કહેવાય છે કે મુકામ કરતાં વધુ મજા મુસાફરીમાં છે, અને આ વાત સંપૂર્ણપણે સાચી છે. ભારતની અન્ય તમામ બાબતોની જેમ રસ્તાઓ પણ ખૂબ વિવિધતા ધરાવે છે. કુદરતનું સાનિધ્ય માણવા અને રોમાંચનો અનુભવ કરવા માટે રોડટ્રીપ શ્રેષ્ઠ છે. જો તમને સડકમાર્ગે લાંબા પ્રવાસો કરવા ગમતા હોય તો આ યાદી તમારા માટે છે.
1. મનાલી-લેહ
આ રોડટ્રીપ વિષે તો કોણ નથી જાણતું? સૌથી લોકપ્રિય અને સૌથી રોમાંચક રોડટ્રીપ એટલે મનાલી-લેહ રોડટ્રીપ. બર્ફીલા પહાડો વચ્ચે બનેલા શાનદાર NH3 પર બાઇક, કર કે બસમાં પસાર થવું એ દરેક પ્રવાસપ્રેમીનું સપનું છે.
રુટ: મનાલી – રોહતાંગ – ગ્રામફૂ – ખોકસર – સિસ્સુ – તાંડી – કિલોંગ – જીસ્પા – દારચા – સરયૂ – ઉપશી – સરચૂ – કારું – શે – લેહ
અંતર: 479 કિમી
2. મૈસૂર- વાલપરાઈ
મૈસૂરથી ઊટી જવું એ તો બહુ જ સામાન્ય રસ્તો છે પણ ઘણા લોકો મૈસૂરના ચામુંડા મંદિરથી આગળ નીકળીને મૈસૂરની બહાર નીકળી જતાં હોય છે. બાંદીપુર અને મુદુમલાઈ થઈને વાલપરાઈ જતો રસ્તો પુષ્કળ હરિયાળીથી મઢેલો છે. નિલગીરીના વૃક્ષોથી વચ્ચેથી પસાર થઈને ચાના બગીચા વચ્ચે પહોંચવાનો રોમાંચ જ કઈક અનેરો છે.
રૂટ: મૈસૂર- બાંદીપુર- ઊટી- કોયમ્બતુર- વાલપરાઈ
અંતર: 345 કિમી
3. મુંબઈ-ગોવા
દિલ ચાહતા હૈ ફિલ્મમાં જે મુંબઈ-ગોવા રોડટ્રીપ બતાવવામાં આવી છે તે જ રસ્તે તમે પણ દરિયાકિનારે મનમોહક નજારો માણતા રોડટ્રીપની મજા માણી શકો છો. પશ્ચિમ ઘાટ પર થતી આ એક યાદગાર રોડટ્રીપ છે જેને ‘ધ ફાધર ઓફ ઇન્ડિયન રોડટ્રીપ’ પણ કહેવાય છે.
રૂટ: મુંબઈ- પનવેલ- પેન- કોલાડ- ખેડ- ચિપલૂન- પાલી- સાવંતગાડી- ગોવા
અંતર: 577 કિમી
4. જયપુરથી જેસલમેર
જો તમને ઓફબીટ રૂટનો પ્રવાસ કરવો ગમે તો આ રોડટ્રીપ તમારા માટે છે. અહીં રાજસ્થાનના દરેક અનોખા રંગ જોવા મળે છે અને વળી રણપ્રદેશમાંથી પસાર થતી હોવાથી આ એક યુનિક રોડટ્રીપ છે. રાતવાસો કરવા માટે આ રૂટ પર અનેક કેમ્પ તેમજ જૂની હવેલીઓ આવેલી છે. આ રૂટ પર રોડટ્રીપ એ સાવ અનોખો જ અનુભવ બની રહે છે.
રૂટ: જયપુર- ઝૂઝનું- બિકાનેર- ફલોદી- જેસલમેર
અંતર: 570 કિમી
5. શિમલા- સ્પિતી ઘાટી
દરેક પ્રવાસપ્રેમીનું મનપસંદ રાજ્ય એટલે હિમાચલ પ્રદેશ. ટ્રેકિંગ, સોલો ટ્રીપ કે હનીમૂન- હિમાચલમાં દરેક પ્રકારના પ્રવાસીઓ આવે છે. આમાં જો તમને આહલાદક રસ્તાઓ પર રોડટ્રીપ કરવા મળે તો? શિમલા-સ્પિતી આવી જ એક રોડટ્રીપ છે. બર્ફીલા પહાડોના મનોરમ્ય નજારા કાયમ માટે તમારી સ્મૃતિમાં વસી જશે.
રૂટ: શિમલા- નારકંડા- સરાહન- ચિતકુલ- કલ્પા- નાકો/ તાબો- કાજા
અંતર: 450 કિમી
6. ગુવાહાટી- ખાસી- હિલ- ચેરાપુંજી
નેશનલ હાઇવે 6 પરથી પસાર થતી આ રોડટ્રીપ અન્ય રોડટ્રીપની સરખામણીએ થોડી મુશ્કેલ સાબિત થઈ શકે છે કારણકે આ ઘણો જ સ્લીપરી રસ્તો છે. અલબત્ત, પ્રકૃતિના ખોળામાં બનેલા આ રસ્તાઓ પરની યાત્રા તમારું મન ખુશ કરી દેશે. આ રૂટ જેટલો યુનિક છે, એટલો જ મજેદાર પણ છે.
રૂટ: ગુવાહાટી- નોંગપોહ- સુઆલકોચી- ઓરંગ- ભાલુકપોંગ- સોનાપુપ- માવલાઈ- માવિયોંગ- શિલોંગ- ચેરાપુંજી
અંતર: 140 કિમી
7. દિલ્હી- આગ્રા- રણથંભોર: યમુના એક્સપ્રેસ હાઇવે અને ગંગાપુર હાઇવે
યમુના એક્સપ્રેસ હાઇવે અને ગંગાપુર હાઇવે પરની સફર યાદગાર રોડટ્રીપ છે. વળી, તે દેશના સારામાં સારા રસ્તાઓમાંનો એક રસ્તો છે. ગ્રામ્ય જીવન અને બંજર જમીનની ઝલક દર્શાવતો આ રસ્તો તમારી મનપસંદ રોડટ્રીપ બની રહેશે તેમ કહી શકાય.
રૂટ: દિલ્હી- આગ્રા- ફતેહપુર- દારૂહેડા- અલવર- દૌસા- રણથંભોર
અંતર: 700 કિમી
8. સિલિગુડી-યુકસોમ
યુકસોમનો રસ્તો ઘણો ખરાબ હોવાને કારણે પ્રવાસીઓમાં આ થોડી ઓછી પ્રિય રોડટ્રીપ છે. પણ ખાડાવાળા રસ્તાઓ આસપાસ જોવા મળતા કુદરતી સૌંદર્યથી ભરપૂર નજારા નિશ્ચિતરૂપે કોઈ પણનું મન મોહી લેવા સમર્થ છે. રસ્તામાં આહલાદક નજારાઓ સાથોસાથ કાંચનજંઘા જેવા મહત્વના શિખરો જોવા મળે તેવી પણ સંભાવના છે.
રૂટ: સિલિગુડી- કુરસિયાંગ- સેલીમ હિલ ટી એસ્ટેટ- દાર્જીલિંગ- પેલીંગ- યુકસોમ
અંતર: 143 કિમી
9. ચેન્નાઈ-મુન્નાર- કન્યાકુમારી રોડ
દક્ષિણ ભારતનાં મહાનગર ચેન્નાઈથી ચાના બગીચાઓનું ઠેકાણું એવી કેરળની સૌથી ખૂબસુરત જગ્યા એવા મુન્નારની રોડટ્રીપ ખૂબ રળિયામણી જ હોવાની! તમિલનાડુ અને કેરળના અનેક નાના-મોટા ગામોમાંથી પસાર થવાની પણ અહીં એક અનોખી તક મળે છે.
રૂટ: ચેન્નાઈ- વિલુપ્પુરમ- ત્રિચી- ડિંડિગુલ- પલાની- ઉદુમલાઈ- મુન્નાર
અંતર: 620 કિમી
10. કોલકાતા-પુરી
કોલકાતાથી પુરી જતો આ હાઇવે અનેક ખૂબસુરત દ્રશ્યો અને શાનદાર રસ્તો ધરાવે છે. પૂરી પહોંચતા પહેલા આવતું કોણાર્ક મંદિર તમને નિશ્ચિત રૂપે મંત્રમુગ્ધ કરી દેશે. નેશનલ હાઇવે 16 પર આ સફર દરમિયાન દરેક થોડા અંતરે તમને કઈક નવો જ નજારો જોવા મળશે.
રૂટ: કોલકાતા- ખડગપુર- કસ્બા નારાયણગઢ- બાલાસોર- ભદ્રક- કટક- ભુવનેશ્વર- પુરી
અંતર: 580 કિમી
.