એક વાર સપ્તાહના વચ્ચેના દિવસોમાં હું કામ કરતાં કરતાં થાકીને કંટાળી ગયો હતો અને ઇન્સ્ટાગ્રામ પર મારા મિત્રો તેમજ અન્ય લોકોનાં ફોટોગ્રાફ્સ જોઈ રહ્યો હતો. કોઈ હિમાલયના પહાડોમાં જઈને બરફના માણસ બનાવી રહ્યું હતું તો કોઈ શ્રીલંકામાં હાથી સાથે રમી રહ્યું હતું. એવામાં મારી નજર મારી એક ફ્રેન્ડના અકાઉન્ટ પર પડી જે છેલ્લા 10 દિવસથી તેના પ્રવાસના ફોટોઝ મૂકી રહી હતી.
મને ખૂબ નવાઈ લાગી કે આવું કેમ શક્ય બનતું હશે? આટલી બધી રજાઓ કેવી રીતે મળતી હશે અને આટલા પૈસા ક્યાંથી આવતા હશે. મેં ગૂગલ પર આ વિષે જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે આમાંના 22% લોકો ખોટું બોલી રહ્યા છે.
હું જાણું છું કે મોટા ભાગના લોકોને મારી આ વાત સાચી નહિ લાગે પણ હું દાવો કરી શકું છું કે ક્યારેકને ક્યારેક તમે પણ જાણે-અજાણે ફરવા જવાનો ઢોંગ કર્યો જ હશે. હું સમજાવું. જો તમે વીકએન્ડમાં તમારી આસપાસના કોઈ સ્થળે ફરવા ગયા હોવ અને તેના 15 દિવસ સુધી સોશિયલ મીડિયામાં તેના ફોટોઝ મુખ્ય કરો તો તમે 15 દિવસ સુધી ફરવાનો ઢોંગ કરી રહ્યા છો. જો તમે આખા અઠવાડિયામાં ગુરુવારની એટલા માટે રાહ જોઈ રહ્યા હોવ કે એક વર્ષ પહેલા કરેલી ટ્રીપના ફોટોઝ તમે throwback Thursdayના નામે મૂકી શકો, તો પછી તમે ઢોંગ કરી રહ્યા છો. જો તમે ગયા વખતના પ્રવાસના ફોટોઝ હવે મૂકીને એવું દેખાડી રહ્યા હોવ કે તમે અત્યારે ફરવા ગયા છો, તો તમે ઢોંગ કરી રહ્યા છો. હું જાણું છું કે આ વાંચીને તમે પણ પોતાની જાતને આ 22% લોકોની યાદીમાં મૂકી શકો છો.
શું આ વધુ પડતું નથી?
આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ જેમાં હરવા-ફરવાને ‘cool’ માનવામાં આવે છે અને તે વાત વાજબી પણ છે. પ્રવાસ થકી તમે નવી જગ્યા જોવો છો, નવા લોકોને મળો છો, નવી સંસ્કૃતિને જાણો છો. આ બધાથી માણસને એક જુદો જ અનુભવ મળે છે. જો તમે પોતાની જાત વિષે કે કોઈ નવી જગ્યા વિષે ઊંડાણપૂર્વક જાણવા ઇચ્છતા હોવ તો પ્રવાસ શ્રેષ્ઠ પધ્ધતિ છે. પણ આજકાલ ફરવાના નામે આપણે અમસ્તા જ કોઈ ફાલતુ જુના ફોટોઝ સોશિયલ મીડિયામાં મૂકીને દેખાડો કર્યા કરીએ છીએ. હકીકતે તો પલંગમાં પડ્યા નેટફલિકસ જોઈ રહ્યા હોય..
નવા અનુભવ માટે મન ભરીને કોઈ જગ્યાને માણો, કેમેરાની ગેલેરી ભરીને કે લોકોને બતાવીને નહિ. ફરીને પાછા આવી ગયા બાદ કેટલાય દિવસો સુધી ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી કે પોસ્ટ્સ મૂકવી બહુ જ સામાન્ય છે પણ હજુયે ફરવાનું નાટક કરવું એ યોગ્ય નથી. જો દરેક વ્યક્તિ પોતાની સોશિયલ મીડિયા એક્ટિવિટી સંદર્ભે પ્રામાણિક બને તો આપણામાંથી કેટલાય લોકો અનાવશ્યક ચિંતાઓ જેને આજકાલ ‘FOMO’ (fear of missing out) કહેવાય છે તેનાથી બચી શકે.
તો ચાલો, સોશિયલ મીડિયા પર પ્રામાણિક બનીએ. કારણકે તે માહિતીની આપ-લે કરવાનું માધ્યમ છે, ખોટા દેખાવ કરવાનું નહિ.
.