ડિપ્રેશન એ એક એવો વિષય છે જે દરેક મનુષ્યના જીવનમાં વધતા ઓછા અંશે અસ્તિત્વ ધરાવતો હોય છે. આ જગતમાં કદાચ એવો કોઈ પણ વ્યક્તિ નહિ હોય જેનાં જીવનમાં કોઈ જ ચિંતા કે દુઃખ ન હોય!
જયપુરના રવિ રોય પણ એક એવા નવયુવાન છે જે ડિપ્રેશનથી પીડાતા હતા. આપણા દેશમાં સામાન્ય રીતે ગમે તેટલા ગંભીર ડિપ્રેશનનો શિકાર બન્યા પછી પણ લોકો ડૉક્ટરને બતાવવાનું ટાળતા હોય છે પરંતુ રવિ રોયે ડૉક્ટરની સલાહ લીધી કે ડિપ્રેશનમાંથી બહાર આવવા કાંઇક મનગમતી પ્રવૃત્તિ કરો! રવિને ટ્રાવેલિંગનો શોખ તો હતો જ; તેણે પ્રવાસના માધ્યમથી પોતાનું ડિપ્રેશન દૂર કરવા અને અન્ય લોકોને ડિપ્રેશન વિશે જાગૃત કરવા પગપાળા યાત્રા કરવાનું નક્કી કર્યું.
રવિએ જયપુરથી કન્યાકુમારી પગપાળા યાત્રાની શરૂઆત કરી! આ 2700 કિમીનો પગપાળા પ્રવાસ તેમણે 101 દિવસમાં પૂર્ણ કર્યો.
લોકોના મહેણાં:
પોતાની યાત્રા શરૂ કરતાં પહેલાના અનુભવ જણાવતા રવિએ કહ્યું હતું, “જ્યારે મેં ચાલીને કન્યાકુમારી જવાની જાહેરાત કરી ત્યારે મારા ઘરના લોકો જરા નારાજ થયા, અલબત્ત, તેમની ચિંતા પણ માન્ય હતી. પરંતુ કેટલાય લોકોએ મને મહેણાં માર્યા કે આ સમયે મારે કઈક ભણવું કે નોકરી કરવી જોઈએ, કઈક કામ કરવું જોઈએ, ‘આમ ચાલતા ચાલતા યાત્રા કરીને સમય બગાડવો ન જોઈએ’... તે સમયે મેં મારી જાતને અને મારા માતા પિતાને એટલ જ કહ્યું કે લોકો તો જીવનનો કેટલો સમય દારૂ, સિગારેટ, ચરસ, ગાંજો, જુગાર વગેરે જેવા નશા-યુક્ત કામમાં પસાર કરે છે, હું આમાંનું તો કશું જ ક્યારેય નથી કરતો. હું તો બસ મારા પગના જોરે દેશની ભારત મુખ્યભૂમિ પર સૌથી દક્ષિણે આવેલા શહેરની મુલાકાત લેવા જઈ રહ્યો છું. એને ‘સમય બગાડ્યો’ એમ ક્યાંથી કહી શકાય!”
દેશના વિવિધ પ્રાંતના લોકોના અનુભવો :
જયપુરથી પોતાની યાત્રા પ્રારંભ કરતાં રવિએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને છેલ્લે તમિલનાડુ રાજ્યના સંખ્યાબંધ ગામડાઓ અને શહેરોમાંથી પસાર થઈને આગળ વધ્યા. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ હિન્દીભાષી રાજ્યો હોવાથી ત્યાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ લોકો સાથે વાતચીત કરવામાં ખાસ તકલીફ ન પડતી પરંતુ આપણે ત્યાં તો કહેવાય છે ને કે બાર ગામે બોલી બદલાય! રવિએ કઈ કેટલીય પ્રાદેશિક ભાષા બોલતા લોકો સાથે સંવાદો કર્યા.
મહારાષ્ટ્રમાં એક એનજીઓ ચલાવતા એક યુગલ સાથે રવિની મુલાકાત થઈ જેઓને તેમની સમાજસેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેઓની સાથે રવિએ પોતાના ડિપ્રેશન સામેની ઝુંબેશ અને કન્યાકુમારી સુધી પગપાળા જવાના નિશ્ચય વિશે વાત કરી.
