ગિરનારની ગોદમાં જૂનાગઢ શહેરથી લગભગ 2 કિલોમીટરના અંતરે જોગણિયા ડુંગરની તળેટીમાં ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર શોભાયમાન છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં સ્થિત આ નાનકડાં મંદિરની આભા કંઈક એવી છે કે અહીં પગ મૂકતાં જ ભક્તોને પરમશાંતિની અનુભૂતિ થવા લાગે છે. માન્યતા અનુસાર ઈન્દ્રેશ્વરે જ દેવરાજ ઈન્દ્રને શ્રાપમાંથી મુક્તિ અપાવી હતી. તો, ઈન્દ્રેશ્વરે જ ભક્ત નરસિંહના ઓરતાઓની પૂર્તિ કરી હોવાની લોકવાયકા અહીં પ્રચલિત છે.
ન માત્ર જૂનાગઢમાંથી, પરંતુ, સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ઈન્દ્રેશ્વર મહાદેવના દર્શનાર્થે અહીં આવે છે. ઈન્દ્રેશ્વરના દર્શન વિના તો જૂનાગઢની યાત્રા જ અપૂર્ણ મનાય છે! કહે છે કે દેવરાજ ઈન્દ્ર અને ભક્ત નરસિંહને સાક્ષાત્કાર કરાવનારા શિવજી અહીંથી ક્યારેય કોઈને ખાલી હાથે પાછા નથી મોકલતા.
કેવી રીતે થઇ ઈન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના
ગિરનાર પર્વતમાળાની તળેટીમાં આવેલું ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર પુરાણ પ્રસિદ્ધ શિવાલય તરીકે જાણીતું છે. સતયુગમાં જ્યારે ઇન્દ્રદેવને ગૌતમ ઋષિએ તેમના પત્ની દેવી અહલ્યા પર કપટ કરવાના પરિણામે કોઢ થવાનો શ્રાપ આપેલો. જેના નિરાકરણ માટે નારદમુનિની પ્રેરણાથી ઇન્દ્રદેવે આ અતિ પૌરાણિક જગ્યા જોગણિયા ડુંગર (ગિરનાર પર્વતમાળાનો એક પર્વત) પાસે શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરી.
આ રીતે ઇન્દ્રદેવનો કોઢ દૂર થયો
ઈન્દ્રેશ્વર મહાદેવના શિવાલયની સન્મુખ બાણ-ગંગા કુંડ આવેલો છે. એવું કહેવાય છે કે, ઈન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના પછી ઇન્દ્રદેવે અહીં દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરી, જે પછી તેઓએ મેળવેલી તપ સિદ્ધિ અને નારદજીની પ્રેરણાથી તેઓએ અહીં મંદિરથી દશ ડગલાં દૂર જમીનમાં બાણ મારીને બાણ-ગંગા પ્રગટ કરી. જે પછી તેના ચમત્કારિક પાણીમાં સ્નાન કરતાં તેઓના શરીરે થયેલો કોઢ દૂર થયો અને તેઓ દેવલોક પરત ગયાં. આજે પણ કોઈ કોઢગ્રસ્ત વ્યક્તિ બાણ-ગંગાના જળથી સ્નાન કરે છે, તો તેના શરીરમાં થયેલો કોઢ દૂર થાય છે, તેવી માન્યતા છે. દુષ્કાળ સમયે પણ આ કુંડમાંથી ક્યારેય પાણી ખુટ્યું નથી.
માઁ અન્નપૂર્ણા અને માઁ ગાયત્રીના દર્શન, ભક્તોને ધન્ય બનાવે છે
ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આવેલ માઁ અન્નપૂર્ણાજીની ગુફા દર્શનીય સ્થાન છે. એક માન્યતા મુજબ, માઁ અન્નપૂર્ણાની સ્થાપના પણ ઇન્દ્રદેવ દ્વારા સતયુગમાં જ કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં વર્ષ 1979 માં બાંધવામાં આવેલાં ઐતિહાસિક ગાયત્રી મંદિરના દર્શન કરીને ભક્તો ધન્યતા પ્રાપ્ત કરે છે.
