દેવભૂમિ ઉત્તરાખંડને ધર્મ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં સૌથી વિશેષ માનવામાં આવે છે. વિશ્વભરના પ્રવાસીઓનો અહીં આવવાનો એક જ હેતુ હોય છે અને તે છે આધ્યાત્મિક અને માનસિક શાંતિ મેળવવાનો. લીલાછમ વનસ્પતિથી ભરેલા પર્વતો, ખીણો, હિમાલયના બર્ફિલા શિખરો, નદીઓ અને ધોધ આ સ્થળને અદ્ભુત લુક આપે છે. ઉત્તરાખંડ અસંખ્ય મંદિરોનું ઘર છે, જેમાંથી ઘણા ભારતીય પૌરાણિક કાળના છે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હેમકુંડ વગેરે સહિત ભારતના ઘણા મોટા તીર્થસ્થાનો પહાડોની મધ્યમાં આવેલા છે. દર વર્ષે લાખો ભક્તો અહીં માત્ર પ્રાચીન મંદિરોના દર્શન કરવા આવે છે. આજે, આ લેખમાં, અમે તમને રાજ્યના પ્રખ્યાત મંદિરો સિવાય એક વિશેષ ધાર્મિક સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પૌરાણિક કાળની મહાન ઘટના સાથે સંબંધિત છે, જાણો આ મંદિર તમારી ધાર્મિક યાત્રાને કેવી રીતે ખાસ બનાવી શકે છે.
કાર્તિક સ્વામી મંદિર
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કાર્તિક સ્વામી મંદિર, હિન્દુઓ માટે એક પવિત્ર સ્થળ છે, જે ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયને સમર્પિત છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 3050 મીટરની ઉંચાઈ પર ગઢવાલ હિમાલયના બર્ફિલા શિખરોની મધ્યમાં આવેલું છે. તે 200 વર્ષનો ઇતિહાસ ધરાવતું પ્રાચીન મંદિર હોવાનું માનવામાં આવે છે. ઓફ-બીટ પ્રવાસીઓ જેઓ ગઢવાલની યાત્રા પર જાય છે તેઓ ચોક્કસપણે અહીં દર્શન કરવા આવે છે. તાજેતરના વર્ષોમાં, આ મંદિર સ્થળ લાંબા-અંતરના ટ્રેકર્સ અને સાહસ ઉત્સાહીઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે. આ મંદિર પહાડોની ઊંચાઈ પર આવેલું હોવાથી અહીંના પ્રાકૃતિક નજારા જોવાલાયક છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. જાણો આ મંદિર સાથે જોડાયેલી વધુ મહત્વની વાતો.
80 પગથિયાં ચડવા પડે
ભગવાન કાર્તિકની પૂજા ઉત્તર તેમજ દક્ષિણ ભારતમાં કરવામાં આવે છે, સાઉથમાં તેઓ કાર્તિક મુરુગન સ્વામી તરીકે ઓળખાય છે. મંદિરના ઘંટનો અવાજ લગભગ 800 મીટર સુધી સાંભળી શકાય છે. મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે, ભક્તોને મુખ્ય માર્ગથી લગભગ 80 પગથિયાંની મુસાફરી કરવી પડે છે. અહીંની સાંજની આરતી અથવા સંધ્યા આરતી ખૂબ જ ખાસ છે, જે દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જામે છે. અહીં સમયાંતરે મહા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે, જે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનું ધ્યાન આકર્ષિત કરે છે.
સુપ્રસિદ્ધ દંતકથા
દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવે, તેમના બે પુત્રો કાર્તિકેય અને ગણેશની પરીક્ષા કરવા માટે, તેમને કહ્યું કે બ્રહ્માંડની પરિક્રમા કર્યા પછી બંનેમાંથી જે પણ પહેલા પાછા આવશે, તે બધા દેવતાઓમાં સૌથી પહેલા પૂજાશે. કાર્તિકેય બ્રહ્માંડની પરિક્રમા કરવા ગયા, પરંતુ ગણેશજીએ માતા પાર્વતી અને પિતા શંકરની પરિક્રમા કરી અને તેમને કહ્યું કે મારા માટે તમે આખું બ્રહ્માંડ છો, તેથી તમારી પરિક્રમા કરવી એ મારા માટે બ્રહ્માંડની પરિક્રમા કરવા સમાન છે. ગણેશજીની આ બુદ્ધિથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને તેમના વચન મુજબ વરદાન આપ્યું કે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા અન્ય તમામ દેવી-દેવતાઓમાં ગણેશજીની પૂજા કરવામાં આવશે. પોતાની હાર જોઈને કાર્તિકેય ગુસ્સે થઈ ગયા અને પોતાના શરીરનું માંસ માતા-પિતાના ચરણોમાં અર્પણ કરી દીધું અને પોતાના અસ્થિ સાથે ક્રૌંચ પર્વત પર ગયા. ભગવાન કાર્તિકેયના અસ્થિઓ આજે પણ મંદિરમાં મોજૂદ છે, જેના માટે દર વર્ષે લાખો ભક્તો કાર્તિક સ્વામી મંદિરમાં આવે છે.
