આપણે વાત કરી રહ્યા છીએ ઝારખંડની.
હું છેલ્લા એક વર્ષથી ઝારખંડમાં રહું છું. જમશેદપુર રહેવા જવાનું છે તેવું કન્ફર્મ થયા પછી ખબર પડી હતી કે જમશેદપુર ઝારખંડ રાજ્યમાં આવેલું છે. ઝારખંડ એટલે??? મહેન્દ્ર સિંઘ ધોનીનું રાજ્ય. બસ. મને ઝારખંડ વિષે બીજી કોઈ જ માહિતી નહોતી, કારણકે આ રાજ્ય ક્યારેય અન્ય કોઈ રીતે લાઇમલાઇટમાં રહ્યું જ નથી.
વર્ષ 2002 ની સાલમાં દક્ષિણ બિહારના 24 જિલ્લાઓને બિહારમાંથી અલગ કરીને એક નવા રાજ્યની રચના કરવામાં આવી. આદિવાસીઓની ભૂમિ અને ઝાડી-ઝાંખરાનો પ્રદેશ (ખંડ) એટલે ઝારખંડ.
મિનરલ્સથી ભરપૂર હોય તેવું ભારતનું કયું રાજ્ય છે?
આવો સવાલ મુકવામાં આવે તો તમારા મનમાં અનેક રાજ્યોના નામ આવશે પણ ખરેખર જે રાજ્ય અઢળક ખનીજો સમાવીને બેઠું છે તે યાદ જ નહિ આવે. દેશમાં કુલ ખનીજોના 40% માત્ર ઝારખંડ રાજ્યમાંથી મળે છે.
ચાલો, આ ખૂબ જ અન્ડરરેટેડ રાજ્ય વિષે કઈક અનોખી માહિતી મેળવીએ.
કોલ કેપિટલ: દેશમાં કોલસાનું સૌથી વધુ ઉત્પાદન જ્યાં થાય છે તે ઝારખંડ રાજ્યમાં આવેલું ધનબાદ ‘કોલ કેપિટલ’ તરીકે ઓળખાય છે. ધનબાદમાં કુલ 112 કોલસાની ખાણ આવેલી છે જે 27.5 મેટ્રિક ટન જેટલા કોલસાનું ઉત્પાદન કરે છે.
અખંડ ભારતનું પ્રથમ પ્લાન્ડ સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિના ચાલતું ભારતનું એકમાત્ર શહેર:
20 મી સદીની શરૂઆતમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના બાદ ભારતના સર્વ પ્રથમ પ્લાન્ડ સિટીની રચના કરવામાં આવી. આ વિષે મારો વિસ્તારપૂર્વક લેખ અહીં વાંચો.
દેશનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ: 66*99 ઇંચ મોટો અને 60 કિલો વજન ધરાવતો ભારતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ રાંચીના પહાડી મંદિર ખાતે લહેરાવવામાં આવ્યો છે.
દેવઘર: ઝારખંડનો આ જિલ્લો તેના નામ પ્રમાણે મંદિરો માટે વિખ્યાત છે. અહીં દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક એવા બૈજનાથ મહાદેવ મંદિર ઉપરાંત નવલખા મંદિર, બસુકી નાથ મંદિર, શીતળા મંદિર વગેરે અનેક આકર્ષક મંદિરો આવેલા છે.
શિખરજી જૈન મંદિર, પારસનાથ: જૈન સમુદાયનું આ એક ખૂબ જ પવિત્ર યાત્રાધામ છે. 24 પૈકી કુલ 20 તીર્થંકરોને આ સ્થળે મોક્ષ પ્રાપ્ત થયું હતું તેવું માનવામાં આવે છે.
.