ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે આપણા દેશ અને આપણા લોકોએ વિશ્વના તમામ સંસ્કૃતિ કે સંપ્રદાયના લોકોને હંમેશા પ્રેમથી આવકાર્ય છે, તેમને માત્ર અહીં આશરો જ નહિ, તમામ સ્વતંત્રતા સાથે એક સારું જીવનધોરણ પણ આપ્યું છે. અને એટલે જ અહીં અનેક ધર્મના ધર્મસ્થળો જોવા મળે છે. દૂધમાં સાકરની જેમ ભળી જનાર પારસી સમુદાયની અગિયારીઓ ગુજરાત અને મુંબઈમાં પુષ્કળ જગ્યાઓએ આવેલી છે જે આપણે સૌ જાણીએ જ છીએ. પણ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે મુંબઈ સહિત અમદાવાદમાં પણ યહૂદી ધર્મના લોકોનું ધર્મસ્થળ આવેલું છે. જેમ હિન્દુઓનું ધર્મસ્થળ મંદિર, મુસ્લિમોનું મસ્જિદ, ખ્રિસ્તીઓનું ચર્ચ, જૈનોનું દેરાસર, શીખોનું ગુરુદ્વારા કહેવાય છે એમ યહૂદીઓના ધર્મસ્થળને સિનગોગ કહેવાય છે.
![Photo of શું તમે ક્યારેય સિનગોગ જોયા છે? મુંબઈ ઉપરાંત અમદાવાદમાં પણ છે યહૂદી ધર્મસ્થળ by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1670935424_magen_david_synagogue_3.jpg)
![Photo of શું તમે ક્યારેય સિનગોગ જોયા છે? મુંબઈ ઉપરાંત અમદાવાદમાં પણ છે યહૂદી ધર્મસ્થળ by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1670935870_141_year_celebration_chanukkahs_lit.jpeg)
પારસીઓની જેમ જ ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા યહૂદીઓનું કૉમ્યુનિટી ગેધરિંગ આવા કોઈ સિનગોગમાં જ થતું હોય છે. અલબત્ત, અહીં તમામ ધર્મના લોકોને પ્રવેશવાની મંજૂરી હોય છે. એટલે આપણે કોઈ પણ ગમે ત્યારે સિનગોગની મુલાકાત લઈ શકે છે. ભારતમાં દરેક સિનગોગમાં આજે પણ યહૂદી પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. ભારતથી પશ્ચિમ દિશામાં જેરૂસલેમ શહેર આવેલું હોવાથી તે દિશામાં મુખ રાખીને અહીં હિબ્રૂ ભાષામાં પ્રાર્થના થાય છે. મુંબઈ શહેરમાં સદીઓથી ભારતમાં સ્થાયી થયેલા યહૂદીઓ પણ છે અને છાશવારે ઇઝરાયલથી મુલાકાત લેતા પ્રવાસી યહૂદીઓ પણ. તેથી અહીંના સિનગોગમાં સૌથી વધુ યહૂદીઓ જોવા મળે છે.
Gate of Mercy Synagogue
આ સિનગોગ ભારતનું સૌથી પ્રાચીન સિનગોગ છે. આ સિનગોગની સ્થાપના વર્ષ 1796માં સામાજી હસનજી દિવેકર દ્વારા કરવામાં આવી હતી. દક્ષિણ મુંબઈમાં બનેલા આ સિનગોગમાં એક સાથે 300 દર્શનાર્થીઓ પ્રાર્થના કરી શકે છે. અહીં દીવાલો પર યહૂદી ધર્મમાં જોવા મળતા વિશેષ સ્ટાર આકારના ચિત્રો જોવા મળે છે. મુંબઈમાં આ સિનગોગની આસપાસનો વિસ્તાર કેટલાય દાયકાઓથી ‘ઇઝરાયલી મહોલ્લા’ તરીકે ઓળખાય છે.