મંદિરમાં કેમ આવવું?
કાર્તિક સ્વામી મંદિરની મુલાકાત તમારા માટે ઘણી રીતે ખાસ હોઈ શકે છે. ધાર્મિક આસ્થા ઉપરાંત પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસના શોખીનો પણ અહીં આવી શકે છે. આ મંદિર ઊંચાઈ પર હોવાથી અને ટેકરીઓથી ઘેરાયેલું હોવાથી અહીંથી કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ લઈ શકાય છે. જો તમે એડવેન્ચરના શોખીન છો, તો તમે અહીં ટ્રેકિંગ અને હાઇકિંગની મજા પણ માણી શકો છો. જો તમે ફોટોગ્રાફીના શોખીન છો, તો તમે અહીંના અદ્ભુત નજારાઓને તમારા કેમેરામાં કેદ કરી શકો છો. તમે સુંદર પ્રવાસ માટે આ સ્થળ પસંદ કરી શકો છો. તમે કોઈપણ સમયે મંદિરની મુલાકાત લઈ શકો છો, પરંતુ હવામાન મુજબ, અહીં મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરના મધ્યથી મધ્ય માર્ચ સુધીનો છે, જે દરમિયાન તમે આસપાસના કુદરતી સૌંદર્યનો સંપૂર્ણ આનંદ લઈ શકશો.
કેવી રીતે પહોંચશો
કાર્તિક સ્વામી મંદિર રૂદ્રપ્રયાગ, ઉત્તરાખંડમાં આવેલું છે, જ્યાં તમે ત્રણેય પરિવહનના માધ્યમોની મદદથી પહોંચી શકો છો, નજીકનું એરપોર્ટ જોલી ગ્રાન્ટ, દેહરાદૂન છે. એરપોર્ટથી, તમે બસ અથવા ટેક્સી દ્વારા રુદ્રપ્રયાગ અને ત્યાંથી મંદિર સુધી સરળતાથી પહોંચી શકો છો. રેલવે સેવા માટે તમે ઋષિકેશ રેલ્વે સ્ટેશનની મદદ લઈ શકો છો. જો તમે ઈચ્છો તો, તમે અહીં સડક માર્ગે પણ સરળતાથી પહોંચી શકો છો, રુદ્રપ્રયાગ રાજ્યના મોટા શહેરો સાથે સુંદર રોડ દ્વારા જોડાયેલું છે.
આ મંદિર રુદ્રપ્રયાગ જિલ્લાથી 38 કિલોમીટરના અંતરે કનક ચૌરી ગામમાં આવેલું છે. જેના માટે તમારે રૂદ્રપ્રયાગથી પોખરી માર્ગ તરફ જતી બસ લેવી પડશે, જે તમને કનક ચૌરી ગામ લઈ જશે. આ બસ વાયા ચોપતા જશે. ચોપતા રુદ્ર પ્રયાગથી 20 કિ.મી. દૂર છે. ચોપતાની પાસે જ ફલાસી ગામમાં ભગવાનશ્રી તુંગેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે. જેને પાંડવોએ એવા સમયે બનાવ્યું હતું જ્યારે તે ભગવાન શંકરના દર્શન માટે કેદારનાથ જઇ રહ્યા હતા. ચોપતાથી આગળ ધિમતોલી થઇને કનક ચૌરી ગામે પહોંચશો. આ ગામથી, તમારે કાર્તિક સ્વામી મંદિર સુધી પહોંચવા માટે લગભગ 3 કિમી સુધી ટ્રેકિંગ કરવું પડશે. જો કે, તેનું ચઢાણ ઉપર તરફ હશે, જેમાં લોકો ખૂબ થાકી જાય છે. જો કે આ પહાડી રસ્તો કુદરતી સૌંદર્યથી ભરપુર છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો