
Day 1
તમે પણ જો એવા લોકોમાંથી આવો છો, જેમને વર્ષમાં એકવાર કેમ્પિંગ કરવાની ઇચ્છા થતી હોય છે અને કેટલીક સારી જગ્યા શોધી રહ્યા છો તો તમે બિલકુલ યોગ્ય જગ્યાએ આવ્યા છો. આજના આ આર્ટિકલમાં અમે વાત કરીશું નદી કિનારે કેમ્પિંગ કરવાની એવી શ્રેષ્ઠ જગ્યાઓ વિશે જે કોઇ ટૂરિસ્ટ પ્લેસથી કમ નથી. જ્યાં જઇને તમને ઘણો આનંદ આવશે. તો આવો જાણીએ એ સુંદર જગ્યાઓ કઇ છે.
ઋષિકેશના ગંગા કિનારે

કેમ્પિંગની વાત હોય અને ઋષિકેશનું નામ સૌથી ઉપર ન આવે તેવું બની શકે ખરું! ઋષિકેશમાં નદી કિનારે કેમ્પિંગ કરવું કોઇ સ્વર્ગથી કમ નથી. અહીં લોકો નદી કિનારે કેમ્પિંગ કરે છે, રમતો રમે છે અને સવારના સમયે ઘણાં લોકો રાફ્ટિંગ અને બંજી જંપિંગની મજા પણ લઇ શકે છે. એટલું જ નહીં, ઋષિકેશમાં ફરવા માટે તમને વશિષ્ઠ ગુફા, નીલકંઠ મંદિર, ફેમસ બીટલ્સનો બીટલ આશ્રમ સામેલ છે. જો નદી કિનારે કેમ્પિંગ કરવું છે તો ગરમીની ઋતુમાં જ કરજો કારણ કે ત્યાં હવામાન રાતના સમયે ઠંડુ રહે છે.
કર્ણાટકની શરાવતી નદી

જો તમે પણ વિચારી રહ્યા છો કે શરાવતી એક જગ્યા છે તો તમે ખોટા છો. કર્ણાટકમાં શરાવતી એક નદી છે, જે ભારતના પશ્ચિમી કિનારે કર્ણાટકથી શરુ થાય છે અને વૉટરફૉલની નજીકથી પસાર થાય છે. જોગ વૉટરફૉલના 6 કિલોમીટર દૂર શરાવતી નદીના કિનારે કેમ્પિંગ માટે આ જગ્યા ઘણી જ સારી છે. તમે ઇચ્છો તો જોગ જળધોધની આસપાસ કેમ્પિંગની મજા લઇ શકો છો.
સિક્કિમની તીસ્તા નદી

સિક્કિમ, ભારતનું એવું રાજ્ય છે, જ્યાં પ્રકૃતિના અદ્ભુત નજારા જોવા મળે છે. અહીંની સુંદર અને મશહૂર તીસ્તા નદીનું ખળખળ વહેતું પાણી પહાડોથી ઉતરીને મેદાનોમાં જાય છે. નદી કિનારે લીલાછમ જંગલ અને નાના-નાના ગામ છે. જો તમે શાંતિ અને સુકૂનના પળોને જીવવા માંગો છો તો અહીં કેમ્પિંગ કરી શકો છો. આ નદીમાં રાફ્ટિંગ કરવાની અલગ જ મજા છે.
કાંગડાનું કરેરી સરોવર

હિમાચલ પ્રદેશ તો પ્રવાસીઓમાં ઘણું જાણીતું છે. શિમલા, મનાલી, કુફરી, કુલુ, મેકલૉડગંજ, ધર્મશાલા, તીર્થન વેલી, ધર્મકોટ જેવી જગ્યાઓ હંમેશાથી પ્રવાસીઓની પસંદ રહી છે. આમાંનું એક છે કાંગડા જિલ્લાનું કરેરી સરોવર. આ ધર્મશાળાથી લગભગ 9 કિલોમીટરના અંતરે છે. આ સરોવર શિયાળામાં બરફથી ઢંકાયેલુ રહે છે. એટલું જ નહીં, આ દેવદારના વૃક્ષોથી ઘેરાયેલું છે જે આની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે. કેમ્પિંગ કરવા માટે આ જગ્યા શાનદાર છે.
નૈનીતાલ સરોવર, ઉત્તરાખંડ

ઉત્તરાખંડના કુમાઉ જિલ્લામાં આવેલું નૈનીતાલ સરોવરનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. અહીં કેમ્પિંગ પણ કરી શકાય છે જે કદાચ તમે નહીં સાંભળ્યું હોય. કેમ્પિંગ બેગને લઇ જાઓ અને ચોખ્ખા પાણીના નૈની સરોવર પાસે કેમ્પિંગની મજા લો. કેમ્પિંગની સાથે-સાથે તમે અહીં સવારે રાફ્ટિંગ માટે પણ જઇ શકો છો. નૈનીતાલમાં કેમ્પિંગ કરવા સિવાય તમે ભીમતાલ સરોવર, મુક્તેશ્વર, સતલ જેવી સુંદર જગ્યાઓને જોઇ શકો છો. સાથે જ અહીં ઘણી એડવેન્ચર્સ પ્રવૃતિ પણ થાય છે.
પેંગોંગ સરોવર, લેહ

પેંગોગ સરોવર લેહનું સુપ્રસિદ્ધ સરોવર છે. 3 ઇડિયટ્સ મૂવીનો આમિર ખાન અને કરીના કપૂરનો છેલ્લો સીન અહીં જ ફિલ્માવાયો હતો. કદાચ તમને યાદ આવી ગયું હશે. આ જગ્યાનો આનંદ ઉઠાવવા માટે તમે અહીં કેમ્પિંગ કરવા માટે આવી શકો છો. લેહના આ સરોવરની સુંદરતા અંગે જેટલું કહીએ તેટલું ઓછું છે. લેહથી આ જગ્યા 250 કિલોમીટર દૂર છે.