
ગુજરાતમાં તમને દેશનો સૌથી મોટો મેઝ ગાર્ડન જોવા મળશે. નર્મદાનાં કેવડિયાના એકતાનગર ખાતે 2100 મીટરનો પાથવે ધરાવતા મેઝ ગાર્ડનને માત્ર 8 જ મહિનામાં બનાવવામાં આવ્યો છે. કેવડિયા ખાતે મેઝ ગાર્ડન ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
એમ પણ માનવામાં આવી રહ્યું છે કે શ્રીયંત્ર એટલે કે વાતાવરણમાં પોઝિટિવ એનર્જી (હકારાત્મક ઊર્જા) લઇને આવે છે. ભુલભુલૈયા બનાવવા માટે અંદાજિત 1 લાખ 80 હજારથી વધુ છોડ રોપવામાં આવ્યા છે. આ છોડમાં મુરૈયા એક્સોટિકા, ગ્લોરી બોવર, મધુકામિની અને મહેંદી સહિતના છોડનો સમાવેશ થાય છે.

વેલી ઓફ ફ્લાવર્સને અડીને આ પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે. એકતાનગર ખાતે બનાવવામાં આવેલ મેઝ ગાર્ડન મૂળ પથ્થરોની ડમ્પિંગ સાઇટ હતી. જે મેઝ ગાર્ડન બનાવ્યા બાદ લીલોછમ પ્રદેશ બની ગયો છે. નિર્જન બનેલા વિસ્તારનું પુનઃ રૂત્થાન કરવામાં આવતા તેની સુંદરતામાં વધારો થયો છે.
જેને પગલે એક વાયબ્રન્ટ ઇકોસિસ્ટમ બની છે. જે અવનવા પતંગિયા, પક્ષીઑ માટે એક આકર્ષણ સમાન છે. તો આ સાઇટ તમામ જૂથના લોકોને આકર્ષે છે. જેમાં વયસ્કો અને ખાસ કરીને નાના બાળકોનો સમાવેશ થાય છે. બાળકોને આ ભુલભૂલૈયામાં ખોવાઇ જવાની પણ મજા આવે છે.

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ 31 ઓકટોબર 2022ના રોજ મેઝ ગાર્ડનની મુલાકાત લીધી હતી. મેઝ ગાર્ડનમાં ગૂંચવણભર્યા એટલે કે ભૂલભુલૈયા ભરેલા જટિલ રસ્તાઑ બનાવવામાં આવ્યા છે. ગૂંચવણભર્યા રસ્તાઑ મુલાકાતીઓ માટે પડકારરૂપ બને છે. તેમજ તેમનામાં ડર દૂર થાય છે અને એક પ્રકારનું સાહસનું નિર્માણ થાય છે.
પ્રવાસીઓને આવવા-જવામાં પરેશાની ન થાય તે માટે પાર્કિંગ, રિફ્રેશમેન્ટ અને શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. ભૂલભુલૈયા ગાર્ડનમાં ઊભા કરવામાં આવેલ વોચ ટાવર પર ઊભા રહીને આખા ગાર્ડનનું રમણીય દ્રશ્ય જોઈ શકાય છે.

કેટલી છે ટિકિટ પ્રાઇસ
મેઝ ગાર્ડનની એન્ટ્રી ફી પુખ્ત વયના લોકો માટે એટલે કે એડલ્ટ માટે 100 રૂપિયા જ્યારે બાળકો માટે 50 રૂપિયા છે.
મિયાવાકી ફોરેસ્ટ

કેવડિયામાં SSNNL સર્કિટ હાઉસ ટેકરીની બાજુમાં એકતા નગર ખાતે એકતા મોલની નજીક 2 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે. આ જંગલમા નેટિવ ફ્લોરલ ગાર્ડન, ટિંબર ગાર્ડન, ફ્રુટ ગાર્ડન, મેડિસિનલ ગાર્ડન, મિશ્ર પ્રજાતિઓનું મિયાવાકી સેક્શન અને ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટરનો સમાવેશ થાય છે. મિયાવાકી એ જાપાનીઝ બોટાનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેક્નીક છે, જે ટુંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે 30 ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા એક જંગલ ઊભું કરવામાં 20થી 30 વર્ષનો સમય લાગે છે.

કેટલી છે ટિકિટ પ્રાઇસ
મિયાવાકી ફોરેસ્ટની ટિકિટ પ્રાઇસ એડલ્ટ માટે 50 રૂપિયા જ્યારે બાળકો માટે 30 રૂપિયા છે.


કેવડિયામાં જોવાલાયક સ્થળો
- સ્ટેચ્યૂ ઓફ યૂનિટીઃ ગુજરાતમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટર દૂર આવેલી 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. લગભગ 5000 મેટ્રિક ટન લોખંડ, 3000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ અને 33 મહિનાના ટૂંકાગાળામાં આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. સાધુ બેટ પર બનાવેલી એન્જિનિયરિંગ માર્વેલ જેવી આ પ્રતિમા તેના લોકાર્પણ પછી સતત પ્રવાસીઓને આકર્ષી રહી છે.

– વિશ્વ વન: અહીં તમામ સાત ખંડની ઔષધિ વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે, જે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જંગલનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે મુલાકાતીને જે-તે ઝોનના કુદરતી જંગલની જ અનુભૂતિ થાય છે.
– એકતા નર્સરી: આ નર્સરીના પ્રારંભ પાછળ નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ મુલાકાતીઓ અહીંથી પાછા જાય ત્યારે તેઓ આ નર્સરીમાંથી ‘પ્લાન્ટ ઓફ યુનિટી’નામે એક રોપો લઈ જાય. પ્રારંભિક તબક્કે એક લાખ છોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી ૩૦ હજાર રોપા વેચવા માટે તૈયાર છે.

– બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓ કુદરતની સુંદર અને રંગબેરંગી રચનાને જોઈ શકે, માણી શકે, એ માટે ખૂબ જ વિચારપૂર્વક આ બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ કરાયું છે. 6 એકરમાં ફેલાયેલા આ વિશાળ ઉદ્યાનમાં 45 જાતિના છોડ અને 38 પ્રજાતિનાં પતંગિયાં જોવા મળે છે.
– એકતા ઓડિટોરિયમ: એકતા ઑડિટોરિયમ નામના 1700 ચોરસમીટરનો બિલ્ટ-અપ એરિયા ધરાવતો એક કમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે. અહીં ઑડિટોરિયમમાં સંગીત, નૃત્ય, નાટક, કાર્યશાળા, ફૂડ અને આર્ટ અને સાહિત્ય ઉત્સવ જેવા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે, જ્યાં 700 વ્યક્તિની બેસવાની ક્ષમતા હશે.
– રિવર રાફ્ટિંગ: રિવર રાફ્ટિંગ એક એડવેન્ચર ગેમ છે. અહીં સાહસિક રમતવીરોને આવો અનન્ય અનુભવ કરવાની એક ઊજળી તક આપશે.
– કેક્ટસ ગાર્ડન: આ ગાર્ડનમાં થોરની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે. થોર આકર્ષક અને અલગ અલગ આકાર અને કદમાં ઊગતો છોડ છે. થોર મૂળ અમેરિકાની વનસ્પતિ છે, જ્યારે એ પેટાગોનિયા, કેનેડાના ઉત્તર અને દક્ષિણ ભાગમાં પણ જોવા મળે છે.

– ભારત વન: અહીં 10 હેક્ટર જેટલા વિસ્તારમાં 5 લાખથી વધારે ફૂલોની પ્રજાતિઓ જોવા મળે છે, સાથે જ હરિયાળીની છાંટ ધરાવતાં વૃક્ષો ભારત વનની શોભા વધારે છે.
– ફેરી સર્વિસીઝ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની 7 KMની ફેરી સર્વિસીઝ આ સ્મારક સુધી પહોંચવાની મુસાફરી સરળ, સુગમ અને માણવાલાયક બનાવે છે. બંને કિનારે બોટ્સના સંચાલન માટે જેટ્ટીનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો