છેલ્લા કેટલાક વર્ષોથી સોલો ટ્રીપનું ચલણ પુષ્કળ વધી ગયું છે. અલબત્ત, જગતભરમાં સદીઓથી આ વસ્તુ કોઈ નવી વાત નહોતી પણ છેલ્લા એકાદ દાયકાથી તો આ ફેશન લોકોની પેશન બની ગઈ છે. એક બેગપેકમાં જરૂરી સામાન લઈને પ્રમાણમાં ઘણો જ ઓછો ખર્ચો કરીને લોકો એકલા પંડે દુનિયા ખેડી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ એકલા ફરવાના અનેક ફાયદાઓ છે.
ભારતીય રેલવે એટલી બધી ઇન-ડિમાન્ડ હોય છે કે આપણે ધારીએ એ સમયની ટ્રેનની ટિકિટ અતિશય દુર્લભ હોય છે. એકલા જવું હોય તો આ પ્રશ્ન લગભગ રહેતો જ નથી. RAC કે તત્કાલ એકલા વ્યક્તિને ટિકિટ મળી જ રહે છે.
રહેવા માટે પણ મોંઘીદાટ હોટેલની જરુર નથી. કોઈ પણ હોસ્ટેલમાં 500 રૂ આસપાસ તો ઘણી જ સારી વ્યવસ્થા ધરાવતા શેર્ડ રૂમ્સ મળી જતાં હોય છે.
બીજા કોઈનું સમયપત્રક સાચવવાની કે તેની રાહ જોવાની જરુર નથી. તમારા સમયે તૈયાર થઈને નીકળી પડો.
સોલો ટ્રીપના આવા તો કેટલાય ફાયદાઓ છે. આ યાદીમાં મારા મત અનુસાર સૌથી મહત્વનો લાભ છે અનુભવોનું ભાથું. અને જો વિશ્વનાં બધા જ કામોમાં સ્ત્રીઓ સમોવડી હોય તો આમાં શું કામ બાકાત રહે
ભારતમાં હજારો ફિમેલ સોલો ટ્રાવેલર્સ છે જેમાંની અમુક તો ઘણી પ્રસિધ્ધ પણ છે. ચાલો, આપણે આવી લોકપ્રિય ફિમેલ સોલો ટ્રાવેલર્સને ઓળખીએ.
1. Prakrtiti Varshney
દિલ્હી નિવાસી પ્રકૃતિ આમ તો ફેશન તેમજ ગ્રાફિક ડિઝાઇનર છે પણ તેમને ફરવાનો ખૂબ શોખ છે. અરે! તેમણે પોતાના બ્લોગનું સબટાઈટલ પણ ‘It is in the name’ રાખ્યું છે કેમકે પ્રકૃતિ નામ જ કુદરતનું સમાનાર્થી છે. પ્રકૃતિએ કેરળ, લેહ-લદ્દાખ, નોર્થ-ઈસ્ટ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, વારાણસી વગેરે જેવા અનેક ભારતીય સ્થળો તેમજ ભુતાન, થાઈલેન્ડ, વિએટનામ, વગેરે જેવા આંતરરાષ્ટ્રીય સ્થળોએ સોલો ટ્રીપ કરી છે. બ્લોગ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ કે તેમની યુટ્યુબ ચેનલમાં પણ તેઓ પોતાના વ્યૂઅર્સ સાથે પ્રવાસના અનુભવો શેર સાથે કરે છે.
2. Stuti Gupta
હિમાચલ, લદ્દાખ, કેરળ, ગોવા, કોડાઈકેનાલ, સિંગાપોર, વગેરે જેવા સ્થળોના પ્રવાસ વિષે સ્તુતિ ગુપ્તાએ Tripoto પર ઘણા જ રસપ્રદ લેખ લખ્યા છે. તેમને પણ કુદરતનું સાનિધ્ય ખૂબ પસંદ આવે છે. માત્ર કુદરત જ નહિ, જે તે જગ્યાની વિશેષતાઓ અને ત્યાંનાં સ્થાનિકો વિષે જાણવું-માણવું પણ ગમે છે.
3. Kamakshi Pal
ફિમેલ સોલો ટ્રાવેલર્સમાં કામાક્ષી પાલ પણ ઘણું આગળ પડતું નામ છે. કામાક્ષી નેટ જીઓમાં પણ ફીચર થઈ ચૂક્યા છે. તેણી કુદરતને માત્ર ચાહે છે એટલું જ નહિ, પણ કઈ કુદરતી વસ્તુથી કેવી રીતે ફાયદાકારક છે તેનું પણ વર્ણન કરે છે. સોલો ટ્રાવેલ થકી વિવિધ જગ્યાએથી તેણી આવી નૈસર્ગિક વસ્તુઓ વિષે જાણે છે અને પોતાની કંપનીમાં તે વિષે માહિતી આપે છે. ‘Gold in Earth’ નામની કંપનીની કામાક્ષી કો-ફાઉન્ડર છે.
4. Ankita Kumar
અંકિતા કુમાર એક એવી ફિમેલ સોલો ટ્રાવેલર છે જેણે પોતાને એક અનોખું ઉપનામ આપ્યું છે: ‘ટ્રાવેલ મંકી’. આ ક્યૂટ નિકનેમ પરથી જ તેનો પ્રવાસ પ્રેમ જાણી શકાય છે. પ્રવાસ દરમિયાન તેમને નીતનવી વાનગીઓ ટ્રાય કરવાનો તેમજ નવી જગ્યાઓ ખેડવાનો ખૂબ શોખ છે. તેમણે શાહમૃગ પર સવારી કરી છે, દરિયામાં સ્વિમિંગ કર્યું છે, શાહુડીનું માંસ ખાધું છે, કોમોડો ડ્રેગન વચ્ચે ફરી છે અને તોફાન વચ્ચે જહાજમાંથી ડાઈવ પણ મારી છે! આને કહેવાય ખરા અર્થમાં જિપ્સી ટ્રાવેલર!
5. Shivya Nath
ફીચર્ડ ઇન: ધ વોશિંગ્ટન પોસ્ટ, બીબીસી ટ્રાવેલ, ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, નેટ જીઓ ટ્રાવેલર્સ ઈન્ડિયા, TedX, ધ હફીન્ગટન પોસ્ટ, એનડીટીવી, રિસ્પોન્સીબલ ટ્રાવેલર. આવી જોરદાર સોલો વૂમન ટ્રાવેલર છે શિવ્યા નાથ જેણે 2011 માં 23 વર્ષની ઉંમરે દુનિયા ફરવાના પેશનને અનુસરવા પોતાની કોર્પોરેટ જોબ છોડી દીધી. અને પછી પુષ્કળ જગ્યાઓ ફરી, જાણી-અજાણી બધી જ. 2019 માં તેણીએ થાઈલેન્ડથી ભારત વાયા મ્યાનમાર સોલો ટ્રાવેલ કર્યું હતું. આ સિવાય પણ વિશ્વની કેટલીય જગ્યાએ થયેલા ઢગલોબંધ અનુભવો તેણી પોતાના બ્લોગ તેમજ ઇન્સ્ટાગ્રામમાં શેર કરે છે.
શું તમે પણ સોલો વૂમન ટ્રાવેલ છો? તમારા અનુભવ Tripotoને જણાવો!
.