુરા
પશ્ચિમ બંગાળ તેમજ ત્રિપુરામાં પણ તેમના નૂતન વર્ષ એવા તહેવાર પોહેલા બોઈસાખની ખૂબ જ સુંદર અને પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. બોઈસાખ એટલે હિન્દુ કેલેન્ડર અનુસાર વૈશાખ મહિનો.
બોઈસાગુ – આસામ
વૈશાખ મહિના સાથે સંકળાયેલ વધુ એક તહેવાર. આસામમાં વિવિધ 7 નામે અને તહેવારે બિહુ ઉત્સવ ઉજવાય છે જે પૈકી નવા વર્ષને બોઈસાગુ અથવા રોંગાળી બિહુ કહેવાય છે. આ દિવસે સૌ મિત્રો, સ્વજનો એકબીજાના ઘરે જાય છે અને શુભેચ્છાઓ પાઠવે છે. સફેદમાં લાલ રંગની ભાતવાળો ગમછો આ દિવસે વિશેષ પહેરવામાં આવે છે.
બૈસાખી – પંજાબ
વૈશાખી કે બૈસાખી એ શીખ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર છે અને તે ઉપરાંત તેમનું નવું વર્ષ પણ. કૃષિ ઉદ્યોગ પર અવલંબિત પંજાબ રાજ્યમાં શીખો નવો પાકના વાવેતર સાથે બૈસાખીની ઉજવણી કરે છે. તહેવારના નામ પરથી જ અંદાજ લગાવી શકાય કે તે હિન્દુ કેલેન્ડર અનુસાર વૈશાખ મહિનામાં ઉજવવામાં આવે છે.
તો તમે પણ અંગ્રેજી કેલેન્ડર વર્ષ બદલવાની ઉજવણી આવશ્ય કરતાં હશો, પણ સાથોસાથ આપણા દેશના મૂળ ‘ન્યુ યર’ને પણ આમ જ હોંશભેર આવકારશો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