રવિ 2700 કિમીની રખડપટ્ટીની સાથોસાથ એક બહુ સારો બોધ આપવાના હેતુથી પ્રવાસ કરી રહ્યા હતા તેથી તેઓએ તેને એક નામ આપ્યું: Nomad Baba. રવિએ આ નામને પોતાની ઓળખ બનાવી છે અને વિવિધ સોશિયલ મિડિયા પર તેઓ આ જ નામથી કાર્યરત છે.
ભારતના વિવિધ પ્રાંતના તમામ પ્રકારના લોકો સાથે રવિની મુલાકાત થઈ હતી. રવિએ જણાવ્યું હતું કે, “એક વાર હું ચાલતો ચાલતો જઈ રહ્યો હતો ત્યારે એક રોલ્સ રૉય કાર પાછળથી પસાર થઈને અને આગળ જતાં તેમણે ગાડી રોકી. હું તેમના સુધી પહોંચ્યો ત્યારે તેઓ મને નોટોનું એક બંડલ આપવા લાગ્યા અને કહ્યું કે તેઓ બહુ જ દુઃખી હતા અને મને આમ પગપાળા 2700 કિમીની યાત્રા કરતાં જોઈ મને હ્રદયપૂર્વક આર્થિક સહાય કરી રહ્યા હતા. મેં તેનો સાદર ઇનકાર કર્યો અને તેઓને જણાવ્યું કે મારો આ પ્રવાસ પાછળનો ઉદ્દેશ પૈસા કમાવવાનો ક્યારેય નથી રહ્યો. જો આપ મને કઈક આપવા જ ઈચ્છો છો તો મને એક ટાઈમનું ભોજન કરાવી દો. એ દિવસે એક કરોડપતિ માણસ અને હું બંને સાથે બેસીને જમ્યા.
મેં આ પ્રવાસ દરમિયાન ખૂબ જ હતાશ કરોડપતિને પણ જોયા છે અને નાનકડી ઝૂંપડીમાં રહીને સૂકી રોટલી ખાઈને પણ ખુશખુશાલ જીવન જીવતા ગરીબો પણ.
ડિપ્રેશન સાથે પર્યાવરણની જાળવણી અંગે તકેદારી પણ:
તમામ 101 દિવસ દરમિયાન રવિએ ક્યારેય પાણીની બોટલ ખરીદી નથી. કોઈ બીજા સામેથી તેઓને પાણીની બોટલ આપે તો પણ તેઓ સવિનય ઇનકાર કરે છે અને કોઈ પણ ઢાબા, ચાની લારી, પેટ્રોલ પંપ જેવી જગ્યાએ પાણી પી લેતા. આમ કરવા પાછળ તેમનું માનવું એમ હતું કે “ચાલતા ચાલતા પ્રવાસ કરવાને લીધે દિવસમાં ઓછામાં ઓછું 4 થી 5 લિટર પાણી પીવું પડે, જો હું દિવસની પ્લાસ્ટિકની ખાલી બોટલ કચરામાં નાખું તો સરવાળે કેટલુંય પ્લાસ્ટિકનો મેં વ્યય કર્યો ગણાય. આમ કરવા કરતાં નળમાંથી કે ગ્લાસમાં પાણી પીવું સારું!”
2700 કિમીની પગપાળા યાત્રા પૂરી કર્યા પછી રવિ જ્યારે કન્યાકુમારી પહોંચ્યા ત્યારે તેમનું ડિપ્રેશન તો ક્યારનું જતું રહ્યું હતું, પણ સાથે તેમના એક બહેતર વર્ઝનનો જન્મ થઈ ગયો હતો!
હાલમાં (નવેમ્બર 2022માં) રવિ રોય જયપુરથી રામ મંદિર આયોધ્યાની યાત્રા કરી રહ્યા છે, આશા કરીએ તેઓ આવા અનેક મૂલ્યવાન પ્રવાસો કરતાં રહે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