![Photo of શું તમે ક્યારેય સિનગોગ જોયા છે? મુંબઈ ઉપરાંત અમદાવાદમાં પણ છે યહૂદી ધર્મસ્થળ by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1670935487_bqly6gecaaa479e.jpg)
![Photo of શું તમે ક્યારેય સિનગોગ જોયા છે? મુંબઈ ઉપરાંત અમદાવાદમાં પણ છે યહૂદી ધર્મસ્થળ by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1670935487_gate_of_mercy_synagogue_madras_courier_05.jpg)
આ સિનગોગ અન્ય Shaar Hashamaim નામે પણ ઓળખાય છે જેને વર્ષ 1999માં ઘણું નવીનીકરણ થયું છે.
![Photo of શું તમે ક્યારેય સિનગોગ જોયા છે? મુંબઈ ઉપરાંત અમદાવાદમાં પણ છે યહૂદી ધર્મસ્થળ by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1670935856_shaar_hashamaim_thane_west_thane_n2sqjyejxg.jpg)
Magen David Synagogue
દક્ષિણ મુંબઈમાં બાયકૂલા ખાતે આવેલા આ સિનગોગનું નિર્માણ વર્ષ 1864માં થયું હતું. બગદાદમાં સરકારના દમનથી ત્રાસીને મુંબઈ સ્થળાંતરિત થયેલા વિસ્થાપિત બગદાદી યહૂદીઓ માટે ડેવિડ સસૂન નામના વ્યક્તિએ આ સિનગોગ બંધાવ્યું હતું. આ સિનગોગમાં વિક્ટોરિયન આર્કિટેક્ચરની ઝલક જોવા મળે છે. વિસ્થાપિત યહૂદીઓની વસ્તીને ધ્યાનમાં રાખતા આ એક પ્રમાણમાં તદ્દન નાનકડું સિનગોગ હતું.
વર્ષ 1910માં ભારતમાં યહૂદીઓની વસ્તીમાં વધારો થયો હોવાથી ડેવિડ સસૂનના પૌત્ર જેકોબ સસૂને આ જ સિનગોગની આસપાસની જમીન જોડીને એક ભવ્ય સિનગોગ બનાવ્યું જે આજે ઇઝરાયલ બહાર આવેલું એશિયાનું સૌથી મોટું સિનગોગ છે. સુંદર ભૂરું બાંધકામ અને વિશાળ રંગબેરંગી કાચ ધરાવતી બારીઓ સાચે જ ધ્યાનાકર્ષક છે તો વળી અહીં આવેલો ભવ્ય ક્લોક ટાવર એ આ સિનગોગની આગવી ઓળખ છે.
![Photo of શું તમે ક્યારેય સિનગોગ જોયા છે? મુંબઈ ઉપરાંત અમદાવાદમાં પણ છે યહૂદી ધર્મસ્થળ by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1670935967_images_3.jpg)
![Photo of શું તમે ક્યારેય સિનગોગ જોયા છે? મુંબઈ ઉપરાંત અમદાવાદમાં પણ છે યહૂદી ધર્મસ્થળ by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1670935967_magen_david_synagogue_3.jpg)
Shaar Rason Synagogue
આ એક ઘણું નાનું કહી શકાય તેવું સિનગોગ છે જેની સ્થાપના વર્ષ 1843માં કરવામાં આવી હતી. બહારથી કદાચ આ સિનગોગ ખાસ ધ્યાનાકર્ષક ન જણાય પરંતુ અહીં અંદર પંખાઓ, કાચના મોટા ફાનસ તેમજ લાઇટિંગ્સની ગોઠવણી અહીંના મુલાકાતીઓને અચંબામાં મૂકી દે છે.
