ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો

Tripoto

આઝાદી પહેલા બોમ્બે સ્ટેટ તરીકે જાણીતું વિશાળ બોમ્બે રાજ્ય 1 મે 1960ના રોજ અહીંના લોકો દ્વારા બોલાતી ભાષાના આધારે બે ભાગમાં વહેચાયું: ગુજરાતી બોલતા લોકોનું રાજ્ય બન્યું ગુજરાત અને મરાઠી બોલતા લોકોનો પ્રદેશ મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખાયો. એ દ્રષ્ટિએ મહારાષ્ટ્ર એ ગુજરાતનો જોડિયો ભાઈ જ થાય ને!

Photo of Maharashtra, India by Jhelum Kaushal

તો ચાલો, આજે શિવાજી અને સાવરકરની ભૂમિની અનોખી ખાસિયતો જાણીએ.

1. મુંબઈ

તમને એવા હજારો ગુજરાતીઓ મળશે જેમને એ અફસોસ હશે કે 1960 માં બે રાજ્યો બનાવવામાં આવ્યા ત્યારે મુંબઈ ગુજરાતનો ભાગ બન્યું હોત તો કેટલું સારું હોત!! મુંબઈ એ માત્ર મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની જ નથી, આખા દેશની આર્થિક રાજધાની પણ છે. મહારાષ્ટ્રની આન, બાન અને શાન એટલે મુંબઈ. લાખો, કરોડો લોકોની રોજીરોટી એટલે મુંબઈ. જ્યાં ભારતનો સૌથી ધનિક અને સૌથી ગરીબ માણસ રહેતો હોય એ શહેર એટલે મુંબઈ. કરોડો લોકોનાં સપનાનું શહેર એટલે મુંબઈ!

Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal

આખરે અ સિટી ધેટ નેવર સ્લીપ્સ- એક શહેર જે ક્યારેય સૂતું નથી એવી માયનગરી મુંબઈ કોને ન આકર્ષે??

2. જય ભવાની, જય શિવાજી

ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેને મહારાજા છત્રપતિ શિવાજી પર ગૌરવ ન હોય! મહારાષ્ટ્રના લોકો શિવાજી, બાજીરાવ પેશ્વા વગેરે જેવા મરાઠી રાજાઓ પર ભરપૂર ગર્વ કરી શકે તેમ છે. ભારતે અંગ્રેજો સામે સ્વતંત્રતા સંગ્રામ કર્યો તેની અમુક સદી પહેલા આ રાજાઓએ ભારતની ભૂમિ બચાવી રાખવા ખૂબ કુનેહપૂર્વક મુઘલોનો સામનો કર્યો હતો.

Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal

3. રોડટ્રીપ્સ

મહારાષ્ટ્ર એ દરિયાકિનારે વસેલું રાજ્ય છે. અહીંના કોસ્ટલ વિસ્તારોમાં આવેલા ઓછા જાણીતા બીચ પર આસપાસના ઘણા લોકો રોડટ્રીપ પર જવાનું પસંદ કરે છે. ઉપરાંત રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ નાની-મોટી જગ્યાએ ખૂબ સુંદર પર્યટન સ્થળો આવેલા છે. મુંબઈ પૂણે એક્સપ્રેસ હાઇવે હોય, ત્ર્યંબકેશ્વર, શિરડી જેવા તીર્થસ્થાનો કે પછી નાસિક, કોલ્હાપુર, નાગપુર, મહાબળેશ્વર, લોનવલા જેવા સ્થળો- મહારાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએથી રોડટ્રીપ પર જવા પુષ્કળ વિકલ્પો ઉપલબ્ધ છે.

Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal

4. ગણેશોત્સવ

મહારાષ્ટ્રને તેના અસલ રંગરૂપમાં જોવું હોય તો તેના માટે શ્રેષ્ઠ સમય છે ગણપતિ મહોત્સવ/ ગણેશોત્સવ. અપાર જનમેદની વચ્ચે લોકોની આસ્થા કઈક અનોખી નીખરી ઉઠે છે. પરંપરાગત મરાઠી પોશાકમાં જ્યારે મરાઠી માણુસ વિઘ્નહર્તાની અર્ચના કરે છે એ એક જોવા જેવું દ્રશ્ય હોય છે.

Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal

5. સ્ટ્રીટ ફૂડનું હોમટાઉન

આમ તો સ્ટ્રીટ ફૂડની શરૂઆત ક્યાં અને કેવી રીતે થઈ હતી તેની કોઈ ચોક્કસ માહિતી નથી, પણ મહારાષ્ટ્રમાં આ કેટેગરીમાં મૂકી શકાય તેવી અનેકવિધ વાનગીઓ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. ચટપટી વાનગીઓ ખાવા-પીવાના શોખીનો માટે આ જગ્યા સ્વર્ગ-સમાન છે. મહારાષ્ટ્રમાં પાવ ભાજી, બંબૈયા ભેળ, મિસળ પાંવ, સાબુદાણા વડા, ભાખરવડી, કોથમબીર વડી વગેરે ખાસ માણવા જેવી વાનગીઓ છે. વડાપાવનું વતન પણ મહારાષ્ટ્ર જ ને!

Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal
Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal

6. ગુફાઓ

મહારાષ્ટ્રના ફરવાના સ્થળોની વાત થાય તો અજંતા ઇલોરાની ગુફાઓ સૌ પ્રથમ યાદ આવે. આ બંને ગુફાઓ તો પર્યટન યાદીમાં અચૂક મૂકવા જેવી છે જ, પણ આ ઉપરાંત પણ મહારાષ્ટ્રમાં ડઝનબંધ અદભૂત પ્રાચીન ગુફાઓ આવેલી છે જેમાં એલિફન્ટા ગુફાઓ, કાનહેરી (બુદ્ધિસ્ટ) ગુફાઓ, ઓરંગાબાદ ગુફાઓ, ભાજા ગુફાઓ, મંડપેશ્વર ગુફાઓ વગેરેનો સમાવેશ થાય છે.

Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal

7. સિનેમા

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ ભારતની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. અને મુંબઈ આ ઇન્ડસ્ટ્રીનું ઘર છે.

આ વાત નવી નથી. આજે બોલિવૂડ ભલે ગમે તેવી ઇન્ડસ્ટ્રી હોય, પણ શું તમે જાણો છો કે ભારતમાં ફિલ્મોની શરૂઆત કરનાર મહારાષ્ટ્રના જ એક સજ્જન શ્રી દાદાસાહેબ ફાળકે હતા? મુંબઈમાં તેમના નામની ફિલ્મસિટી અને નાશિકમાં દાદાસાહેબ ફાળકેના જીવન તેમજ તેમની કારકિર્દી વિષે વિસ્તૃત માહિતી આપતું એક સુંદર મ્યુઝિયમ પણ આવેલું છે.

Photo of ગુજરાતના જોડિયા ભાઈ એવા મહારાષ્ટ્રની અનોખી ખાસિયતો by Jhelum Kaushal

મહારાષ્ટ્રની તમારી સૌથી મનગમતી વસ્તુ શું છે? અમને કમેન્ટ્સમાં જણાવો.

Tripoto પર મહારાષ્ટ્ર વિષે વધુ વાંચો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads