ટ્રાવેલર્સ સાવ જ અનોખી માટીના બનેલા હોય છે. સામાન્ય રીતે કોઈ જગ્યાએ ત્યાં આવતા પ્રવાસીઓ જે અનુભવો કરે તેના કરતાં કઈક નવું જ કરવામાં માને તે છે ટ્રાવેલર. એટલે જેઓ પોતાને ‘ટ્રાવેલર્સ’ કહેતા હોય તેમણે ભારતમાં આ અનુભવો તો કરવા જ રહ્યા.
જમ્મુ કાશ્મીરમાં વણજારાનું જીવન
ભવ્ય હરિયાળા મેદાનો, બર્ફીલા પહાડ અને સુંદર વાદી- ધરતી પરનું સ્વર્ગ શું કામ કહેવામાં આવે છે તે ત્યાં જતાંની સાથે જ સમજાય જશે. વૈષ્ણોદેવી મંદિર હોય કે શ્રીનગરમાં ટેકરી પર આવેલું શંકરાચાર્ય મંદિર- જમ્મુ-કાશ્મીરમાં રખડીને પ્રવાસ કરવો એ અચૂક કરવા જેવો અનુભવ છે.
ઉત્તરાખંડના પહાડોમાં બેકપેકિંગ
કહેવાય છે કે જેટલું જાણશો એટલું લાગશે કે તમે ઘણું ઓછું જાણો છો. આમ તો ઉત્તરાખંડને હિમાચલનો નાનો ભાઈ કહેવાય છે પણ સહેજ પણ અન્ડરએસ્ટીમેટ કરવા જેવું નથી. અહીં રોમાંચ અને સુકૂન બંનેનો દુર્લભ સંગમ છે. ઋષિકેશમાં રાફ્ટિંગ, જિમ કોર્બેટમાં વાઘ દર્શન, ઔલીમાં સ્કીઇંગ, દુનિયાના સૌથી ઊંચા શિવ મંદિર તુંગનાથ મહાદેવના દર્શન તમને સાવ અલગ જ અહેસાસ કરાવશે.
હિમાચલ પ્રદેશ- પર્વત બોલાવે તો નીકળી પડો
આ રાજ્ય એટલું સુંદર છે કે પહેલી નજરમાં જ તમને પ્રેમ થઈ જશે. અહીંના નગરોએ તેની પરંપરાગત સંસ્કૃતિને ખૂબ સુંદર રીતે સંભાળી રાખી છે. ભારતમાં નવપરિણિત યુગલો માટે ફરવાની સૌથી લોકપ્રિય જગ્યાઓમાંનું એક હિમાચલ પ્રદેશ છે. જીવનમાં એક વાર જરુર હિમાચલ જવું જોઈએ.
લક્ષદ્વીપના સાફ સમુદ્રમાં ડૂબકી
જે લોકોને પાણી પસંદ છે અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરવામાં રસ ધરાવતા હોય તેમના માટે શ્રેષ્ઠ મુકામ છે લક્ષદ્વીપ. એક દ્વીપથી બીજા દ્વીપ પર ફરતા ફરતા અનેક સુંદર દરિયાઈ જીવો જોવા મળે છે.
મધ્ય પ્રદેશ- હિન્દુસ્તાન કા દિલ દેખો
મધ્ય પ્રદેશમાં ઐતિહાસિક ઇમારતો ઉપરાંત બીજું પુષ્કળ જોવાલાયક છે. અહીંની કુદરતી સુંદરતા અને રાષ્ટ્રીય ઉદ્યાનો તમને MPના ફેન બનાવી દેશે!
અરુણાચલ પ્રદેશ- શાંતિનું પ્રતિક
ભારતની વિવિધ સંસ્કૃતિની વાત કરીએ તો તેમાં ઉત્તર-પૂર્વના રાજ્યોને વિશેષ સ્થાન આપવું પડે. તેમાં પણ અરુણાચલ પ્રદેશ એક એવું રાજ્ય છે જ્યાંની સંસ્કૃતિનો અનુભવ કરવા દેશ-વિદેશના લોકો આવે છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા કોઈ પણનું મન મોહી લેશે!
રાજસ્થાન- રાજવી ઠાઠની અનુભૂતિ
આજે પણ આ રાજ્ય અહીંના રાજાના શૌર્યની ગાથા જણાવે છે. અહીંના ભવ્યાતિભવ્ય મહેલો તેમજ ઇતિહાસ જાણીને ખરેખર ભારતીય રાજાઓ પર ગર્વની લાગણી અનુભવાયા વિના નથી રહેતી. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા રાજ્યમાં તમે રાજવી ઠાઠની એક અનન્ય અનુભૂતિ કરશો!
કચ્છ નહિ દેખા, તો કુછ નહિ દેખા
વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ. આ જગ્યા નિશ્ચિતપણે તમને અચંબામાં મૂકી દેશે. વળી, જેમને બર્ડ વોચિંગનો શોખ હોય તેમના માટે પણ આ આદર્શ જગ્યા છે. નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કચ્છની મુલાકાત અવિસ્મરણીય બની રહેશે!
ભારતને એમ જ એક મહાન દેશ નથી કહેવામાં આવ્યો. આ દેશને જેમ વધુ ખેડશો તેમ વધુ તેના પ્રેમમાં પડશો.
.