છેલ્લા ઘણા સમયથી આપણે સૌએ નોંધ્યું જ હશે કે સોશિયલ મીડિયા પર પુષ્કળ માત્રામાં #travel #wanderlust જેવા હેશટેગ્સના ઉપયોગ સાથે લોકોની ક્યાંકને ક્યાંક પ્રવાસ સંલગ્ન પોસ્ટ્સ જોવા મળી રહી છે. એક સર્વે અનુસાર વર્ષ 2006માં વિદેશ ફરનાર ભારતીયોની સંખ્યા 8.3 મિલિયન હતી જે વર્ષ 2019 માં 27 મિલિયનને પાર કરી ગઈ હતી. જોકે 2020માં અને ત્યારબાદના વર્ષમાં કોરોના મહામારીના કારણે લોકો પ્રવાસ કરી શક્યા નથી. જોકે હવે બધું સામાન્ય થતું જોવા મળી રહ્યું છે.
અલબત્ત આ પાછળ ઘણા કારણો જવાબદાર છે જેવા કે સસ્તી ટિકીટ્સ, ઈન્ટરનેટ પર મળી રહેતી પૂરતી માહિતી, વિદેશ ભણતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો વગેરે..
વળી, આ કારણોને લીધે પણ ભારતીય યુવાનો બને છે વિશ્વના શ્રેષ્ઠ ટ્રાવેલર્સ!
વિવિધતામાં એકતા:
ભારતના લોકોએ તેમની આસપાસ જેટલી વિવિધતા જોઈ હશે એટલી દુનિયામાં ભાગ્યે જ અન્યોએ જોઈ હશે. 2000 કરતાં વધુ જાતિઓ અને 1600 કરતાં વધુ ભાષાઓ આ વિવિધતામાં એકતાનો પાયો છે. વળી, આપણા આ વિશાળ દેશમાં સંસ્કૃતિ, પરંપરા, ખાણીપીણી, આબોહવા, પોશાક વગેરે તમામ વસ્તુઓમાં અઢળક વૈવિધ્ય રહેલું છે. એટલે આપણા યુવાનો અન્ય પ્રકારના લોકો સાથે બહુ આસાનીથી મળી જાય છે.
અન્નનો સ્વીકાર:
ભારતમાં ખોરાકની પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. ભારતીય યુવાનો તીખું, ગળ્યું, સૂકું, તળેલું, પૌષ્ટિક કે જંક તમામ પ્રકારનું ફૂડ સાવ સહજતાથી સ્વીકારી શકે છે. વળી, ભારતીય ભોજનની અનેક વાનગીઓ વિદેશમાં પણ બહુ પ્રેમથી ખાવામાં આવે છે. એટલે ગમે તે જગ્યાએ ભારતીયોને ખાવા-પીવાની ખાસ સમસ્યા રહેતી નથી.
પબ્લિક ટ્રાન્સપોર્ટ:
આપણે લોકોએ લકઝરી સવલતો ધરાવતી વોલ્વો બસ, ફર્સ્ટ ક્લાસ ટ્રેન કે આલીશાન વિમાન પણ જોયા છે અને પગપાળા કે સાઇકલ પર મજૂરી કરવા જતાં લોકોને પણ. પરિવહનનું કોઈ પણ સાધન આપણા માટે તુચ્છ નથી. પરિણામે દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ સંકોચ વગર આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હરિફરી લઈએ છીએ.
આપણી સંસ્કૃતિનું વૈશ્વિક આકર્ષણ:
મેં અનેક દેશોમાં પ્રવાસ કર્યો છે અને હજારો લોકો સાથે વાર્તાલાપ પણ કર્યો છે. દુનિયામાં હું એક પણ વ્યક્તિને નથી મળ્યો જેને ભારત વિષે કોઈ માહિતી ન હોય. હરેક પ્રવાસી કહે છે કે તેમને ભારત જોવાની અદમ્ય ઇચ્છા છે. આપણા દેશનું આખા વિશ્વમાં અનહદ આકર્ષણ છે.
વિશ્વમાં એક્સપ્લોર કરવાનો શોખ:
પહેલાના સમયમાં વિદેશ પ્રવાસ કરવો તેને એક લકઝરી માનવામાં આવતું હતું. પણ હવેના યુવાનો વાજબી ભાવે પણ નવી નવી જગ્યાઓ ખેડવાનું સાહસ અને શોખ ધરાવે છે. મુખ્ય શહેરોમાં ફરીને લકઝરી હોટેલમાં રહેવા કરતાં જાણીતી-અજાણી જગ્યાઓ ફરવામાં માને છે.
વસુધૈવ કુટુંબકમ
આપણા શાસ્ત્રોમાં વસુધૈવ કુટુંબકમ એટલે કે વિશ્વ એક કુટુંબ છે એવી ગહન વાત કરવામાં આવી છે અને આપણા પ્રધાનમંત્રી મોદી વૈશ્વિક કક્ષાએ આ અદભૂત ફિલોસોફીની વાત પણ કરે છે. ભારતના યુવાનો નાનપણથી જ આ ભાવ સાથે જીવતા હોય છે અને એટલે જ આપણે સૌ છીએ વિશ્વના શ્રેષ્ઠ ગ્લોબલ ટ્રાવેલર્સ!
.