Knesset Eliyahoo
ઓર્થોડોક્સ જ્યુઝ (રૂઢિચુસ્ત યહૂદીઓ)નું ભારતમાં આ બીજા ક્રમનું સાથી જૂનું સિનગોગ છે. તે મુંબઈના કોલાબા વિસ્તારમાં આવ્યું છે. બહારથી વાદળી ભૂરા જેવા રંગે રંગાયેલું આ સિનગોગ અહીંથી પસાર થનાર કોઈ પણ રાહદારીનું અચૂક ધ્યાન ખેચે છે.
![Photo of શું તમે ક્યારેય સિનગોગ જોયા છે? મુંબઈ ઉપરાંત અમદાવાદમાં પણ છે યહૂદી ધર્મસ્થળ by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1670936081_ind_keneseth_jpeg_img_03.jpg)
![Photo of શું તમે ક્યારેય સિનગોગ જોયા છે? મુંબઈ ઉપરાંત અમદાવાદમાં પણ છે યહૂદી ધર્મસ્થળ by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1670936081_ind_keneseth_jpeg_img_02.jpg)
Magen Hassidim Synagogue
1931ની સાલમાં મુંબઈના અગ્નિપડા વિસ્તારમાં આ સિનગોગ બનાવવામાં આવ્યું હતું. અહીં પથ્થરના વિશાળ થાંભલાઓ તેમજ મોટી બારીઓ તેની વિશેષતા કહી શકાય. આ સિનગોગ બે માળનું બાંધકામ ધરાવે છે અને અલબત્ત, તેની આર્કિટેક્ચર પણ ઘણું નોંધપાત્ર છે.
Tiphereth Israel Synagogue
મુંબઈના જેકોબ સર્કલ ખાતે 1886માં યહૂદીઓ માટે એક પ્રાર્થના ખંડ બનાવવામાં આવ્યો હતો. પછીથી કેટલાક દાયકાઓમાં અહીં આસપાસ યહૂદી જનસંખ્યામાં ઘણો વધારો થયો અને તેથી તેને એક યોગ્ય સિનગોગમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે તે મુંબઈના સૌથી વ્યસ્ત સિનગોગમાં આગવું સ્થાન ધરાવે છે. સ્થાનિક લોકો તેને તેના સ્થાપક અને યહૂદી સમુદાયના અગ્રણી તેવા આરોન બેંજામિન કંડલેકરની યાદમાં ‘Kandlekaranchi Mashid’ તરીકે પણ ઓળખે છે.
અમદાવાદમાં આવેલું સિનગોગ:
Magen Abraham Synagogue
આપણું અમદાવાદ પણ એક યહૂદી ધર્મસ્થળ સિનગોગ ધરાવે છે જેનું નામ Magen Abraham Synagogue છે. અમદાવાદના ખાડિયા વિસ્તાર ખાતે આવેલું સિનગોગ વર્ષ 1934માં બનાવવામાં આવ્યું હતું અને આજે ગુજરાતમાં ઘણી જૂજ સંખ્યામાં તેમજ મુંબઈમાં ઠીકઠાક સંખ્યામાં રહેતા યહૂદીઓ માટે નિશ્ચિતપણે આ એક ખૂબ જ મહત્વનું સ્થળ છે.
![Photo of શું તમે ક્યારેય સિનગોગ જોયા છે? મુંબઈ ઉપરાંત અમદાવાદમાં પણ છે યહૂદી ધર્મસ્થળ by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1670936206_jewish_community_and_synagogue_of_ahmedabad_india_2043995502.jpg)
મુંબઈ તેમજ અમદાવાદમાં કઈક નવું જોવાની ઇચ્છા હોય તો સમય મળ્યે અહીંના સિનગોગ જોવા અવશ્ય જવું જોઈએ. આ ઉપરાંત પુણે, કોચીન, કોલકાતા તેમજ દિલ્હી ખાતે પણ સિનગોગ આવેલા છે તેથી જો તમે આ શહેરોમાં આગામી પ્રવાસ કરો ત્યારે અહીંની મુલાકાત જરૂર લેશો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