નરસિંહ મહેતાને રાસલીલાના દર્શન કરાવ્યાં
એક લોકવાયકા એવી પણ છે કે, આદિ કવિશ્રી નરસિંહ મહેતા અહીં જંગલમાં ગાયો ચરાવવા આવતાં, ત્યારે આ સ્થળે બત્રીસ ગુણી ગાયના આંચળમાંથી દુધની ધારાવાળી થતાં, તેઓ ભાવ વિભોર થઈ લિંગને બાથ ભરીને બેસી ગયાં, સતત સાત દિવસ સુધી તેઓએ તપશ્ચર્યા કરી અને મહાદેવે આકાશવાણી સ્વરૂપે કહ્યું કે,'નરસિંહ તું આ લિંગ છોડી દે, હું તારા પર પ્રસન્ન છું. ત્યારે નરસિંહ મહેતાએ પોતાના નાગર કુળમાં કોઈ દુઃખી ન રહે અને ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરવા માટે વરદાન માંગ્યું. જે પછી શિવજીએ તેને છ મહિના સુધી કૈલાસ પર્વત ઉપર કૃષ્ણ ભગવાનની રાસલીલાના દર્શન કરાવ્યા.
નરસિંહ મહેતાએ વાવેલો વડલો આજે પણ હૈયાત છે
ઈન્દ્રેશ્વર મહાદેવની આ પાવન ભૂમિમાં નરસિંહ મહેતાએ એક વડલાના વૃક્ષનું વાવેતર કર્યું હતું, જે આજે પણ હૈયાત છે અને અહીં આવતા ભાવિકોને છાયડો આપે છે. આ ઉપરાંત અહીં અતિ દુર્લભ કહેવાતું ગૌરીશંકરનું વૃક્ષ પણ મોજુદ છે. જેના ફુલમાં શંકર ભગવાનનું લિંગ, થાળું અને શેષનાગ જોવા મળે છે.
જૂનાગઢ નવાબે અહીં ગૌશાળા બંધાવી હતી
આ જગ્યામાં નવાબીકાળમાં થઈ ગયેલા નવાબ રસુલખાનજીએ અહીં ગૌશાળા બંધાવી આપેલ હતી, જેનો જીર્ણોધ્ધાર પણ થયેલ છે. અહીંના મહંત ત્રિગુણાનંદજીની પ્રેરણાથી જૂનાગઢથી રાજકોટ તરફ જતાં રોડ સુધીનો રસ્તો નવાબ દ્વારા બનાવી આપવામાં આવ્યો, આ ઉપરાંત જૂનાગઢ નવાબે આ જગ્યા મહંત ત્રિગુણાનંદજીને તામ્રપત્ર ઉપર લખી આપેલી.
કેવી રીતે જવાય
જો તમારે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર જવું હોય તો જુનાગઢ શહેર સુધી જવાની જરૂર નથી. અમદાવાદથી રાજકોટ, ગોંડલ થઇને જુનાગઢ કાર કે પ્રાઇવેટ સાધન દ્વારા જતા હોવ તો જુનાગઢમાં એન્ટ્રી પહેલાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આવે છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની પાછળના ભાગમાં દોલતપરા વિસ્તાર આવેલો છે. જ્યાં ઇન્દ્રેશ્વર થાણા છે. અહીંથી ગીર નેચર સફારીનો પ્રારંભ થાય છે. ઇન્દ્રેશ્વર થાણાથી અડધો કિલોમીટર દૂર ઇન્દ્રેશ્વર મંદિર આવેલું છે. અમદાવાદથી જુનાગઢ લગભગ 320 કિલોમીટર દૂર છે. તમે ટ્રેનમાં જુનાગઢ રેલવે સ્ટેશને ઉતરીને પણ રીક્ષા દ્વારા ઇન્દ્રેશ્વર મંદિર જઇ શકો છો. બસમાં જવું હોય તો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઉતરીને રીક્ષા કરવી પડશે.
નજીકમાં જોવાલાયક સ્થળ
ઇન્દ્રેશ્વર મંદિરમાં દર્શન કરીને તમે નજીકમાં સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લઇ શકો છો. સક્કરબાગ ઝૂ જોવામા લગભગ 2 થી 3 કલાકનો સમય લાગી શકે છે. આ ઉપરાંત તમે ઇન્દ્રેશ્વર થાણાથી ગીર નેચર સફારી કરી શકો છો. જેના માટે તમારે ઓનલાઇન બુકિંગ કરાવવું પડશે. એક સફારીના 800 રૂપિયા પરમિટનો ચાર્જ થશે. શનિ-રવિમાં આ ચાર્જ 1000 રૂપિયા છે. જીપ સફારી અને ગાઇડના 2400 રૂપિયા ખર્ચવા પડશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો