ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના આરસોડીયા ગામથી એકથી બે કિ.મી. ની અંતરે આવેલું છે સપ્તેશ્વર મહાદેવનું મંદિર. ડેભોલ નદી અને સાબરમતી નદીનો સંગમ સર્જતું આ સ્થળ લોકબોલીમાં સાતેરા તરીકે ઓળખાય છે. આ મંદિરમાં શિવલીંગ પર સતત પવિત્ર પાણીની સપ્તધારાઓ નિરંતર વહ્યા કરે છે. અને આ પાણીની ધારા ક્યાંથી આવે તે કોઈને પણ ખબર નથી. તેથી સપ્તેશ્વર મહાદેવના આ મંદિરની ખ્યાતિ અનેરી હોવાથી વર્ષ દરમ્યાન અહીં લાખો શ્રદ્ધાળુ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર ઇડરથી ૩ર કિ.મી. અને હિંમતનગરથી ૩૦ કિ.મી. દૂર છે જે તેની સામે કિનારે આવેલા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામથી ર કિ.મી. અંતરે આવેલું છે. મંદિરમાં શિવલિંગની ઉપર સતત ગૌમુખમાંથી નદીનાં પાણીની જળધારા થતી રહે છે, અને આ પાણી વહીને બહારનાં કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોયતો પણ પાણીમાં અડધા ડુબેલાં રહીને જવું પડે છે.
આ મંદિર તરફ જવાનો રસ્તો સીધો સાદો અને કુદરતી સૌન્દર્યથી ભરેલો છે. રસ્તો જ્યાં પૂરો થાય છે ત્યાં જ આ મંદિર સ્થિત છે. પછી સીધી નદી જ આવે છે. કાર કે ટુ વ્હીલર પાર્ક કર્યા પછી આજુબાજુ બે નાનાં મંદિરો છે એની વચમાં દસેક પગથિયાં ઉતરીને મંદિરમાં જઇ શકાય છે. આ કોઇ ભવ્ય મંદિર નથી પણ એનું પૌરાણિક મહત્વ ઘણું છે. સામે કિનારે ટેકરીઓ પર વનરાજી આપની રાહ જોતી હોય એવું લાગે છે! આજુબાજુનાં દ્રશ્યો પણ મનમોહક છે. જો નદીમાં પાણી હોય તો પાણીમાં થઈને જ આ મંદીરમાં જઈ શકાય છે
આ મંદિર નદીમાં ચારેબાજુએથી થાંભલા પર ટકેલું છે. જો નદીમાં પાણી આવે તો થાંભલા પાણીમાં ડૂબી જાય છે અને મંદિરનાં ગર્ભગૃહમાં પણ પાણી ભરાઈ જાય છે! આ મંદિર પહોળું નથી પણ ઊંચું છે જે પહેલી નજરે જુઓ તો તમને પંઢરપુરના વિઠોબા મંદિરની યાદ અપાવશે. ફર્ક એટલો જ છે કે એ ગોદાવરી નદીના કિનારે છે આને આ તો ડાભોલ અને સાબરમતીના સંગમ સ્થાને છે.
આ મંદીરમાં સામેથી નહી પણ પાછળથી જવાય છે. અહીં એક કુંડ છે જેમાં ગૌમુખ દ્વારા પાણી પડતું હોય છે તેમાં સ્નાન પણ કરી શકાય છે. એ કુંડ અને આ મંદિર વચ્ચે થોડાંક પગથિયાં ઉતરીને આ મંદીરમાં જવાય છે. પગથિયાં બન્ને બાજુએ છે. પગથીયાં જ્યાં પુરા થાય છે ત્યાં પણ એ કુંડમાંથી ગૌમુખમાંથી પાણી પડે છે જે આ મંદીરમાં જાય છે. કોઈ ગુફામાં દાખલ થઈએ એમ આપણે આ મંદીરમાં દાખલ થવું પડે છે રસ્તો સાંકડો છે. એમાં પણ ડાબી બાજુએથી ગૌમુખમાંથી પાણી પડે છે પછી જ ગર્ભગૃહ આવે છે, એ પણ કોઈ ગુફા જેવું જ છે. એમાં દાખલ થતાં જ આપણે જાણે પૌરાણિક જગ્યાએ ના આવ્યાં હોઈએ એવું લાગ્યાં વગર રહેતું નથી. અહીં પણ ઠેકઠેકાણેથી ગૌમુખમાંથી જળધારા પડે છે જેમાંની એક સીધી શિવલિંગ પર પડે છે
આ સ્થળે સાત ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી
સપ્તનાથ (સપ્તેશ્વર) મહાદેવના નામ પરથી જ જાણી શકાય છે કે આ સ્થળે સાત ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી. હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથો પરથી જાણવા મળે છે કે આ સપ્તઋષિઓ કશ્યપ મુનિ, વશિષ્ટ મુનિ, વિશ્વામિત્ર મુનિ, ભારદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ અને ગૌતમ ઋષિ હતા. આ ઋષિઓ મહાભારત અને પૌરાણિક અનેક ઘટનાઓ સાથે સંકળાયેલા છે. શ્રી સપ્તનાથ ( સપ્તેશ્વર) મહાદેવના મંદિરમાં આ સાતેય શિવલિંગો અલગ-અલગ એવી રીતે ગોઠવાયેલા છે કે જાણે આકાશમાં સપ્તર્ષિના તારા ગોઠવાયેલા હોય.
અનુસાશન પર્વમાં લખેલું છે કે જયારે રાજા વ્રષધરણીએ યજ્ઞથી કૃત્યા નામે એક રાક્ષસી પેદા કરી હતી. તેને સપ્તર્ષિઓએ પોતે પોતાની ઓળખાણ આપીને તેનાથી છૂટકારો મેળવ્યો હતો. વળી આ ઋષિઓ ઈન્દ્રની બધી જ સભાઓ સાથે સંકળાયેલા વાતાવરણમાં આવ્યા છે. આ બધા ઉત્તર દિશાના ઋષિઓ છે તે ઉપરથી એવી ધારણા થાય છે કે આ સાત ઋષિઓનો સંબંધ આકાશમાં આવેલ સપ્તર્ષિ તારામંડળ સાથે તો નથીને?
સપ્તનાથ (સપ્તેશ્વર) મહાદેવના મંદિરમાં ખરેખર આ સાતેય શિવલીંગો જુદા જુદા એવી રીતે ગોઠવાયેલા છે કે જાણે આકાશમાં સપ્તર્ષિ જ જોઈ લો. એ પણ શક્ય છે કે જે યુગમાં આ ઋષિઓ અહી પૂજા કરતા હતા તે યુગમાં સપ્તર્ષિ તારાની જે સ્થિતિમાં જ શિવલીંગોની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો