જંગલબુકના મોગલીની કહાની આવી જશે યાદ જ્યારે ફરશો કાન્હા નેશનલ પાર્કમાં. જોઈએ કેવું છે શેરખાનનું જંગલ
જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ કે કાન્હાના જંગલમાં ખુંખાર વાઘ ત્રાડ નાખી રહ્યા છે. જો જંગલ સફારી તમને રોમાંચનો અનુભવ કરાવે છે તો તમારા માટે બેસ્ટ પ્લેસ છે કાન્હા નેશનલ પાર્ક. જ્યાં તમે ન માત્ર વનવિહાર કરશો પરંતુ વન્યસૃષ્ટિને નજીકથી જોવાનો અને સાંભળવાનો લહાવો પણ લઈ શકશો. કાન્હા નેશનલ પાર્ક તમારા માટે બની જશે યાદગાર સફર.
ક્યાં આવ્યું કાન્હા નેશનલ પાર્ક ?
મધ્યપ્રદેશની સફર ખેડી રહ્યા હો અને વાઘની મુલાકાત ન કરો તો સફર અધૂરી રહે. જંગલમાં મદમસ્ત બનીને બિન્દાસ ઘુમતા વાઘને નજીકથી જોવાનો ચાન્સ ચોક્કસથી લેવા જેવો છે. અને મધ્યપ્રદેશમાં આવેલા ટાઈગર રિઝર્વમાંથી એક છે કાન્હા નેશનલ પાર્ક કે જે ભારતના રાષ્ટ્રીય પ્રાણી એવા વાઘનું ઘર છે. કાન્હા નેશનલ પાર્ક મધ્યપ્રદેશના મંડલા –બાલાઘાટ જિલ્લામાં આવેલું છે જે પ્રાકૃતિક સુંદરતાથી પર્યટકોને પોતાના તરફ આકર્ષે છે. કાન્હા નેશનલ પાર્કની સ્થાપના થઈ 1955માં જ્યાં ઘણા લુપ્ત થતા પ્રાણીઓને પ્રજાતિઓને સંરક્ષણ આપવામાં આવ્યું છે. પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વમાં શામેલ કાન્હા નેશનલ પાર્ક મૈકાલ પર્વતમાળાઓ વચ્ચે 940 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે જેને બે અભયારણ્યમાં વિભાજિત કરવામાં આવ્યું છે એક છે હેલોન વાઈલ્ડલાઈફ સેન્ચ્યુઅરી અને બીજું બંજાર વાઈલ્ડલાઈફ સેન્ચ્યુઅરી. એશિયાના બેસ્ટ પાર્કમાંથી એક એવા કાન્હામાં 300થી વધુ વન્યજીવો અને પક્ષીઓની પ્રજાતિઓ આવેલી છે.
કાન્હામાં શું છે ખાસ ?
કાન્હા મ્યુઝિયમ
કાન્હા નેશનલ પાર્કમાં આવેલું કાન્હા મ્યુઝિયમ આપને કાન્હાની તમામ ખાસિયતોનું વર્ણન કરી દેશે. મધ્યપ્રદેશના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેનેજ કરવામાં આવતું આ મ્યુઝિયમ ખટિયા ગેટ- કિસલી પાસે આવેલું છે જ્યાં તમે ક્યારેય પણ મુલાકાત લઈ શકો છો. અહીં તમને વન્યજીવન, બોટનિકલ સાયન્સ અને ઝૂલોજીને લગતી ઈમ્પોર્ટન્ટ ઈન્ફર્મેશન મળી શકશે.
કેવી રીતે પહોંચવું કાન્હા નેશનલ પાર્ક ?
કાન્હા નેશનલ પાર્ક પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ છે જબલપુર જે 150 કિલોમીટર દૂર છે. ઉપરાંત 220 કિમી દૂર રાયપુર અને 300 કિમી દૂર નાગપુર એરપોર્ટ્સ આવેલા છે.
ટ્રેનની મુસાફરી માટે સૌથી નજીકનું રેલ્વેસ્ટેશન છે ગોંડિયા અને જબલપુર જે લગભગ 145 અને 160 કિમી દૂર આવેલા છે.
તો સડક માર્ગે જવા માટે પણ છત્તીસગઢ અને મહારાષ્ટ્રના મોટા શહેરો સાથે જોડાયેલા સુવિધાસભર રોડરસ્તા છે એટલે આપ પોતાના પ્રાઈવેટ વાહન કે પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ દ્વારા જઈ શકો છો.
કાન્હા નેશનલ પાર્ક ફરવા ક્યારે જવું ?
કાન્હા નેશનલ પાર્ક દર વર્ષે 15 ઓક્ટોબરથી 30 જૂન સુધી સહેલાણીઓ માટે ખુલ્લું રહે છે. અહીં ફરવા માટે બેસ્ટ ટાઈમ છે ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનો જ્યારે મોસમ ખુશનુમા અને વાતાવરણ ઠંડુ હોય. જો કે વાઘોને જોવાની સંભાવના માર્ચથી જૂનની વચ્ચે વધી જાય જ્યારે વનસ્પતિ સુકાઈ જતી હોય છે. જો કે જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી આ પાર્કને પર્યટકો માટે બંધ રાખવામાં આવે છે કારણ કે ચોમાસામાં અહીં ખતરનાક સાપ અને જંગલી જાનવરના કારણે જોખમનો ડર રહેતો હોય છે.
કાન્હા ગયા..પણ રહેવું ક્યાં ?
કાન્હા કિસલી નેશનલ પાર્કમાં સહેલાણીઓ સ્ટે કરી શકે તે માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘણા બધા રિસોર્ટ બનાવવામાં આવ્યા છે જેમાં લગભગ રુ. 2000 થી લઈને રુ.10000 સુધીના બજેટમાં આપને રહેવા માટે બેસ્ટ ઓપ્શન્સ મળી જાય છે. દરેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજન પણ ઉપલબ્ધ છે . આ રિસોર્ટ્સમાં બુકિંગ ઓનલાઈન પણ કરાવી શકાય છે અને રિસોર્ટ પર પહોંચીને પણ બુકિંગ થઈ શકે છે.
કાન્હા નેશનલ પાર્ક સર્કિટ
કાન્હા નેશનલ પાર્કની મુલાકાત લેતા પહેલા આ જાણકારી જરુરી બને છે. અહીં ત્રણ પ્રવેશદ્વાર છે ખટિયા- કિસલી, મુક્કી અને સરહી. મુક્કી સુધી નાગપુર કે રાયપુરથી આસાનીથી પહોંચી શકાય જ્યારે ખટિયા અને સરહી સુધી જબલપુરથી સરળતાથી પહોંચી શકાય. કાન્હા જંગલમાં આવેલા કેમ્પની મજા માણવા માટે મુક્કી ગેટ તરફની હોટલ અથવા સ્ટે શોધવો ફાયદાકારક રહે છે. કાન્હા નેશલ પાર્કની આ સફરમાં આપને નેશનલ જ્યોગ્રોફિકની અવોર્ડવિનર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ લેન્ડ ઓફ ધ ટાઈગર્સમાં જોવા મળેલા સ્થાનોની ઝલક મળશે.
કાન્હા નેશનલ પાર્કની મુલાકાત દરમ્યાન ઘનઘોર જંગલમાં ફરવા માટે જીપ સફારી કરાવવામાં આવે છે અને આપની સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગાઈડ પણ રહેશે જે અહીંના ભોમિયા છે અને કાન્હા નેશનલ પાર્કની તમામ જાણકારી આ સફર દરમ્યાન તમને આપે છે. તો કાન્હા નેશનલ સફારીના અટ્રેક્શનમાં એક સનસેટ પોઈંટ પણ છે જે સૌથી ખૂબસૂરત માનવામાં આવે છે.
કાન્હા નેશનલ પાર્કમાં જીપ સફારી
પાર્કમાં ફરવા માટે સવારે અને બપોરે બે સમય જીપ સફારી ઉપલબ્ધ છે. મધ્યપ્રદેશ ટુરિઝમ ડિપાર્ટમેન્ટની ઓફિસ પરથી જીપ ભાડે લઈ શકાય છે. સફારીનો સમય સવારે 6 થી બપોરે 12 સુધીનો અને બપોરે 3 થી સાંજે 5.30 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.
એલિફન્ટ સફારીનું આકર્ષણ
જંગલ સફારીની મજાને જો બેવડી કરવી હોય અને વાઘને નજીકથી જોવા હોય તો પર્યટકો માટે હાથીની સવારી પણ ઉપલબ્ધ છે. જેના માટે બુકિંગ કરવાનું રહે છે અને આ સુવિધા સવારના સમયે મળી શકે છે. ભારતીય પર્યટકો માટે ટિકિટ દર 100 રુપિયા અને વિદેશી પર્યટકો માટે 600 રુપિયાનો ટિકિટદર છે.
સાયકલ સફારી
જ્યારે પણ કાન્હા નેશનલ પાર્ક ઘુમવા જાવ ત્યારે જોવાલાયક સ્થળોની મુલાકાત લેવા માટે સાયકલ સવારી જરુરથી અજમાવવા જેવી છે. પોતાના ગ્રુપની સાથે જંગલમાં સાયકલ પર સફર કરતા આજુબાજુની ખૂબસૂરતી અને નયનરમ્ય નજારાની તસવીરો તમે કેદ કરી શકો છો. આનંદદાયક અનુભવ રહે છે સાયકલ સફારીનો.
કાન્હા નેશનલ પાર્કના વન્યઆકર્ષણો
કાન્હા નેશનલ પાર્ક વાઘની ત્રાડોથી તો ગાજે જ છે પરંતુ અન્ય વન્યપ્રાણીઓની પણ અહીં ભરમાર છે. કાન્હાના જંગલોમાં સૌથી વધુ જોવા મળે બારાસિંઘા. કાન્હા નેશનલ પાર્ક એકમાત્ર એવી જગ્યા છે જ્યાં સૌથી વધુ બારાસિંઘા વસવાટ કરે છે જે એક સમયે લુપ્ત થવાની કગાર પર હતા. તો પક્ષીપ્રેમીઓ માટે પ્રકૃતિના આ સુંદર વાતાવરણમાં પોતાના કલરવથી જંગલને ગુંજતુ કરતા , રંગબેરંગી પક્ષીઓને નિહાળવાનો સોનેરી અવસર પણ મળે છે. જેમાં ટીલ્સ પેરેટ્સ, મોર, કોયલ, કિંગફિશર, બુલબુલ જેવા બીજા ઘણા પક્ષીઓ નિહાળી શકાય છે. તો બાયસન, નીલગાય, રીંછ, ઝરખ, શાહુડી, શિયાળ, અજગર, ગેંડા, હાથી ઉપરાંત ઘણા વન્યપ્રાણીના દર્શન પણ કાન્હાના જંગલમાં થઈ શકે છે.
શ્રવણ તાલ
કાન્હા ટાઈગર રિઝર્વમાં આવેલું એક નાનકડું તળાવ શ્રવણતાલ તરીકે ઓળખાય છે જેના માટે માનવામાં આવે છે કે શ્રવણ કુમાર પોતાના નેત્રહીન માતા-પિતા સાથે અહીં આવ્યા હતા અને આ જ તળાવથી પાણી લાવતા સમયે ભગવાન શ્રીરામના પિતા દશરથે તેમને માર્યા હતા. જેથી આ તળાવનું નામ શ્રવણતાલ પડ્યું છે.
બામણી દાદર સનસેટ પોઈંટ
કાન્હા નેશનલ પાર્કમાં આવેલો છે એક સનસેટપોઈંટ જ્યાં પર્યટકો ઢળતા સૂરજની લાલિમાથી છવાયેલું આકાશ અને સુર્યકિરણોનું મનમોહક દ્રશ્ય જોઈને અભિભૂત થઈ જાય છે. ફોટોગ્રાફીના શોખીનો માટે આ સનસેટ પોઈંટ લાજવાબ સ્થળ છે.
તો દોસ્તો, ઘુમવા માટે તરસી ઉઠ્યું હોય મન અને સામે હોય રોમાંચક સફર કરાવતું વન, તો આ લહાવો છોડવા જેવો બિલકુલ નથી. પહોંચી જાવ મોગલીવાળા શેરખાનની ખબર પુછવા અને કાન્હાના ખૂબસૂરત જંગલની મુલાકાત લેવા.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો